અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વમાં તેની મૂળભૂત આર્થિક નીતિઓથી હઠી રહ્યું છે, ભારત સહિતના દેશો પર કેવી પડશે અસર?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, ફૈઝલ ઇસ્લામ
- પદ, ઇકૉનૉમિક્સ ઍડિટર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં આયાત થતાં લગભગ દરેક ઉત્પાદન પર ઓછામાં ઓછો 10 ટકા ટેરિફ નાખવાનો નિર્ણય લીધો છે.
તેમનો ઈરાદો ઈમિગ્રન્ટ્સને બહાર રાખવાનો નહીં, પરંતુ અમેરિકાની અંદર જ ઉત્પાદન થાય અને રોજગારી મળે તેવો છે.
પરંતુ તેમનો આ નિર્ણય અમેરિકાને સંરક્ષણવાદના મામલે એક સદી પાછળ લઈ જતો હોય તેવો છે.
જોકે, આ અઠવાડિયે જે થયું તે માત્ર અમેરિકાનું વેપાર યુદ્ધ કે પછી શૅરબજારમાં ઉથલપાથલ મચાવવા પૂરતું મર્યાદિત ન હતું.
વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ એ પ્રક્રિયાથી મોઢું ફેરવી રહ્યો છે જેનો તે અત્યાર સુધી પ્રખર સમર્થક રહ્યો છે. એટલું જ નહીં, દાયકાઓથી અમેરિકાએ તેમાં નફો પણ રળ્યો છે.
પરંતુ અત્યારે જે પગલાં લેવાયાં તેમાં અમેરિકાએ પરંપરાગત અર્થશાસ્ત્ર અને કૂટનીતિના પાયાના સિદ્ધાંતોનો ભંગ કર્યો છે.
મુક્ત વ્યાપાર પર ચર્ચા

ઇમેજ સ્રોત, Getty Images
વાસ્તવમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફની જાહેરાત કરતી વખતે વર્ષ 1913 વિશે ઘણી વાતો કરી હતી.
તે એક મહત્ત્વપૂર્ણ સમય હતો જ્યારે અમેરિકાએ ફેડરલ ઇન્કમટૅક્સ સિસ્ટમ બનાવી હતી અને પોતાના ટેરિફમાં મોટો કાપ મૂક્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તે અગાઉ અમેરિકાની સરકારને મુખ્યત્વે ટેરિફ દ્વારા પુષ્કળ કમાણી થતી હતી. તે નિર્ણય અમેરિકાના પ્રથમ નાણામંત્રી ઍલેક્ઝાન્ડર હૅમિલ્ટનની રણનીતિ પર આધારિત હતો. તે નીતિ સંપૂર્ણપણે સંરક્ષણવાદી હતી.
વ્હાઇટ હાઉસને તેમાંથી એ પાઠ ભણવા મળ્યો કે ઊંચા ટેરિફે અમેરિકાને પહેલી વખત 'મહાન' બનાવ્યો હતો.
આ ઉપરાંત અમેરિકાને એ પણ સમજાયું કે તેને ફેડરલ ઇન્કમટૅક્સની જરૂર નથી.
ઍટલાન્ટિકની બીજી તરફ વૈશ્વિકરણ અને મુક્ત વ્યાપારના પાયામાં 19મી સદીના બ્રિટિશ અર્થશાસ્ત્રી ડૅવિડ રિકાર્ડોનો સિદ્ધાંત છે. ખાસ કરીને 1817નો 'તુલનાત્મક લાભ'નો સિદ્ધાંત
તેમાં કેટલાંક સમીકરણો છે, પરંતુ મૂળભૂત વાતો સમજવાની દૃષ્ટિએ સરળ છે. જેમ કે, અલગ-અલગ દેશ પોતાનાં કુદરતી સંસાધનો અને વસતીના કૌશલ્યનાં આધારે કેટલીક ચીજો બનાવવામાં કુશળ હોય છે.
એકંદરે એવું કહી શકાય કે દરેક વ્યક્તિને જે કામ આવડતું હોય તેમાં તે કુશળતા પ્રાપ્ત કરી લે તો આખી દુનિયા અને વિશ્વભરના દેશો સારી સ્થિતિમાં હશે.
ત્યાર પછી તેઓ મુક્ત રીતે વ્યાપાર કરી શકશે.
