એશિયન ગેમ્સ : ભારતની કોના પર હશે નજર? રમતોત્સવ વિશેની મહત્ત્વની વાત જાણો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, VCG/GETTY IMAGES

    • લેેખક, અભયકુમારસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

ચીનના હાંગઝુમાં આગામી 23 સપ્ટેમ્બરથી આઠ ઑક્ટોબર દરમિયાન 19મી એશિયન ગેમ્સનું આયોજન થવાનું છે.

આ સ્પૉર્ટ્સ ઇવેન્ટ ગયા વર્ષે યોજાવાની હતી, પરંતુ કોવિડ-19ના વધતા કેસને કારણે તેને અનિશ્ચિત કાળ સુધી મોકૂફ રાખવામાં આવી હતી.

આ અગાઉ 1951થી 2018 દરમિયાન 18 વખત એશિયન ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ આ વખત ક્યા ખેલ અને ક્યા ખેલાડી પર બધાની નજર રહેશે તેની તમામ વાતો જાણી લો.

ગ્રે લાઇન

ક્યાં અને ક્યારથી શરૂ થશે?

23 સપ્ટેમ્બરથી આઠ ઑક્ટોબર દરમિયાન એશિયન ગેમ્સ જ્યાં યોજાવાની છે તેનું યજમાન શહેર હાંગઝુ છે. એ સિવાય બીજાં પાંચ શહેર નિગબો, વેનઝો, હૂ ઝો, શાઓશિંગ અને જિનહુઆને પણ સહ-યજમાન બનાવવામાં આવ્યાં છે.

કેટલા દેશો ભાગ લેશે?

હાંગઝુમાં કુલ 40 ખેલ યોજાશે. તેની 61 શાખાઓ મળીને કુલ 481 સ્પર્ધા યોજાશે.

આ ગેમ્સમાં ભારત, ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, ઈરાન અને ઇન્ડોનેશિયા સહિતના કુલ 45 દેશો ભાગ લેશે. આ માટે લગભગ 12,000 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

ગ્રે લાઇન

ભારતના કયા ખેલાડી ભાગ લેશે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, OCASIA.ORG

ભારત તરફથી કુલ 38 ગેમ્સમાં 634 ખેલાડીઓ ભાગ લેશે. ઍથ્લેટિક્સ ઇવેન્ટની ભારતીય ટીમ સૌથી મોટી છે. તેમાં આપણે કુલ 65 ખેલાડીને મોકલવાના છીએ.

મહિલા-પુરુષ ફૂટબૉલની ટીમ 44 ખેલાડીની છે. નૌકાયનમાં 33, શૂટિંગમાં 30 અને બૅડમિન્ટનમાં 19 ખેલાડીની ટીમ એશિયન ગેમ્સમાં ભાગ લેવાની છે.

ભારત તરફથી કોણ-કોણ ભાગ લેવાનું છે તે આ લિંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

બીબીસી ગુજરાતી

ભારતને જેમની પાસેથી ચંદ્રકોની આશા છે તે ગેમ્સ અને ખેલાડીઓ

18મી એશિયન ગેમ્સમાંના ભારતના પ્રદર્શનને અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન ગણવામાં આવે છે. ભારતે તેમાં કુલ 69 મેડલ મેળવ્યા હતા. તેમાં 15 ગોલ્ડ, 24 રજત અને 30 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે.

એશિયન ગેમ્સમાં 1951થી 2018 દરમિયાનના ભારતના પ્રદર્શનની વાત કરીએ તો ઍથ્લેટિક્સમાં ભારતીય ખેલાડીઓએ સૌથી વધુ 240 મેડલ મેળવ્યા છે.

આ ટીમનું નેતૃત્વ જેવેલિન થ્રોઅર નીરજ ચોપડા કરશે. તેમણે જકાર્તા એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

બીબીસી

આ ભારતીય ખેલાડીઓ પાસેથી મેડલ જીતવાની આશા

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઍથ્લેટિક્સ (ટ્રૅક ઍન્ડ ફીલ્ડ)માં નીરજ ચોપડા (પુરુષ જેવેલિન થ્રો), મુહમ્મદ અનસ યહિયા (4x400 મીટર મિક્સ્ડ રિલે, પુરુષ 400 મીટર, પુરુષ 4x400 મીટર રિલે), જ્યોતિ યારાજી (મહિલા 100 મીટર હર્ડલ્સ, મહિલા 200 મીટર), મનપ્રીતકોર (મહિલા શોટ પૂટ) અને શૈલીસિંહ (મહિલા લૉંગ જમ્પ)નો સમાવેશ થાય છે.

