ટ્રમ્પના આગ્રહ છતાં ભારત અમેરિકા પાસેથી આ ખેતઉત્પાદન કેમ નહીં ખરીદે?

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત અમેરિકન મકાઈ કેમ નહીં ખરીદે?
આ પ્રશ્ન તાજેતરમાં જ યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે ભારતની વેપાર નીતિઓની ટીકા કરતી વખતે ઉઠાવ્યો હતો. અને તેના બજાર પરના પ્રતિબંધો પર આકરા પ્રહારો કર્યા હતા.
અન્ય એક ઇન્ટરવ્યુમાં લુટનિકે ભારત પર અમેરિકન ખેડૂતો માટે અડચણરૂપ બનવાનો આરોપ લગાવ્યો હતો અને ભારતને તેના કૃષિ બજારને ખોલવા માટે આગ્રહ કર્યો હતો. જેમાં સંભવિત અભિગમ તરીકે ક્વોટા અથવા મર્યાદા પણ સૂચવી હતી.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધતા જતા વેપાર યુદ્ધમાં કૃષિ એક મુખ્ય યુદ્ધભૂમિ છે. જેમાં તારીખ બીજી એપ્રિલથી ટિટ-ફૉર-ટૅટ અથવા પારસ્પરિક ટૅરિફ શરૂ થવાના છે.
ટૅરિફ એ અન્ય દેશોમાંથી આયાત કરાયેલા માલ પર વસૂલવામાં આવતો કર છે.
ટ્રમ્પે વારંવાર ભારતને "ટૅરિફ કિંગ" અને વેપાર સંબંધોનો "મોટો દુરુપયોગ કરનાર" ગણાવ્યો છે.
વર્ષોથી વૉશિંગ્ટન ભારતના કૃષિક્ષેત્રમાં બહોળા પ્રવેશ માટે દબાણ કરી રહ્યું છે. તેને એક મુખ્ય વણઉપયોગી બજાર તરીકે જોતું રહ્યું છે. પરંતુ ભારતે ખાદ્ય સુરક્ષા, આજીવિકા અને લાખો નાના ખેડૂતોના હિતોનો ઉલ્લેખ કરીને તેનું ઉગ્ર રીતે રક્ષણ કર્યું છે.
ખાદ્ય અન્નની અછતવાળા રાષ્ટ્રમાંથી ખાદ્ય પુરવઠાના સરપ્લસ સુધી પહોંચવાની ભારતની સફળતા નિસંદેહ રીતે તેની સૌથી મોટી સફળતાઓમાંની એક છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1950 અને 1960ના દાયકામાં ભારતે તેની વસ્તીને ખોરાક પૂરો પાડવા માટે વિદેશી ખાદ્ય સહાય પર આધાર રાખવો પડતો હતો.
પરંતુ કૃષિક્ષેત્રમાં અનેક સફળતાઓને કારણે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. ભારત મુખ્ય ખાદ્ય અન્ન બાબતે આત્મનિર્ભર બન્યું અને દેશ વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક બની ગયો હતો.
બાગાયત, મરઘાં અને જળચરઉછેરમાં ઝડપી વૃદ્ધિએ તેના ખાદ્ય ભંડારનો વિસ્તાર કર્યો.
ભારત ખેત ઉત્પાદન અને માળખાગત સુવિધામાં કેમ પાછળ છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આજે ભારત માત્ર તેના 1.4 અબજ લોકોને ખોરાક પૂરો પાડી રહ્યું નથી, પરંતુ વિશ્વના આઠમા સૌથી મોટા કૃષિ-ઉત્પાદન નિકાસકાર તરીકે વિશ્વભરમાં અનાજ, ફળો અને ડેરી ઉત્પાદનો પણ નિકાસ કરી રહ્યું છે.
આટલી ઉપલબ્ધીઓ છતાં ભારતીય કૃષિ ઉત્પાદકતા, માળખાગત સુવિધાઓ અને બજાર સુલભતામાં હજુ પણ પાછળ છે.
વૈશ્વિક ભાવમાં અસ્થિરતા અને આબોહવા પરિવર્તન આ પડકારોમાં વધારો કરે છે. પાકની ઉપજ વૈશ્વિક શ્રેષ્ઠ કરતા ઘણી ઊતરતી છે.
નાની જમીનોને કારણે સમસ્યા હજુ વકરે છે - ભારતીય ખેડૂતો સરેરાશ એક હૅક્ટરથી ઓછી જમીન પર ખેતી કરતા હોય છે. જ્યારે તેમના અમેરિકન સમકક્ષો 2020 માં 46 હૅક્ટરથી વધુ જમીન પર ખેતી કરતા હતા.
આમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે ઉત્પાદકતા ઓછી રહે છે. કૃષિ ભારતના લગભગ અડધા લોકોને રોજગારી આપે છે પરંતુ જીડીપીનો માત્ર 15 ટકા હિસ્સો જ ધરાવે છે. તેની તુલનામાં યુએસ વસ્તીના બે ટકા કરતા ઓછા લોકો ખેતી પર નિર્ભર છે.
મર્યાદિત નોકરીઓના લીધે વધુ લોકો ઓછા વેતનવાળા ખેતીના કામમાં અટવાયેલા છે, જે વિકાસશીલ દેશ માટે એક અસામાન્ય વાત કહી શકાય.
આ માળખાકીય અસંતુલન ભારતની વેપાર નીતિઓને પણ આકાર આપે છે. કૃષિ પેદાશો સરપ્લસ હોવા છતાં ભારત તેના ખેડૂતોને સસ્તી વિદેશી આયાતથી બચાવવા માટે ટૅરિફ ઊંચા રાખે છે. તે કૃષિ આયાતો પર મધ્યમથી ઉચ્ચ ટૅરિફ શૂન્યથી 150 ટકા સુધી જાળવી રાખે છે.
ભારત માટે શું પડકાર છે?
દિલ્હી સ્થિત થિંક ટૅન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ (GTRI) અનુસાર યુએસનાં કૃષિ ઉત્પાદનો પર ભારતમાં ભારિત સરેરાશ ટેરિફ 37.7 ટકા છે.
જ્યારે યુએસમાં ભારતીય માલ પર તે 5.3 ટકા છે.
ભારત અને અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય કૃષિ વેપાર માત્ર આઠ અબજ ડૉલરનો જ છે.
ભારત મુખ્યત્વે ચોખા, ઝીંગા, મધ, શાકભાજીના અર્ક, એરંડા તેલ અને કાળા મરીની નિકાસ કરે છે. જ્યારે અમેરિકા બદામ, અખરોટ, પિસ્તા, સફરજન અને મસૂર મોકલે છે.
પરંતુ બંને દેશો વેપાર કરાર પર કામ કરી રહ્યા છે. ત્યારે નિષ્ણાતો કહે છે કે વૉશિંગ્ટન હવે ભારત સાથેની તેની 45 અબજ ડૉલરની વેપાર ખાધ ઘટાડવા માટે તેની કૃષિ નિકાસ જેવી કે ઘઉં, કપાસ અને મકાઈને આગળ વધારવા માંગે છે.
દિલ્હી સ્થિત કાઉન્સિલ ફૉર સોશિયલ ડેવલપમેન્ટ થિંક ટૅન્કના વેપાર નિષ્ણાત વિશ્વજીત ધર કહે છે કે, "તેઓ આ વખતે બેરી અને અન્ય વસ્તુઓની નિકાસ કરવા માંગતા નથી. પણ આ રમત ઘણી મોટી છે.
નિષ્ણાતો દલીલ કરે છે કે ભારતને કૃષિ ટૅરિફ ઘટાડવા, ટેકાના ભાવ ઘટાડવા અને તેને આનુવંશિક રીતે સુધારેલા (જિનેટિકલી મૉડિફાઇડ) પાક અને ડેરી માટે ખુલ્લા કરી દેવા માટે દબાણ કરવાથી વૈશ્વિક કૃષિમાં મૂળભૂત રીતે જોવાતી અસમાનતાની અવગણના છે.
ઉદાહરણ તરીકે અમેરિકા તેની કૃષિને ભારે સબસિડી આપે છે અને પાક વીમા દ્વારા ખેડૂતોનું રક્ષણ કરે છે.
"કેટલાક કિસ્સાઓમાં," જીટીઆરઆઈના અજય શ્રીવાસ્તવ કહે છે, "અમેરિકન સબસિડી ઉત્પાદન ખર્ચના 100 ટકાથી વધુ છે, જે અસમાન વેપારનું ક્ષેત્ર ઊભું કરે છે જે ભારતના નાના ખેડૂતોને બરબાદ કરી શકે છે."
ખેતી એ ભારતની કરોડરજ્જુ છે. જે 700 મિલિયનથી વધુ લોકોને કે જે દેશની લગભગ અડધી વસ્તી છે તેને ટેકો આપે છે.
"યાદ રાખવા જેવી મુખ્ય વાત એ છે કે બંને દેશોમાં કૃષિ એ સંપૂર્ણપણે અલગ બાબત છે," ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફૉરેન ટ્રેડ ખાતે સેન્ટર ફૉર WTO સ્ટડીઝના ભૂતપૂર્વ વડા અભિજીત દાસ કહે છે.
"યુએસની ખેતી એ વાણિજ્યિક કૃષિ છે જ્યારે ભારતમાં નિર્વાહ ખેતી પર આધાર રાખે છે. આ લાખો ભારતીયોની આજીવિકા વિરુદ્ધ યુએસ કૃષિ વ્યવસાયના હિતોનો પ્રશ્ન છે."
પરંતુ ભારતના કૃષિ પડકારો ફક્ત બાહ્ય નથી. ધર કહે છે કે આ ક્ષેત્રના મોટાભાગના સંઘર્ષો "તેના પોતાના જ કરેલા" છે. ખેતીને લાંબા સમયથી ઓછું ભંડોળ આપવામાં આવ્યું છે. જે ભારતના કુલ રોકાણના છ ટકા કરતા પણ ઓછા ભંડોળ મળે છે.
માળખાગત સુવિધાઓ, મશીનરી અને અન્ય લાંબા ગાળાની સંપત્તિઓ માટે આવા ભંડોળો વિકાસ માટે મહત્ત્વપૂર્ણ હોય છે.
લાખો લોકોની આજીવિકાનું રક્ષણ કરવા માટે સરકાર ઘઉં, ચોખા અને ડેરી જેવા મુખ્ય પાકોને આયાત જકાત અને ટેકાના મારફતે રક્ષણ આપે છે.
તેઓ કહે છે કે, "પરંતુ આ સહાય પણ આત્મવિશ્વાસ પ્રેરિત કરતી નથી."
ચાર વર્ષ પહેલાં હજારો ખેડૂતોએ મુખ્ય ખાદ્યપદાર્થો મુખ્યત્વે ઘઉં અને ચોખાના સારા ભાવ અને લઘુતમ સરકારી ટેકાના ભાવની કાનૂની ગેરંટીની માંગણી સાથે વિરોધપ્રદર્શનો કર્યાં હતાં.
ધર ઉમેરે છે કે, "મોટા શ્રીમંત ખેડૂતો પણ ટૂંક સમયમાં આ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર જોતા નથી. અને જો તેઓ આમ અનુભવતા હોય તો નાના ખેડૂતોની દુર્દશાની કલ્પના કરી જુઓ."
ઘરેલુ અસંતોષ ઉપરાંત વેપારની વાટાઘાટોથી આખી બાબત વધુ જટિલ બને છે.
દાસ કહે છે કે ભારત માટે વાસ્તવિક પડકાર એ હશે કે "યુએસ સાથે કરાર કેવી રીતે કરવો જે કૃષિ ક્ષેત્રમાં ભારતના હિતોને સંતુલિત કરીને કૃષિમાં યુએસના નિકાસ હિતને પણ ધ્યાનમાં લે".
તો હવે આગળનો રસ્તો શું છે?

ઇમેજ સ્રોત, AFP
શ્રીવાસ્તવ કહે છે, "ભારતે તેના કૃષિ ક્ષેત્રને ખોલવા માટે યુએસના દબાણ સામે ઝૂકવું જોઈએ નહીં. આમ કરવાથી લાખો લોકોની આજીવિકા છીનવાઈ જશે. ખાદ્ય સુરક્ષા જોખમાશે અને સ્થાનિક બજારોમાં સસ્તી આયાતનો મારો થશે.
"ભારતે પોતાના રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપવી જોઈએ અને પોતાના ગ્રામીણ અર્થતંત્રનું રક્ષણ કરવું જોઈએ. વેપાર સહયોગ આપણા ખેડૂતો, ખાદ્ય સાર્વભૌમત્વ અથવા નીતિગત સ્વાયત્તતાના ભોગે ન થવો જોઈએ."
લાંબા ગાળે નિષ્ણાતો કહે છે કે ભારતે તેની કૃષિને આધુનિક બનાવવી જોઈએ. ખેતીને વધુ નફાકારક બનાવવી જોઈએ અને નિકાસ વધારવા માટે વધુ સ્પર્ધાત્મક બનવું જોઈએ. કૃષિ-વ્યવસાય ઓલમના અનુપોમ કૌશિકનો અંદાજ છે કે ઉચ્ચ વૈશ્વિક ઉપજ સાથે ભારત 200 મિલિયન મેટ્રિક ટન ડાંગરનું સરપ્લસ ઉત્પન્ન કરી શકે છે. જે વૈશ્વિક વેપારને સપ્લાય કરવા અને ભૂખમરા સામે લડવા માટે પૂરતું છે.
ધર કહે છે, "એક રીતે ટ્રમ્પ આપણને અરીસો જ બતાવી રહ્યા છે. આપણે કૃષિની ઉત્પાદક ક્ષમતામાં બહુ ઓછું રોકાણ કર્યું છે."
પરંતુ શ્રેષ્ઠ પરિણામ માટે ધર કહે છે, ભારતે "કઠોરતાથી કામ લેવું પડશે. મૂળભૂત રીતે, યુએસને કહેવું પડશે - અમે અન્ય મોરચે વાટાઘાટો માટે ખુલ્લા છીએ, પરંતુ અમારી કૃષિને અસ્થિર ન કરો".
સ્પષ્ટપણે ભારત સામે પોતાની કરોડરજ્જુ સમાન ગ્રામીણ કૃષિ તંત્રનું રક્ષણ કરતાં અમેરિકા સાથે મજબૂત સ્થિતિમાં વાટાઘાટો ચાલુ રાખવાનો પડકાર છે.
છેવટે કૃષિની જેમ વૈશ્વિક વેપારમાં પણ સમય અને ધીરજ ઘણીવાર શ્રેષ્ઠ પાક લણી આપે છે. એ બાબતે હજુ કોઈ ફેંસલો આવ્યો નથી કે ટ્રમ્પ રાહ જોવા તૈયાર છે કે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















