વરસાદમાં ભીંજાવાથી ખરેખર શરદી થાય, તાવ આવે? વર્ષાઋતુમાં આટલી બાબતોનું ધ્યાન રાખો

    • લેેખક, ડો. અવિનાશ ભોંડવે
    • પદ, બીબીસી મરાઠી માટે

કવિતાઓમાં વરસાદનું સુંદર અને રોમાંચક વર્ણન કરવામાં આવે છે. વર્ષા ઋતુમાં હરિયાળી બનેલી સૃષ્ટિ બહુ જ સુંદર લાગે છે. જોકે, ચોમાસામાં આરોગ્ય જાળવણી પણ જરૂરી છે.

તેથી વર્ષા ઋતુમાં આપણા સ્વાસ્થ્ય માટે શું જોખમી હોય છે, તબીયતમાં કેવા ફેરફાર થઈ શકે છે અને આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જાણવું જરૂરી બની જાય છે. વરસાદમાં ભીંજાવાને કારણે શરદી થઈ, તાવ આવ્યો એવી ફરિયાદો અનેક દર્દીઓ દર વર્ષે ડૉક્ટરોને કરતા હોય છે. માથા પર વરસાદને બે ટીપાં પડતાની સાથે બાળકો બીમાર પડ્યાં હોવાનું અનેક માતા-પિતા ડૉક્ટરને જણાવે છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વરસાદમાં ભીંજાવું એટલે શરદી અને તાવને આમંત્રણ આપવું. જોકે, હકીકત એ છે કે વરસાદમાં ભીંજાવાને અને શરદી કે તાવ આવવાને કોઈ સીધો સંબંધ નથી.

વરસાદમાં ભીંજાવાથી તાવ આવતો હોય તો દરરોજ સ્નાન કરવાથી પણ તાવ આવવો જોઈએ. ઘણા લોકો બારેમાસ ઠંડા પાણીથી સ્નાન કરતા જ હોય છે.

તેમ છતાં વરસાદમાં ભીંજાવાનું થાય ત્યારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

વરસાદમાં ભીંજાવાને શરદી-તાવ સાથે શું સંબંધ?

  • વરસાદમાં માત્ર ભીંજાવાથી શરદી થતી નથી. ભીના થયા પછી શરીર, કપડાં અને વાળા લાંબા સમય સુધી ભીનાં રહે તો આપણા શરીરનું તાપમાન ઘટી જાય છે. જેમજેમ શરીર ઠંડુ થાય છે તેમ તેમ નાકમાંના સિલીઅરી કોષો ઉત્તેજિત થાય છે. છીંકો આવે છે. નાકમાંથી પાણી વહેવા લાગે છે. તે શરીરના રક્ષણ માટે હોય છે. બીમારી નથી. વરસાદમાં ભીંજાયા પછી વાળ અને શરીર કોરાં કરી નાખો, ભીનાં કપડાં બદલી નાખો તો આ તકલીફ થતી નથી.
  • ચોમાસાની ભેજવાળી હવા અને તાપમાન અનેક પ્રકારના વાયરસ માટે પોષક હોય છે. વરસાદમાં ભીના થવાને કારણે શરીરનું તાપમાન ઘટે છે અને અનેક વિષાણુ મેદાને પડે છે. તે વિષાણુ દેખીતી રીતે જ ગળા અને નાકમાં પ્રવેશે છે. તેમની સંખ્યાનો ગુણાકાર થાય છે. પછી ગળામાં દુખાવો થાય છે અને તાવ આવે છે. એ વિષાણુ ગળામાંથી શ્વાસનળીમાં પ્રવેશે છે અને ઉધરસ શરૂ થાય છે.
  • વરસાદમાં ભીંજાયા પછી ભીનાં કપડાં કાઢી નાખવાં, ગરમ પાણીથી સ્નાન કરવું અને શરીર કોરું કરવું પૂરતું છે.
  • તેમ છતાં તાવ આવે તો ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ.
  • ઘણા લોકો ચોમાસામાં સતત ભીંજાતા રહે છે. ભીનાં કપડાં બદલી નાખવાને બદલે તેઓ દિવસભર એ કપડાં પહેરી રાખે છે. મહિલાઓમાં એવી સ્થિતિમાં સ્તનની નીચેના ભાગમાં, જાંઘમાં, બગલમાં ટીનિયા ક્રુરિસ નામનું ફંગલ ઇન્ફેક્શન થવાની શક્યતા છે.
  • ચોમાસામાં શરીર ભલે ભીનું ન થયું હોય પણ પાણીમાં ચાલવાથી પગ ભીના થતા હોય છે. પગ ગંદા થતા હોય છે. તેને લીધે નખમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે.
  • આવી કોઈ સમસ્યા સર્જાય ત્યારે દાદ-ખાજ-ખુજલીનો મલમ લગાવવો નહીં, પરંતુ તમારા ડૉક્ટર અથવા ત્વચા રોગના નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
  • શહેરી વરસાદમાં પ્રદૂષણના રાસાયણિક ઘટકો ભળેલા હોય છે. તેને લીધે આંખોમાં બળતરા થાય છે. જોકે, ત્રણ-ચાર વાર ચોખ્ખા પાણીથી આંખ સાફ કરવામાં આવે તો તે બળતરા ઓછી થાય છે. જો એવું ન થાય તો નેત્ર ચિકિત્સકની સલાહ લેવી જોઈએ.

