અમદાવાદની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈની ગૅંગને કૅનેડાએ 'આતંકવાદી સંગઠન' કેમ જાહેર કરી?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, લૉરેન્સ બિશ્નોઈ, અમદાવાદ, સાબરમતી જેલ, કૅનેડા, આતંકવાદી સંગઠન લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, કૅનેડા પોલીસે લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ પર ગંભીર આરોપ લગાવ્યા છે.

કૅનેડા સરકારે લૉરેન્સ બિશ્નોઈ ગૅંગને 'આતંકવાદી સંગઠન' જાહેર કરી દીધી છે. કૅનેડાના જાહેર સલામતી મંત્રી ગૅરી આનંદસાંગરીએ આ માહિતી સોશિયલ મીડિયા ઍક્સ પર આપી હતી.

તેમણે લખ્યું હતું, "કૅનેડામાં હિંસા, આતંકવાદ, સમુદાયોને ડરાવવા-ધમકાવવાનું ક્યારેય સહન કરવામાં આવશે નહીં. અમે એ ધમકીઓનો સામનો કરવા માટે જરૂરી પગલું લઈ રહ્યા છીએ."

'આતંકવાદી સંગઠન'ની યાદીમાં સામેલ હોવાનો અર્થ એ છે કે કૅનેડામાં આવા સમૂહની કોઈ પણ સંપત્તિ, વાહનો અથવા પૈસા જપ્ત કરી શકાય છે. આવા સમૂહ પર કેસ ચલાવવા કે કાર્યવાહી કરવાના વધારે અધિકાર કૅનેડાની કાયદાકીય એજન્સીઓને મળે છે.

ભારતીય તપાસ એજન્સીઓને ટાંકીને અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે 33 વર્ષના લૉરેન્સ બિશ્નોઈની ગૅંગમાં લગભગ 700 શૂટર છે. એ પૈકીના મોટાભાગનાં નાનાં ગામડાં અને શહેરોના છે.

કૅનેડા સરકારનું કહેવું છે કે "બિશ્નોઈ ગૅંગ એક આંતરરાષ્ટ્રીય અપરાધી સંગઠન છે, જેનું સંચાલન મુખ્યત્વે ભારતમાંથી થાય છે. આ ટોળકીની કૅનેડામાં મોટી હાજરી છે અને મોટી સંખ્યામાં પ્રવાસી સમુદાય રહે છે તે વિસ્તારોમાં આ ટોળકી સક્રીય છે."

"બિશ્નોઈ ગૅંગ હત્યા, ગોળીબાર અને આગચંપી કરે છે તેમજ ખંડણી તથા ધાકધમકી દ્વારા આ સમુદાયોમાં આતંક ફેલાવે છે."

કૅનેડાની રૉયલ માઉન્ટ પોલીસે એક વર્ષ પહેલાં એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભારતીય એજન્ટો સંગઠિત અપરાધ સમૂહ બિશ્નોઈ ગ્રૂપની મદદથી કૅનેડામાં દક્ષિણ એશિયન મૂળના લોકોને, ખાસ કરીને ખાલિસ્તાની સમર્થકોને નિશાન બનાવી રહ્યા છે.

લૉરેન્સ બિશ્નોઈ છેલ્લાં અઢી વર્ષથી ગુજરાતની સાબરમતી હાઈ સિક્યૉરિટી જેલમાં કેદ છે. ગત વર્ષે મુંબઈમાં થયેલી એનસીપીના નેતા બાબા સિદ્દિકીની હત્યાની તપાસમાં પણ લૉરેન્સ બિશ્નોઈનું નામ આવ્યું હતું.

મૂળ પંજાબના ફાઝિલ્કા જિલ્લાના અબોહરનો રહેવાસી લૉરેન્સ બિશ્નોઈ 2022માં પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા પછી ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

ડિસેમ્બર 2023માં રાજસ્થાનમાં થયેલી કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના તાર પણ બિશ્નોઈ ગૅંગ સાથે જોડાયા હતા.

હવે લૉરેન્સ બિશ્નોઈ ગૅંગની ચર્ચા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ થઈ રહી છે.

