રાહુલ ગાંધી પર ધક્કામુક્કીનો આરોપ: ભાજપ સાંસદ પ્રતાપ સારંગીના આક્ષેપ બાદ શું કહ્યું?

ભાજપ સાંસદ પ્રતાપ સારંગીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ધક્કામુક્કીનો આરોપ લગાવ્યો છે.

ત્યારબાદ આ મામલે ભાજપ અને કૉંગ્રેસે સામસામે એકબીજા પર પ્રહારો કર્યા છે.

ભાજપ સાંસદ પ્રતાપ સારંગીના રાહુલ પરના આરોપ બાદ સત્તાધારી પાર્ટી ભાજપે રાહુલ ગાંધી પર શાબ્દિક હુમલા શરૂ કર્યા છે.

તો આ મામલે ભાજપે રાહુલ ગાંધી સામે દિલ્હી પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે કહ્યું કે અમે દિલ્હી પોલીસમાં રાહુલ ગાંધી સામે મારપીટ અને ઉશ્કેરવાની ફરિયાદ નોંધાવી છે. અમે મકર દ્વારની બહાર થયેલી ઘટનાનો વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. જ્યાં એનડીએના સાંસદો શાંતિપૂર્ણ વિરોધપ્રદર્શન કરતા હતા. અમે કલમ 109, 115, 117, 125, 131 અને 351 હેઠળ ફરિયાદ નોંધાવી છે.

તો કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડેગેએ પણ લોકસભા સ્પીકરને એક પત્ર લખીને પોતાની સાથે ધક્કામુક્કી થઈ હોવાનો આરોપ મૂક્યો છે.

કૉંગ્રેસ અધ્યક્ષે પોતાના પત્રમાં લખ્યું કે ભાજપના સાંસદોએ મકર દ્વાર પર તેમની સાથે ધક્કામુક્કી કરી છે, જેના લીધે તેમના ઘૂંટણમાં ઈજા થઈ છે. ખડગેએ સ્પીકરને આ મામલે તપાસની માગ કરી છે.

રાહુલ ગાંધીએ પણ સાંસદના આરોપ બાદ પત્રકારપરિષદમાં પોતાનો પક્ષ મૂક્યો હતો.

ધક્કામુક્કીના આરોપ બાદ કોણે શું કહ્યું?

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ભાજપના સાંસદને વ્હીલચૅર પર લઈ જતા જોઈ શકાય છે અને તેમના માથે એક નાની પટ્ટી પણ બાંધેલી જોવા મળે છે.

ભાજપ સાંસદ પ્રતાપ સારંગીએ કહ્યું કે "રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો, એ સાંસદ મારા પર પડ્યા અને હું નીચે પડી ગયો."

આ ઘટના બાદ ભાજપના અનેક નેતાઓએ રાહુલ ગાંધી અને કૉંગ્રેસને ઘેરવાનું શરૂ કર્યું છે.

ભાજપ સાંસદ અને કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ ઘટનાને સંસદીય ઇતિહાસની કાળા દિવસ સમાન ગણાવી છે. તેમજ તેમણે રાહુલ ગાંધી અને કૉંગ્રેસ પર ગુંડાગીરી અને સાંસદોને પીટવાના આરોપ પણ લગાવ્યા છે.

શિવરાજસિંહ ચૌહાણ અનુસાર, રાહુલ ગાંધી અને કૉંગ્રેસ મહારાષ્ટ્ર અને હરિયાણામાં થયેલી હારની દાઝ સંસદની બહાર કાઢી રહ્યા છે.

કેન્દ્રીય મંત્રીએ પણ કહ્યું કે રાહુલ ગાંધી અને કૉંગ્રેસના સાંસદો માટે એક પાઠશાળા યોજવી જોઈએ કે સંસદની અંદર કેવો વ્યવહાર કરવામાં આવે છે. અમિત શાહે પોતાના ભાષણમાં કૉંગ્રેસની પોલ ખોલી નાખી છે. કૉંગ્રેસ દાઝમાં ગુંડાગીરી પર ઊતરી આવી છે. અમે તેની નિંદા કરીએ છીએ.

તો કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સદનમાં સાંસદોને પ્રવેશ માટે મકર દ્વાર મુખ્ય છે. ત્યાં કૉંગ્રેસના સાંસદો ઊભા રહીને પ્લેકાર્ડ દેખાડી રહ્યા હતા. આજે પહેલી વાર એનડીએના સાંસદો બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના અપમાનના વિરોધમાં ત્યાં ગયા.

તેમણે આરોપ મૂક્યો કે કૉંગ્રેસ 1951થી જ આંબેડકરનું અપમાન કરી રહી છે.

રિજિજુ અનુસાર, જ્યારે એનડીએના સાંસદો મકર દ્વાર પાસે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા હતા ત્યારે રાહુલ ગાંધી આવ્યા અને તેમણે ભાજપના સાંસદોને ધક્કો માર્યો.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?

આ દરમિયાન રાહુલ ગાંધીએ ધક્કામુક્કીના આરોપ બાદ પોતાનો પક્ષ મૂક્યો છે.

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઘટના મામલે કહ્યું કે ભાજપે જાણીજોઈને (ધક્કામુક્કીનો આરોપ) હંગામો કર્યો હતો.

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પત્રકારપરિષદમાં રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો કે અદાણી મુદ્દે ચર્ચા કરવાથી બચવા ભાજપ ધ્યાન ભટકાવી રહ્યો છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણી (ગૌતમ અદાણી) સામે અમેરિકામાં આરોપનામું દાખલ છે. તેમણે કહ્યું કે તેમની પાર્ટીના સાંસદો આ મામેલ સદનમાં ચર્ચા ઇચ્છતા હતા, પણ સરકાર ભાગી રહી છે.

રાહુલ ગાંધીએ પત્રકારોને જણાવ્યું કે "હું સંસદના પ્રવેશદ્વારથી અંદર જવાનો પ્રયાસ કરતો હતો. ભાજપના સાંસદો મને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને ધકેલી રહ્યા હતા."

રાહુલ ગાંધીએ કહ્યું, "ધક્કામુક્કીથી અમને કંઈ નથી થતું. આ સંસદનું પ્રવેશદ્વાર છે અને અમને અંદર જવાનો અધિકાર છે. અને ભાજપના સાંસદો અમને અંદર જવાથી રોકતા હતા."

અમિત શાહના રાજીનામાની કૉંગ્રેસની માગ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે "આ સેન્ટ્રલ મુદ્દો છે. તેઓ બંધારણ પર આક્રમણ કરી રહ્યા છે અને આંબેડકરની સ્મૃતિઓનું અપમાન કરી રહ્યા છે."

ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં ભાષણ દરમિયાન અમિત શાહ ડૉ. આંબેડકરની વિરાસત પર બોલી રહ્યા હતા.

આ દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે આજકાલ આંબેડકરનું નામ લેવું એક ફૅશન બની ગયું છે.

તેમણે કહ્યું હતું કે "આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર... જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત."

અમિત શાહના નિવેદનની સામે કૉંગ્રેસ પાર્ટીના નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ અમિત શાહના રાજીનામાની પણ માગ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.