બ્લૅક મન્ડે : શૅરબજારમાં રોકાણકારોના 19 લાખ કરોડ રૂપિયા ધોવાયા, હવે શું થશે?

શૅરબજાર, સેન્સેક્સ, નિફ્ટી, ટેરિફ, ટ્રમ્પ, નરેન્દ્ર મોદી, અમેરિકા, એશિયા, રોકાણકાર, સ્ટોક, શૅર, દલાલ, પૈસા, રૂપિયા, ટૅક્સ, બીબીસી ગુજરાતી, ગુજરાત, ગુજરાતી સમાચાર, શૅરબજારના સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પના ટેરિફની અસર ભારતીય શૅરબજારો પર પડી હતી, આજે શૅરબજારોમાં કડાકાને કારણે રોકાણકારોએ અબજો રૂપિયા ગુમાવ્યા છે.
    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

સોમવારે ભારત સહિતનાં લગભગ તમામ શૅરબજારોમાં ભયંકર કડાકો બોલી ગયો છે. બે એપ્રિલના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત દુનિયાના દેશોથી અમેરિકા આવતી ચીજવસ્તુઓ પર ટેરિફની ઘોષણા કરી હતી. આ ઘોષણાની અસર દુનિયાભરનાં શૅરબજારો પર પડી છે. આજે તો ટેરિફની મારથી ભારત સહિતનાં શૅરબજારો ધડામ કરીને પડ્યાં છે.

આ જાહેરાત બાદ રોકાણકારોને દર મિનિટે લાખો કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે અને આવું ક્યાં સુધી ચાલશે તે નક્કી નથી.

કેટલાક નિષ્ણાતો આ અભૂતપૂર્વ અનિશ્ચિતતાના માહોલ વચ્ચે હવે મંદીની અટકળો વ્યક્ત કરી રહ્યા છે.

યુએસ માર્કેટમાં પાંચથી છ ટકાના કડાકા પછી આજે ભારત સહિત તમામ એશિયન શૅરબજારોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.

ભારત માટે આજે બ્લૅક મન્ડેનો દિવસ છે જેમાં 30 શૅરનો બીએસઈ સેન્સેક્સ અને 50 શૅરનો એનએસઈ નિફ્ટી ચાર ટકા કરતા વધારે ગગડ્યો હતો. જેથી રોકાણકારોના 19 લાખ કરોડ રૂપિયા ધોવાઈ ગયા હતા.

બજારની અનિશ્ચિતતાનો માપદંડ ગણાતો ઇન્ડિયા વીઆઈઍક્સ વધીને 53 ટકા થયો છે. તેનો અર્થ એવો થયો કે આગામી 30 દિવસ સુધી બજારમાં અસ્થિરતા વધશે એવું રોકાણકારો માને છે.

શૅરબજારમાં કડાકાને કારણે 2008ની કટોકટી યાદ આવી

બીબીસી ગુજરાતી શેરબજાર ભારત ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર સેન્સેક્સ નિફ્ટી રોકાણકાર અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, શૅરબજારમાં ઘટાડા પર ઍરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પ નજરે પડે છે

2008માં સબપ્રાઇમ કટોકટી વખતે શૅરબજારમાં કડાકો આવ્યો હતો ત્યાર પછી અત્યારે સૌથી મોટો કડાકો જોવા મળ્યો છે.

બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે એશિયન શૅરબજારોમાં છેલ્લાં 16 વર્ષમાં આ સૌથી મોટો કડાકો નોંધાયો છે.

આ દરમિયાન ટેરિફ-વૉર શરૂ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ નમતું જોખવાના મૂડમાં નથી. તેમણે કહ્યું છે કે "બીમારીનો ઇલાજ કરવા માટે કડવી દવા આપવી જરૂરી હતી."

ટ્રમ્પના આ નિવેદન પછી બજાર ઝડપથી ઘટ્યું હતું.

દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાગુ કર્યા તેના કારણે ભારતીય કંપનીઓને વધુ ફટકો પડ્યો છે.

યુકે સ્થિત જેગુઆર લૅન્ડ રોવર (જેએલઆર)એ એપ્રિલ મહિનામાં અમેરિકામાં કારની નિકાસ ન કરવાનો નિર્ણય લીધો છે. તેના કારણે જેએલઆરની પૅરન્ટ કંપની તાતા મૉટર્સના શૅરમાં આજે એક તબક્કે 10 ટકાનો ઘટાડો થયો હતો. ટ્રમ્પે વિદેશી વાહનો પર 25 ટકા ટેરિફ નાખ્યો તેની આ અસર ગણાય છે.

અમેરિકામાં મંદી આવશે તેવી આગાહીના કારણે તમામ બ્લૂ ચિપ કંપનીઓના શૅરોને ફટકો પડ્યો છે.

ભારતની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો શૅર આજે સાત ટકાથી વધારે ઘટીને 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યો હતો અને બજાર ખુલતાંની સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની માર્કેટ કૅપિટલમાં 2.26 લાખ કરોડનું ધોવાણ થયું હતું.

શૅરબજાર કઈ દિશામાં જશે?

બીબીસી ગુજરાતી શેરબજાર ભારત ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર સેન્સેક્સ નિફ્ટી રોકાણકાર અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુકે સ્થિત જેગુઆર લૅન્ડ રોવર (જેએલઆર)એ એપ્રિલ મહિનામાં અમેરિકામાં કારની નિકાસ ન કરવાનો નિર્ણય લીધો છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અમદાવાદસ્થિત એક સ્ટૉક બ્રોકિંગ કંપનીના વડા ગુંજન ચોકસીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "અમેરિકાને મચ્છર કરડ્યું અને ભારતને ટાઇફૉઈડ થઈ જાય એવી સ્થિતિ છે, કારણકે આખી દુનિયા એકબીજા સાથે જોડાયેલી છે."

તેઓ કહે છે કે "અમેરિકાએ છેલ્લે 1930ના દાયકામાં આવા નિર્ણયો લીધા હતા અને તેમાંથી ગ્રેટ ડિપ્રેશન એટલે કે મહામંદી આવી હતી. તે સમયના કોઈ ફંડ મૅનેજર, માર્કેટ પ્લેયર અથવા ઇકૉનૉમિસ્ટ અત્યારે અસ્તિત્વમાં નથી કે જે ગાઈડ કરી શકે કે આવી સ્થિતિમાં શું કરવું."

ચોક્સી માને છે કે, "ટ્રમ્પનું ટેરિફ-વૉર હવે ચોથા તબક્કામાં પ્રવેશ્યું છે. સૌથી પહેલાં તેણે ચૂંટણી વખતે જ બધાને ટેરિફ વધારવાની ચેતવણી આપી હતી જે આ વૉરનો પ્રથમ તબક્કો હતો. ત્યાર પછી ચૂંટણી જીતીને ટ્રમ્પે કૉસ્ટ કટિંગ કરવાની અને બધું ઉત્પાદન અમેરિકા ખસેડવાની વાત કરી હતી."

"ત્રીજા તબક્કામાં તેણે ટેરિફ ઝીંક્યો અને ત્યાર પછી રેસિપ્રોકલ ટેરિફની ઘોષણા કરી જેની સામે ચીને પણ ટેરિફ નાખીને વળતો જવાબ આપ્યો છે. યુરોપિયન યુનિયન પણ આવું જ કરે તેવી શક્યતા છે. હવે પરિસ્થિતિ એવી છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ નમતું નહીં જોખે તો ચોથા તબક્કામાં બહુ જોખમી સ્થિતિ પેદા થવાની છે."

શૅરમાર્કેટની દિશાની આગાહી કરવી હવે બધા માટે મુશ્કેલ જણાય છે.

બીબીસી ગુજરાતી શેરબજાર ભારત ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર સેન્સેક્સ નિફ્ટી રોકાણકાર અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બજારની અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોએ અબજો રૂપિયાની ખોટ સહન કરવી પડી છે.

