You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતની સરહદે આવેલા આબુ પર બરફ જામી જાય એવી ઠંડી કેમ પડે છે?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાતીઓના મનપસંદ ફરવાનાં સ્થળોમાં રાજસ્થાનમાં આવેલું માઉન્ટ આબુ પણ છે. શિયાળામાં અહીં કેટલીક વાર ઠંડીને કારણે બરફ જામી જતો જોવા મળે છે.
કાર પર જામેલા બરફના ફોટો અને વીડિયો પણ લોકો સોશિયલ મીડિયામાં શૅર કરતા હોય છે.
ગુજરાતની સરહદે આવેલું માઉન્ટ આબુ રાજસ્થાનનું હિલસ્ટેશન છે.
ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનોને કારણે રાજસ્થાન અને ગુજરાતમાં કોલ્ડવેવની અસર જોવા મળતી હોય છે.
તાજેતરમાં માઉન્ટ આબુમાં તાપમાન ઘટતા ગાડીઓ તેમજ રસ્તાઓ પર બરફ જામી ગયેલો જોવા મળ્યો હતો.
ત્યારે સવાલ એ થાય કે ગુજરાતને અડીને આવેલા આબુમાં શિયાળા દરમિયાન બરફ કેમ જામી જાય છે.
આબુમાં તાપમાન કેટલું રહે છે?
શિયાળો આવે એટલે માઉન્ટ આબુના તાપમાનમાં સતત ઘટાડો થતો જોવા મળે છે. આ તાપમાનમાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે.
હવામાન વિભાગની વેબસાઇટ અનુસાર આબુમાં 12 ડિસેમ્બરના રોજ લઘુતમ તાપમાન 2.8 ડિગ્રી હતું, જે 13 અને 14 ડિસેમ્બરના દિવસે ઘટીને 1.4 ડિગ્રી થઈ ગયું હતું. જ્યારે 15 ડિસેમ્બરના રોજ તો તાપમાન ઘટીને 1.2 ડિગ્રીએ પહોંચ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
16 ડિસેમ્બરના રોજ તો તાપમાન 1 ડિગ્રી થઈ ગયું હતું. જોકે 17 તારીખે તાપમાન 2 ડિગ્રી જોવા મળ્યું હતું.
રાજસ્થાનમાં સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન સહિતનાં અન્ય રાજ્યોમાં 22 ડિસેમ્બર સુધી કોલ્ડવેવથી સીવિયર કોલ્ડવેવની આગાહી કરાયેલી છે.
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આબુમાં ક્યારેક તાપમાન માઇનસમાં પણ જતું રહે છે.
માઉન્ટ આબુમાં બરફ કેમ જામી જાય છે?
રાજસ્થાન હવામાન વિભાગના વિજ્ઞાની ડૉ. રાધેશ્યામ શર્માએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "માઉન્ટ આબુ હિલસ્ટેશન છે. જેમ જેમ સમુદ્ર લેવલથી ઊંચાઈ પર જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે. માઉન્ટ આબુ એલ્ટિટ્યુડ પર હોવાને કારણે તાપામાન નીચું રહેતું હોય છે."
બરફ કેમ જામી જાય છે તે અંગે સમજાવતા રાધેશ્યામ શર્માએ જણાવ્યું હતું કે "રાત્રીનું હવાનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું થઈ જાય ત્યારે રેડીએશન કૂલિંગને કારણે હવામાં સૂકા પવનોને કારણે ભેજ ઘટી જાય છે જેને કારણે સેચ્યુરેટ થઈને તે બરફમાં પરિવર્તિત થઈ જાય છે."
"સામાન્ય રીતે બરફ એવી વસ્તુઓ પર જામી જાય છે જે વસ્તુ કે જગ્યાનું હવાના સંપર્કમાં આવવાથી તાપમાન 0 ડિગ્રી જેટલું થઈ જાય. જેમ કે ગાડીના કાચ, ગાડીની સરફેસ, જમીન પરનું ઘાસ, બાઇકની સીટ જેવા ઓબ્જેક્ટ પર બરફ જામી જતો જોવા મળે છે, જે ગ્રાઉન્ડ ફ્રોસ્ટ તરીકે ઓળખાય છે. હવામાં ભેજ ન હોવાને કારણે ઝાકળ બનતું નથી જે ગ્રાઉન્ડ ફ્રોસ્ટમાં કન્વર્ટ થઈ જાય છે."
હવામાન નિષ્ણાતો શું કહે છે?
હવામાન નિષ્ણાત ડૉ. વ્યાસ પાંડે આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી સેવાનિવૃત્ત છે.
ડૉ. વ્યાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "ઉત્તર ભારતમાં બરફવર્ષા થાય તે પવનોને કારણે રાજસ્થાન-ગુજરાતમાં ઠંડી પડે છે. માઉન્ટ આબુ આ પવનોના રસ્તામાં આવે છે. બીજું એ કે માઉન્ટ આબુ ઊંચાઈ પર આવેલું છે. ઊંચાઈ પર તાપમાનમાં ઘટાડો થતો હોય છે."
"જમીન સપાટી પરથી દર એક કિલોમીટર ઊંચાઈએ 6.5 ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. માઉન્ટ આબુ ઊંચાઈ પર હોવાને કારણે આબુનું તાપમાન નીચું રહે છે અને ક્યારેક માઇનસમાં પણ જતું રહે છે."
સ્કાયમેટ વૈજ્ઞાનિક મહેશ પલાવતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે "સામાન્ય રીતે જેમ જેમ મેદાનની સપાટી કરતાં ઊંચાઈ પર જઈએ તેમ તેમ તાપમાનમાં ઘટાડો જોવા મળે છે. માઉન્ટ આબુ ઊંચાઈ પર આવેલું છે. જોકે માઉન્ટ આબુ જમ્મુ-કાશ્મીર જેટલી ઊંચાઈ પર આવેલું નથી, જેને કારણે આબુમાં બરફવર્ષા થતી નથી."
તેમણે વધુમાં જણાવ્યું કે "આબુમાં તાપમાન ઘટવાને કારણે રાત્રે ઝાકળ જામીને બરફ જઈ જાય છે. આ ઉપરાંત તાપમાન ઘટાવાને કારણે જ્યારે માઇનસમાં તાપમાન જાય ત્યારે ત્યાં નખી લેક વગેરે જળશયોની પાણીની ઉપરની બે ઇંચ જેટલી પરત જામીને બરફ થઈ જાય છે. જળાશયોમાં ઉપરની સપાટીનું પાણી ઠંડું હોય છે, જ્યારે જેમ જેમ ઊંડાઈમાં જાય તેમ તાપમાન 0 ડિગ્રી કરતાં વધારે હોય છે. જેથી માત્ર ઉપરની પરત જ જામે છે. જો તાપમાન માઇનસ 6 ડિગ્રી કે તેનાથી નીચું જાય ત્યારે જળાશયના ઊંડાઈમાં પાણી પણ જામવા લાગે છે. કાશ્મીરમાં માઇનસમાં ઠંડી પડતી હોવાને કારણે દાલ લેક આખું જામી જાય છે."
આબુમાં જામતા બરફ અંગે ડૉ. મનોજ લુણાગરિયાએ જણાવ્યુ હતું કે "રાત્રીમાં હવા ઠંડી થાય. હવામાં ભેજને કારણે કન્ડિશનેશન થાય એટલે તે પાણીના બુંદ ઝાકળ બની જાય. રાત્રીમાં તાપમાન ઘટવા લાગે છે. તાપમાન ઘટીને 0 ડિગ્રી કે તેના કરતાં વધારે ઘટવા લાગે ત્યારે તે બરફમાં રૂપાંતરિત થાય છે. મેટલ, ગ્લાસ જેવી સરફેસ પર પાણીની પરત જામી જાય. સવારે સૂરજ ન ઊગે ત્યાં સુધી રાત્રે તાપમાન ઘટતું જાય છે."
ગુજરાતમાં ઠંડી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "રાજસ્થાન અને પાકિસ્તાન તરફથી આવતા ઠંડા પવનોને કારણે ગુજરાતમાં કોલ્ડવેવ આવે છે. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડી પડે છે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં આગામી 22 તારીખ સુધી ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારે ફર્ક પડશે નહી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં એકાદ ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે."
આણંદ કૃષિ યુનિવર્સિટીના વડા ડૉ. મનોજ લુણાગરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે "ગુજરાતમાં ઊંચાઈ પર આવેલું નથી, જેને કારણે ગુજરાતમાં બરફ જામતો નથી. ગુજરાતમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધારે પડતી જોવા મળી છે. પરંતુ વિસ્તારો વધારે ઊંચાઈ પર આવેલા નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન