You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બંધારણ : બાબાસાહેબ આંબેડકર વિશે અમિત શાહે સંસદમાં એવું શું કહ્યું કે વિવાદ થયો?
દેશના ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સંસદમાં બંધારણ વિશેની ચર્ચામાં ભાગ લીધો હતો. એ સમયે તેમણે જે ભાષણ કર્યું, તેની સામે કૉંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે.
અમિત શાહે પોતાના ભાષણ દરમિયાન ડૉ. બી.આર. આંબેડકરના વારસાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે આજકાલ આંબેડકરનું નામ લેવાની ફૅશન થઈ ગઈ છે.
અમિત શાહે કહ્યું, "હવે આ એક ફૅશન થઈ ગઈ છે. આંબેડકર, આંબેડકર, આંબેડકર, આંબેડકર... જો આટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો સ્વર્ગ મળી ગયું હોત."
અમિત શાહના સમગ્ર ભાષણના આ એક ભાગ ઉપર ભારે વિવાદ થઈ રહ્યો છે. અમિત શાહના નિવેદનની સામે કૉંગ્રેસ પાર્ટીના નેતા તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વિરોધ નોંધાવ્યો હતો.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "મનુસ્મૃતિને માનનારાઓને નિઃશંકપણે આંબેડકરજી સામે તકલીફ થશે."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બપોરે અમિત શાહના ભાષણ વિશે લાંબી પોસ્ટ લખી. તેમણે લખ્યું કે અમિત શાહે સંસદમાં આંબેડકરને અપમાનિત કરવાના કાળા અધ્યાયનો પર્દાફાશ કર્યો.
મોદીએ લખ્યું કે આંબેડકર પ્રત્યે કૉંગ્રેસના પાપોની યાદી લાંબી છે. જેમાં આંબેડકરને બે વખત ચૂંટણીમાં હરાવવાનું (પાપ) પણ સામેલ છે.
અમિત શાહે આંબેડકર વિશે શું કહ્યું હતું?
અમિત શાહે પોતાના ભાષણમાં દેશના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુની પહેલી કૅબિનેટમાંથી બાબાસાહેબ આંબેડકરના રાજીનામાનો ઉલ્લેખ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કૉંગ્રેસ તરફ ઇશારો કરતાં અમિત શાહે કહ્યું હતું કે હવે આ લોકો ભલે આંબેડકરનું નામ સો વખતથી વધારે લઈ લો, પરંતુ આ સાથે જ આંબેડકરજી પ્રત્યે તમારો શું ભાવ છે, તેના વિશે તેઓ જણાવશે.
અમિત શાહે કહ્યું, "આંબેડકરે દેશની પહેલી કૅબિનટેમાંથી રાજીનામું કેમ આપ્યું? તેમણે અનેક વખત કહ્યું કે તેઓ અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓ સાથે થનારા વ્યવહારથી અસંતુષ્ટ છે."
"તેમણે (નહેરુ) સરકારની વિદેશનીતિ પ્રત્યે અસહમતિ વ્યક્ત કરી હતી. અનુચ્છેદ 370 અંગે પણ સહમત ન હતા. આંબેડકરને આશ્વાસન આપવામાં આવ્યું હતું, જે પૂર્ણ નહોતું થયું. એટલે કૅબિનેટમાંથી રાજીનામું ધરી દીધું હતું."
અમિત શાહે કહ્યું, "વોટ મેળવવા માટે જેમનો વિરોધ કરો છો, તેમના નામે મત માગવા એ કેટલી હદે યોગ્ય છે?"
અમિત શાહના ભાષણ બાદ કૉંગ્રેસના નેતાઓએ ગૃહમંત્રી ઉપર આંબેડકરનું અપમાન કરવાના આરોપ મૂક્યા.
કૉંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ઍક્સ ઉપર પોસ્ટ લખીને ગૃહમંત્રીના નિવેદન ઉપર નિશાન સાધ્યું હતું.
ખડગેએ લખ્યું, "ગૃહમંત્રી અમિત શાહે આજે ભરી સંસદમાં બાબાસાહેબનું અપમાન કર્યું છે. તેનાથી ફરી એક વખત સાબિત થઈ ગયું છે કે ભાજપ/આરએસએસ તિરંગાની વિરૂદ્ધ હતા. તેમના વરિષ્ઠોએ અશોકચક્રનો વિરોધ કર્યો હતો. સંઘ પરિવારના લોકો પહેલા દિવસથી જ ભારતમાં બંધારણને બદલે મનુ સ્મૃતિ લાગુ કરવા માગતા હતા."
ખડગેએ લખ્યું કે મનુસ્મૃતિ સામે આંબેડકરનો વિરોધ હતો, એટલે તેમના પ્રત્યે આટલી ઘૃણા છે.
ખડગેએ ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું, "મોદી સરકારનું મંત્રીમંડળ કાન ખોલીને સમજી લે કે મારા જેવા કરોડો લોકો માટે બાબસાહેબ ડૉ. આંબેડકરજી ભગવાનથી કમ નથી. તેઓ દલિતો, આદિવાસીઓ, પછાત વર્ગો, લઘુમતીઓ અન ગરીબો માટે મસીહા હતા અને હંમેશાંને માટે રહેશે."