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ ડૉ. વી. કે. વિજયકુમારે એક નોટમાં જણાવ્યું કે "ભયંકર અનિશ્ચિતતાના કારણે ગ્લોબલ માર્કેટ ભારે ઉતારચઢાવમાંથી પસાર થઈ રહ્યું છે. ટ્રમ્પના ટેરિફના કારણે કેવા સંજોગો સર્જાશે તે કોઈ નથી જાણતું."

ગુંજન ચોક્સીના માનવા પ્રમાણે અમેરિકાનું દેવું એટલી હદે વધી ગયું હતું કે કોઈ પ્રેસિડન્ટે તો આ નિર્ણય લેવો જ પડે તેમ હતો. તેમણે કહ્યું કે, "યુએસએ 20 વર્ષથી કરન્સી છાપીને દેવું ચૂકવવામાં ડિફોલ્ટ ટાળતું રહ્યું છે પરંતુ હવે તેની મર્યાદા આવી ગઈ હતી. તેથી ટ્રમ્પ માટે આ નિર્ણય લેવો એ તેમની મજબૂરી હતી."

કોટક એએમસીના એમડી નિલેશ શાહે એક ખાનગી ટીવી ચૅનલ સાથે વાતચીતમાં કહ્યું હતું કે ભૂતકાળમાં પણ જ્યારે અમેરિકાએ ઊંચા ટેરિફ નાખ્યા છે ત્યારે તેના પછી મંદી આવી છે.

તેમણે 2008ની નાણાકીય કટોકટી અને કોવિડ વખતના ઘટાડા સાથે હાલની સ્થિતિ સરખાવીને કહ્યું હતું કે ભારતને તેની અસર નહીં થાય એવું માનવું ભૂલભરેલું રહેશે.

ઘરઆંગણે ટ્રમ્પનો વધતો વિરોધ, શું તેઓ નમતું જોખશે?

બીબીસી ગુજરાતી શેરબજાર ભારત ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર સેન્સેક્સ નિફ્ટી રોકાણકાર અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અબજોપતિ ફંડ મૅનેજર બિલ એકમૅન માને છે કે ટ્રમ્પે ટેરિફ-વૉર અટકાવી દેવું જોઈએ

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ-વૉરે એવો આંચકો આપ્યો છે કે ઘરઆંગણે તેનો વિરોધ વધવા લાગ્યો છે. અબજોપતિ ફંડ મૅનેજર બિલ એકમૅન એક સમયે ટ્રમ્પના પ્રખર હિમાયતી હતા, પરંતુ હવે તેમણે કહ્યું છે કે "ટ્રમ્પે ટેરિફ-વૉર અટકાવી દેવું જોઈએ કારણ કે તેઓ બિઝનેસ લીડર્સનો ભરોસો ગુમાવી રહ્યા છે."

એકમૅને ટ્વિટર પર લખ્યું કે "ટ્રમ્પે હવે અટકી જવાની જરૂર છે. આપણે દુનિયાના તમામ દેશો સામે ન્યુક્લિયર-વૉર શરૂ કરીશું તો બિઝનેસ રોકાણ થંભી જશે, લોકો ખર્ચ કરવાનું બંધ કરી દેશે અને આપણી પ્રતિષ્ઠા ખરડાશે."

શૅરબજારોને નડતાં અન્ય કારણો

બીબીસી ગુજરાતી શેરબજાર ભારત ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર સેન્સેક્સ નિફ્ટી રોકાણકાર અર્થતંત્ર

ઇમેજ સ્રોત, EPA-EFE/REX/Shutterstock

ટ્રમ્પ વહીવટીતંત્રે 180થી વધારે દેશો પર તગડો ટેરિફ નાખ્યો અને નિષ્ણાતો માને છે કે તેને કારણે બજારને ભારે નુકસાન થયું છે.

બ્રોકરેજ કંપનીઓ માને છે કે ભારતીય બજારને 2026ના પ્રથમ ક્વાર્ટરમાં વધુ ઘટાડાનો સામનો કરવો પડશે. બ્રોકરેજ કંપની એમ્કે ગ્લોબલના અંદાજ પ્રમાણે નિફ્ટી ઇન્ડેક્સ ઘટીને 21500 સુધી જઈ શકે જે હાલમાં 22,000ની આસપાસ છે.

ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપની જેપી મૉર્ગન પ્રમાણે અમેરિકામાં હવે મંદી આવવાની શક્યતા 40 ટકાથી વધીને 60 ટકા થઈ ગઈ છે.

દરમિયાન માર્ચ મહિનામાં ભારતીય બજારમાંથી ખરીદી કરનાર વિદેશી રોકાણકારોએ એપ્રિલ મહિનામાં ફરીથી ભારતીય શૅરો વેચવાનું શરૂ કર્યું છે. શુક્રવાર સુધીમાં એફપીઆઈએ 13700 કરોડથી વધારે મૂલ્યના શૅરો વેચ્યા હતા. આ બધાં કારણોથી બજાર ઘટી રહ્યું છે.

ભારતને કેટલી અસર?

બીબીસી ગુજરાતી શેરબજાર ભારત ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર સેન્સેક્સ નિફ્ટી રોકાણકાર અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં સૌથી વધુ રોજગારી આપતા સેક્ટરને આંચકો લાગી શકે છે પરંતુ કેટલાક નિષ્ણાતો માને છે કે ઘરેલું માંગને કારણે તેને ટેકો મળી શકે છે.

અમેરિકામાં મંદી આવશે અને ભારતને બહુ મોટો ફટકો પડશે એવું માનવા માટે બધા નિષ્ણાતો તૈયાર નથી.

સ્ટૉક માર્કેટ ઍનાલિસ્ટ અસીમ મહેતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ભારતનો અમેરિકા સાથે એટલો બધો ટ્રેડ નથી. આ ઉપરાંત આપણે ત્યાં આંતરિક માંગ ઘણી સારી છે જે અર્થતંત્રને ટેકો આપશે. ટેરિફ-વૉરથી સૌથી ઓછી અસર થાય તેવા દેશોમાં ભારત સામેલ છે."

"ટેરિફની જાહેરાત પછી ક્રૂડ ઑઇલનો ભાવ ઘટ્યો તે ભારત માટે સારી વાત છે. કોવિડ પછી કદાચ ક્રૂડ સૌથી નીચા સ્તરે છે."

તેમના કહેવા પ્રમાણે "આગામી દિવસોમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાની પૉલિસીમાં વ્યાજના દર ઘટવાની શક્યતા છે.આ ઉપરાંત સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે આક્રમક રીતે ખર્ચ કરે તો ટેરિફ-વૉરની ઘણી અસર ટાળી શકાય છે."

મંદીની અટકળો વિશે અસીમ મહેતાએ કહ્યું કે, "મંદી શબ્દ વધુ પડતો આકરો છે. ત્રણથી ચાર મહિના સુધી નરમાઈ આવે તેવું કહી શકાય. પરંતુ મંદી આવશે એવું હું માનતો નથી."

શૅરબજારમાં રોકાણ કરતા રોકાણકારોએ શું કરવું?

બીબીસી ગુજરાતી શેરબજાર ભારત ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર સેન્સેક્સ નિફ્ટી રોકાણકાર અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ગુંજન ચોક્સી માને છે કે "એકથી દોઢ વર્ષ સુધીનો જ વિચાર હોય તો અત્યારે કોઈ નવી ખરીદી ન કરો, હાલના ભાવે વેચાણ પણ ન કરો. તમારું હોલ્ડિંગ જાળવી રાખો."

તેઓ કહે છે કે "પાંચ વર્ષ અથવા તેનાથી વધુ સમયગાળા માટે રોકાણ કરવાની ઇચ્છા હોય તો જ અત્યારે ખરીદી કરાય કારણ કે સારા શૅર ખરીદવાની બહુ સારી તક છે."

તેઓ કહે છે કે "મંદીની દરેક સાઇકલ લગભગ દોઢથી ત્રણ વર્ષ ચાલે છે. અમેરિકન શૅરમાર્કેટ તાજેતરના ઘટાડા પછી મંદીની બહુ નજીક છે અને ભારત પણ મંદીથી બહુ દૂર નથી."