બૅડમિન્ટનમાં કિદાંબી શ્રીકાંત (પુરુષ સિંગલ્સ), લક્ષ્યા સેન (પુરુષ સિંગલ્સ), પીવી સિંધુ (મહિલા સિંગલ્સ), ગાયત્રી ગોપીચંદ (મહિલા ડબલ્સ), એચએસ પ્રણોય (પુરુષ સિંગલ્સ) અને ત્રીસા જોલી (મહિલા ડબલ્સ)નો સમાવેશ થાય છે.

મુક્કાબાજીમાં નીખત ઝરીન (મહિલા 50 કિલોગ્રામ), પ્રીતિ પવાર (મહિલા 54 કિલોગ્રામ), પરવીન હૂડા (મહિલા 57 કિલોગ્રામ), જેસ્મીન લમ્બોરિયા (મહિલા 60 કિલોગ્રામ) અને લવલીના બોરગોહાઈ (મહિલા 75 કિલોગ્રામ)નો સમાવેશ થાય છે.

ચેસમાં પ્રજ્ઞાનાનંદ (પુરુષ), કોનેરુ હમ્પી (મહિલા), હરિકા દ્રોણવલ્લી (મહિલા), વૈશાલી રમેશબાબુ (મહિલા), ગુકેશ ડી (પુરુષ) અને વિદિત ગુજરાતી (પુરુષ)નો સમાવેશ થાય છે.

ફેન્સિંગમાં એકમાત્ર ભવાની દેવી છે, જ્યારે ગોલ્ફમાં અદિતિ અશોક (મહિલા), સ્ક્વોશમાં જોશના ચિનપ્પા (મહિલા), દીપિકા પલ્લીકલ (મહિલા) તથા અનાહતસિંહ (મહિલા)નો સમાવેશ થાય છે.

વેઇટ લિફ્ટિંગમાં એકમાત્ર મીરાબાઈ ચનુ (મહિલા 49 કિલોગ્રામ) છે, પરંતુ શૂટિંગમાં મનુ ભાકર (મહિલા 25 મીટર સ્પૉર્ટ્સ પિસ્ટલ), રિદ્ધિમ સાંગવાન (મહિલા 25 મીટર સ્પૉર્ટ્સ પિસ્ટલ) અને સિફ્ટકોર સમરા (મહિલા 50 મીટર રાઇફલ 3-પૉઝિશન)નો સમાવેશ થાય છે.

કુસ્તીમાં અંતિમ પંઘાલ (મહિલા 53 કિલોગ્રામ), બજરંગ પુનિયા (પુરુષ 65 કિલોગ્રામ) અને દીપક પુનિયાનો સમાવેશ થાય છે.

ટેબલ ટેનિસમાં શરત કમલ (પુરુષ સિંગલ્સ, ડબલ્સ), જી સત્યન (પુરુષ સિંગલ્સ, ડબલ્સ, મિક્સ્ડ ડબલ્સ) અને મનિકા બત્રા (મહિલા સિંગલ્સ, મિક્સ્ડ ડબલ્સ)નો સમાવેશ થાય છે.

તીરંદાજીમાં અતનુ દાસ, અદિતિ ગોપીચંદ સ્વામી અને પરનીતકોરનો સમાવેશ થાય છે.

હોકી, ક્રિકેટ, ફૂટબૉલ અને કબડ્ડીની ભારતીય ટીમો પાસેથી પણ મેડલની આશા છે.

બીબીસી ગુજરાતી

એશિયન ગેમ્સ-2023માં ક્રિકેટ વિશેની મહત્ત્વની વાતો

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, VCG

એશિયન ગેમ્સમાં ક્રિકેટ ટી20 ફોર્મેટમાં રમાશે. ભારતે પુરુષ અને મહિલા બન્ને ટીમને મોકલવાનો નિર્ણય પહેલીવાર કર્યો છે. એશિયન ગેમ્સમાં રમાનારી મૅચોને આંતરરાષ્ટ્રીય મૅચનો દરજ્જો આપવાનો નિર્ણય આ વખતે આઇસીસીએ કર્યો છે.

મહિલા તથા પુરુષ બન્ને ટીમ માટે 20-20 ખેલાડીઓની ટીમ મોકલવામાં આવશે. પાંચ-પાંચ ખેલાડી સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવશે.

પુરુષ ટીમોની મૅચો 28 સપ્ટેમ્બરથી શરૂ થશે અને સાતમી ઑક્ટોબરે ફાઇનલ રમાશે.

મહિલા ટીમોની મૅચો 19થી 28 સપ્ટેમ્બર સુધી ઝેજિયાંગ યુનિવર્સિટી ઑફ ટેકનૉલૉજી ક્રિકેટ ફિલ્ડમાં રમાશે.

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમમાં કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુસિંહ, રાહુલ ત્રિપાઠી, વિકેટકીપર જિતેશ શર્મા, વૉશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, આવેશ ખાન, અર્શદીપસિંહ, રવિ બિશ્નોઈ, મુકેશકુમાર, શિવમ માવી, શિવમ દુબે અને વિકેટકીપર પ્રભસિમરનસિંહનો સમાવેશ થાય છે.

સ્ટેન્ડબાય ખેલાડીઓમાં યશ ઠાકુર, વેંકટેશ ઐયર, દીપક હુડા, સાઈ કિશોર અને સાઈ સુદર્શનનો સમાવેશ થાય છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં કૅપ્ટન હરમનપ્રીતકોર, વાઇસ કૅપ્ટન સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, જેમિમા રોડ્રિગ્ઝ, અમનજોતકોર, વિકેટકીપર ઋચા ઘોષ, અંજલિ સરવાની, દેવિકા વૈદ્ય, રાજેશ્વરી ગાયકવાડ, મિન્નુ મણિ, કનિકા આહુજા, તિતાસ સાધુ, અનુષા બારેડ્ડી અને વિકેટકીપર ઉમા છેત્રીનો સમાવેશ થાય છે.

સ્ટેન્ડબાય ખેલાડીઓમાં કાશવી ગૌતમ, સ્નેહ રાણા, હરલીન દેઓલ, પૂજા વસ્ત્રાકર અને સૈકા ઇશાકનો સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી

એશિયન ગેમ્સમાં ક્યા દેશ ટોચ પર રહે છે?

સૌપ્રથમ એશિયન ગેમ્સનું આયોજન 1951માં નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. તે ગેમ્સ વાસ્તવમાં 1950માં યોજવાની હતી, પરંતુ તૈયારીમાં થયેલા વિલંબને લીધે તેને 1951માં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જાપાનને લંડનમાં 1948માં યોજાયેલી ઑલિમ્પિક્સમાં ભાગ લેવા દેવાયો ન હતો અને એશિયન ખેલ મહાસંઘની સંસ્થાપક બેઠકમાં પણ તે સામેલ થયું ન હતું, પરંતુ તેને એશિયન ગેમ્સમાં ભાગ લેવાની પરવાનગી આપવામાં આવી હતી.

પહેલી એશિયન ગેમ્સમાં સૌથી વધુ ચંદ્રકો જીતવાની બાબતમાં જાપાન મોખરે રહ્યું હતું. અત્યાર સુધીની એશિયન ગેમ્સમાં જાપાન તથા ચીન જ ટોચ પર રહ્યાં છે. સૌથી વધુ ચંદ્રકો જીતેલા પાંચ દેશોમાં ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, ઈરાન અને ભારતનો સમાવેશ થાય છે.

બીબીસી ગુજરાતી

1951થી અત્યાર સુધી ભારતનું પ્રદર્શન

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, OLYMPIC COUNCIL OF INDIA ARCHIVES

નવી દિલ્હી (ભારત) – 1951ની સૌપ્રથમ એશિયન ગેમ્સમાં ચંદ્રક વિજેતાઓની યાદી(મેડલ ટેલી)માં ભારત બીજા ક્રમે રહ્યું હતું. ભારતે 15 ગોલ્ડ અને 16 સિલ્વર મળીને કુલ 31 મેડલ મેળવ્યા હતા. એ ભારતની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ રૅન્કિંગ છે.

મનીલા (ફિલીપિન્સ) – બીજી એશિયન ગેમ્સની મેડલ ટેલીમાં ભારત પાંચમા સ્થાને રહ્યું હતું. ભારતે પાંચ ગોલ્ડ, ચાર સિલ્વર અને આઠ બ્રોન્ઝ મળીને કુલ 17 મેડલ મેળવ્યા હતા.

