You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સોહનાની જામા મસ્જિદ પર હુમલો થયો અને ઇમામના પરિવારને શીખોએ બચાવ્યો
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા, સોહનાથી
- બજરંગદળે હરિયાણાના નૂહમાં 31 જુલાઈએ એક ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું.
- યાત્રામાં બજરંગદળના કાર્યકરો તથા શ્રદ્ધાળુઓએ હજારોની સંખ્યામાં ભાગ લીધો હતો.
- યાત્રા નૂહના મંદિરથી આગળ વધી ત્યારે પથ્થરમારો શરૂ થયો હતો અને જોતજોતામાં આગચંપી શરૂ થઈ ગઈ હતી.
- ભીડે શહેરના માર્ગો અને મંદિરોની બહાર ગોળીબાર પણ કર્યો હતો.
- લોકો મોટી સંખ્યામાં મંદિરમાં ફસાઈ ગયા હતા. તેમને સાંજે વહીવટીતંત્રની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
- નૂહથી શરૂ થયેલી હિંસાને લીધે સર્જાયેલી તંગદિલી મોડી સાંજ સુધીમાં હરિયાણાના સોહના અને ગુરુગ્રામ સુધી ફેલાઈ હતી.
- હિંસામાં અત્યાર સુધીમાં છ લોકો મૃત્યુ પામ્યા છે. તેમાં બે હોમગાર્ડનો પણ સમાવેશ થાય છે.
- નૂહની હિંસાની પ્રતિક્રિયામાં મુસલમાનોના અનેક સ્થળો તથા મસ્જિદો પર હુમલા કરવામાં આવ્યા છે.
- પોલીસે અનેક લોકોની ધરપકડ કરી છે અને નૂહના અનેક વિસ્તારોમાં બુલડોઝરથી અનેક ઇમારત તોડી પાડવામાં આવી છે.
- જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, અહીં આઠ ઑગસ્ટ સુધી ઇન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
હરિયાણાના નૂહમાં 31 જુલાઈએ સાંપ્રદાયિક હિંસા પછી આસપાસના વિસ્તારોમાં તણાવ હતો. અહીંથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલા સોહનામાં પણ પરિસ્થિતી તંગદિલીભરી હતી.
શહેરની સૌથી મોટી અને આ વિસ્તારની સૌથી જૂની મસ્જિદો પૈકીની એક શાહી જામા મસ્જિદના ઇમામ કલીમ કાશફીને કશુંક થવાનો અંદેશો તો હતો જ, પરંતુ તે વિસ્તારમાં તેમનો પરિવાર દાયકાઓથી રહે છે ત્યાં તેમને કશું થાય એવું માનવા તેમનું દિલ તૈયાર ન હતું.
નૂહમાં બનેલી ઘટનાઓ પછી કલીમ કાશફી સતર્ક હતા. આસપાસના લોકોએ તેમને થોડા દિવસ સલામત સ્થળે ચાલ્યા જવાની સલાહ આપી હતી, પરંતુ પહેલી ઑગસ્ટે સોહનામાં અલગ-અલગ ધર્મોના નેતાઓ તથા પોલીસની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અને એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે શહેરમાં ભાઈચારો જાળવી રાખવા માટે સાથે મળીને કામ કરવું પડશે.
એ બેઠકમાં ઉપસ્થિત રહેલા સ્થાનિક નગરસેવિકાના પતિ ગુરવચનસિંહે બેઠક પહેલાં જ ઇમામ કલીમ કાશફીને ચેતવણી આપી હતી કે તેમણે તેમના પરિવારને સલામત સ્થળે મોકલી દેવો જોઈએ. બેઠક પછી એમણે જ કલીમ કાશફીને કહ્યું હતું, “પરિસ્થિતિ સુધરી રહી હોવાના સંકેત હવે મળી રહ્યા છે.”
ભીડે મસ્જિદ પર હુમલો કર્યો
શાહી મસ્જિદ પરિસરના એક હિસ્સામાં ઇમામ અને તેમના ભાઈઓ પરિવાર સાથે રહે છે.
નૂહની ઘટનાઓ પછી મસ્જિદની સલામતી માટે પોલીસ તહેનાત કરવામાં આવી હતી.
કલીમ કાશફી કહે છે, “વહીવટીતંત્ર અને આજુબાજુના લોકોએ અમને ખાતરી આપી હતી. પોલીસ પણ હાજર હતી. તેથી ડર હોવા છતાં અમે પરિવાર સહિત અહીં રોકાયેલા રહ્યા હતા.”
સોહનામાં મુસ્લિમોની મર્યાદિત વસ્તી છે. શાહી જામા મસ્જિદની આસપાસ મુસ્લિમોનાં કેટલાંક ઘર છે. મસ્જિદના ઇમામના સંયુક્ત પરિવારના લગભગ 40 લોકો સિવાય અહીં મુસ્લિમોની એક-બે દુકાનો જ આવેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શાહી જામા મસ્જિદનો સાચો ઇતિહાસ તો મળતો નથી, પરંતુ ઇમારત જોઈને લાગે છે કે આ મસ્જિદ સદીઓ પુરાણી છે.
અમામ કલીમ કાશફીના જણાવ્યા મુજબ, આ મસ્જિદનું નિર્માણ અલાઉદ્દીન ખીલજીના આદેશને પગલે કરવામાં આવ્યું હતું.
ત્રણ મોટા ગુંબજવાળી આ મસ્જિદનું નિર્માણ ઊંચાણવાળા વિસ્તારમાં કરવામાં આવ્યું છે. તેની એક બાજુ બાર થાંભલાવાળો વિશાળ ગુંબજ છે અને તેની બાજુમાં મકબરા જેવી એક ઇમારત છે, જેમાં હવે ઇમામ અને તેમના પરિવારજનો રહે છે.
મંગળવારે બપોરે લગભગ એક વાગ્યે ઇમામ કાશફીને માહિતી મળવા લાગી હતી કે મસ્જિદ પર હુમલો થઈ શકે છે.
તેમણે તેમના પરિવારજનોને ઓરડામાં બંધ કરી દીધા હતા.
બપોરે એક વાગ્યે કેટલાક યુવાનોએ મસ્જિદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને તગેડી મૂક્યા હતા.
કલીમ કાશફી કહે છે, “બે-ત્રણ યુવાન મસ્જિદની દીવાલ કૂદીને અંદર આવ્યા ત્યારે પોલીસે તેમને ભગાડી મૂક્યા હતા. અમે તત્કાળ સ્થાનિક પોલીસને તેની જાણ કરી હતી. સ્ટેશન હાઉસ ઑફિસર તત્કાળ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા અને મસ્જિદ પર હુમલો કરવા આવેલા યુવાનોના નાના જૂથને ભગાડી મૂક્યું હતું, પરંતુ થોડી મિનિટો પછી એક મોટા ટોળાએ બીજી તરફથી મસ્જિદ પર હુમલો કર્યો હતો. પોલીસ તેમની સામે લાચાર થઈ ગઈ હતી.”
યુવાનોની ભીડ આગળ વધતી હતી ત્યારે કાશફીના ભત્રીજા સાદિક મસ્જિદ પરિસરમાં જ હાજર હતા. ભીડને જોતાંની સાથે જ તેમણે રહેણાક તરફનો દરવાજો બંધ કરી દીધો હતો. હુમલો કરી રહેલી ભીડને તેઓ તેમના રસોડાની જાળીમાંથી નિહાળી શકતા હતા.
સાદિક કહે છે, “અમને પરિવારની સ્ત્રીઓ તથા બાળકોની ચિંતા હતી. અંદરથી દરવાજો બંધ કરીને અમે તેમને ગુંબજ પર ચડાવી દીધા હતા, જેથી હુમલાખોરો તેમને જોઈ ન શકે. અમે બહારથી તાળું લગાવી દીધું હતું, જેથી ભીડને એવું લાગે કે અંદર કોઈ નથી.”
સાદિકે ઘરના બારીમાંથી મસ્જિદ પર હુમલાનો એક નાનો વીડિયો પણ બનાવ્યો હતો. એ વીડિયોમાં હાથમાં હથિયાર લઈને હુમલાખોરો મસ્જિદમાં તોડફોડ કરતા દેખાય છે.
આ દરમિયાન મસ્જિદમાં ઇમામ તથા તેમનો પરિવાર ફસાયેલો હોવાની જાણ ગુરવચનસિંહને થઈ હતી. તેમણે તરત જ આસપાસના યુવાનોને એકઠા કર્યા હતા અને મસ્જિદની તરફ આગળ વધ્યા હતા.
‘જીવ બચાવવો અમારું સૌથી મોટું કર્તવ્ય છે’
ગુરવચન કહે છે, “સ્થાનિક પોલીસ હુલ્લડખોરોને ખદેડવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેમની સંખ્યા ઓછી હતી. અમને આગળ વધતા જોઈને પોલીસની હિંમત પણ વધી. અમે મસ્જિદમાં દાખલ થયા ત્યાં સુધીમાં હુલ્લડખોરો ફરાર થઈ ગયા હતા.”
ગુરવચનના કહેવા મુજબ, “અમે પોલીસ સાથે મળીને ઇમામ તથા તેમના પરિવારજનોને ઉગાર્યા હતા અને તેમને સલામત સ્થળે પહોંચાડ્યા હતા. અમે ઇમામસાહેબને કહેલું કે તેઓ અમારી સાથે રહેવા ઇચ્છતા હોય તો રહી શકે છે.”
એ સમયે તમને ડર લાગતો હતો કે નહીં, એવા સવાલના જવાબમાં ગુરવચનસિંહ કહે છે, “અમને તો એટલી જ ખબર હતી કે જીવ બચાવવો અમારું સૌથી મોટું કર્તવ્ય છે. અમે ઇમામ તથા તેમના પરિવારને બાળપણથી જાણીએ છીએ. અમે તો અમારા ધર્મનું પાલન કરી રહ્યા હતા.”
મસ્જિદથી લગભગ 200 મીટર દૂર મોટા પ્રમાણમાં શીખો રહે છે. ત્યાં આશરે 300 શીખ પરિવાર અને એક મોટું ગુરુદ્વારા છે.
એક શીખ સજ્જને પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું, “અહીંના શીખો મુસલમાન ભાઈઓની મદદ કરવા પહોંચ્યા હતા, કારણ કે તેઓ ફસાયેલા હતા. તેમનો ધર્મ શું છે તે મહત્ત્વનું નથી. તેમનો જીવ બચાવવાનું મહત્ત્વનું હતું.”
આ ઘટનાક્રમની સાખ પૂરતાં સાદિક કહે છે, “પોલીસ હુલ્લડખોરોને ખદેડી રહી હતી ત્યારે આજુબાજુ રહેતા શીખો અહીં આવ્યા હતા, અમારાં ખબરઅંતર પૂછ્યાં હતાં અને કહ્યું હતું કે કોઈને ઈજા તો નથી થઈને? તેમણે કહ્યું હતું કે તમારે ક્યાંય જવું હોય તો તેમનાં વાહનો હાજર છે, પરંતુ પછી વહીવટીતંત્રે બસની વ્યવસ્થા કરી એટલે પોલીસ સાથે મળીને અમે પરિવારજનોને સલામત સ્થળે મૂકી આવ્યા.”
ઇમામ કલીમ કાશફી કહે છે, “અમને ખાતરી હતી કે અમારા પાડોશીઓ અમારી સાથે છે. હુમલા વખતે શીખ ભાઈઓ અહીં આવ્યા હતા. પાડોશમાં સૈની હૉસ્પિટલ છે. ત્યાંથી પણ લોકો આવ્યા અને અમારાં ખબરઅંતર પૂછ્યાં હતાં.”
કલીમ કાશફી ઉમેરે છે, “અમારો પરિવાર છેલ્લાં 50 વર્ષથી અહીં રહે છે. 1947ના વિભાજન બાદ મસ્જિદ બંધ પડી હતી. અમારા દાદાએ અહીં આવીને તાળું ખોલ્યું હતું અને મસ્જિદને આબાદ કરી હતી. 1992માં હુલ્લડ થયું હતું, પરંતુ અહીં કશું થયું ન હતું. કોણ જાણે કેટલી વખત પરિસ્થિતિ તંગ થઈ હશે, પરંતુ મસ્જિદ પર ક્યારેય હુમલો થયો ન હતો.”
આ વખતે હુમલા દરમિયાન હુલ્લડખોરોએ મસ્જિદ પાસે ઊભેલી કાર અને અન્ય વાહનોમાં તોડફોડ કરી હતી. મસ્જિદમાં રાખવામાં આવેલાં વૉટર કૂલર અને પંખા પણ તોડી નાખવામાં આવ્યાં હતાં. મસ્જિદને હુમલા પછી સાફ કરી નાખવામાં આવી છે, પરંતુ હુમલાનાં નિશાન ચારે તરફ જોવાં મળે છે.
મિંબર એટલે કે ઇમામ જે સ્થળે ઊભા રહીને ખુત્બા આપતા હોય છે તેને પણ તોડી નાખવામાં આવ્યો છે. ઇલેક્ટ્રિક સ્વીચ બોર્ડ ઉખેડી નાખવામાં આવ્યાં છે. મજબૂત દરવાજા પણ હલબલી ગયા છે. મસ્જિદમાં રાખવામાં આવેલી ઘડિયાળ તેના પર દંડો મારવામાં આવ્યો ત્યારથી બંધ છે. તેમાં હજુ પણ દોઢ વાગ્યાનો સમય દેખાય છે.
‘પોલીસે ગોળીબાર કર્યો હોત તો...’
સાદિક કહે છે, “હુમલાખોરો જે કરી શકતા હતા એ તેમણે કર્યું. અમારા ઘરની સ્ત્રીઓ ફસાયેલી હતી. બધાના શ્વાસ અટકેલા હતા. હુમલાખોરોને ખબર હોત કે અમે અંદર જ છીએ તો તેમણે દરવાજા તોડવાનો પ્રયાસ પણ કર્યો હોત.”
સાદિક એક ખાનગી કંપનીમાં કામ કરે છે અને હિંસા પછી ઑફિસે જઈ શકતા નથી. તેઓ ઘરેથી જ ઑફિસનું કામ કરે છે.
સાદિક કહે છે, “આ હુમલાથી જે આર્થિક નુકસાન થયું છે તેની ભરપાઈ તો થઈ જશે, પરંતુ અમારા મનમાં જે ઉઝરડા પડ્યા છે તેને ભૂંસી નાખવાનું સરળ નથી.”
સાદિકના ફોઈના પુત્ર સુહૈલ પણ આ પરિસરમાં જ રહે છે અને ગુરુગ્રામમાં નોકરી કરે છે. હુમલો થયો ત્યારે સુહૈલ અહીં હાજર હતા. તેઓ પણ આજકાલ વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છે.
સુહૈલ કહે છે, “આ ઘટનાને ભૂલવાનું અમારા માટે આસાન નહીં હોય. પોલીસે ગોળીબાર કર્યો હોત તો અહીં કંઈ પણ થયું હોત. મારા અનેક મુસલમાન દોસ્તો હવે ગુરુગ્રામથી પાછા ચાલ્યા ગયા છે.”
જામા મસ્જિદમાં હાલ પોલીસ તહેનાત છે. હવે અહીં તણાવપૂર્ણ શાંતિ છે.
ઇમામના પરિવારની મહિલાઓએ અહીંથી આઠ કિલોમીટર દૂર એક ગામમાં આશરો લીધો છે. તેઓ એક શિક્ષણ સંસ્થાના પરિસરમાં રહે છે.
કલીમ કાશફી કહે છે, “અમે શક્ય તેટલા વહેલા અમારા પરિવાર સાથે ઘરે પાછા ફરવા ઇચ્છીએ છીએ.”
સવાલ એ છે કે તેમના દિલમાંથી ડર નીકળી જશે?
કલીમ કાશફી કહે છે, “આ હુમલો અમારી કલ્પના બહારની વાત છે. આંખની સામે મોત જોયું હોય તો ડર તો લાગે જ, પરંતુ અમે મસ્જિદ છોડીને ક્યાં જઈએ અને આ વારસો કોના ભરોસે છોડીએ?”
આ હુમલા સંબંધે ગુરુગ્રામ પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. સોહનાના એસીપી નવીનસિંધુ કહે છે, “અમે હાલ તપાસ કરી રહ્યા છીએ. તપાસ પછી કાર્યવાહી થશે.”