એવાં લગ્ન જેમાં વર-વધૂ નથી પણ જાનૈયા- પિયરિયાની મોજ છે, કેમ વધી રહ્યાં છે ફેક મૅરેજ?

નકલી લગ્ન

ઇમેજ સ્રોત, Third Place

    • લેેખક, નીકિતા યાદવ
    • પદ, બીબીસી સંવાદદાતા

ભારતમાં ભવ્ય લગ્નની વાત આવે ત્યારે તમારા મનમાં શું વિચાર આવે છે?

ઝળહળાટ, ઝમકદાર પોશાક, હિન્દી ફિલ્મનાં હિટ ગીતો, જાતભાતનાં ભોજન અને ઉજવણીનો માહોલ. બધું જ ભવ્ય, ભાવનાસભર અને અસાધારણ લાગે છે.

હવે આ બધાની કલ્પના વરરાજા અને કન્યા સિવાય કરો. કોઈ ફેરા નહીં, કોઈ સગાંસંબંધી નહીં, આંસુભરી કન્યાવિદાય નહીં. હોય છે માત્ર પાર્ટી.

નકલી લગ્નોની દુનિયામાં તમારું સ્વાગત છે. ભારતીય શહેરોમાં આવાં લગ્નનું વલણ વધી રહ્યું છે. આ લગ્નમાં લોકો વાસ્તવિક સિવાય, લગ્નની પાર્ટીનો આનંદ માણવા એકઠા થાય છે.

હોટેલ્સ, ક્લબ્સ અને કંપનીઓ દ્વારા આયોજિત આવા કાર્યક્રમમાં સામેલ થવા માટે ટિકિટ્સ ખરીદવી પડે છે તથા તેને માત્ર મનોરંજનના હેતુથી આયોજન કરવામાં આવે છે.

આ પાર્ટીઓ કોઈ ટેન્શન કે તાણ કે જવાબદારી વિના લગ્નની પાર્ટીના સંપૂર્ણ અનુભવની ખાતરી આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ લગ્નની થીમવાળી પાર્ટી નાઇટ હોય છે.

દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવાં મોટાં શહેરોમાં છેલ્લા કેટલાક સપ્તાહથી આ ફેક વેડિંગ્ઝ ધૂમ મચાવી રહ્યા છે. તેમાં સામાન્ય રીતે એવા યુવાનો હાજરી આપતા હોય છે, જે દોસ્તો સાથે રાતનો આનંદ માણવા ઇચ્છતા હોય છે.

કોઈ દબાણ વિના પરંપરાગત ભારતીય લગ્નનો ડ્રામા અને મજાનો આનંદ માણે છે.

અમે ગયા અઠવાડિયે દિલ્હીમાં આવા જ એક ક્યુરેટેડ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમાં લગ્નના થોડા દિવસ પહેલાં યોજવામાં આવતી સંગીત અને નૃત્યની પાર્ટી પણ હતી.

એક સુઘડ ક્લબમાં આયોજિત તે કાર્યક્રમમાં વાતાવરણ ખૂબ જ આકર્ષક હતું. મહિલાઓ સુંદર સાડીઓ અને લહેંગા પહેરીને મહાલતી હતી, પુરુષો વિશિષ્ટ પ્રકારના કુર્તા અને એથનિક જેકેટમાં સજ્જ જોવા મળ્યા હતા.

પરંપરાગત ઢોલ વગાડતો એક ઢોલી લોકોને ડાન્સ ફ્લોર પર લઈ ગયો હતો. ટકીલા ભરેલી પુરીની થાળીઓ સતત ફરતી હતી.

લાખોનો ખર્ચ પણ "ગ્રાહકો માટે પૈસા વસૂલ"

શિવાંગી સરીન, બીબીસી
ઇમેજ કૅપ્શન, શિવાંગી સરીન કહે છે કે નકલી લગ્નનો અનુભવ યાદગાર હતો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શિવાંગી સરીને આવા કાર્યક્રમમાં પહેલીવાર હાજરી આપી હતી અને તેમને આ પ્રોગ્રામ "અદ્ભુત" લાગ્યો હતો.

શિવાંગી કહે છે, "પરંપરાગત લગ્નમાં ખૂબ જ પ્રેશર હોય છે. ચોક્કસ પ્રકારના પોશાક પહેરવાના નિયમો, જજમેન્ટલ સંબંધીઓ હોય છે, પરંતુ અહીં ફક્ત મોજમજા છે. તે ખાસ હતું."

"કારણ કે અમારે એ બધું અમારા દોસ્તો સાથે કરવાનું હતું. અમે કયા પોશાક પહેરવા તે એક દિવસ પહેલાં નક્કી કર્યું હતું અને સાથે મળીને તૈયાર થયા હતા."

ફેક વેડિંગની ટિકિટનો ભાવ સામાન્ય રીતે 1500 રૂપિયાથી શરૂ થાય છે. સ્થળ અને સુવિધાઓને આધારે ભાવ 15,000 કે તેથી વધુ રૂપિયા સુધી જઈ શકે છે. શિવાંગી અને તેમના દોસ્તોએ આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે પ્રતિ યુગલ 10,000 રૂપિયા ચૂકવ્યા હતા.

શિવાંગી કહે છે, "મહિને એકવાર આવો ખર્ચ કરવામાં મને કોઈ વાંધો નથી. આખો અનુભવ પૈસા વસૂલ હતો."

એ કાર્યક્રમનું આયોજન કરનાર એક રેસ્ટોરાંના માલિક શરદ માકનના કહેવા મુજબ, આ ટ્રેન્ડ દર્શાવે છે કે હૉસ્પિટાલિટી ક્ષેત્રમાં નાવિન્ય અત્યંત મહત્ત્વની બાબત છે.

તેઓ કહે છે, "અમારે અમારા ગ્રાહકો માટે કંઈક નવું સતત કરતા રહેવું પડે છે."

શરદ મદનના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમના આયોજન માટે તેમને લગભગ દસ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને તેમની ટીમને ટિકિટ્સના વેચાણમાંથી બમણી કમાણી થવાની આશા હતી, પરંતુ આવા કાર્યક્રમો ફક્ત કમાણી કરવા માટે હોતા નથી.

તેઓ કહે છે, "મુદ્દો લોકોને સાંકળી રાખવાનો છે. આવા કાર્યક્રમથી મને ભલે મોટું વળતર ન મળે, પરંતુ હું તે યોજવાનું ચાલુ રાખીશ, કારણ કે અમારા ગ્રાહકો કંઈક અલગ ઇચ્છે છે."

બોલીવૂડ અને પરંપરાગત વસ્ત્રો

નકલી લગ્ન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Trippy Tequila

એઇટક્લબ ઇવેન્ટ્સના સહ-સ્થાપક કૌશલ ચાનાનીએ ગયા મહિને બેંગલુરુમાં ફેક મેરેજ પાર્ટીનું આયોજન કર્યું હતું.

તેમાં 2000 લોકોએ હાજરી આપી હતી. તેમના જણાવ્યા મુજબ, ફેક મેરેજની પ્રેરણા તેમને વિદેશમાં રહેતા યુવાન ભારતીયો પાસેથી મળી હતી.

કૌશલ ચાનાની કહે છે, "વિદેશમાં વસતા ભારતીયો એકઠા થાય છે, બોલિવૂડ મ્યુઝિક પર ડાન્સ કરે છે, પરંપરાગત વસ્ત્રો પહેરે છે અને સાંજનો આનંદ માણે છે. અમે પણ એવું જ કર્યું હતું."

તેમના જણાવ્યા મુજબ, બેંગલુરુની ફાઇવ-સ્ટાર હોટેલમાં યોજાયેલી એ ઇવેન્ટને "જબરજસ્ત" પ્રતિસાદ મળ્યો હતો. આ કારણે તેઓને દિલ્હીમાં પણ આવી ઇવેન્ટ યોજવાનું પ્રોત્સાહન મળ્યું હતું.

દિલ્હીનો કાર્યક્રમ અત્યંત સફળ થયો પછી તેમને જયપુર, કોલકાતા અને લખનૌમાં પણ આવી ઇવેન્ટ્સ યોજવા લોકોએ પૂછપરછ કરી હતી.

કૌશલ ચાનાની કહે છે, "હવે અમે રસ ધરાવતા લોકોને અમારી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર આપીએ છીએ, જે કાર્યક્રમ યાદગાર અને નફાકારક કેવી રીતે બનાવવો માર્ગદર્શિકા હોય છે."

