You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
હરિયાણામાં હિંસા : 'તેણે 22 વર્ષની ઉંમરમાં ઘરને સંભાળી લીધું હતું' નૂહમાં સાંપ્રદાયિક સંઘર્ષમાં યુવાનનું ગોળી લાગ્યા બાદ મોત– ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા, નલ્હડ, નૂહથી
હરિયાણાના નૂહ જિલ્લામાં નલ્હળ મહાદેવ મંદિરમાં શાંતિ છે પણ આસપાસના વિસ્તારમાં વ્યાપ્ત તણાવ અહીં પણ અનુભવી શકાય છે.
નલ્હળ પોલીસ સ્ટેશન પાસે ડઝનબંધ ગાડીઓ સળગેલી હાલતમાં પડી છે.
શાંતિવ્યવસ્થા જાળવવા માટે કડક સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
સોમવાર સાંજે અહીં બજરંગદળની જળાભિષેક રેલીમાં સામેલ લોકો અને સ્થાનિક મુસ્લિમો વચ્ચે સંઘર્ષ થયો હતો. આ દરમિયાન ગોળીબાર પણ થયો હતો.
શિવમંદિર પાસે ગોળીબારમાં બજરંગદળ સાથે સંકળાયેલા યુવકનું મૃત્યુ થયું હતું જ્યારે અન્ય કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે.
અભિષેક નામના આ યુવક મૂળ પાનીપતના રહેવાસી હતા અને પોતાના પિતરાઈની સાથે બજરંગદળની જળાભિષેક યાત્રામાં સામેલ થયા હતા.
નલ્હળ મેડિકલ કૉલેજમાં બીબીસી સાથે વાત કરતા અભિષેક સાથે યાત્રામાં સામેલ થયેલા તેમના પિતરાઈ મહેશે જણાવ્યું, "ગોળી લાગી ત્યાર બાદ અભિષેક પડી ગયો, અમે તેને ઉપાડી પણ ન શક્યા. બીજા દિવસે હૉસ્પિટલમાં તેનો મૃતદેહ હોવાની માહિતી મળી હતી."
22 વર્ષના અભિષેકના મૃતદેહને પોસ્ટમૉર્ટમ માટે લઈ જવાયો છે. જોકે પોલીસનું કહેવું છે કે ગોળી વાગવાની પુષ્ટિ પોસ્ટમૉર્ટમ પછી કરવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચારેય બાજુ ગોળીબાર થઈ રહ્યો હતો
અભિષેકના પિતરાઈ મહેશ અનુસાર, તેમણે તેની 'બૉડીની એવી તસવીરો જોઈ છે જેમાં ગળું કાપવાના નિશાન છે.'
નલ્હળ મેડિકલ કૉલેજના ડાયરેક્ટર પવન ગોયલ તરફથી આપવામાં આવેલા નિવેદનમાં જણાવવમાં આવ્યું હતું, "નૂહ જિલ્લામાં ભડકેલી હિંસાને કારણે 18 લોકો જેમાં સાત હરિયાણા પોલીસના જવાન છે, ઘાયલ અવસ્થામાં મેડિકલ કૉલેજમાં દાખલ છે. તેમાંથી એક વ્યક્તિ મૃત અવસ્થામાં લાવવામાં આવી હતી. ગંભીર રૂપથી ઘાયલ ત્રણ લોકોને પીજીઆઈ રોહતક રેફર કરવામાં આવ્યા છે."
હૉસ્પિટલના એક અધિકારીએ પોતાનું નામ ન જાહેર કરવાની શરત પર બીબીસીને જણાવ્યું કે જે અજ્ઞાત મૃત યુવકને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો તેનું નામ અભિષેક જ છે.
અધિકારીઓ અનુસાર, "અભિષેક પાસે તેનું ઓળખપત્ર હતું. તેની મારફતે જ પરિવારને તેની જાણકારી આપવામાં આવી હતી."
મહેશ કુમારે બીબીસીને જણાવ્યું કે, "યાત્રામાં હજારો લોક સામેલ હતા જેમાં મોટા પ્રમાણમાં મહિલાઓ અને બાળકો હતાં. યાત્રાનો કાર્યક્રમ નલ્હળના શિવ મંદિરમાં જળાભીષેક કરવાનો હતો. નલ્હળના શિવ મંદિરથી યાત્રા નીકળીને બે ત્રણ કિલોમિટર પહોંચી જ કે પથ્થરબાજી શરૂ થઈ ગઈ."
"ત્યાં અભિષેક મારી સાથે હતો. જ્યારે અમે મંદિરથી લગભગ ત્રણ કિલોમિટર દૂર ચોક પર પહોંચ્યા તો પથ્થરમારો શરૂ થઈ ગયો. અમે જેમતેમ ભાગીને મંદિર તરફ ગયા."
"પાંચ વાગ્યાની આસપાસ હથિયારો સાથે આવેલા લોકોએ મંદિરની બહાર હુમલો કર્યો અને મંદિરની બહાર ઊભાં વાહનોમાં આગ ચાંપી હતી."
"ચારે તરફથી ગોળીબાર થઈ રહ્યો હતો, મંદિરની બહાર એક ગોળી અભિષેકની છાતી પર વાગી અને તે ત્યાં જ પડી ગયો, અમે તેને ઉપાડી ન શક્યા.”
'મજૂરનો દીકરો'
મહેશ અનુસાર અભિષેકનો એક મોટો ભાઈ છે, એક બહેન છે જેનાં લગ્ન થઈ ગયાં અને પિતા મજૂરી કરે છે.
મહેશ અનુસાર, "અભિષેક 22 વર્ષનો સમજદાર યુવાન હતો. પોતાનું ઘર સંભાળતો હતો. તે ગાડીનો મિકેનિક હતો."
અભિષેક અને મહેશ પ્રથમ વખત યાત્રામાં સામેલ થઈ રહ્યા હતા. મહેશ અનુસાર અહીં આવવા માટે તેમને બજરંગદળ તરફથી ઓળખ પત્ર પણ મળ્યો હતો.
મહેશ અનુસાર તેઓ બજરંગદળની પાનીપત શાખાના સભ્ય છે અને અભિષેક પણ બજરંગદળ સાથે જોડાયેલા હતો.
મહેશ અનુસાર તેઓ 8-9 મહિના પહેલાં બજરંગદળ સાથે જોડાયેલા હતા અને તેના કાર્યક્રમોમાં ભાગ લેતા હતા.
જોકે મહેશનું કહેવું છે કે તેમની અને અભિષેક પાસે બજરંગદળનું એક પણ પદ નહોતું.
'ઘેરીને હુમલો કરવામાં આવ્યો'
આ યાત્રામાં અભિષેક અને મહેશ સાથે સામેલ રહેલા એક અન્ય યુવક અનુપે બીબીસીને જણાવુયું કે, "અમે સવારે સાડા છ વાગ્યે પાનીપતથી નીકળા હતા અને સવારે 11 વાગ્યા આસપાસ મંદિરમાં આવી ગયા હતા."
"ત્યાર બાદ અમે દર્શન કર્યા અને અમે સાડા બાર વાગ્યા આસપાસ મંદિરથી નીકળી ગયા હતા."
"અમે અલવર જવાના રસ્તા પર હતા. બે બસો આગળ હતી અને કેટલીક ગાડીઓ હતી. અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો અને ગાડીઓ પર હુમલો થયો. તેમાં કેટલાંક બાળકો પણ સવાર હતાં. કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા પરંતુ તેઓ આગળ જતા રહ્યા. જ્યારે અમને આ ઘટનાની જાણ થઈ તો અમે બધા લોકો ભેગા થયા."
અનુપ કહે છે, "જ્યારે અમને જાણકારી મળી ત્યારે અમે બસમાં જ હતા. અમે બસને પાછી ફેરવી અને મંદિર તરફ વળી ગયા. પરંતુ વચ્ચે અમને ઘેરી લેવામાં આવ્યા અને હુમલો કરવામાં આવ્યો. મારી સામે છ સાત ગાડીઓને આગ ચાંપવામાં આવી."
"બધાની ગાડીઓ ફસાયેલી હતી. મહિલાઓ પણ સાથે હતી, તેમને સુરક્ષિત રાખવું મહત્ત્વપૂર્ણ હતું. અમે લોકોએ કોઈ રીતે મંદિરમાં શરણ લીધું. પછી મંદિર તરફ ગોળીબાર ચાલુ થયો."
અનુપ જણાવે છે, "જ્યારે અભિષેકને ગોળી વાગી ત્યારે મારા ભાઈ મહેશે તેને ઉપાડવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાર સુધી મોડું થઈ ગયું હતું. જ્યારે અભિષેકને ગોળી વાગી ત્યારે હું આગળ નીકળી ગયો હતો."
"અમે પોતાના ધર્મ માટે પ્રાચીન મંદિરને જોવા માટે આવ્યા હતા, અમને નહોતી ખબર કે આવું થશે. આ હિંદુઓની આસ્થા પર ચોટ છે. સરકાર કંઈ કરતી નથી. મને લાગે છે કે આવનારા સમયમાં અમારા માટે મુશ્કેલીઓ વધશે. અમે પોતાના ઘરેથી પણ નહીં નીકળી શકીએ."
"મંદિરનો ઘેરાવ લગભગ સાડા ચાર કે પાંચ વાગ્યે શરૂ થયો હતો. જ્યારે અમે મંદિરની અંદર પહોંચ્યા ત્યારે ત્યાં ગોળીબાર થઈ રહ્યો હતો. મંદિરની ચારેય તરફ પહાડ છે. પહાડો તરફથી પણ ગોળીબાર ચાલતો હતો."
મંદિરના પૂજારીએ શું કહ્યું?
ત્યાં નલ્હળ શિવમંદિરના પૂજારી દીપક શર્મા અનુસાર લગભગ બે હજાર લોકોએ મંદિરમાં શરણ લીધું હતું જેમને સ્થાનિકતંત્રે સુરક્ષિત સાંજના છ વાગ્યે બહાર કાઢ્યા હતા.
પૂજારીએ જણાવ્યું કે, “આ પાંડવોના સમયનું મંદિર છે. અહીં શ્રાવણ મહિનામાં સતત શ્રદ્ધાળુઓ આવે છે."
સોમવારના ઘટનાક્રમ વિશે પૂજારી જણાવે છે, "સવારથી બધું શાંત હતું. બપોર પછી માહોલ બગડવા લાગ્યો. ભક્તજનોનું આવવાનું સવારે ચાર વાગ્યે શરૂ થયું. બપોરે બાર વાગ્યા બાદ યાત્રા અહીં પહોંચી. હું પહેલાં અંદર હતો અને ઘટના દરમિયાન પણ અંદર હતો."
મંદિર પર હુમલા વિશે પૂછવા પર પૂજારીએ કહ્યું, "જળાભિષેક સવારથી ચાલતો હતો. અમે ગાદી પર બેઠા હતા, લોકો આવી રહ્યા હતા. તે દિવસે લગભગ ચાર હજાર ભક્તો અહીં રહ્યા હશે. સાંજના સમયે બેથી અઢી હજાર લોકો મંદિર પરિસરની અંદર હતા જ્યારે બહારનો માહોલ ખરાબ હતો. જે લોકો આગળ ફસાયા હતા તેમણે અહીં આવીને શરણ લીધું."
મંદિરમાં લોકો ફસાયા હતા તે વાત પર તેમણે કહ્યું, "માહોલ ખરાબ હતઓ, એ લોકો અહીં લગભગ બેથી અઢી કલાક રહ્યા. અંદર ભજન ચાલતા હતા, માહોલ બગડવા લાગ્યો તો એ લોકો બહાર ન નીકળા. મંદિરની બહાર લોકો ગોળીબાર કરી રહ્યા હતા. સાંજે સાડા છ વાગ્યા પછી પોલીસે લોકોને બહાર કાઢ્યા. પોલીસ આવ્યા પછી ત્યાં કંઈ ન થયું.”
બજરંગદળની જળાભિષેક યાત્રા વિશે પૂજારી કહે છે કે, "જ્યાં સુધી મને ખબર છે, બજરંગદળની આ યાત્રા એક વર્ષ પહેલાં જ શરૂ થઈ હતી. પહેલાં અહીં ક્યારેય તણાવની પરિસ્થિતિ નહોતી ઊભી થઈ. હંમેશાં શાંતિ રહી. બજરંગદળના કાર્યકર્તા પણ જળાભિષેક કરે છે, બાકી લોકોની જેમ."