અમેરિકા શું મંદી તરફ ધકેલાઈ રહ્યું છે અને નોકરીઓ પર કેમ જોખમ તોળાઈ રહ્યું છે?

અમેરિકા, મંદી, શૅરબજાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં મંદીના ભણકારા?
    • લેેખક, ડિયરબૅલ જૉર્ડન
    • પદ, બિઝનેસ રિપોર્ટર, બીબીસી ન્યૂઝ

છેલ્લા કેટલાક દિવસોમાં વૈશ્વિક શૅરબજારમાં ઊથલપાથલ જોવા મળી રહી છે.

અમેરિકા, એશિયા અને થોડેઘણે અંશે યુરોપમાં પણ શૅરબજારોમાં તેની અસર જોવા મળી રહી છે.

આ દેશોમાં આવી પરિસ્થિતિ પાછળ જવાબદાર પરિબળ તરીકે અમેરિકાનું અર્થતંત્ર મંદી તરફ જઈ રહ્યું હોવાનો ડર મુખ્ય મનાય છે. અમેરિકન અર્થતંત્ર એ વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ડર પાછળનું સૌથી મોટું કારણ અમેરિકાના જોબ માર્કેટનો જુલાઈમાં જાહેર થયેલો ડેટા છે. આ ડેટામાં ધારણા કરતાં વધુ ખરાબ ચિત્ર દેખાઈ રહ્યું છે.

જોકે, કેટલાક લોકોનું કહેવું છે કે 'અમેરિકાના અર્થતંત્રમાં મંદી' વિશે ગણગણવું પણ હજુ ખૂબ વહેલું ગણાશે.

તો સવાલ એ ઊભો થાય છે કે જે આંકડાઓનાં આધારે આ અમેરિકાના અર્થતંત્રમાં મંદીનો ડર જોવા મળી રહ્યો છે એ અધિકૃત આંકડાઓ શું કહી રહ્યા છે?

બીબીસી ગુજરાતી

આપણે જાણીએ છીએ કે અર્થતંત્રની દુનિયામાં ક્યારેય માત્ર ખરાબ કે સારા સમાચારો જ નથી હોતા, બંને એકસાથે જ આવે છે.

તો પહેલા ખરાબ સમાચારો જાણી લઇએ.

અમેરિકાનાં નોકરીદાતાઓએ જુલાઈ મહિનામાં માત્ર 1.14 લાખ નોકરીઓનું સર્જન કર્યું છે. 1.75 લાખ નોકરીઓનું સર્જન થશે એવી આશા કરતાં એ ઘણું ઓછું છે.

અમેરિકામાં બેરોજગારીનો દર 4.3 ટકાના સ્તરે પહોંચી ચૂક્યો છે, જે છેલ્લા ત્રણ વર્ષની ઊંચાઈએ છે. મુખ્યત્ત્વે આ આંકડાને કારણે અનેક વિશેષજ્ઞોનાં ભવાં તણાયાં છે.

વિશેષજ્ઞોને લાગે છે કે આ ‘સમ રૂલ’ નો સમય છે.

આ નામકરણ અમેરિકન અર્થશાસ્ત્રી ક્લાઉડિયા સમનાં નામ પરથી કરવામાં આવ્યું છે.

આ નિયમ કહે છે કે સરેરાશ બેરોજગારીનો છેલ્લા ત્રણ મહિનાનો દર જો છેલ્લા 12 મહિનાના ન્યૂનતમ દર કરતાં અડધા ટકા જેટલો વધારે રહે તો એ દેશમાં મંદીના એંધાણ છે એવું કહી શકાય.

આ નિયમ પ્રમાણે જોઇએ તો અમેરિકાનો બેરોજગારીનો દર જુલાઈમાં વધ્યો છે. ત્રણ મહિનાની સરેરાશ 4.1 ટકા હતી. જ્યારે ગત વર્ષમાં ન્યૂનતમ દર 3.5 ટકા જેટલો હતો.

નોકરીઓમાં ઘટાડો, વ્યાજદરમાં કાપ

અમેેરિકા, મંદી, અર્થતંત્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મંદીની ચિંતાઓમાં વધારો એટલા માટે થયો કારણ કે યુએસ ફેડરલ રિઝર્વે ગત અઠવાડિયે વ્યાજદરમાં ઘટાડો ન કરવા માટે કહ્યું હતું.

જ્યારે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ અને યુરોપિયન સૅન્ટ્રલ બૅન્ક સહિત વિકસિત અર્થવ્યવસ્થાઓની અન્ય સેન્ટ્રલ બૅન્કોએ તાજેતરમાં જ પોતાના વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે.

એ સરખામણીમાં જોઇએ તો જો યુએસ ફેડરલ રિઝર્વ પ્રમાણે સામાન્ય માણસને પૈસા ઉધાર લેવા એ ઘણું મોંઘું પડે એમ છે. પરંતુ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલે સંકેત આપ્યો હતો કે સપ્ટેમ્બરમાં જ વ્યાજદરોમાં ઘટાડો કરવામાં આવશે.

આ જાહેરાતને કારણે વિવિધ અટકળો શરૂ થઈ હતી કે ફેડરલ રિઝર્વ નિર્ણય લેવામાં ખૂબ રાહ કેમ જોઈ રહ્યું છે?

વ્યાજદરોમાં કાપ મૂકવાનો અર્થ એ છે કે નાણાં ઉધાર લેવાં એ સસ્તું બને છે. જો વ્યક્તિ નાણાં સસ્તા દરે ઉધાર લઈ શકે તો સૈદ્ધાંતિક રીતે જ તેનાથી અર્થતંત્રને પ્રોત્સાહન મળે છે.

પરંતુ અમેરિકાના નોકરીઓના આંકડા સૂચવે છે કે અર્થતંત્ર પહેલેથી જ નીચેની દિશામાં જઈ રહ્યું છે. જેના કારણે લોકોમાં ડર વધુ વ્યાપક બન્યો છે.

શૅરબજારોમાં ગભરાટ

અમેેરિકા, મંદી, અર્થતંત્ર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ બધી ઘટનાઓની સમાનાંતરે ટૅક્નૉલૉજી કંપનીઓના શૅરના ભાવ વધી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રત્યેની લોકોની આશાને કારણે આ ક્ષેત્રની કંપનીઓમાં લાંબા સમયથી તેજી ચાલી રહી છે.

ગત અઠવાડિયે જ ચિપ બનાવતી જાયન્ટ કંપની ઇન્ટેલે જાહેરાત કરી હતી કે તે 15 હજાર જેટલી નોકરીઓ પર કાપ મૂકી રહી છે. બીજી તરફ બજારની અફવાઓને સત્ય માનીએ તો તેની પ્રતિસ્પર્ધી કંપની એનવીડિયા પણ થોડા સમય માટે તેની AI ચિપ બજારમાં મૂકવાનો પ્લાન થોડા સમય માટે કોરાણે મૂકી શકે છે.

આ પરિસ્થિતિ બાદ જાણે કે નાસડેકમાં ‘બ્લડબાથ’ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

નાસડેક એ ટૅક્નૉલૉજી કંપનીઓનો યુએસ ઇન્ડેક્સ છે. થોડાં અઠવાડિયાં પહેલાં જ ઊંચી સપાટીએ પહોંચ્યા પછી, 3 ઑગસ્ટે તે 10% જેટલો નીચો ગયો હતો.

તેના લીધે બજારોમાં ભયનું પરિબળ જાણે કે વધુ પ્રભાવી બન્યું હતું. કદાચ ત્યાં જ જોખમના સંકેત મળે છે.

જો શૅરબજારમાં ગભરાટનો માહોલ ચાલુ રહે અને શૅરો હજુ પણ ડૂબકી મારતાં રહેશે તો ફેડરલ રિઝર્વને સંભવિતપણે સપ્ટેમ્બરમાં તેની આગામી મિટિંગ પહેલાં જ વ્યાજદરમાં ઘટાડો કરવો પડી શકે છે.

કૅપિટલ ઇકોનૉમિક્સના ગ્રૂપ ચીફ ઇકૉનૉમિસ્ટ નીલ શીયરિંગના જણાવ્યા અનુસાર, “જો ત્યાં બજારની વ્યવસ્થા વધુ બગડતી જાય તો તેના કારણે સીધી રીતે મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ અને/અથવા વ્યાપક નાણાકીય સ્થિરતા જોખમમાં મુકાવાનું શરૂ થાય છે".

અર્થશાસ્ત્રીઓ શું કહે છે?

અમેેરિકા, મંદી, અર્થતંત્ર, બીબીસી ગુજરાતી

હવે થોડા સારા સમાચાર જોઇએ.

આ થિયરી આપનાર ક્લાઉડિયા સમના જણાવ્યા અનુસાર, “આપણે મંદીના માહોલમાં નથી.”

તેઓ કહે છે, “એવી શક્યતા છે કે બેરીલ વાવાઝોડાંને કારણે જુલાઈ મહિનાના નોકરીના ચિત્રમાં આવું જોવા મળ્યું હોઈ શકે. અન્ય ડેટા દર્શાવે છે કે લેબર માર્કેટ પણ ઠંડુ પડી રહ્યું છે, પણ તે પડી ભાંગવા તરફ નથી જઈ રહ્યું.”

તેમણે ઉમેર્યું હતું કે, “આંકડાઓ જોઇએ તો કામ કરવાના સરેરાશ કલાકોમાં ઘટાડો થયો છે પરંતુ નોકરી પરથી કાઢી મૂકવાના આંકમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. જેથી આ આંકડાઓ હજુ મંદીનું ચિત્ર રજૂ કરતાં નથી.”

પાનમુરે લિબ્રમના મુખ્ય અર્થશાસ્ત્રી અને રિસર્ચ વિંગના હૅડ સાઇમન ફ્રેન્ચનું કહેવું છે કે અમેરિકામાં નોકરીઓનો આ ડેટા જોયા પછી આ થોડું થંભીને વિચારવાની પરિસ્થિતિ છે.

"પાછળ વળીને જોઇએ તો શું આપણે અચાનક જ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનું ફરીથી મૂલ્યાંકન કર્યું હોય એવું નથી ને? આપણે અર્થવ્યવસ્થાનું ઝડપી તત્કાળ મૂલ્યાંકન ન કરવું જોઇએ કે ન તેના પર આધારિત રહેવું જોઇએ."

પરંતુ તેમણે ઉમેર્યું, " જે ડેટા પૉઇન્ટ મળ્યા છે તેની લવચિકતા ઘણી નાજુક છે અને આપણી પાસે ચિંતા કરવા માટે પૂરતાં કારણો છે. "

તેમના કહેવાનો અર્થ એ છે કે આપણે આ આંકડાઓને નજરઅંદાજ ન કરી શકીએ.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.