કોરોના અને વરસાદ

ચોમાસામાં વરસાદ પડતો હોય કે ન હોય, ઘરની બહાર નીકળતી વખતે રેઈનકોટ અથવા છત્રી સાથે રાખવાં જોઈએ. કોરોનાના સમયમાં આનું ચુસ્ત રીતે પાલન કરવું જરૂરી છે.

તેનું કારણ એ છે કે છત્રી કે રેઈનકોટ સાથે ન હોય અને અચાનક વરસાદ શરૂ થઈ જાય ત્યારે લોકો ઝાડ નીચે અથવા દુકાનોના છાપરા તળે આશરો લેતા હોય છે. આવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન થતું નથી.

વરસાદ સતત 20-30 મિનિટ સુધી ચાલુ રહે અને તમારી બાજુમાં કોરોનાનો ચેપ ધરાવતી વ્યક્તિ ઊભેલી હોય તો કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. એ ઉપરાંત એકદમ નજીક ઊભા રહેવાથી શ્વાસના રોગ થવાની સંભાવના પણ હોય છે.

પીવાનું પાણી

ચોમાસામાં પીવાના પાણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મહાનગરોમાં તો પાણી શુદ્ધિકરણ પછી જ પૂરું પાડવામાં આવે છે, પરંતુ નાનાં શહેરો તથા ગામડાંમાં હજુ પણ નદીઓ, તળાવો અને કૂવાના પાણીનો ઉપયોગ પીવાના પાણી તરીકે કરવામાં આવે છે. એ વિસ્તારોમાં પીવાના પાણી બાબતે ખાસ કાળજી રાખવી જોઈએ.

વરસાદની મોસમમાં કાંપ, કચરો અને અન્ય પ્રદૂષિત પદાર્થો પાણીના પ્રવાહમાં વહી આવે છે. તેની સાથે ટાઇફોઇડ, મરડો, કૉલેરા જેવા રોગોના બૅક્ટેરિયા, અમીબા, જિયાર્ડિયા જેવા પ્રોટોઝોલ સજીવો અને ઘણાં રસાયણો અને ઝેરી પદાર્થો પણ પાણીમાં ભળે છે.

આવું દૂષિત પાણી પીવાથી ઊલટી, ઝાડા, મરડો, કૉલેરા, ટાઇફોઇડ અને પેરાટાઇફોઇડ વગેરે જેવા બૅક્ટેરીયલ રોગો થઈ શકે છે.

કમળાના હેપેટાઇટિસ એ અને ઈ, નાનાં બાળકોમાં અતિસારનું કારણ બનતો રોટોવાયરસ તેમજ પંગુપણાનું કારણ બનતા પોલિયોમેલિટિસ જેવી વિષાણુજન્ય બીમારી પણ દૂષિત પાણીથી જ ફેલાય છે. થ્રેડવૉર્મ્સ જેવાં જંતુ દૂષિત પાણી મારફત માનવ શરીરમાં પ્રવેશે છે. દૂષિત પાણીને કારણે વિશ્વમાં દર વર્ષે ચાર અબજ લોકો બીમાર પડે છે અને 20 લાખ બાળકો મૃત્યુ પામે છે.

તેનું નિરાકરણ એ છે કે સ્વચ્છ અને બૅક્ટેરિયા-મુક્ત પાણી જ પીવું જોઈએ. ઘરમાં વૉટર ફિલ્ટર હોય તો કોઈ સમસ્યા નથી સર્જાતી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અને જે લોકોને ફિલ્ટર પરવડતું નથી તેમણે ત્રણ વખત પાણી ફિલ્ટર કરવું જોઈએ. પછી તેને ઉકાળવું જોઈએ અને તે ઠંડુ થાય પછી પીવું જોઈએ.

શક્ય હોય ત્યાં સુધી બહારનું પાણી પીવાનું ટાળવું જોઈએ. બહાર જાઓ ત્યારે પાણીની બૉટલ સાથે રાખો. આજકાલ પ્રવાસ દરમિયાન કે ઘરની બહાર નીકળ્યા હોય ત્યારે લોકોમાં પાણીની બૉટલને બદલે મિનરલ વોટરનો ઉપયોગ કરવાનો ટ્રેન્ડ જોવા મળે છે. મિનરલ વૉટર ગુણવત્તાયુક્ત હોય તેની ખાતરી કરવી જોઈએ.

બંધિયાર પાણી

વર્ષા ઋતુમાં રસ્તા પર અનેક જગ્યાએ પાણી ભરાઈ જતું હોય થાય છે. ખાડાઓમાં પાણી ભરાયેલું રહે છે. ગટર ઊભરાઈ જવાથી તેનું ગંદુ પાણી પણ રસ્તા પર ઠલવાય છે. એવાં પાણીમાં મચ્છરો પેદા થાય છે. ઍનોફિલિસ નામના મચ્છરનું પ્રમાણ એવા બંધિયાર પાણીમાં દિવસે ન વધે એટલું રાતે વધે છે. એ મચ્છર મેલેરિયા ફેલાવે છે.

ઘરમાં વાસણ, કુંડા, ઍર કન્ડિશનર, ફ્રિજ, અગાસી પર રાખવામાં આવેલી નકામી વસ્તુઓ વચ્ચે, જૂનાં ટાયરોમાં એકઠું થયેલું પાણી, સ્વચ્છ વરસાદી પાણીમાં ઍડિસ ઇજિપ્તી નામના મચ્છર પેદા થાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા રોગ ફેલાવે છે.

આ મચ્છરો વાયરસના વાહકો હોય છે. જાપાનીઝ ઍન્સેફેલાયટિસ નામની બીમારી ક્યુકેલસ પ્રજાતિના મચ્છરોને લીધે ફેલાય છે.

તેથી સરકારી તંત્ર ચોમાસા પહેલાં ખાડાઓ પૂરી, નાળાઓની સફાઈ કરે અને પાણીનો સંગ્રહ કરવામાં આવતો હોય એવા વિસ્તારની સફાઈ કરે તે અપેક્ષિત હોય છે.

એ ઉપરાંત દરેક નાગરિકે પોતાનાં ઘર, ઓફિસ, દુકાન કે કારખાનામાં, શાળા-કૉલેજોમાં, ખાનગી સભાગૃહમાં પાણીનો સંગ્રહ ન કરવો જોઈએ. કુંડા, ફ્રિજ, એર કન્ડિશનરમાંનું પાણી સાફ રાખવું જોઈએ. આજુબાજુના તમામ ખાડા પૂરી નાખવા જોઈએ.

તેમ છતાં ઘરમાં મચ્છર થાય તો ઘરની બારીઓ પર જાળી લગાવવી જોઈએ, મૉસ્કિટો રિપેલન્ટ વાપરવા જોઈએ અને મચ્છરદાનીમાં ઊંઘવું જોઈએ.

આટલી કાળજી રાખવા છતાં બીમાર પડો તો ડૉક્ટર પાસે તાત્કાલિક જઈને તેનું નિદાન તથા સારવાર કરાવવી જોઈએ.

લેપ્ટોસ્પાયરોસિસ

લેપ્ટોસ્પાયરા નામના બૅક્ટેરિયાનો ચેપ લાગવાથી લેપ્ટોસ્પાયરોસિસ થાય છે. શરીર પર ઘા હોય અને એ ઉઘાડો જખમ ચોમાસાના એકઠા થયેલા પાણીના સંપર્કમાં આવે તો લેપ્ટોસ્પાયરોસિસ થવાનું જોખમ વધી જાય છે.

ઊંદર, કૂતરાં, ઘોડા જેવાં પ્રાણીઓથી લેપ્ટોસ્પાયરાને ચેપ લાગતો હોય છે, પરંતુ તેમા લેપ્ટોસ્પાયરોસિસનાં લક્ષણ જોવા મળતાં નથી. આ પ્રાણીઓના પેશાબ મારફત લેપ્ટોસ્પાયરોસિસના બૅક્ટેરિયા બહાર આવે છે.

આ પ્રાણીઓનો પેશાબ ચોમાસામાં રસ્તા પર, ખાડાઓમાં જમા થયેલા પાણીમાં ભળે છે. તે પાણીના સંપર્કમાં માણસનો ઉઘાડો જખમ આવે તો લેપ્ટોસ્પાયરોસિસ થવાની શક્યતા વધી જાય છે.

લક્ષણ અને નિવારણ

અચાનક ભારે તાવ આવે, માથામાં દુખાવો થાય, શરીરમાં દુખાવો થાય, પેટમાં દુખાવો થાય, સ્નાયુઓમાં દુખાવો થાય અથવા શરદી કે ઊલટી થાય તો તત્કાળ સાવધ થઈ જવું. આવી અવસ્થામાં શરીર પર લાલ ડાઘ પણ જોવા મળતા હોય છે.

આ લક્ષણોની અવગણના કરવાથી રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

  • પાણીજન્ય ચેપને રોકવા માટે ચોમાસા દરમિયાન બંધિયાર પાણીમાં ચાલવાનું ટાળવું જોઈએ.
  • વરસાદના જમા થયેલા પાણીમાંથી ચાલવું જ પડે તેમ હોય તો ગમ બૂટ અથવા પગ પાણીના સીધા સંપર્કમાં ન આવે તેવાં પગરખાં પહેરવાં જોઈએ.
  • ગટરના પાણીના સંપર્કમાં ખુલ્લા જખમ ન આવે તેની કાળજી લેવી જોઈએ.
  • પોતાના હાથથી ચહેરો, નાક, મોં લૂછવાને બદલે રૂમાલ અથવા ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ચહેરા, નાક અને મોંને લાગતો ચેપ અટકશે.
  • લાંબા નખમાં ગંદકી જમા થવાથી ઇન્ફેક્શન થઈ શકે છે. તેથી વર્ષા ઋતુમાં પણ હાથ-પગના નખ નિયમિત રીતે કાપવા જોઈએ. સાફ રાખવા જોઈએ.
  • આ પૈકીનું એકેય લક્ષણ દેખાય તો ઘરેલુ ઉપચાર કરવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

ગંદકી અને માખી

વરસાદની મોસમમાં ઘર, શેરીઓ, જાહેર સ્થળો બધે જ કાદવ, ભીનાશ અને ચીકાશ હોય છે. જમા થયેલા કચરો તેમાં ભળીને ગંદકીનું સામ્રાજ્ય ફેલાવે છે. એવી ગંદી જગ્યાએ માખીઓનો જમાવડો થાય છે.

ગંદકી પરથી ઊડેલી માખીઓ ખાદ્યપદાર્થો પર બેસે છે. તેની પાંખો પર જંતુઓ વળગેલાં હોય છે. એ જુંતુઓ હડકવા, કૉલેરા, ટાઇફોઇડ, ઝાડા-ઊલટી, હેપેટાઇટિસ એ તથા અન્ય પ્રકારના કમળા જેવા રોગનાં કારક બની શકે છે.

આ રોગ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. તેથી માખીઓનો જમાવડો ન થાય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આવો કોઈ રોગ થાય તો ડૉક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ.

માખીઓના ઉપદ્રવથી બચવા માટે ઘરની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ. ગુંદર જેવો ચીકણો પદાર્થ લગાડેલા કાગળ ઠેકઠેકાણે રાખવાથી માખીઓ તેના પર ચોંટી જાય છે. બાદમાં એ કાગળનો નાશ કરવો જોઈએ. ઘરમાં જંતુનાશક દવાનો છંટકાવ કરીને ફ્લોર તથા દિવાલ પર બેઠેલી માખીઓને ખતમ કરવી જોઈએ.

શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તે સરકારી વહીવટી તંત્રએ સુનિશ્ચિત કરવું જોઈએ. માખીઓનાં ઈંડાંનો જંતુનાશકો વડે નાશ કરવો જોઈએ.

ચોમાસામાં શું ખાવું, શું ન ખાવું

ચોમાસામાં રોગોથી દૂર રહેવા માટે સ્વચ્છ અને સ્વસ્થ આહાર બહુ જરૂરી છે. વરસાદના દિવસોમાં ઘણા લોકો પાચન સંબંધિત સમસ્યાઓનો સામનો કરતા હોય છે. તમે એવું ન ઇચ્છતા હો તો નીચે મુજબની બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ.

  • બહારનો ખોરાક, ખુલ્લો રાખેલો ખોરાક, કાચો ખોરાક ન ખાવા જોઈએ. ઘરે રાંધેલું ભોજન સ્વાસ્થ્ય માટે કાયમ ઉપકારક હોય છે. કાયમ આરોગ્યપોષક આહાર કરવો જોઈએ.
  • કાયમ તાજો, ગરમ, રાંધેલો, પચવામાં સરળ હોય તેવો ખોરાક લેવો જોઈએ. માછલી અને મટનનો આહાર ટાળવો જોઈએ. ચોમાસું માછલીઓની પ્રજનનઋતુ છે. તેથી ચોમાસામાં માછલી ખાવાનું અવશ્ય ટાળવું જોઈએ. આ સમયગાળામાં માછલીનો આહાર કરવાથી ચેપ લાગવાની શક્યતા રહે છે. માંસ પચવામાં ભારે હોય છે અને પાચનતંત્રમાં ખલેલ સર્જે છે. તેથી માંસાહાર ટાળવો જોઈએ.
  • બહાર મળતી પાણીપૂરી, ભેળપૂરી, ભજિયાં, સમોસાં જેવા જંક ફૂડથી તો ચોમાસામાં દૂર જ રહેવું જોઈએ. ખાટા અને ઠંડા પદાર્થોનો આહાર ટાળવો જોઈએ.
  • વરસાદી દિવસોમાં રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા ખોરાકનો દૈનિક ભોજનમાં સમાવેશ કરવો જોઈએ. તાજો, ગરમ અને મસાલેદાર ખોરાક ખાઓ તો ચાલે, કારણ કે મસાલાને લીધે પાચનક્રિયામાં સુધારો થાય છે. જોકે, વધુ પડતો તૈલી અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
  • સ્વચ્છ ફળો અને તાજાં શાકભાજી પુષ્કળ પ્રમાણમાં ખાવા જોઈએ. રોજિંદા આહારમાં પણ ફળોનો ભરપૂર આહાર કરવો જોઈએ. તેનાથી પાચનક્રિયામાં સુધારો થાય છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. જોકે, વરસાદની મોસમમાં કાંદા, લસણ, મૂળા તથા પાલક ખાવાનું ટાળવું જોઈએ.
  • શરીરને મોટા પ્રમાણમાં પાણીની જરૂર પડતી હોય છે. તેથી રોજ બે-ત્રણ લીટર પાણી પીવું જોઈએ. ચોમાસામાં તરસ ઓછી લાગે છે. તેથી શરીરમાં પાણીની અછત સર્જાય છે. શરીરને નીરોગી તથા સ્વસ્થ રાખવા માટે પાણી પીવું અનિવાર્ય છે.
  • અગાઉ જણાવ્યું તેમ શુદ્ધ પાણીને ઉકાળ્યા પછી પીવું જોઈએ, પરંતુ ઠંડા પીણાં, ચા અને કૉફીનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ, કારણ કે કૉફી ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે.

વર્ષા ઋતુમાં વ્યાયામ

પાચનતંત્ર ઉત્તમ રીતે કામ કરતું રહે અને ખોરાકનું યોગ્ય રીતે પાચન થાય તે માટે ચોમાસામાં વ્યાયામ કરવો બહુ જરૂરી છે. જોકે, વધુ પડતો વ્યાયામ જોખમી સાબિત થઈ શકે છે. વધુ પડતી કસરતથી નબળાઈ આવી શકે છે. વ્યાયામની સાથે રોજ યોગાસન તથા પ્રાણાયામ કરવા જોઈએ.