મોબાઇલ ફોનથી જ હૃદયરોગનું નિદાન થઈ શકે?

    • લેેખક, ટૉમ અફ
    • પદ, બીબીસી સંવાદદાતા

લોહી ગંઠાઈ જવું (બ્લડ ક્લૉટિંગ) એ એક ગંભીર સ્વાસ્થ્યલક્ષી સમસ્યા છે. તેના લીધે હૅમરેજિંગ, આંતરિક રક્તસ્ત્રાવ, થ્રોમ્બોસિસ જેવી જીવલેણ સમસ્યાઓ થઈ શકે છે.

બ્લડમાં ક્લૉટિંગ થઈ રહ્યું છે કે નહીં એ જાણવા માટે ડૉક્ટરોએ તમારા શરીરમાંથી એક સીસી લોહી લઈને તેની તપાસ કરવી પડે છે. પણ હવે તમારા સ્માર્ટફોન દ્વારા પણ તમે ખુદ બ્લડ ક્લૉટિંગની તપાસ કરી શકો છો.

પ્રથમ મોબાઇલ ફોન બનાવનારી ટીમનું નેતૃત્વ કરનારા માર્ટિન કૂપરે તાજેતરમાં કહ્યું છે કે સેલફોન હવે સ્વાસ્થ્યનું મૉનિટરિંગ કરવાનું મહત્ત્વપૂર્ણ ટૂલ બની જશે. આ શક્યતા હવે સત્ય થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે.

માર્ચ 2022માં વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં વૈજ્ઞાનિકોએ લોહીના એક ટીપામાં ક્લૉટિંગ છે કે નહીં, એ તપાસવા માટે આઈફોનનો ઉપયોગ કર્યો હતો.

તેમણે ડિવાઇસના લાઇટ ડિટૅક્ટિંગ ઍન્ડ રેન્જિંગ (LIDAR) સેન્સરનો ઉપયોગ કર્યો. જે ફોનની આસપાસની 3ડી ઇમેજ બનાવવા માટે પ્લસ્ડ બીમનો ઉપયોગ કરે છે.

આ એ ટેકનિક છે જે તમારા ડિવાઇસને વાસ્તવિક અને વર્ચ્યુઅલ દુનિયાને ઓગ્મેન્ટેડ રિયાલિટી સાથે મેળવવા માટે વસ્તુઓ કે અંતરને ચોક્કસ રીતે માપવાની મંજૂરી આપે છે.

ઉદાહરણ તરીકે, તે બતાવી શકે છે કે તમારા રૂમમાં ફર્નિચરનો ભાગ કેવો દેખાઈ રહ્યો છે. તે તમને ફોટો પાડતી વખતે ઑટો ફોકસ સુધારવામાં પણ મદદ કરી શકે છે.

ફોનના કૅમેરાનો ઉપયોગ કરીને આરોગ્ય તપાસ

આ માટે ફોનનું સેન્સર એટલું સચોટ હોવું જોઈએ કે તે લોહીની સાંદ્રતા અને દૂધમાં ભેળસેળને પકડી શકે. જ્યારે સ્નિગ્ધતાના આધારે પ્રકાશ ફેલાય છે, ત્યારે લેસરનાં સ્પંદનો એક લાક્ષણિક પૅટર્ન બનાવે છે.

દાખલા તરીકે, જો દૂધમાં ચરબીનું પ્રમાણ બદલાય છે, તો પૅટર્ન બદલાશે. લોહી ગંઠાઈ જવાના કિસ્સામાં પણ એવું જ થાય છે.

સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે તેઓ કાચની સ્લાઇડ પર મૂકવામાં આવેલાં લોહીનાં નાનાં ટીપાંમાં જાડા અને પાતળા રક્ત વચ્ચેનો તફાવત શોધવામાં સક્ષમ હતા.

તાજેતરના સંશોધનમાં, ટીમે લોહીના ગંઠાઈ જવાને શોધવા માટે લોહીના ટીપાંમાં તાંબાના કણોની હિલચાલને ટ્રૅક કરવા સ્માર્ટફોનના કૅમેરા અને વાઇબ્રેશન મોટરનો ઉપયોગ કર્યો હતો.

અન્ય સંશોધકો એવી ટેકનૉલૉજી વિકસાવી રહ્યા છે જે બ્લડ પ્રેશર જેવા હ્રદયના સ્વાસ્થ્યને માપવા માટે ફોનના કૅમેરાનો ઉપયોગ કરે છે.

કેનેડાની યુનિવર્સિટી ઑફ ટૉરન્ટો અને ચીનના ઝૅન્જિયાંગમાં આવેલી હેંગઝોઉ નૉર્મલ યુનિવર્સિટીના સંશોધકોએ એવી અલ્ગોરિધમ્સ વિકસાવ્યા છે, જે સ્માર્ટફોન પર ફ્રન્ટ-ફેસિંગ કૅમેરા વડે લીધેલી તસવીરો પરથી ચહેરા પર બહારથી અદ્રશ્ય એવા રક્તપ્રવાહને શોધી શકે છે.

ચાઇનીઝ વૈજ્ઞાનિકોની બીજી એક ટીમે ડીપ-લર્નિંગ અલ્ગોરિધમ વિકસાવ્યા છે, જે સ્માર્ટફોન દ્વારા લીધેલી ચાર તસવીરોમાંથી હૃદયના સ્વાસ્થ્યના અન્ય સંકેતો મેળવી શકે છે.

અલ્ગોરિધમ્સ અને નવા આરોગ્ય સૂચકાંકો

ચહેરાની જુદાજુદા ઍન્ગલોથી લેવાયેલી તસવીરો પરથી સ્વાસ્થ્યલક્ષી સંકેતોને પકડી શકાય છે. અલ્ગોરિધમ્સ ગાલ, માથા અને નાક પરની કરચલીઓ, પટ્ટાઓ અને જામી ગયેલી ચરબી જેવા સૂક્ષ્મ ફેરફારોને પકડી પાડે છે. જે નરી આંખે શક્ય હોતું નથી.

તે 80 ટકા કેસોમાં હૃદયરોગને યોગ્ય રીતે શોધી કાઢે છે. જોકે, 46 ટકા કેસમાં તેનાથી ખોટી ઓળખ પણ થઈ હતી.

આનો અર્થ એ થયો કે જો પ્રોફેશનલ મેડિકલ ડાયગ્નોસિસની મદદ વધુ ન લેવામાં આવે તો દર્દીઓ માટે બિનજરૂરી ચિંતા પણ પેદા કરી શકે છે.

ચીનમાં નેશનલ સેન્ટર ફોર કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝના સંશોધકો, જેમણે આ અભ્યાસ હાથ ધર્યો હતો, કહે છે કે આ ઉપકરણ એવા દર્દીઓ શોધવા માટે 'સસ્તી, સરળ અને અસરકારક' રીત હોઈ શકે છે જેમને વધુ પરીક્ષણની જરૂર છે.

એવી આશા છે કે સ્માર્ટફોન હૃદયની સ્થિતિનું નિદાન કરવામાં મદદ કરી શકે છે. જેનું નિદાન કરવું મુશ્કેલ છે. ઉપરાંત, તે એક સસ્તું અને વધુ પોર્ટેબલ માધ્યમ સાબિત થશે.

આગળ બીજું શું થશે?

લૉસ ઍન્જલસની ચિલ્ડ્રન્સ હૉસ્પિટલના કાર્ડિયોલૉજિસ્ટ જેનિફર મિલર અને યુનિવર્સિટી ઓફ સધર્ન કૅલિફોર્નિયાના એન્જિનિયરોએ એક અલ્ટ્રાસાઉન્ડ સ્કૅનરનું પ્રોટોટાઇપ તૈયાર કર્યું છે. જે ઇકોકાર્ડિયોગ્રામ બનાવવા માટે સ્માર્ટફોન સાથે લિંક કરી શકે છે.

ઇકોકાર્ડિયોગ્રામ હૃદયમાંથી લોહી કેવી રીતે વહી રહ્યું છે તેની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં સક્ષમ હશે.

જોકે, આ ટેકનૉલૉજી હજી પણ સંશોધન અને અજમાયશના વિવિધ તબક્કામાં છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ તમારા ફોનમાં આવી છે, જેનાથી તમે તમારા સ્વાસ્થ્ય પર નજર રાખી શકો છો.

એલિઝાબેથ વોયક, 'ધ સ્માર્ટફોન: ઍનાટોમી ઑફ ઍન ઇન્ડસ્ટ્રી'નાં લેખક 'રિવા' નામક એક સ્ટાર્ટ-અપને ટાંકે છે. જે ફોનના કૅમેરા અને ફ્લૅશલાઇટનો ઉપયોગ કરીને બ્લડ પ્રેશરને ટ્રૅક કરી શકે છે.

તેઓ કહે છે, "તમે સ્માર્ટફોનના કૅમેરા પર તમારી આંગળીના ટેરવા મૂકો છો અને પછી તમારા બ્લડ પ્રેશરને ટ્રૅક કરવા માટે તમારી ધમનીઓ દ્વારા લોહીના પ્રવાહને માપે છે."