નાળિયેરી પર જ નાળિયેર હોય ત્યારે તેની અંદર પાણી કેવી રીતે ભરાય છે, તેની પાછળનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શારદા મિયાપુરમ્
- પદ, બીબીસી તેલુગુ
લીલું નાળિયેર કાપો ત્યારે તેની અંદર પાણી જોઈને તમને ક્યારેય આશ્ચર્ય થયું છે? એ પાણી અંદર કેવી રીતે આવ્યું હશે તે ક્યારેય વિચાર્યું છે?
ઝાડની ટોચ પરના લીલા નાળિયેરના કવચની અંદરનું પાણી મીઠું, ઠંડું કેવી રીતે હોય છે?
એ મીઠા પાણીમાં એવાં પોષક તત્ત્વો હોય છે, જે તરસ છિપાવે છે અને ઉનાળામાં તત્કાળ ઊર્જા પ્રદાન કરે છે.
તાજું નાળિયેર આછા લીલા રંગનું હોય છે. તેમાં મોટા પ્રમાણમાં પાણી હોય છે. તેની સરખામણીએ પરિપકવ સૂકા નાળિયેરમાં ઓછું પાણી હોય છે અને તે વધારે લપસણું હોય છે.
નાળિયેરના ઝાડ એટલે નાળિયેરીને 'જીવનનું વૃક્ષ' કહેવામાં આવે છે, કારણ કે નાળિયેરીનો દરેક ભાગ કોઈને કોઈ રીતે આપણા માટે ઉપયોગી છે.
નાળિયેરી સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં અને વિશ્વભરના દેશોમાં જોવા મળે છે.
નાળિયેરના કવચની અંદર પાણી કેવી રીતે બને છે એ સમજતા પહેલાં તેની રચનાને જાણવી જરૂરી છે.
તેની સંરચનામાં ઍક્સોકાર્પ, મૅસોકાર્પ અને ઍન્ડોકાર્પ નામના ત્રણ સ્તર હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍક્સોકાર્પ ફળનું બાહ્ય સ્તર છે. તે લીલું અને નરમ હોય છે. લીલા સ્તર હેઠળના તંતુમય ભાગને મૅસોકાર્પ કહેવામાં આવે છે. અંદરના હિસ્સાને ઍન્ડોકાર્પ કહેવામાં આવે છે. ઍન્ડોકાર્પ અંદરના સફેદ પલ્પનું રક્ષણ કરે છે.
ઍન્ડોકાર્પમાં બે ભાગ હોય છે. તેમાંથી પલ્પને ઍન્ડોસ્પર્મ કહેવામાં આવે છે. આ પલ્પ નરમ અને જેલી જેવો હોય છે. તે નાળિયેર પાકવાની સાથે સખત બને છે.
બીજો હિસ્સો અંદરનું પાણી. નાળિયેર વિકસતું જાય તેમ તેમ તેમાં એ પાણી કુદરતી રીતે ઉત્પન્ન થાય છે.
પાણી કેવી રીતે આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
યુએસ નૅશનલ સેન્ટર ફોર બાયોટેકનૉલૉજી ઇન્ફોર્મેશનના એક અભ્યાસ મુજબ, નારિયેળમાં રહેલું પાણી ફિલ્ટર કરેલું પ્રવાહી હોય છે.
અભ્યાસ સૂચવે છે કે આ પાણી નાળિયેરીમાંની વેસ્ક્યુલર સિસ્ટમ (પાણી તથા પોષક તત્ત્વોનું પરિવહન કરતી વ્યવસ્થા) દ્વારા મૂળમાંથી નારિયેળમાં પહોંચે છે. ખાસ કરીને ઝાડમાં રહેલી ઝાયલેમ નલિકાઓ પાણીના પરિવહનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
નાળિયેરીના ઝાડનાં મૂળ જમીનની અંદર લગભગ એકથી પાંચ મીટરની ઊંડાઈ સુધી વિસ્તરેલાં હોય છે. એ મૂળ આસપાસની માટીમાંથી પોષક તત્ત્વો ધરાવતા ભૂગર્ભ જળને શોષી લે છે. પછી એ પાણી થડ દ્વારા ઉપરની તરફ જાય છે અને અંતે નાળિયેર સુધી પહોંચે છે.