"નિફ્ટી ઇન્ડેક્સ અત્યારે 21900 પર છે પણ જો તે 21000 નીચે જાય તો ભારત પણ મંદીમાં આવી ગયું તેમ કહેવાશે કારણ કે બજાર પોતાના હાઈલેવલ પરથી 20 ટકા ઘટે એટલે મંદીમાં આવ્યું તેમ કહી શકાય."

જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના વિજયકુમારે કહ્યું છે કે ટ્રમ્પે જે બિનતાર્કિક ટેરિફ લાગુ કર્યો છે તે લાંબો સમય નહીં ચાલે. બીજું, ભારતની સ્થિતિ પ્રમાણમાં સારી છે કારણકે, જીડીપીની ટકાવારીમાં જોવામાં આવે તો ભારતની અમેરિકામાં નિકાસ માત્ર બે ટકા છે. તેથી ભારતના ગ્રોથને મોટી અસર નહીં થાય.

ત્રીજું કારણ, ભારત અત્યારે અમેરિકા સાથે દ્વિપક્ષીય વ્યાપાર સંધિ (બીટીએ) પર વાટાઘાટ કરી રહ્યું છે અને તે સફળ રહેશે તો ભારત માટે ટેરિફ ઘટે તેવી શક્યતા છે.

બીબીસી ગુજરાતી શેરબજાર ભારત ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફ વોર સેન્સેક્સ નિફ્ટી રોકાણકાર અર્થતંત્ર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતો માને છે કે અનિશ્ચિતતા રહેશે ત્યાં સુધી બજારમાં ઉથલપાથલ જળવાશે

આગામી દિવસોમાં ફાઇનાન્સિયલ્સ, સિમેન્ટ, ઉડ્ડયન, હોટલ, ઑટોમોબાઈલ, ડિફેન્સ સેક્ટરની કંપનીઓ પ્રમાણમાં સારો દેખાવ કરે તેવી શક્યતા છે તેમ જિયોજિત ફાઇનાન્શિયસ સર્વિસિસ માને છે.

ડૉ. વિજયકુમારના માનવા પ્રમાણે ડોનાલ્ડ ટ્રમ્પ ફાર્માસ્યુટિકલ્સ પર ટેરિફ લાદે તેવી શક્યતા ઓછી છે કારણ કે આ મામલે ટ્રમ્પ બૅકફૂટ પર આવી ગયા છે.

માર્કેટ ઍનાલિસ્ટ અસીમ મહેતાએ બીબીસીને કહ્યું કે, "રોકાણકારો માટે આ સમય ચોક્કસ ખરાબ છે, બજાર હજુ પણ ઘટી શકે છે. પરંતુ અત્યારે પૅનિકમાં આવીને આ ભાવે વેચાણ ન કરો. પોર્ટફોલિયો હોલ્ડ કરી રાખો, મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી હોય તો ચાલુ રાખો."

ગુંજન ચોક્સીના કહેવા પ્રમાણે "હવે બજાર ફંડામેન્ટલ કે ટૅકનિકલ કારણોથી નથી ચાલતું પરંતુ નિવેદનોના આધારે ચાલે છે. ભારતના જીડીપીમાં યુએસ નિકાસનો હિસ્સો ફક્ત બે ટકા છે તેથી બહુ ચિંતાની જરૂર નથી."

તેમણે કહ્યું કે, "ભારતમાં બૅન્કો અને એફએમસીજી સેક્ટર સારો દેખાવ કરવાનું ચાલુ રાખશે કારણ કે તે સ્થાનિક ડિમાન્ડ પર આધારિત છે. પરંતુ મેટલ અને નિકાસલક્ષી સેક્ટરમાં ખરીદીનું જોખમ ટાળવું જોઈએ."

સ્પષ્ટતાઃ નિષ્ણાતોએ વ્યક્ત કરેલો મત તેમનો અંગત અભિપ્રાય છે, બીબીસીનો નહીં. રોકાણનો કોઈપણ નિર્ણય લેતા પહેલાં તમારા સુયોગ્ય નાણાકીય સલાહકાર પાસે માર્ગદર્શન અને સલાહ મેળવો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.