બ્રિટનમાં તે રાજકારણ અને અર્થશાસ્ત્ર વચ્ચેનો આધાર છે. મોટા ભાગની દુનિયા હજુ પણ તુલનાત્મક લાભમાં વિશ્વાસ ધરાવે છે. તે ગ્લોબલાઇઝેશનનું બૌદ્ધિક મૂળ છે.
પરંતુ અમેરિકા તેના પર ક્યારેય સંપૂર્ણરીતે સહમત થયું ન હતું. અમેરિકાના મનમાં આ મામલે જે અનિચ્છા હતી તે ક્યારેય ખતમ ન થઈ.
રેસિપ્રોકલ ટેરિફ પાછળનો તર્ક

ઇમેજ સ્રોત, Getty Images
કથિત રેસિપ્રોકલ ટેરિફના ઔચિત્યને સમજવું જરૂરી છે.
આમ તો પ્રેસ કૉન્ફરન્સથી એક કલાક અગાઉ વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ આ વાતને સ્પષ્ટ રીતે સમજાવી હતી.
તેમણે કહ્યું કે, "આ ટેરિફ દરેક દેશ મુજબ નક્કી કરવામાં આવે છે, જેની ગણતરી આર્થિક સલાહકાર પરિષદ દ્વારા કરવામાં આવે છે. તેઓ જે મૉડલનો ઉપયોગ કરે છે તે એવી ધારણા પર આધારિત છે કે આપણો વેપાર ઘટવા પાછળ અયોગ્ય વ્યાપાર પદ્ધતિ અને દરેક પ્રકારની છેતરપિંડી જવાબદાર છે."
આ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. વ્હાઇટ હાઉસના કહેવા મુજબ "અમેરિકા તમને જે સામાન વેચે તેના કરતાં વધુ સામાન અમેરિકાને વેચવો" એ તેમની વ્યાખ્યા પ્રમાણે 'છેતરપિંડી' છે.
આ અસંતુલનને સુધારવા માટે ટેરિફની ગણતરી થવી જોઈએ.
આ લાંબા ગાળાની નીતિનો લક્ષ્ય 1.2 ટ્રિલિયન ડૉલરની વ્યાપાર ખાધને શૂન્ય સુધી લાવવાની છે.
આ સમીકરણ એવા દેશોને નિશાન બનાવવા માટે તૈયાર કરવામાં આવ્યું હતું જે સરપ્લસ એટલે કે પુરાંતની સ્થિતિમાં છે. વ્યાપાર અવરોધોનો સામનો કરતા દેશો માટે આ સમીકરણ નહોતું.
જોકે, ડેટાના આધાર પર તેમાં ગરીબ દેશો, ઉભરતાં અર્થતંત્રો અને નાનકડા બિનમહત્ત્વના ટાપુઓને પણ નિશાન બનાવવામાં આવ્યાં.
જોકે, કેટલાક દેશોનો વેપાર સરપ્લસ છે જ્યારે કેટલાક દેશોમાં વેપાર ખાધ છે, જેનાં ઘણાં કારણો છે.
જુદા-જુદા દેશો અલગ-અલગ ઉત્પાદન બનાવવામાં માહેર હોય છે. તેમની પાસે અલગ-અલગ પ્રાકૃતિક અને માનવ સંસાધન છે અને તે જ વ્યાપારનો આધાર છે.
પરંતુ અમેરિકાને હવે તેના પર ભરોસો નથી એવું લાગે છે.
હકીકતમાં આ તર્ક માત્ર સર્વિસના વ્યાપારના મામલામાં લાગુ કરવામાં આવે તો અમેરિકા પાસે આ મામલે 280 અબજ ડૉલરનું સરપ્લસ છે.
તેમાં આર્થિક સેવાઓ અને સોશિયલ મીડિયા ટૅક્નૉલૉજી જેવા સેક્ટર સામેલ છે. આમ છતાં સર્વિસ ક્ષેત્રને અમેરિકાએ તમામ ગણતરીમાંથી બહાર રાખ્યું છે.
'ચીનનો આંચકો' અને તેનો પ્રભાવ

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ગયા મહિને એક ભાષણમાં કહ્યું હતું કે આ વહીવટીતંત્રની નજરમાં વૈશ્વીકરણ નિષ્ફળ રહ્યું છે. કારણ કે, વિચાર તો એ હતો કે 'ધનિક દેશો વૅલ્યૂ ચેઇનમાં આગળ વધશે અને ગરીબ દેશો સરળ ચીજો બનાવશે'.
