વગર ખર્ચે ડાયાબિટીસ ઘટાડવો છે? તો આટલું કરો

દર અડધા કલાકે ત્રણ મિનિટ સુધી ચાલવાથી લોહીમાં શુગરનું સ્તર ઘટે છે.

બ્રિટનમાં એક નાના સમૂહ પર થયેલ એક શોધમાં આ વાત સામે આવી હતી.

ડાયાબિટીસ ચૅરિટી કૉન્ફરન્સમાં રજૂ કરાયેલ આ શોધ પ્રમાણે સાત કલાકની અંદર દર અડધા કલાકે ત્રણ મિનિટ સુધી ચાલવાથી ટાઇપ-1 ડાયાબિટીસના દર્દીના બ્લડ શુગર લેવલમાં ઘટાડો જોવા મળ્યો. આ શોધ 32 દર્દીઓ પર કરાઈ હતી.

ડાયાબિટીસ યુ. કે.નું કહેવું છે કે આ ‘ઍક્ટિવિટી સ્નેક’ વગર ખર્ચે વ્યવહારિક બદલાવ લાવી શકે છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન અનુસાર ભારતમાં લગભગ સાત કરોડ 70 લાખ લોકોને ટાઇપ 2 ડાયાબિટીસ છે અને 2.5 કરોડ લોકો પ્રિડાયાબિટીસ સ્ટેજ પર છે.

એક અનુમાન પ્રમાણે બ્રિટનમાં લગભગ ચાર લાખ લોકો ટાઇપ-1 ડાયાબિટીસથી પ્રભાવિત છે.

શરીરની રોગપ્રતિકારક પ્રણાલી જ્યારે અગ્નાશયના ઇન્સુલિન બનાવનારા સેલ પર હુમલો કરે તો એ સ્થિતિમાં અગ્નાશય ઇન્સુલિન બનાવી શકતું નથી અને શરીર ડાયાબિટીસ ટાઇપ-1નું શિકાર થઈ જાય છે.

ઇન્સુલિન રક્તમાં શુગરના પ્રમાણને નિયંત્રિત કરે છે. ઇન્સુલિનની કમીના કારણે રક્તમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. ડાયાબિટીસના દર્દીને આ સ્થિતિથી બચવા માટે નિયમિત અંતરે કૃત્રિમપણે ઇન્સુલિન લેવું પડે છે.

ઘણા સમય સુધી જો રક્તમાં શુગરનું પ્રમાણ ઊંચું રહે તો દર્દીને ઘણી ગંભીર બીમારીઓ થઈ શકે છે. આ સ્થિતિને કારણે કિડની ફેઇલ થઈ જવી, દૃષ્ટિહીન થવું અને હાર્ટ ઍટેકનાં જોખમ સામેલ છે.

'ઍક્ટિવિટી સ્નેકિંગ'

ડાયાબિટીસ યુ. કે.માં શોધનાં પ્રમુખ ડૉ. એલિઝાબેથ રૉબર્ટસન કહે છે કે ટાઇપ-1 ડાયાબિટીસથી ગ્રસ્ત લોકો માટે દરરોજ પોતાના રક્તમાં શુગરના સ્તરને નિયંત્રિત કરવાનું કામ ખૂબ થકવી નાખનારું થવા માંડે છે.

રૉબર્ટસન કહે છે કે, "આ નિષ્કર્ષો પરથી એ વાતની ખબર પડી છે કે સરળ અને સામાન્ય ફેરફારો કરવાથી જેમ કે, ચાલતાં ચાલતાં ફોન પર વાત કરવી, નિયમિત સમયાંતરે બેઠક છોડવાનું રિમાઇન્ડર સેટ કરવા જેવી બાબતોની બ્લડ શુગરના સ્તર પર આટલી વ્યાપક અસર થાય છે એ વાત અવિશ્વસનીયપણે ઉત્સાહજનક છે."

"અમે આના લાંબા ગાળા પ્રભાવોને સમજવા માટે વધુ શોધ કરવા માટે ઉત્સાહિત છીએ."

યુનિવર્સિટી ઑફ સંડરલૅન્ડ સાથે જોડાયેલા અને આ શોધના પ્રમુખ રિસર્ચર ડૉ. મેથ્યૂ કૅમ્પબેલ જણાવે છે કે આ ઓછી તીવ્રતાવાળી નાની એવી પ્રવૃત્તિના આવા પરિણામને કારણે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

તેઓ કહે છે કે ટાઇપ-1 ડાયાબિટીસથી ગ્રસ્ત લોકો માટે ‘ઍક્ટિવિટી સ્નેકિંગ’ એક મોટા બદલાવની શરૂઆત હોઈ શકે છે અને તેઓ આગળ વધુ નિયમિત શારીરિક અભ્યાસ કરી શકે છે. અન્ય લોકો માટે બ્લગ શુગર સ્તરને નિયમિત રાખવા માટેનો એક સરળ રસ્તો હોઈ શકે છે.

શરૂઆતના તબક્કે આ ટ્રાયલમાં ટાઇપ-1 ડાયાબિટીસથી ગ્રસ્ત 32 લોકોએ બે દિવસ સુધી સાત કલાક સુધી બેસવાનો અને અડધા કલાકના અંતરે નિયમિત ચાલવાનો અભ્યાસ કર્યો.

એક સત્રમાં તેમણે નિયમિત અંતરે ચાલવા માટે બ્રેક લીધી અને બીજા સત્રમાં તેઓ સતત બેઠા રહ્યા.

દરેક સત્રની શરૂઆતથી 48 કાલ સુધી તેમના બ્લગ શુગર સ્તરની નિયમિત દેખરેખ કરાઈ. આ દરમિયાન તમામે એક જ પ્રકારનું ભોજન પણ લીધું અને ઇન્સુલિન લેવાના પ્રમાણમાં પણ કોઈ ઘટાડો ન કર્યો.

48 કલાક સુધી ચાલેલ આ શોધમાં ખબર પડી કે નિયમિત અંતરે ચાલવાથી બ્લડ શુગર સ્તર નીચે રહ્યો (6.9 એમએમઓ પ્રતિ લિટર) જ્યારે સતત બેઠા રહેવાથી એ 8.2 એમએમઓએલ પ્રતિ લિટર થયો.

ડૉ. કૅમ્પબેલ કહે છે કે તેઓ લાંબા સમયગાળામાં આ દૃષ્ટિકોણના ફાયદા સમજવા માટે હજુ વધુ મોટી શોધ કરવાની આશા ધરાવે છે.

તેઓ કહે છે કે, “વાસ્તવિકતા એ છે કે લોકોને વધુ ચાલવા માટે પ્રોત્સાહિત કરવાની સરળ રીત એક ખૂબ મોટી વસતિને ફાયદો પહોંચાડી શકે છે.”