યુવાનોમાં લોકપ્રિય

લગ્ન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Third Place

ઇમેજ કૅપ્શન, ભારતના લગ્ન ઉદ્યોગનું અંદાજિત વેલ્યુએશન આશરે 130 અબજ ડૉલરનું છે

જોકે, બધી ફેક મેરેજ પાર્ટી સમાન રીતે યોજવામાં આવતી નથી.

થર્ડ પ્લેસ નામના એક સ્ટાર્ટ-અપે તાજેતરમાં બેંગલુરુમાં એક શરાબ વિનાની થીમ પાર્ટીનું આયોજન કર્યું હતું.

થર્ડ પ્લેસના સીઈઓ અનુરાગ પાંડે કહે છે, "અમે ઉપસ્થિત લોકોને વર અને કન્યા પક્ષની ટીમોમાં વહેંચ્યા હતા. ચેરેડ્સ જેવી ગેમ્સનું આયોજન કર્યું હતું અને બનાવટી વર્તન બાબતે મહેમાનોને વિચારતા રાખ્યા હતા."

કાર્યક્રમમાં ઢોલ હતા, બધા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમાં જ્યોતિષની થીમ આધારિત ગેમ્સ પણ હતી. શરાબને જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યો હતો.

અનુરાગ પાંડેના કહેવા મુજબ, "કેટલીકવાર દારૂ પ્રસંગની મજા બગાડી દેતો હોય છે. અમે રેગ્યુલર પબ નાઇટથી વિશેષ કશુંક કરવા ઇચ્છતા હતા. અમે ભારતીય લગ્નોની ભાવના દર્શાવવા ઇચ્છતા હતા."

આવી પાર્ટીઓની લોકપ્રિયતા યુવા લોકોમાં ઉજવણીનાં કારણો શોધવાની વધતી જતી ઇચ્છાને પ્રતિબિંબિત કરે છે, એવું આવા કાર્યક્રમોની ટીકા કરતા લોકો કહે છે.

લેખક અને સામાજિક વિવેચક સંતોષ દેસાઈ કહે છે, "લોકો ઉજવણી માટે એક પ્રસંગનું કારણ શોધતા હોય છે અને તેના માટે લગ્નથી બહેતર બીજું કશું જ નથી. લગ્નમાં મોજમજાના તમામ તત્ત્વો હોય છે."

"તે ખાસ કરીને વાસ્તવિક લગ્ન સંબંધી તણાવથી મુક્ત, આનંદનું ચરમ શિખર છે."

સંતોષ દેસાઈના જણાવ્યા મુજબ, આવી ઈવેન્ટ્સમાં લોકોને, તેમણે ભૂતકાળમાં ખરીદેલા લગ્નના મોંઘા પોશાક ફરી પહેરવાની તક પણ મળે છે.

ભારતના લગ્ન ઉદ્યોગનું અંદાજિત વેલ્યુએશન આશરે 130 અબજ ડૉલરનું

લગ્ન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સવાલ એ છે કે આવી ઇવેન્ટ્સ કાયમ યોજાતી રહેશે?

દિલ્હી સ્થિત ટચવૂડ ઇવેન્ટ્સના સ્થાપક, ઇવેન્ટ પ્લાનર વિજય અરોરા માને છે કે ફેક મેરેજીસ હાલ ફેશનમાં છે અને તેમાં પારાવાર સંભાવના છે.

તેઓ કહે છે, "જનરેશન ઝેડ નિશ્ચિતપણે આવા સેલિબ્રેશનનો ભાગ બનવા ઇચ્છે છે."

"ફેક મેરેજ એક નવી માર્કેટ કૅટેગરી તરીકે ઊભરી આવશે તો મોટું ગેમ ચેન્જર બનશે, કારણ કે તેના વ્યાપમાં વધારો થશે. તેનાથી આખરે સમગ્ર ઉદ્યોગ માટે વ્યાવસાયિક તકોમાં વધારો થશે."

ઇન્વેસ્ટમેન્ટ ઍડવાઇઝરી ફર્મ રાઇટ રિસર્ચના જણાવ્યા મુજબ, ભારતના લગ્ન ઉદ્યોગનું અંદાજિત વેલ્યુએશન આશરે 130 અબજ ડૉલરનું છે.

અત્યારે આ ક્ષેત્ર તેજીમાં છે, પરંતુ કેટલીક મર્યાદાઓ પણ છે. મોટાભાગનાં લગ્નો શિયાળા, સામાન્ય રીતે નવેમ્બર અને માર્ચની વચ્ચે થાય છે. ચોમાસામાં જૂનથી ઑગસ્ટના સમયગાળાને ઑફ્ફ-સીઝન માનવામાં આવે છે.

કાર્યક્રમ માટે સ્થળો ઉપલબ્ધ છે, આયોજકો ઉપલબ્ધ છે અને લોકો સતત નવા અનુભવ માણવા તત્પર હોવાથી આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો ઑફ્ફ-સીઝનને ફેક મેરેજીસ ધમધમતી કરી શકે છે.

નકલી લગ્નોના ઉદયથી પોતાને આશ્ચર્ય થયું હોવાનું જણાવતાં વિજય અરોરા કહે છે, "આ વલણથી એટલું જરૂર સમજાય છે કે આપણે ઉજવણી કરવા માંગીએ છીએ અથવા તેનો હિસ્સો બનવા ઇચ્છીએ છીએ. આપણે આપણા દોસ્તો અથવા પરિવારમાં વાસ્તવિક લગ્નમાં ભલે હાજરી ન આપી શકીએ, પરંતુ નકલી લગ્નોમાં હાજરી આપીને તેનો અનુભવ જરૂર માણવા ઇચ્છીએ છીએ."

જોકે, આવી ઇવેન્ટમાં હાજરી આપતી દરેક વ્યક્તિ રોમાંચિત થઈને રવાના થતી નથી.

પરંપરાગત લગ્ન પરંપરાઓને તુચ્છ ગણવાનો સવાલ

લગ્ન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બેંગલુરુ સ્થિત 23 વર્ષીય માર્કેટિંગ પ્રોફેશનલ સૃષ્ટિ શર્માએ એકમાત્ર ફેક મેરેજમાં હાજરી આપી હતી અને તેઓ ખૂબ જ નિરાશ થયાં હતાં.

સૃષ્ટિ શર્મા કહે છે, "હું થોડાં વર્ષોથી ઘરથી દૂર રહું છું અને કોઈ લગ્નમાં હાજરી આપવાનું હું બહુ મિસ કરતી હતી."

"તેમાં સૌથી મહત્વની વાત એ હતી કે હવે તું ક્યારે લગ્ન કરવાની છે, એવું સંબંધીઓ તમને પૂછતા નથી."

સૃષ્ટિ શર્મા અને તેમના દોસ્તોએ પોશાક પસંદ કરવામાં કલાકો ગાળ્યા હતા, પરંતુ કાર્યક્રમ નિષ્ફળ રહ્યો.

સૃષ્ટિ કહે છે, "કાર્યક્રમની શરૂઆત ઈડીએમથી થઈ હતી અને બે કલાક પછી બોલિવૂડ તરફ વળ્યા હતા."

"અમને એમ હતું કે લગ્નમાં હોય છે તેવું ભોજન મળશે, પરંતુ ત્યાં પિઝા અને ફ્રાઈઝ હતી. કોઈ મીઠાઈ નહીં, ફક્ત દારૂ. સજાવટ સામાન્ય હતી અને બહુ કંટાળો આવતો હતો."

આવી ઈવેન્ટ્સની ટીકા કરતાં કેટલાક લોકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો પરંપરાગત ભારતીય લગ્ન તથા મૂલ્યોને તુચ્છ ગણતા હોય એવું લાગે છે.

અલબત, દિલ્હીમાં યોજાયેલા એક ફેક સંગીતના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલાં વિધિ કપૂર આ વાત સાથે અસંમત છે.

તેઓ કહે છે, "લોકોને વધુ કે વરરાજાની માફક પોશાક પહેરવાનું કહેવામાં આવે તો એ અપમાનજનક હોય, પરંતુ અહીં તો ફક્ત એક પાર્ટી છે. આપણે તેમાં ઉત્સાહપૂર્વક મોજ માણવી જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન