You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મણિપુરમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરવાનો મામલો: કુકી સમુદાયનું દર્દ,‘ હિંસામાં ઘણું ગુમાવ્યું, હવે બળાત્કાર-હત્યા નથી જોવાતી’
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
મણિપુરમાં છેલ્લા અઢી મહિનાથી હિંસાની આગ સળગી રહી છે. આ દરમિયાન વિચલિત કરનારી તસવીરો સામે આવી. કેન્દ્ર સરકાર ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મૌનને લઈને વિપક્ષે હાલમાં સતત સવાલ કર્યા છે.
મંગળવાર રાતથી જ સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયો બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરને લઈને નિવેદન આપ્યું.
વડા પ્રધાને કહ્યું, "મણિપુરના વાયરલ વીડિયોની ઘટનાથી મારું હૃદય પીડાથી ભરેલું છે. ઘટના શર્મનાક છે. પાપ કરનારા કેટલા છે કોણ છે તે તેની જગ્યાએ છે પણ એનાથી 140 કરોડ લોકોની બેઇજ્જતી થઈ છે."
"હું રાજ્યોને અપીલ કરું છું. કે તેઓ પોતાની કાયદા વ્યવસ્થાને વધુ મજબૂત કરે. દોષિતોને છોડવામાં નહીં આવે."
આ નિવેદનમાં વડા પ્રધાન મોદીએ માત્ર અને માત્ર એ વીડિયો અંગે જ વાત કરી જેમાં લોકો કુકી સમુદાયની બે મહિલાઓનાં કપડાં ઉતારીને દુર્વ્યવહાર કરતા દેખાઇ રહ્યા છે.
એ આરોપ છે કે ટોળાએ ન માત્ર આ મહિલાઓની જાતીય સતામણી કરી પરંતુ એક મહિલાનો સરાજાહેર સામૂહિક બળાત્કાર કર્યો.
વિપક્ષનો આરોપ છે કે 'વડા પ્રધાન મોદીએ પોતાના નિવેદનમાં છેલ્લા 80 દિવસોથી હિંસાની આગમાં બળતા મણિપુર અંગે કશું જ નથી કહ્યું.'
પોતાના તાજેતરના નિવેદનમાં મણિપુરના મુખ્ય મંત્રી બીરેન સિંહે કહ્યું કે આ વીડિયોના વાયરલ થવાથી કેટલાક તોફાની તત્ત્વોના કારણે સમગ્ર મણિપુર રાજ્યની બેઇજ્જતી થઈ છે. અને દોષિતોને કડકમાં કડક સજા મળવી જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અનેક સવાલ ઊઠી રહ્યા છે
આ મુદ્દાને લઈને અનેક સવાલો ઊઠી રહ્યા છે. એક સવાલ એ કે ઘટના 79 દિવસ પહેલાંની છે અને જેની એફઆઈઆર 63 દિવસ પહેલાં નોંધાઈ. એ કેસમાં કાર્યવાહી કરવા માટે એક વીડિયોના વાયરલ થવાની રાહ જોવાતી રહી?
તથ્ય એ પણ છે કે વીડિયો વાયરલ થયા બાદ બે દિવસની અંદર આ મુદ્દે ચારની ધરપકડ પણ થઈ ગઈ. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડની પણ જાણકારી આપી.
વિપક્ષ અને અન્ય ટીકાકારો મણિપુરને લઈને કેન્દ્ર સરકાર ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અંદાજે અઢી મહિનાનું મૌન અને બે મહિના સુધી આ મહિલાઓની એફઆઈઆર પર કોઈ કાર્યવાહી ન થવાને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે.
થંબોલ જિલ્લામાં કુકી મહિલાઓ સાથે દુર્વ્યહારનો વીડિયો સામે આવ્યા બાદ ગુરુવારે કુકી બહુમતી જિલ્લા ચુરાચાંદપુરમાં સેંકડો લોકો રસ્તા પર ઊતરી આવ્યા. અને વિરોધ પ્રદર્શન કર્યું.
આ વચ્ચે ચર્ચા વડા પ્રધાન મોદી અને મણિપુરના મુખ્યમંત્રીના નિવેદનની પણ થઈ રહી છે.
અમે ચુરાચાંદપુરમાં રહેતા કુકી સમુદાયના લોકો સાથે વાત કરી, અને જાણવાનો પ્રયાસ કર્યો કે તેઓ આ નિવેદનને કેવી રીતે જોવે છે.
‘ વિશ્વની કોઈ ન્યાય વ્યવસ્થા નહીંં કરી શકે ભરપાઈ’
મણિપુરના કુકી સમુદાયના સંગઠન ઇન્ડિજિનસ ટ્રાઇબલ લીડર્સ ફોરમનાં સંયોજક મેરી જોને બીબીસીને ફોન પર કહ્યું "સીએમ એક નિવેદનમાં કહી રહ્યા હતા કે તેમણે વીડિયો મારફતે ઘટના અંગે જાણવા મળ્યું. તે રાજ્યના મુખ્ય મંત્રી હોવાની સાથે સાથે રાજ્યના ગૃહમંત્રી પણ છે. અને તેઓ કહી રહ્યા છે કે તેમને આ ખબર નથી કે તેમના રાજ્યમાં શું થઈ રહ્યું છે."
તે કહે છે કે "મેં વીડિયો જોયો છે. હું એ મહિલાનાં માતાને પણ મળી છું જેની સાથે આ બધું થયું. જ્યારથી મેં એ વીડિયો જોયો છે હું ઊંઘી નથી શકતી."
"હું રાત્રે ઊંઘમાંથી ઊઠીને એ જોવા લાગું છું કે મારા શરીર પર કપડાં તો છે. મને આ વીડિયોએ જેટલી ઊંડાણપૂર્વક ઝકઝોળી છે તે હું શબ્દોમાં વર્ણવી નથી શકતી.”
તેમણે કહ્યું "મને એ વાતની રાહત છે કે આ વીડિયોના સામે આવવાથી એ નૅરેટિવની સચ્ચાઈ સામે આવી ગઈ જેમાં લોકો કહી રહ્યા હતા કે કુકી હિંસા કરી રહ્યા છે. હવે દુનિયા સત્ય જોઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય મીડિયા સચ્ચાઈ બતાવી રહ્યું છે."
મેરી જોન કહે છે "પીએમનું નિવેદન આવવાથી એક કડક સંદેશ તો જાય છે એ પણ ત્યારે જ્યારે પહેલીવાર પીએમએ એ માન્યું કે મણિપુરમાં કંઈ પણ ઠીક નથી. પરંતુ નિવેદનોની આગળ કાર્યવાહી કેટલી મજબૂત થશે એ નક્કી કરશે કે સરકાર અમારા માટે કેટલી ગંભીર છે. "
કેવી રીતની કાર્યવાહીને મેરી ન્યાય માનશે આ સવાલના જવાબ પર મેરી ફોન પર ભાવુક થઈ જાય છે.
મારા સવાલ બાદ ફોન લાઇનની બન્ને બાજુ સન્નાટો છવાઈ જાય છે. કેટલીક સેકન્ડ માટે તે પોતાના રૂંધાયેલા અવાજમાં કહે છે,"જે માનસિક ઉત્પીડન એ મહિલાઓએ સહન કર્યું, જે હૉરર તેમણે જોયું, જે રીતે તેઓ પોતાની ઈજ્જત માટે કગરી રહી હતી, વિશ્વની કોઈ ન્યાયવ્યવસ્થા તેની ભરપાઈ નહીં કરી શકે. પણ જે પણ કડક સજા હોય તે તેમને જરૂર મળવી જોઈએ."
કુકી સમુદાય આ સંઘર્ષમાં પોતાના માટે નવા પ્રશાસનની માગ કરી રહ્યું છે. તેઓ પોતાના વિસ્તાર અને પ્રશાસન બન્ને જ મૈતેઈથી અલગ ઇચ્છે છે.
મેરી જોન પોતાની આ માગના સમર્થનમાં કહે છે, "અમે કેવી રીતે એ લોકો સાથે રહી શકીએ જે લોકોએ અમને માણસ પણ ન સમજ્યા. અમારી સાથે એ કરવામાં આવ્યું જે માણસનું મગજ કોઈની સાથે ન કરી શકે."
"… તો સ્થિતિ એટલી ખરાબ ન હોત"
ધ ટેલિગ્રાફે શુક્રવારે ‘ટૂ લેટ’ શીર્ષકની સાથે છાપેલા સંપાદકીય લેખમાં લખ્યું, "જો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુરની સ્થિતિની પહેલાં ટીકા કરી હોત અને હિંસા ફેલાવનારાને ચેતવણી આપી હોત તો આજે મણિપુરની સ્થિતિ કદાચ આટલી ખરાબ ના હોત અને શું ખબર ભારત વિશ્વના મંચ પર ‘બેઇજ્જત’ થવાથી બચી જાત."
લેખમાં લખ્યું છે કે,"વડા પ્રધાને અત્યાર સુધી મણિપુરની હિંસા પર એક પણ શબ્દ નથી કહ્યો. અને તેની કિંમત મણિપુર અને ભારત બન્ને ચૂકવી રહ્યાં છે."
અખબારે લખ્યું "મણિપુર અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે. પણ જે મણિપુરમાં થઈ રહ્યું છે તે ‘ડબલ એન્જિનની સરકાર’ના દાવાને ખોટું ઠેરાવી રહ્યું છે."
લેખ મુજબ, "સત્ય એ છે કે મણિપુરના લોકો લાંબા સમયથી પીડામાં છે. પહેલાં નોટબંધીથી પીડિયા અને બાદમાં કોરોના મહામારીની પીડા અને હવે હિંસાની પીડા અને વડા પ્રધાનનું સુશાસન તેમને રાહત આપવામાં નિષ્ફળ સાબિત થયું. અથવા તો એ કહો કે પીડા વધારવાનું જ કામ કર્યું છે."
ચુરાચાંદપુર જિલ્લામાં રહેતા કુકી સમુદાયના ઉમાન તોંબિગ કહે છે, "અમને રાજ્ય સરકાર પાસેથી કોઈ આશા નથી પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનથી અમને આશા જાગી છે. અમે હવે કેન્દ્ર સરકારને અપીલ કરી રહ્યા છીએ કે અમને બચાવી લો."
પણ તોબિંગ કહે છે, "કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને રાજ્યમાં પણ તેઓ જ સત્તામાં છે તેથી વડા પ્રધાન અત્યાર સુધી ખુલીને એ નથી કહી રહ્યા કે તેમની સરકાર અમારી રક્ષામાં નિષ્ફળ રહી છે."
"પરંતુ અમે ભારતના લોકો છીએ. અને તેથી ભારત સરકાર અમારી છેલ્લી આશા છે. તેમણે હવે પગલાં લેવા પડશે, અમે આ હિંસામાં ઘણું બઘું ગુમાવ્યું છે. હવે અમે અમારી મહિલાઓના બળાત્કાર થતા અને ભાઈઓની હત્યા નથી જોઈ શકતા."
તેમણે કહ્યું, "અમને પીએમના નિવેદન બાદ થોડી આશા જાગી છે. કે હવે મણિપુરની વાત થશે. અમે જે સહન કરી રહ્યા છીએ તેની વાત થશે. જે રીતે આ હરકત બે દિવસમાં આવી છે, તે પહેલાં થતી તો અનેક મહિલાઓ, દીકરીઓ અને અમારા લોકોની સાથે આ બધું થતું ન જોવું પડ્યું હોત."
"વીડિયો માત્ર ત્રણ મહિલાઓનો સામે આવ્યો છે. પણ અનેક મહિલાઓ છે જે યૌન શોષણને સહન કરીને રાહતશિબિરોમાં પહોંચી છે."
ફેક ન્યૂઝ અને વાયરલ વીડિયોને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન
શુક્રવારે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ દાવો કરવા લાગ્યા કે વાયરલ વીડિયોમાં કુકી મહિલાઓને નિર્વસ્ત્ર કરીને પરેડ કરાવી અને તેમનો કથિત રીતે સામૂહિક બળાત્કાર કરવાના કેસનો મુખ્ય આરોપી મોહમ્મદ ઈબુંગો ઉર્ફે અબ્દુલ હલીમ છે. જેની પોલીસે ધરપકડ કરી લીધી છે.
દક્ષિણપંથી વિચારધારાવાળા અનેક ટ્વિટર ઍકાઉન્ટે તેને ટ્વિટ કર્યું.
શેફાલી વૈદ્યએ લખ્યું,"આ મણિપુર પોલીસની તાજેતરની જ પ્રેસ નોટ છે. શું સિલેક્ટિવ થઈને ગુસ્સો પ્રગટ કરનારા હવે કશું નહીં બોલે. કારણ કે આ ભયાનક ઘટનાનો મુખ્ય આરોપી અબ્દુલ હલીમ છે?"
જોકે, શેફાલી વૈદ્યએ લગભગ આઠ કલાક બાદ ટ્વીટ ડિલીટ કરી દીધું. ભાજપ દિલ્હીના નેતા તેજિંદરસિંહ બગ્ગાએ પણ આ વાતને લઈને ટ્વીટ કર્યું. અને લખ્યું ‘મણિપુર કેસના મુખ્ય આરોપી અબ્દુલ ખાનની ધરપકડ થઈ છે.’
વાસ્તવમાં આ બધું જ શરૂ થયું એક ખોટા અને ભ્રામક ટ્વીટથી. જેને સમાચાર એજન્સી એએનઆઈએ ટ્વિટ કર્યું.
20 જુલાઈએ 9.47 વાગ્યે એએનઆઈએ મણિપુર પોલીસનો હવાલો આપીને ટ્વીટ કર્યું "મણિપુર વાયરલ કેસ – પીપલ્સ રિવૉલ્યૂશનરી પાર્ટી ઑફ કાંગલેઈપાકના એક સભ્યને પૂર્વ ઈંફાલ જિલ્લાથી પકડી લેવામાં આવ્યો છે. જેનું નામ મોહમ્મદ ઈબુંગો ઉર્ફે અબ્દુલ હલીમ (38) છે. "
એએનઆઈએ આ ટ્વીટ થોડી જ વારમાં ડિલીટ કરી દીધું. પણ ત્યાં સુધી એનડીટીવી સહિત કેટલીક મીડિયા સંસ્થાએ આ માહિતીને ટ્વીટ કરી દીધી હતી. જોકે, આ ટ્વીટ તો હટાવી લેવાયું. પણ અનેક લોકો આ ખોટા ટ્વીટને માહિતીની જેમ સોશિયલ મીડિયા પર ફેલાવવા લાગ્યા.
આ ખોટા ટ્વીટ પર એએનઆઈએ માફી માગતા 12 કલાક બાદ 21 જુલાઈએ 10.29 વાગ્યે ટ્વીટ કર્યું કે, "ગઈ કાલે એએનઆઈએ મણિપુર પોલીસે કરેલી ધરપકડને લઈને એક ખોટું ટ્વીટ કરી દીધુ હતું. અમે મણિપુર પોલીસનું ટ્વીટ વાંચવામાં ભૂલ કરી હતી. અને તેને પોલીસ તરફથી કરાયેલા પહેલા ટ્વીટ સાથે જોડી દીધું હતું. ભૂલની ખબર પડતા જ ટ્વીટ તરત જ ડિલીટ કરી લેવાયું હતું."
મણિપુર પોલીસ તરફથી જાહેર કરાયેલી પ્રેસ નોટમાં સ્પષ્ટ લખ્યું છે કે વાયરલ વીડિયો મુદ્દે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ થઈ ચુકી છે. અને પોલીસ અન્ય આરોપીઓની ધરપકડનો પ્રયત્ન પણ કરી રહી છે.
પોતાની પ્રેસ નોટમાં જ મણિપુર પોલીસે એક બિલકુલ અલગ જ મુદ્દાનો ઉલ્લેખ કરતા કહ્યું કે 20 જુલાઈએ પીઆરપીએફના પ્રો કે એક કાડર મોહમ્મદ ઈબુંગો ઉર્ફે અબ્દુલ હલીમની ધરપકડ કરાઈ છે.
આ ધરપકડ બિલકુલ પણ વાયરલ વીડિયો સાથે જોડાયેલી ન હતી.
ફાઇનેંશિયલ એક્સપ્રેસે આ મુદ્દે સરકારના ઉદાસીન વલણ પર સવાલ ઉઠાવતા સંપાદકીયમાં લખ્યું "કેન્દ્ર અને રાજ્ય સરકારને એ ખબર હોવી જોઈએ કે આટલા દિવસો સુધી રાજ્યની પોલીસે કેમ કોઈ મુદ્દે કાર્યવાહી ન કરી. કેમ 70 દિવસ સુધી તેના પર ધ્યાન કેન્દ્રિત ન કરાયું. જ્યારે કે આ કોઈ સામાન્ય ગુનો ન હતો. સ્પષ્ટ છે કે રાજ્ય સરકાર પોતાના નાગકિરોની રક્ષા કરવામાં નિષ્ફળ સાબિત થઈ છે."
વીડિયો આવતા જ નેતાઓના નિવેદન ભલે આવ્યા હોય પણ હજી પણ મહિલાઓ શેલ્ટર હોમમાં ન્યાયની રાહ જોઈ રહી છે. અને હજી કેટલી રાહ જોવી પડશે તેનો જવાબ હજી સુધી કોઈની પાસે નથી.