નાળિયેરનું ઍન્ડોકોર્પ માળખું આ પાણીનો સંગ્રહ કરે છે.
પોષક તત્ત્વોથી ભરપૂર આ પાણીયુક્ત રસ પરિપકવ થાય છે ત્યારે સફેદ નાળિયેર બને છે.
આમ નાળિયેરનું પાણી કુદરતી રીતે ઝાડમાં ઉત્પન્ન થાય છે.
નાળિયેરના મીઠા પાણીમાં શું-શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
નાળિયેરની અંદરના મીઠા દ્રવ્યમાં લગભગ 95 ટકા પાણી હોય છે. એ કારણે તેને એક ચમત્કારિક પ્રવાહી માનવામાં આવે છે, જે શરીરને હાઇડ્રેટ કરે છે.
પ્રવાહીના બાકીના પાંચ ટકા હિસ્સામાં એવાં પોષક તત્ત્વો હોય છે, જે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે.
એ મીઠા પાણીમાંના સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ખનિજો ચેતા તથા સ્નાયુઓને પોષણ આપે છે.
એમિનો ઍસિડ અને ઍન્ઝાઈમ્સ જેવું પ્રોટીન ચયાપચયમાં મદદ કરે છે.
ફ્રુકટોઝ અને ગ્લુકોઝ જેવી શર્કરા પાણીને મીઠો સ્વાદ આપે છે. તેમાં વિટામિન સી અને બી પણ હોય છે.
નાળિયેરના કોચલાની અંદર કેટલું પાણી હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
નાળિયેરના પાણીની માત્રા અને ગુણવત્તા પર ઘણાં પરિબળો અસર કરે છે.
એ પૈકીનું એક પરિબળ નાળિયેરની વય છે. નાના નાળિયેર પાણીથી ભરપૂર હોય છે. છથી આઠ મહિનાના નાળિયેરને 'યુવાન' ગણવામાં આવે છે. તેમાં 300 મિલીથી એક લિટર પાણી હોય છે.
પુખ્ત નાળિયેર એટલે કે 12 મહિના કે તેથી વધુ વયના નાળિયેરમાં ઓછું પાણી હોય છે. તેનું કારણ એ છે કે ઍન્ડોસ્પર્મ, આંતરિક ભૂસું ઘણું પાણી શોષી લે છે.
અહીં વરસાદ પણ ભૂમિકા ભજવે છે. વધુ વરસાદ થાય તો નાળિયેર સુધી વધુ પાણી પહોંચે છે. શુષ્ક વિસ્તારોમાં ઊગતી નાળિયેરીમાં નાળિયેર સુધી ઓછું પાણી પહોંચે છે. તેથી તેમાં ઓછું પાણી ઉત્પન્ન થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
ખનિજોથી ભરપૂર જમીનમાં ઉગાડવામાં આવતી નાળિયેરીમાં ઉચ્ચતમ ગુણવત્તા અને પોષક તત્ત્વોથી ભરપૂર પાણી મળે છે.
જમીન ખનિજોથી સમૃદ્ધ ન હોય અથવા મૂળમાંથી ફળ સુધી પોષક તત્ત્વોનું પરિવહન ન થતું હોય તો પાણીની ગુણવત્તા સામાન્ય હોય છે.
બિનઆરોગ્યપ્રદ, રોગગ્રસ્ત વૃક્ષોનાં ફળ નાનાં હોય છે અને તેમાં પાણીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.
માટી પરીક્ષણ અને કુદરતી ખાતરના ઉપયોગ જેવી ટકાઉ ખેતી પદ્ધતિઓ વડે નાળિયેરીમાં પોષક તત્ત્વોનું સંરક્ષણ કરી શકાય છે. તેનાથી ગુણવત્તાયુક્ત તાજું પાણી ઉત્પન્ન થાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