ટોક્યો (જાપાન) – ત્રીજી એશિયન ગેમ્સમાં ભારત સાતમા સ્થાને રહ્યું હતું. ભારતે પાંચ ગોલ્ડ, ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝ મળીને કુલ 13 મેડલ્સ મેળવ્યા હતા.

જકાર્તા (ઇન્ડોનેશિયા) – ચોથી એશિયન ગેમ્સમાં ભારતે દસ ગોલ્ડ, 13 સિલ્વર અને દસ બ્રોન્ઝ મળીને કુલ 33 મેડલ્સ મેળવ્યા હતા.

બેંગકોક (થાઇલૅન્ડ) – પાંચમી એશિયન ગેમ્સમાં ભારતે સાત ગોલ્ડ, ત્રણ સિલ્વર અને 11 બ્રોન્ઝ મેળવ્યા હતા. ભારત પાંચમા સ્થાને રહ્યું હતું.

બેંગકોક (થાઇલૅન્ડ) – છઠ્ઠી એશિયન ગેમ્સ બેંગકોકમાં જ યોજાઈ હતી. તેમાં ભારતે છ ગોલ્ડ, નવ સિલ્વર અને દસ બ્રોન્ઝ મળીને કુલ 25 મેડલ્સ મેળવ્યા હતા.

તહેરાન (ઇરાન) – સાતમી એશિયન ગેમ્સમાં ભારતને સાતમું સ્થાન મળ્યું હતું. ભારતે ચાર ગોલ્ડ, 12 સિલ્વર અને 12 બ્રોન્ઝ મળીને કુલ 28 મેડલ મેળવ્યા હતા.

બેંગકોક (થાઇલૅન્ડ) – આ એશિયન ગેમ્સમાં ભારતે મેળવેલા 26 મેડલ્સમાં દસ ગોલ્ડ, 11 સિલ્વર અને પાંચ બ્રોન્ઝનો સમાવેશ થાય છે.

નવી દિલ્હી (ભારત) – નવમી એશિયન ગેમ્સમાં ભારતે પાંચ ગોલ્ડ, નવ સિલ્વર અને 22 બ્રોન્ઝ મળીને કુલ 37 મેડલ મેળવ્યા હતા.

બીજિંગ (ચીન) – 11મી એશિયન ગેમ્સમાં ભારત 12મા સ્થાને રહ્યું હતું. ભારતને માત્ર એક ગોલ્ડ, આઠ સિલ્વર અને 14 બ્રોન્ઝ સહિત કુલ 23 મેડલ મળ્યા હતા.

હિરોશીમા (જાપાન) – 12મી એશિયન ગેમ્સમાં ભારતને સાત ગોલ્ડ, 11 સિલ્વર અને 17 બ્રોન્ઝ સહિત કુલ 35 મેડલ મળ્યા હતા. ભારત નવમા સ્થાને રહ્યું હતું.

બુસાન (દક્ષિણ કોરિયા) – 14મી એશિયન ગેમ્સમાં ભારત સાતમા સ્થાને રહ્યું હતું. ભારતને 11 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત કુલ 36 મેડલ મળ્યા હતા.

દોહા (કતાર) – 15મી એશિયન ગેમ્સમાં ભારતને 14 ગોલ્ડ, 17 સિલ્વર અને 34 બ્રોન્ઝ સહિત કુલ 65 મેડલ્સ મળ્યા હતા. આ એશિયન ગેમ્સમાં ક્રિકેટની શરૂઆત થઈ હતી, પરંતુ ભારત તેનાથી દૂર રહ્યું હતું.

ઈંચિયોન (દક્ષિણ કોરિયા) – આ એશિયન ગેમ્સમાં ભારતે કુલ 57 મેડલ મેળવ્યા હતા. તેમાં 11 ગોલ્ડ, દસ સિલ્વર અને 36 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ભારત આઠમા સ્થાને રહ્યું હતું.

જકાર્તા (ઇન્ડોનેશિયા) – 18મી એશિયન ગેમ્સમાં ભારતે 15 ગોલ્ડ, 24 સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ સહિત કુલ 69 મેડલ્સ મેળવ્યા હતા. એશિયન ગેમ્સમાં 1951 પછી એ ભારતનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. એ ગેમ્સમાં પણ ભારત આઠમા સ્થાને રહ્યું હતું.

રેડ લાઇન
રેડ લાઇન