પરંતુ ખાસ કરીને ચીનના મામલે આવું નથી થયું. તેથી અમેરિકા આવી આર્થિક નીતિથી નિર્ણાયક રીતે દૂર ખસતું જાય છે. અમેરિકા માટે ડૅવિડ રિકાર્ડો નહીં, પરંતુ ડેવિડ ઑટોર મહત્ત્વ ધરાવે છે.
ડૅવિડ ઑટોર મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નૉલૉજીના અર્થશાસ્ત્રી છે. તેમણે 'ચાઇનીઝ શૉક' શબ્દ આપ્યો છે.
2001માં દુનિયા જ્યારે 9/11ની ઘટનાથી સ્તબ્ધ હતી ત્યારે ચીન વિશ્વ વ્યાપાર સંગઠનમાં સામેલ થયું હતું.
ત્યાર પછી અમેરિકન બજારમાં ચીનને પ્રમાણમાં વધારે સ્વતંત્ર ઍક્સેસ મળવા લાગ્યું અને વૈશ્વિક અર્થતંત્રમાં ફેરફાર શરૂ થયો.
અમેરિકામાં લાઇફ સ્ટાઇલ, પ્રગતિ, નફો અને શૅરબજારમાં તેજી આવી. તેનું કારણ એ હતું કે ચીનની વર્ક ફોર્સે ગ્રામીણ વિસ્તારો છોડીને શહેરી કારખાના તરફ સ્થળાંતર શરૂ કર્યું. જેથી અમેરિકન ગ્રાહકો માટે તેઓ સસ્તા ભાવે ચીજવસ્તુઓ બનાવી શકે.
તે 'તુલનાત્મક લાભ' કઈ રીતે કામ કરે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું.
ચીને લાખો કરોડો ડૉલરની કમાણી કરી, તેમાંથી મોટા ભાગની રકમ અમેરિકામાં સરકારી બૉન્ડ તરીકે ફરીથી રોકાણ કરવામાં આવી. તેનાથી વ્યાજદર નીચા રાખવામાં પણ મદદ મળી.
બધાને ફાયદો થતો હતો, પરંતુ સંપૂર્ણ રીતે ફાયદો ન હતો. અમેરિકન ગ્રાહકો તો સસ્તામાં માલ ખરીદીને અમીર બની ગયા, પરંતુ પૂર્વ એશિયામાં મૅન્યુફેક્ચરિંગ થવાથી અમેરિકાને ભારે નુકસાન થયું.
ઑટોરની ગણતરી પ્રમાણે 2011 સુધીમાં આ 'ચાઇનીઝ શૉક'ના કારણે અમેરિકાના મૅન્યુફેક્ચરિંગ સેક્ટરની 10 લાખ નોકરીઓ સહિત કુલ 24 લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ.
ભૌગોલિક રીતે રસ્ટ બેલ્ટ અને દક્ષિણના વિસ્તારના લોકોને આ આંચકા લાગ્યા છે. નોકરીઓ અને મજૂરીના દરને સતત આંચકા લાગતા રહ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
ઑટોરે ગયા વર્ષે પોતાના વિશ્લેષણને અપડેટ કર્યું. તેમને જાણવા મળ્યું કે ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટેરિફમાં ફેરફાર કરવાની અસલ આર્થિક અસર બહુ મોટી હતી.
તેના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડેમૉક્રેટિક પાર્ટીનું સમર્થન ઘટ્યું અને 2020ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ માટે સમર્થનમાં વધારો થયો.
આ અઠવાડિયાની વાત કરીએ તો કાર કર્મચારીઓની સાથે ઑઇલ અને ગૅસ સેક્ટરના કર્મચારીઓ પણ વ્હાઈટ હાઉસમાં ટેરિફની ઉજવણી કરે છે.
તેમને વાયદો કરવામાં આવ્યો છે કે ફરીથી રોજગારી પેદા થશે. માત્ર રસ્ટ બેલ્ટમાં નહીં પરંતુ આખા અમેરિકામાં. હકીકતમાં અમુક હદ સુધી આ શક્ય છે.
વિદેશી કંપનીઓને ટ્રમ્પે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ અમેરિકામાં પોતાનાં કારખાના નાખશે તો ટેરિફથી બચી શકશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લી અડધી સદીના મુક્ત વ્યાપારને અમેરિકામાં 'લૂંટફાટ' ગણાવ્યો છે, પરંતુ તે આખું ચિત્ર રજૂ નથી કરતું.
ભલે પછી તે કેટલાક વિસ્તારો, સેક્ટર કે ચોક્કસ વર્ગ માટે ફાયદાકારક નથી રહ્યો. પરંતુ અમેરિકામાં સર્વિસ સેક્ટરે ભારે પ્રગતિ કરી છે. તેણે વૉલ સ્ટ્રીટ અને સિલિકૉન વૅલી દ્વારા દુનિયા પર પોતાનો દબદબો જમાવ્યો છે.
અમેરિકન કન્ઝ્યુમર બ્રાન્ડ્સે ચીન અને પૂર્વ એશિયા સુધી ફેલાયેલ વધુ કાર્યક્ષમ સપ્લાય ચેઇનનો ઉપયોગ કરીને પોતાનાં અમેરિકન ઉત્પાદનો દરેક જગ્યાએ વેચ્યાં છે અને ભારે નફો કર્યો છે.
અમેરિકન અર્થતંત્રે વાસ્તવમાં બહુ સારો દેખાવ કર્યો છે. તેમાં સમસ્યા માત્ર એટલી હતી કે તે અલગ-અલગ સેક્ટર વચ્ચે સમાન રીતે વહેંચાયેલ ન હતું.
આખા દેશમાં નાણાની વહેંચણી કરવામાં જ મોટી ખામી હતી. તે અમેરિકાની રાજકીય પસંદગી દર્શાવતું હતું.
પ્રથમ સોશિયલ મીડિયા ટ્રેડ-વૉર

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાએ હવે અચાનક સંરક્ષણવાદ અપનાવ્યો છે અને પોતાનાં મૅન્યુફેક્ચરિંગને ફરીથી શરૂ કરવાનો વિકલ્પ પસંદ કર્યો છે. ત્યારે જે દેશોએ અમેરિકાને ધનિક બનાવ્યું છે, તેમની પાસે પણ વિકલ્પ છે કે તેઓ મૂડી અને વ્યાપારના પ્રવાહને ટેકો આપે અથવા ન આપે.
આ મામલે દુનિયાભરના ગ્રાહકોની પાસે પણ વિકલ્પ છે.
આ પ્રથમ સોશિયલ મીડિયા ટ્રેડ-વૉર છે. ટૅસ્લાના વેચાણમાં ઘટાડો અને અમેરિકન માલસામન સામે કૅનેડાની પ્રતિક્રિયા લાંબી અસર કરી શકે છે.
તે કોઈ કાઉન્ટર ટેરિફ જેટલું જ શક્તિશાળી હશે.
અમેરિકન ગ્રાહકો માટે માલ ઉત્પાદન કરતા આ દેશો પાસે વેપાર સિવાયના પણ વિકલ્પો છે. હવે નવા ગઠબંધન બનશે અને આગળ વધશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે જ્યારે ધમકી આપી કે યુરોપિયન યુનિયન અને કૅનેડા વળતી કાર્યવાહી કરશે તો તેઓ ટેરિફ વધારી દેશે, ત્યારે આ વિશે તેમની સંવેદનશીલતા જાહેર થઈ હતી.
ટ્રેડ-વૉરની રમતના સિદ્ધાંતમાં ભરોસો બહુ મહત્ત્વની ચીજ હોય છે. અમેરિકા પાસે અજોડ સૈન્ય શક્તિ અને ટૅક્નૉલૉજી છે, જે તેને મદદ કરે છે.
પરંતુ મરજી પડે તે રીતે વૈશ્વિક વ્યાપાર વ્યવસ્થાને બદલવાથી બીજા પક્ષને વિરોધ કરવા માટે પ્રોત્સાહન મળશે.
ખાસ કરીને આવું ત્યારે થઈ શકે જ્યારે બાકીની દુનિયા વિચારે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પોતાની બંદુકથી પોતાના જ પગ પર નિશાન સાધી રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