'આખું ભાષણ સાંભળો...'
કૉંગ્રેસના અનેક નેતાએ સોશિયલ મીડિયા પોસ્ટમાં અમિત શાહ ઉપર બાબાસાહેબ આંબેડકરનું અપમાન થયું હોવાના આરોપ મૂક્યા હતા. આ આરોપોને નકારતાં ભાજપે અમિત શાહના ભાષણનો આખો વીડિયો પોસ્ટ કર્યો હતો અને કૉંગ્રેસ ઉપર અધૂરો વીડિયો ફેલાવવાના આરોપ મૂક્યા હતા.
ભાજપના અન્ય નેતાઓએ પણ કૉંગ્રેસ ઉપર અમિત શાહનો અધૂરો વીડિયો ફેલાવીને વાંધો ઉઠાવવાના આરોપ મૂક્યા.
ભાજપની આઇટી (ઇન્ફર્મેશન ટેકનૉલૉજી) સેલના વડા અમિત શાહના આખા વીડિયોને શૅર કર્યો અને લખ્યું, "કૉંગ્રેસની વિશ્વસનીયતા શૂન્ય થઈ ગઈ છે. એટલે હવે ભ્રમ ફેલાવવાની રાજનીતિ કરવી પડી રહી છે. ગૃહમંત્રી અમિત શાહજીનું આખું ભાષણ કૉંગ્રેસની બાબાસાહેબ આંબેડકર તથા દલિત સમાજ પ્રત્યેની તેમની નફરતને છતી કરે છે. આખું ભાષણ સાંભળો."
અમિત શાહનું નિવેદન 'અક્ષમ્ય'
બંધારણ સ્વીકારનાં 75 વર્ષના અનુસંધાને લોકસભામાં બંધારણ વિશેની ચર્ચામાં ભાગ લેતી વેળાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક કલાક 50 મિનિટ જેટલું લાંબું ભાષણ આપ્યું હતું.
પોતાના ભાષણમાં નરેન્દ્ર મોદીએ દેશના પહેલા વડા પ્રધાન જવહારલાલ નહેરુ, ઇંદિરા ગાંધી તથા રાજીવ ગાંધી અને કૉંગ્રેસની ઉપર નિશાન સાધ્યું હતું.
વડા પ્રધાને નામ લીધા વગર કૉંગ્રેસમાં એક જ પરિવારનાં 55 વર્ષના લાંબા શાસન પર પ્રહાર કર્યા હતા.
આ પહેલાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સાવરકરનું નામ લઈને બંધારણ પ્રત્યેની તેમની અવધારણ વિશે સવાલ ઉઠાવ્યા હતા.
આ સિવાય સંસદમાં પહેલી વખત ભાષણ કરનારાં પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ સરકારને ઘેરી હતી.
પ્રિયંકા ગાંધીએ કહ્યું, "વડા પ્રધાને એક પણ નવી વાત ન કહી અને પૂરેપૂરો કંટાળો અપાવી દીધો. મને દાયકાઓ પછી શાળામાં ગણિતના બે સળંગ પિરિયડમાં બેઠા હોઈએ, ત્યારે જેવો અહેસાસ થતો, એવો અનુભવ થયો."
"મને લાગતું હતું કે વડા પ્રધાન કંઈક નવું બોલશે, સારું બોલશે, પરંતુ તેમણે 11 પોકળ સંકલ્પ પર વાત કરી. ભ્રષ્ટાચાર વિશે ઝીરો ટૉલરન્સની વાત કહી તો પછી અદાણી અંગે ચર્ચા કરાવો...."
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું હતું, "બહુ લાંબું ભાષણ હતું. પોકળ વાતો માટે કોણ પ્રખ્યાત છે, તે પત્રકારોથી વિશેષ કોણ જાણે. આજે અમને 11 પોકળ વાતોનો સંકલ્પ સાંભળવા મળ્યો."
ઉત્તર પ્રદેશની નગીના બેઠક પરથી સાંસદ ચંદ્રશેખરે અમિત શાહના નિવેદનને આંબેડકરના સંઘર્ષનું અપમાન ગણાવ્યું.
ચંદ્રશેખરે ઍક્સ પર લખ્યું, "ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન પરમ પૂજ્ય બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરના ઐતિહાસિક પ્રદાન તથા સામાજિક ન્યાય માટેની ચળવળનું અપમાન છે."
"પરમ પૂજ્ય બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજીનું નામ લેવું એ કોઈ 'ફૅશન' નહીં, પરંતુ સમાનતા, સ્વતંત્રતા અને સામાજિક પરિવર્તનની એ ક્રાંતિનું પ્રતીક છે કે જેણે કરોડો દબાયેલા અને કચડાયેલા લોકોને ન્યાય અને અધિકાર અપાવ્યા."
ચંદ્રશેખરના મતે આ ન કેવળ અસંવેદનશીલતા, પરંતુ સામાજિક એકતા તથા લોકશાહીનાં મૂલ્યો પ્રત્યેનો અનાદર છતો કરે છે.
અમિત શાહના નિવેદનને ચંદ્રશેખરે "માફ ન કરી શકાય તેવું" ગણાવીને આંબેડકરમાં માનનારા લોકો આ અપમાનનો બદલો લેશે, એમ જણાવ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન