‘મારા બાળકને પણ લશ્કરમાં જ મોકલીશ’, કાશ્મીરમાં લડતાં જીવ આપનારા જવાનનાં પત્ની

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"દોઢ મહિના પહેલાં મારા સીમંતમાં લશ્કરમાંથી રજા લઈને આવેલા મારા પતિએ અને મેં નક્કી કર્યું હતું કે દીકરો આવે કે દીકરી આપણે તેને દેશની સેવા કરવા માટે લશ્કરમાં જ મોકલીશું." આ શબ્દો કુલગામમાં ઉગ્રવાદીઓ સામે થયેલા ઘર્ષણમાં પોતાનો જીવ આપી દેનારા મહિપાલસિંહ વાળાનાં પત્ની વર્ષાબા વાળાનાં છે.

મૂળીનાં નુરીકર ગામનાં વર્ષાબાનું સપનું હતું કે તેમના લગ્ન સૈન્યમાં કામ કરનાર જવાન સાથે જ થાય.

એમનું એ સપનું પૂર્ણ થયું અને અમદાવાદમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના મહિપાલસિંહ વાળા સાથે તેમનાં લગ્ન થયાં. સુખી દામ્પત્યજીવનનાં બે વર્ષ બાદ વર્ષાબા ગર્ભવતી થયાં. પરંતુ સંતાનને આવકારવા માટે જોવાતી રાહ અને તેનો હરખ અણધાર્યા આઘાત અને શોકમાં ફેરવાઈ ગયો જ્યારે પરિવારને મહિપાલસિંહના અવસાનના સમાચાર મળ્યા.

સામાન્ય સંજોગોમાં રાજપૂત સમાજના નિયમ પ્રમાણે ઘરની મહિલાઓ અન્ય પુરુષ સાથે વાત કરતી નથી.

મહિપાલસિંહના બહેન તેજલબાની મદદથી બીબીસીએ પતિના નિધનનાં આઘાતમાં ગરકાવ થઈ ગયેલાં વર્ષાબા સાથે વાત કરી.

મેં એમને કહ્યું પણ હતું કે ઈશ્વરની કૃપાથી ફતેહ કરીને આવજો.

વર્ષાબા કહે છે, ‘તેઓ (મહિપાલસિંહ) વર્ષમાં ત્રણવાર રજા મળે ત્યારે આવતા હતા. એ રજામાં અહીં આવે એટલે હું સ્વર્ગમાં વિહરતી હોઉં એવાં દિવસો લાગતા. અમે બંને સાથે ફરવા જતાં અને એ લશ્કરની વાતો કરતા.’

‘એમને જયારે જાણ થઈ કે હું બાળક ને જન્મ આપવાની છું ત્યારે તેમના આનંદનો પાર નહોતો. એ રોજ મને સમય મળે ત્યારે વીડિયો કૉલ પણ કરતા.'

'તેઓ બાળક અને મારા સ્વાસ્થ્યની ચિંતા કરતા અને સતત ડૉક્ટરનાં સંપર્કમાં પણ રહેતા હતા. જયારે એમનું પૉસ્ટિંગ ઇન્ટરનેટ ન હોય એવી જગ્યાએ થયું હોય ત્યારે જ એમનો વીડિયો કૉલ આવતો ન હતો.'

‘એ કુલગામ ગયા ત્યારે એમનો વીડિયો કૉલ આવ્યો હતો કે એ કોઈ મોટા ઑપરેશનમાં જઈ રહ્યા છે પણ લશ્કરનાં નિયમ મુજબ એમણે મને કહ્યું નહોતું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે.’

વર્ષાબાએ કહ્યં, 'ડૉક્ટરે મને એવું કહ્યું હતું કે, આવનારા બે-પાંચ દિવસમાં બાળકનો જન્મ થશે. મને પણ પ્રસવ પીડાની શરૂઆત હતી એટલે હું દવાખાનામાં દાખલ થવાની હતી.’

‘મેં એમને કહ્યું પણ હતું કે ઈશ્વરની કૃપાથી ફતેહ કરીને આવજો. તેમનો સામે જવાબ આવ્યો કે ફતેહ તો હું કરીશ, પરંતુ આપણે દીકરો હોય કે દીકરી તેને ભારતીય સેનામાં જ દાખલ કરવાના છે.’

આટલી વાત કરતાં વર્ષાબાનાં ગળામાં ડૂમો ભરાઈ ગયો. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે ફરીથી હૉસ્પિટલ જવાનો ઇન્કાર કર્યો. વર્ષાબા પતિની યાદ અને ફોટા જોઈ લાગણીસભર થઈ જાય છે.

પરંતુ તરત જ તેમણે અવાજમાં એક અજબ રણકાર સાથે કહ્યું, 'મારા બાળકને પણ હું લશ્કરમાં જ મોકલીશ.’

સોસાયટી અને ગામ શોકમાં ગરકાવ

એમની અસ્વસ્થ તબિયતને જોતાં અમે એમના રૂમમાંથી બહાર નીકળ્યા ત્યારે દરવાજા પાસે વર્ષાબાનાં અચાનક ડૂસકાં સંભળાવાં લાગ્યાં. કદાચ એમણે પોતાના આંસું રોકી રાખ્યાં હતાં.

જોકે, શોકનો આ માહોલ માત્ર મહિપાલસિંહ વાળાના ઘરનો નથી. તેઓ જ્યાં રહે છે એ અમદાવાદનાં વિરાટનગરમાં આવેલી સદાશિવ સોસાયટીના ઘરોમાં પણ આવો જ શોક વર્તાય છે.

જયારે બીબીસીએ મહિપાલસિંહ સાથે રહેલા એમની સોસાયટીનાં મિત્ર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે માત્ર હાથ જોડી કશું જ ન પૂછવા માટે વિનંતી કરી અને આંખના ભીના થતાં ખૂણા સાફ કરતાં જોવા મળ્યા હતા.

સોસાયટીમાં નીરવ શાંતિ હતી. અમે ગયા ત્યારે અહીંથી શિસ્તભેર મહિપાલસિંહને શ્રદ્ધાંજલિ આપી સ્કૂલનાં બાળકો એક કતારમાં બહાર નીકળી રહ્યાં હતાં.

'આ શહાદતે અમારા ખાનદાનનું નામ ઊંચું કર્યું'

ખુરશી પર બેસેલા વડીલને લોકો વારંવાર કશુંક ખાઈ લેવા માટે આગ્રહ કરતા હતા. આ વડીલ મહિપાલસિંહ વાળાના મોટા કાકા બળવંતસિંહ વાળા હતા. બીબીસીએ તેમની સાથે વાત કરી.

એમણે કહ્યું, "આખીય સોસાયટી અને અમારા સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકાનાં મુજીધર ગામમાં કોઈએ બે દિવસથી અન્નનો દાણો પણ મોઢામાં નથી મૂક્યો. અરે આ સોસાયટીમાં પણ કોઈનાં ઘરે ચૂલો સળગ્યો નથી ત્યારે હું અન્નનો દાણો કેવી રીતે મોઢામાં મૂકી શકું?"

"મારો નાનો ભાઈ પ્રવીણસિંહ 2012માં જ દુનિયા છોડીને જતો રહ્યો. એ પછી આ બે દીકરાઓનું ધ્યાન મેં રાખ્યું છે. નાના મહિપાલનો જન્મ 15 ઑગસ્ટનાં દિવસે થયો હતો. મારા ભાઈ પ્રવીણસિંહની ઇચ્છા હતી કે એ લશ્કરમાં જોડાય. મારો ભત્રીજો એના પિતાનું સપનું પૂરું કરવા માટે દિવસરાત મહેનત કરતો હતો. વેકેશનમાં ગામડે આવે ત્યારે મારી સાથે મોટરસાયકલ પર ખેતર આવતો. એ ગામડે આવે ત્યારે મને ખેતીમાં મદદ કરવા આવે પણ એ મારો લાડકો એટલે એને હું ખેતી કરવા દેતો નહીં."

"એ લશ્કરમાં જોડાયો ત્યારે મેં આખા ગામમાં મીઠાઈ વહેંચી હતી. અમારી જ્ઞાતિનાં જ મૂળીમાં રહેતા એક કુટુંબમાંથી તરત જ માંગું આવ્યું કારણ કે અમારા વેવાઈને લશ્કરમાં કામ કરતો હોય એવો જમાઈ જોઈતો હતો. પણ એની આ શહાદતે અમારા ખાનદાનનું નામ ઊંચું કર્યું છે."

પ્રથમ પ્રયાસમાં જ લશ્કરમાં પસંદગી થઈ

મહિપાલસિંહના કાકા અજિતસિંહ વાળાએ બીબીસીને કહ્યું, "મારા ભત્રીજાનો જન્મ 15 ઑગસ્ટનાં દિવસે થયો એ સમયે જ મારા ભાઈએ નક્કી કર્યું હતું કે મહિપાલસિંહ લશ્કરમાં જશે. મહિપાલસિંહ જેમ જેમ મોટો થતો ગયો એમ એનામાં દેશપ્રેમ વધવા લાગ્યો. એ ચોપડીઓ વાંચી લશ્કરમાં ભરતી માટે કેવી તૈયારી કરવી જોઈએ એ વાંચતો અને જાતે મહેનત કરતો હતો. એ પહેલા જ ટ્રાયલમાં લશ્કરમાં પસંદ થઈ ગયો હતો."

"એ જબલપુર ટ્રેનિંગમાં જતો હતો ત્યારે આશીર્વાદ લેવા આવ્યો હતો. એ સમયે તેણે કહ્યું હતું કે લશ્કરમાં એટલે જાઉં છું કે દેશના દુશ્મનોના દાંત ખાટા કરવા છે. અત્યારે એનો એ ચહેરો અને આંખમાં દેશના દુશ્મનોનો ખાત્મો બોલાવવાનું જે ઝનૂન દેખાતું હતું એ હજુય મારી આંખ સામેથી હટતું નથી."

‘એ ક્યાંય અન્યાય થતો જોઈ શકતો ન હતો’

મહિપાલસિંહના મોટાભાઈ યુવરાજસિંહે કહ્યું, "અમે બંને ભાઈઓ સાથે મોટા થયા. મારા પિતા વેલ્ડિંગનું કામ કરતા હતા. બાળપણથી જ એ અમારી સાથે ક્રિકેટ રમવા આવતો હતો. પણ મોટા છોકરાઓને એની સામે બૉલિંગ કરવી હોય કે બેટિંગ કરવી હોય તો એ તેમની આંખે પાણી લાવી દેતો હતો."

"બાળપણથી જ એ લશ્કરમાં જવા માટેની પ્રૅક્ટિસ કરતો હતો. તેની દોડ જોઈને તેનાથી મોટા છોકરાઓ પણ તેની પાસેથી દોડની ટ્રેનિંગ લેવા આવતા હતા. પિતાનાં અવસાન પછી અમારી આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી એટલે લશ્કરમાં જવા માટેની ટ્રેનિંગનાં ક્લાસ કરવાનું સંભવ ન હતું. પરંતુ એનું સપનું તૂટે નહીં એટલે મેં નાની ઉંમરે ખાનગી કંપનીમાં નોકરી લઈ લીધી જેથી તેના પર આર્થિક ભારણ ન રહે. એ પહેલા ટ્રાયલમાં જ પાસ થયો. જબલપુરમાં ટ્રેનિંગ લીધી. ત્યારપછી અરુણાચલમાં તેનું પહેલું પોસ્ટિંગ થયું હતું. ત્યારબાદ ચંડીગઢ અને પછી જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટિંગ થયું હતું."

ભાઈની ગમતી વાતોને યાદ કરતા યુવરાજસિંહની ભીની આંખોમાં ચમક આવી જાય છે. એ કહે છે, "તેને મારો ચાર વર્ષનો દીકરો ખૂબ વહાલો હતો. એ રજામાં અમદાવાદ આવે ત્યારે મારા પુત્ર માટે રમકડાં તો લાવે, પણ તેની સાથે આર્મીની કૅન્ટીનમાંથી પ્રોટીન પાવડર અને બાળકો માટેની શક્તિવર્ધક વસ્તુઓ લાવતો હતો."

"વર્ષમાં ત્રણવાર એ રજાઓમાં અમદાવાદ આવતો હતો. મોટાભાગનો સમય એ મારી અને મારા દીકરા સાથે કુસ્તીમાં કાઢતો હતો. એને શું ખાવું, કેમ અને કેટલું ખાવું, કેવી કસરત કરાવવી એ શીખવતો હતો. તેના કારણે મારા ચાર વર્ષનાં દીકરાનું પણ સપનું બની ગયું છે કે એ પણ તેના કાકાની જેમ લશ્કરમાં જશે."

યુવરાજસિંહ કહે છે કે, "તેનું ધ્યેય લશ્કરમાં જવાનું હતું એટલે તેના દોસ્તો પણ ખૂબ સારા હતાં. એના અંગત મિત્રો 15થી પણ વધારે હતા. એ રજા પર આવે એટલે સોસાયટીનાં ખુલ્લા મેદાનમાં દોસ્તો સાથે ગપ્પા મારતો અને એમની સાથે રમતો પણ હતો. એટલો જ સમય એ ઘરનાં સભ્યોને અને તેની પત્નીને આપતો હતો. એ ક્યાંય અન્યાય થાય એ જોઈ શકતો ન હતો."

"પહેલેથી જ શુદ્ધ શાકાહારી મહિપાલસિંહને બાજરીનાં રોટલા અને દૂધ, ચોખ્ખા ઘીનો શીરો ખૂબ ભાવતો હતો. અમારા મોટા કાકા તેના માટે કાયમ ગામડેથી શુદ્ધ ઘી અને બાજરી અચૂક મોકલતા હતા."

'શહીદી એ જ વીરપસલી'

મહિપાલસિંહ વાળાનાં બહેન તેજલબાએ કહ્યું કે, "મારા ભાઈ મહિપાલસિંહે મને કહ્યું હતું કે આ રક્ષાબંધનમાં હું ફોઈ બની ગઈ હોઈશ એટલે રક્ષાબંધનની વીરપસલી ઉપરાંત એ મને એવું કંઈક આપવાનો હતો કે મને એ જીવનભર યાદ રહી જાય. પણ મને ક્યાં ખબર હતી કે એ મને આ રક્ષાબંધનમાં વીરપસલીમાં શહાદત આપશે."

"તેણે દુશ્મનોને આંખે પાણી લાવી દેતાં શહાદત વહોરી છે. તેનાથી મોટી વીરપસલી મારા માટે કોઈ નથી."

મહિપાલસિંહના મિત્રો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કર્યો. તેઓ ખૂબ આઘાતમાં છે. તેમણે કોઈ જ વાત કરવાનો ઇનકાર કરી વિન્રમતાપૂર્વક માફી માંગી હતી.

એમના બંને કાકાએ પોતાની તસવીર પાડવા દેવાનો ઇન્કાર ઇનકાર કહ્યું, "અમારા દીકરાની વીરતા પર અમારો હક્ક નથી. અમારી સાત પેઢી તેને યાદ રાખશે એ જ અમારી કમાણી છે."