You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મણિપુર હિંસા : PM મોદીના નિવેદન બાદ શું કહે છે કુકી અને મૈતેઈ સમુદાયના લોકો?
- લેેખક, પ્રિયંકા ઝા
- પદ, બીબીસી સંવાદદાતા
મણિપુરમાં પાછલા અઢી મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કદાચ જ કોઈ દિવસ એવો હશે, જ્યારે રાજ્યના કોઈ વિસ્તારમાં હિંસક અથડામણ, હત્યા કે આગચંપી જેવા સમાચારો દિલ્હી સુધી ન પહોંચ્યા હોય.
પરંતુ ગયા બુધવારે બે મહિલા સાથે યૌન ઉત્પીડનનો એક ભયાવહ વીડિયો સોશિયલ મીડિયા પર એટલો ફેલાયો કે મણિપુરમાં ચાલી રહેલા સંઘર્ષનો અવાજ ત્યાંથી 2500 કિલોમીટર દૂર રાષ્ટ્રીય રાજધાનીમાં આખો દિવસ સંભળાતો રહ્યો..
ગુરુવારે વડા પ્રધાન મોદીએ હિંસા શરૂ થવાથી લઈને અત્યાર સુધીનું તેમનું પહેલું નિવેદન આપ્યું અને ત્યાર બાદ દેશની સર્વોચ્ચ અદાલતે પણ તેના પર સખત ટિપ્પણી કરી હતી.
અગાઉથી જ મણિપુરમાં ચાલી રહેલી હિંસા પર વડા પ્રધાન મોદીના મૌન પર સવાલ ઉઠાવી રહેલા વિપક્ષોએ વીડિયો સામે આવ્યા બાદ સત્તારૂઢ ભાજપ પર હુમલા તેજ કરી દીધા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મે મહિનામાં જ મણિપુરની મુલાકાત લીધી હતી અને ત્યાર બાદ આ મુદ્દા પર સર્વદળીય બેઠક યોજવામાં આવી હતી.
પરંતુ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે હિંસા શરૂ થયા પછીથી અત્યાર સુધી વડા પ્રધાન મોદીએ મણિપુરની મુલાકાત કેમ લીધી નથી.
બિહારના ડેપ્યુટી મુખ્ય મંત્રી તેજસ્વી યાદવે પૂછ્યું છે કે જો રાહુલ ગાંધી મણિપુર જઈ શકે છે, તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેમ જઈ શકતા નથી.
સાથે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે વડા પ્રધાનનાં મૌન અને નિષ્ક્રિયતાએ મણિપુરને અરાજકતા તરફ ધકેલી દીધું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયાના પ્રથમ દિવસે જ ગુરુવારે સંસદ પહોંચીને પોતાની પ્રતિક્રિયા આપી છે.
વડા પ્રધાને કહ્યું, “મણિપુરની ઘટનાથી મારું હૃદય દુ:ખથી ભરાઈ ગયું છે. આ ઘટન શરમજનક છે. પાપ કરનારા કેટલા છે, કોણ છે એ એક અલગ છે, પરંતુ બદનામી આખા દેશની થઈ રહી છે.
વડા પ્રધાન મોદીની ટિપ્પ્ણી પર મણિપુર હિંસાની આગમાં બળી રહેલા કુકી અને મૈતેઈ સમુદાયનું શું કહેવું છે અને શું આ નિવેદનથી જમીની સ્તરે કોઈ ફરક જોવા મળશે? વાંચો આ અહેવાલમાં.
વાઇરલ વીડિયોમાં શું છે?
મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે પાછલા અઢી મહિનાથી ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ગત બુધવારે મણિપુમાં બે મહિલા સાથે યૌન ઉત્પીડનનો એક ભયાવહ વીડિયો સામે આવ્યો છે.
મણિપુર પોલીસે એ વીડિયોની પુષ્ટિ કરતાં કહ્યું છે કે આ મહિલાઓ ગત ચાર મેના રોજ મણિપુરના થોબલ જિલ્લામાં યૌન ઉત્પીડનનાં શિકાર બન્યાં હતાં.
મણિપુર પોલીસે જણાવ્યું કે, “આ સંદર્ભે અજ્ઞાત લોકો સામે અપહરણ, ગૅંગરેપ અને હત્યાનો કેસ દાખલ કરાયો છે. મામલાની તપાસ શરૂ થઈ ગઈ છે. પોલીસ દોષિતોને પકડવાની પૂરી કોશિશ કરી રહી છે.”
મણિપુરના મુખ્ય મંત્રી બિરેનસિંહે કહ્યું છે કે તેઓ દોષીને ફાંસીની સજા અપાવવાના પ્રયાસ કરશે. મુખ્ય મંત્રીએ કહ્યું છે તે આ મામલામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
તેમજ, કેન્દ્રીય મહિલા બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર લખ્યું છે કે તેમણે રાજ્યના મુખ્ય મંત્રી એન. બિરેનસિંહ સાથે વાત કરી છે અને દોષિતોને પકડવામાં કોઈ કસર નહીં રખાય.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, પીડિતાએ જણાવ્યું કે ત્રણ મેના રોજ આધુનિક હથિયારોથી સજ્જ 800થી 1,000 લોકોએ થોબલ જિલ્લામાં આવેલા તેમના ગામે હુમલો થયો હતો અને આ લોકોએ ગામમાં લૂંટફાટ કરવાની સાથે આગચંપી કરવાનું પણ શરૂ કરી દીધું હતું.
આવી સ્થિતિમાં બે મહિલાઓ અને યુવતી પોતાના પિતા અને ભાઈ સાથે જંગલની તરફ ભાગ્યાં.
ફરિયાદ પ્રમાણે, પોલીસ આ મહિલાઓને બચાવવામાં સફળ રહી. પોલીસે તેમને પોલીસ સ્ટેશને લઈ જઈ રહી હતી, પરંતુ સ્ટેશનથી બે કિલોમીટર પહેલાં જ ભીડે તેમને રોકી લીધાં.
તે બાદ પ્રદર્શનકારીઓએ મહિલાઓને પોલીસ પાસેથી બળજબરીપૂર્વક લઈ જઈને યુવતીના પિતાની સ્થળ પર જ હત્યા કરી નાખી.
એફઆઇઆર પ્રમાણે ત્રણેય મહિલાઓને ભીડ સામે નિર્વસ્ત્ર અવસ્થામાં ચાલવા માટે મજબૂર કરાયાં અને યુવતી સાથે ખુલ્લેઆમ ગૅંગરેપનું હીન કૃત્યુ આચરાયું.
એફઆઇઆર પ્રમાણે જ્યારે આ મહિલાએ પોતાના 19 વર્ષીય ભાઈને બચાવવાની કોશિશ કરી ત્યારે તેમની પણ હત્યા કરી દેવાઈ.
મૈતેઈ સમુદાયના લોકોએ શું કહ્યું?
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર અનુસાર, કુકી-જોમી સમુદાયનાં આ મહિલાઓ સાથે ચાર મેના રોજ મૈતેઈ બહુમતીવાળા વિસ્તાર થોબલ જિલ્લામાં યૌન ઉત્પીડનની ઘટના બની હતી.
જોકે, આ અંગે 18 મેના રોજ કાંગપોકપી જિલ્લામાં એફઆઇઆર નોંધાઈ હતી. જે બાદ આ કેસ સંબંધિત પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરી દેવાયો.
આ મહિલાઓએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે વીડિયોમાં માત્ર બે મહિલાઓ દેખાઈ રહી છે પરંતુ ભીડે એક 50 વર્ષીય મહિલાને પણ કપડાં ઉતારવા માટે મજબૂર કર્યાં હતાં.
એફઆઇઆરમાં જણાવાયું છે કે એક યુવા મહિલા સાથે દિવસના અજવાળામાં સામૂહિક બળાત્કાર પણ કરાયો.
મૈતેઈ લોકોનો દાવો છે કે તેમના લોકો સાથે પણ આ પ્રકારની તોડફોડના ઘણા વીડિયો છે, પરંતુ તે શેર થયા નથી.
ઘણા લોકોનું એ પણ કહેવું છે કે વડા પ્રધાન મોદીએ નિવેદન જારી કરતાં પહેલા વીડિયોની સત્યતા તપાસવી જોઈએ.
મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં માનવાધિકાર કાર્યકર્તા કે.ઓનિલની નજરમાં વડા પ્રધાનના નિવેદનથી મણિપુરની હિંસા વધી શકે છે.
અમે તેમના આ તર્ક પાછળનું કારણ જાણવા માગ્યું તો તેમણે કહ્યું કે, “ગઈ કાલે જે વીડિયો વાઇરલ થયો, તે ખૂબ દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ તે એકતરફી પણ છે, કારણ કે હિંસામાં બંને પક્ષો (કુકી અને મૈતેઈ) અત્યાચાર ભોગવી રહ્યા છે. હિંસા લગભગ છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહી છે, પરંતુ વડા પ્રધાને માત્ર એક મામલા પર નિવેદન આપ્યું છે, જ્યારે આ પ્રકારની અન્ય હિંસાવાળા વીડિયો પર તેઓ ચુપ રહ્યા. તેમણે બંને સમુદાયના મુદ્દા પર બોલવું જોઈએ.”
કે.અનિલે એ પણ કહ્યું છે કે, જ્યારે ઓડિશામાં ટ્રેન દુર્ઘટના થઈ, ત્યારે વડા પ્રધાન મોદી ત્યાં જાય છે, પરંતુ મણિપર અંગે ચુપ રહે છે.
ગયા મહિને ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં 250થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
તેઓ કહે છે કે હિંસાગ્રસ્ત મણિપુરમાં અન્ય ઘણા મુદ્દા પણ છે, બંને સમુદાયના લોકોને જીવતા બાળી નાખવાના મામલા પણ સામે આવ્યા છે. બંને સમુદાયની મહિલાઓ સાથે બળાત્કારના મામલા પણ સામે આવ્યા છે.
કે.અનિલે કહ્યું કે, “હવે બતાવવામાં આવી રહ્યું છે કે માત્ર એક જ સમુદાયના લોકોની હત્યા થઈ રહી છે, બળાત્કાર થઈ રહ્યા છે.. તેના દ્વારા શું સંદેશો આપવાના પ્રયાસો થઈ રહ્યા છે?”
તેમણે કહ્યું છે કે, “રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હાલ કોઈ પણ હિંસા રોકવા માટે પ્રતિબદ્ધ દેખાતી નથી. હિંસાને રોકવામાં એક વર્ષ કે તેનાથી વધુ સમય લાગી શકે, તેવું બની શકે છે.”
વીડિયોને શરમજનક બતાવતા મૈતેઈ સમુદાયમાંથી આવતા ફિલ્મમેકર નિંગથોઉજા લાંચા કહે છે કે, “અમે કોઈ અપરાધ કે અપરાધીના બચાવમાં આવું કહી રહ્યા નથી, પરંતુ અમારી પાસે આનાથી ભયાવહ વીડિયો છે. વડા પ્રધાન મોદીએ ટિપ્પણી કરતા પહેલાં આ વીડિયોની તપાસ કરવી જોઈતી હતી. તે સિવાય કોઈ એક સમુદાય પર આરોપ લગાવવો એ ખોટું છે.”
જોકે તેઓ કહે છે કે આ પ્રકારના અમાનવીય કૃત્ય (વાઇરલ વીડિયોના સંબંધમાં) ની તમામે નિંદા કરવી જોઈએ.
પરંતુ વડા પ્રધાન મોદીના નિવેદનથી મણિપુરની પરિસ્થિતિ બદલાશે કે નહીં તે અંગે તેઓ કહે છે કે, “ઘણા બધા એવા વીડિયો અને તસવીરો છે, જેમાં કુકી સમુદાયના લોકો મૈતેઈ લોકોને મારી રહ્યા છે. વડા પ્રધાન એ અંગે શું કહેશે? આટલું એકતરફી વલણ કેમ? વડા પ્રધાને હંમેશાં નિષ્પક્ષ રહેવું જોઈએ.”
બૅંગલુરુમાં રહેતા વર્લ્ડ કુકી કાઉન્સિલના મહાસચિવ યામબેમ અરુણ વડા પ્રધાન મોદીના નિવેદનનું સ્વાગત કરતા કહે છે કે, “અમને આશા છે કે હવે મણિપુરમાં શાંતિ પાછી આવશે.”
યામબેમ અરુણ રાજ્ય સરકારને નિશાનો સાંધતા કહે છે કે, મુખ્ય મંત્રી કે સમગ્ર પ્રશાસને તેમના કામથી લોકોમાં વિશ્વાસ બહાલ કરવો જોઈતો હતો.
તેઓ કહે છે કે, “મોદીના નિવેદન પછી અમને આશા છે કે હવે એ સંદેશો જશે કે જો કોઈ પણ સમુદાયના લોકો કાયદો હાથમાં લેવાના પ્રયાસ કરશે તો તેમને સજા મળશે. ભારત સરકાર અમારા વાલીની જેમ છે.”
જોકે યામબેમ અરુણ અઢી મહિનાથી વધુ સમય પસાર થઈ ગયા પછી વડા પ્રધાનના નિવેદનને લઈને કહે છે કે તેને કોઈ પણ પ્રકારે યોગ્ય ન કહી શકાય.
તેમણે કહ્યું કે, “આટલા દિવસો સુધી લોકોએ હિંસા ભોગવી, તે ખૂબ દુખદ વાત છે, અમે પણ મનુષ્ય છે અને ભારતીય પણ.”
કુકી સમુદાયના લોકોએ શું કહ્યું?
મણિપુર ટ્રાઇબલ્સ ફોરમ દિલ્હી આ હિંસામાં કુકી સમુદાય સાથે થઈ રહેલા અત્યાચારોના મામલા ઉઠાવી રહ્યું છે.
આ ફોરમના પ્રવક્તા ડૉક્ટર ચિનખાનલુટ ગાઇટનું માનવું છે કે વડા પ્રધાન મોદીના નિવેદન બાદ વાસ્તવમાં સકારાત્મક અસર થશે.
તેમણે કહ્યું કે, “લોકો તેમના (વડા પ્રધાન)ના નિવેદનની રાહ જોઈ રહ્યા હતા. હવે તેમણે કહ્યું કે અપરાધીઓને સજા મળશે. કારણ કે તેઓ દેશના વડા પ્રધાન છે, તો તેમના કહેવા પર અસર તો પડશે જ.”
તેઓ રાજ્યની એન. બિરેન સરકાર પર ભેદભાવનો આરોપ લગાવતા કહે છે કે, “વડા પ્રધાનના નિવેદન બાદ મણિપુરના કુકી સમુદાયને જરૂર રાહત મળશે, કારણ કે રાજ્ય સરકાર પાસેથી અમને કોઈ અપેક્ષા નથી. હવે જ્યારે વડા પ્રધાને કહ્યું છે કે ન્યાય મળશે તો અમને આશા છે કે તે સત્ય હશે.”
કુકી સમુદાયમાંથી આવતા સામાજિક કાર્યકર્તા લામતિનથાંગા હાઓકી પણ એ જ માને છે કે વડા પ્રધાન મોદીના નિવેદનથી પ્રભાવ તો પડશે.
આ પ્રભાવ કયા પ્રકારનો હશે એ અંગે તેઓ કહે છે કે, “દરેક લોકો દેશના વડા પ્રધાન પાસે મણિપુરના મુદ્દા પર નિવેદન સાંભળવા માગતા હતા. હવે જ્યારે એ સમય આવી ગયો છે તો જરૂર તેનાથી લોકોને શાંતિ મેળવવામાં મદદ મળશે.”
લામતિનથાંગ કહે છે કે, રાજ્યની બિરેનસિંહની સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ રહી. હવે કમસે કમ કેન્દ્ર સરકારમાં હસ્તક્ષેપથી કદાચ આ હિંસાને રોકી શકાશે.
તેઓ કહે છે કે હવે અસલી શાંતિ ત્યારે જ મળશે, જ્યારે બિરેનસિંહ રાજીનામું આપે અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે.
લામતિનથાંગનું માનવું છે કે એક વાર મણિપુરમાં ઇન્ટરનેટ ફરી શરૂ થઈ જશે, તો આ સમસ્યા વધુ વકરી જશે.
મણિપુરમાં ત્રણ મેના રોજ હિંસા બાદથી ઇન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જે અત્યાર સુધી ચાલુ છે.
વડા પ્રધાન મોદીએ શું કહ્યું?
મણિપુરમાં ગત ત્રણ મેના રોજ મૈતેઈ અને કુકી સમુદાય વચ્ચે હિંસા શરૂ થયા બાદ અત્યાર સુધી આ હિંસક સંઘર્ષમાં 142 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને હજારો લોકો રાહતશિબિરોમાં રહેવા મજબૂર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયાના પ્રથમ દિવસે જ ગુરુવારે સંસદ પહોંચીને મણિપુરના વાઇરલ વીડિયોને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.
વડા પ્રધાને કહ્યું, “મણિપુરની ઘટનાથી મારું હૃદય દુ:ખથી ભરાઈ ગયું છે. આ ઘટન શરમજનક છે. પાપ કરનારા કેટલા છે, કોણ છે એ એક અલગ છે, પરંતુ બદનામી આખા દેશની થઈ રહી છે. 140 કરોડ દેશવાસીઓએ શરમ અનુભવવી પડી રહી છે. હું મુખ્ય મંત્રીઓને અપીલ કરું છું કે તેઓ માતા-દીકરીઓની સુરક્ષા માટે પગલાં લે.”
રાજસ્થાન, છત્તીસગઢ, મણિપુરનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાન મોદીએ કહ્યું, “ઘટના ભલે ગમે એ રાજ્યની હોય, સરકાર ભલે ગમે એની હોય, નારીના સન્માન માટે રાજકારણથી ઉપર ઊઠીને કામ કરો.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, “હું દેશવાસીઓને એ વાતનો વિશ્વાસ અપાવવા માગું છું કે કોઈને છોડાશે નહીં, મણિપુરની દીકરી સાથે જે થયું તેમને ક્યારેય માફ નહીં કરાય.”
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
મણિપુરની ઘટના અંગે ભારતની સુપ્રીમ કોર્ટે લીધેલા સ્વસંજ્ઞાન સંદર્ભે કોર્ટ મામલાની 28 જુલાઈના રોજ સુનાવણી કરશે.
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું, “સરકારે આ મામલામાં દખલ કરવી જોઈએ અને પગલાં લેવાં જોઈએ. આ બિલકુલ અસ્વીકાર્ય છે. આ અત્યંત પરેશાન કરનારી ઘટના છે. આ બંધારણ અને માનવાધિકારોનું ઉલ્લંઘન છે.”
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, “સરકારે જણાવે કે આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કયાં પગલાં લીધાં.”
ચંદ્રચૂડે કહ્યું કે વીડિયો ભલે મે મહિનાનો હોય પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી.
વડા પ્રધાનના નિવેદનથી બદલાશે સ્થિતિ?
હવે મણિપુરની હિંસાની અસર પાડોશી રાજ્યો સુધી ફેલાવવાની આશંકા પણ થઈ રહી છે.
મિઝોરમના મુખ્ય મંત્રી ઝોરામથાંગાએ આ આશંકા વ્યક્ત કરતા સવાલ કર્યો કે શું આ સ્થિતિને માત્ર ચૂપ રહીને શાંત કરી શકાશે? તેમણે કહ્યું છે કે મૌન કોઈ વિકલ્પ નથી.
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી પણ કહે છે કે, મણિપુરની અસર માત્ર અહીં સુધી જ સીમિત નહીં રહે.
જોકે વડા પ્રધાન મોદીના મૌનને લઈને તેઓ કોઈ સ્પષ્ટ કારણ આપી શકતા નથી.
મણિપુરમાં હિંસાનો મુદ્દો યુરોપિયન સંસદમાં પણ ઉઠાવવામાં આવ્યો છે. ગયા અઠવાડિયે જ્યારે વડા પ્રધાન મોદી ફ્રાન્સની મુલાકાતે હતા ત્યારે યુરોપિયન સંસદે મણિપુર હિંસા માટે ભારતની ટીકા કરી હતી. ભારતે આ ટીકાને આંતરિક મામલો ગણાવીને ફગાવી દીધી હતી.
આટલું નુકસાન થયા બાદ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ હિંસા પર કોઈ નિવેદન કેમ ન આપ્યું, આ સવાલ સતત ઊઠી રહ્યો છે.
વડા પ્રધાનના મૌન પર નીરજા ચૌધરી કહે છે કે, “આ વાત રાજકીય રીતે સમજાતી નથી. જો આપણે સમગ્ર પૂર્વોત્તરનો સમાવેશ કરીએ તો લોકસભામાં કુલ 25-26 બેઠક છે. જો સંદેશ ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં જાય કે બાકીના ભારતને અમારી કોઈ પરવા નથી, તો તે સારું નથી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે વિપક્ષ દ્વારા આટલી બધી વખત મૌન પર સવાલ ઉઠાવવા છતાં વડા પ્રધાન મોદીએ હજુ સુધી કંઈ ન કહ્યું. જેથી એ છબિ ન બને કે તેમણે કોઈ પ્રકારના દબાણમાં આવીને નિવેદન આપ્યું.”
વીડિયો વાઇરલ થયા બાદ વડા પ્રધાન મોદીના નિવેદનને લઈને નીરજા ચૌધરી કહે છે કે, “આ નુકસાન એટલું મોટું છે કે તેમણે બોલવું પડ્યું. આજે દેશમાં દરેક લોકો એ વિચારી રહ્યા છે કે આવું કેવી રીતે હોઈ શકે. અન્ય કોઈ પક્ષના હોય પરંતુ તેમને આજે દુખ થઈ રહ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ સુધ્ધાંએ તેના પર સખત ટિપ્પણી કરી છે.
નીરજા માને છે કે વડા પ્રધાન ભલે આ મુદ્દા પર મોડા બોલ્યા, પરંતુ તેનો ફરક પડશે. તેમનું કહેવું છે કે મણિપુરની શાંતિ એ વાત પર નિર્ભર છે કે સરકાર આગળ શું પગલાં લેશે.
તેઓ કહે છે કે તમારે સમજવું જોઈએ કે હવે પૂર્વોત્તરમાં તમે રાજકારણ રમી નહીં શકો, પરંતુ વિપક્ષ સાથે મળીને તમારે કોઈ ઉકેલ લાવવો પડશે.