લૉરેન્સ બિશ્નોઈનો પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર ભારતનાં અન્ય રાજ્યોમાં પ્રભાવ હોવાનું માનવામાં આવે છે.

લૉરેન્સ બિશ્નોઈ સામે હત્યા, હત્યાના પ્રયાસ, વસૂલી અને ધમકાવવાના અનેક કેસ નોંધાયેલા છે.

પોલીસના જણાવ્યા મુજબ, આ ગૅંગ એક મોટું ડ્રગ્સ નેટવર્ક પણ ચલાવે છે.

વિરોધ પક્ષોએ કર્યા હતા સવાલ

કૅનેડામાં બિશ્નોઈ ગૅંગ પર આરોપ લગાવવામાં આવ્યા પછી કેટલાક વિરોધ પક્ષોએ નરેન્દ્ર મોદી સરકારને પણ સવાલ પૂછ્યા હતા. લૉરેન્સ બિશ્નોઈને ગુજરાતની જેલમાં રાખવા બાબતે પણ સવાલ કરવામાં આવ્યા હતા.

તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ સાકેત ગોખલેએ સવાલ કર્યો હતો કે જેલમાં બંધ ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈની ભૂમિકા વિશે કેન્દ્ર સરકારે તેનું વલણ સ્પષ્ટ કરવું જોઈએ.

ગોખલેએ સવાલ કર્યો હતો કે બિશ્નોઈ ગુજરાતની જેલમાં બંધ હોવા છતાં તેની પાસે આટલી તાકાત ક્યાંથી આવે છે? "બિશ્નોઈને કોણ સુરક્ષા આપી રહ્યું છે અને તે કોના આદેશ અનુસાર કામ કરી રહ્યો છે?"

બીજી તરફ કૉંગ્રેસ અને સીપીઆઈએમએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે કૅનેડા સાથેના વિવાદના મુદ્દે વિરોધ પક્ષોને પણ વિશ્વાસમાં લેવા જોઈએ.

સીપીઆઈએમએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સરકારે લૉરેન્સ બિશ્નોઈની ભૂમિકા સંબંધી આરોપો સહિતના આ મુદ્દાઓ બાબતે વિરોધ પક્ષોને વિશ્વાસમાં લેવા જોઈએ.

જોકે, એ વખતે ભારત સરકારે કૅનેડાના આક્ષેપોને ફગાવી દીધા હતા.

સલમાન ખાનને ધમકી અને બાબા સિદ્દીકીની હત્યા

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, લૉરેન્સ બિશ્નોઈ, અમદાવાદ, સાબરમતી જેલ, કૅનેડા, આતંકવાદી સંગઠન લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, હાલમાં જ એનસીપી નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

લૉરેન્સ બિશ્નોઈએ બોલીવુડના અભિનેતા સલમાન ખાનની હત્યાની ધમકી 2018માં આપી હતી.

મુંબઈ પોલીસની તપાસ મુજબ, તેના શૂટરોએ સલમાન ખાનના મુંબઈસ્થિત ઘર બહાર ગોળીબાર કર્યો હતો. આ સંબંધે ત્રણ શૂટર્સની ધરપકડ પણ કરવામાં આવી હતી.

એ વખતે રાજસ્થાનના જોધપુર શહેરની જેલમાં રજૂ કરવા દરમિયાન બિશ્નોઈએ મીડિયાને કહ્યું હતું, "સલમાનને મારી નાખવામાં આવશે જોધપુરમાં. તેને અમારી અસલી ઓળખ ત્યારે ખબર પડશે."

બિશ્નોઈ સમુદાય 'કાળા હરણ'ને પૂજનીય માને છે અને લૉરેન્સ બિશ્નોઈએ સલમાન સાથેની દુશ્મનીનું કારણ એ જ હોવાનું જણાવ્યું હતું. 'કાળા હરણ'ના શિકારના મામલે સલમાન સામે કેસ નોંધવામાં આવ્યો હતો.

એનસીપીના નેતા બાબા સિદ્દીકીને સલમાન ખાન સાથે ગાઢ સંબંધ હતો.

તેમની હત્યા પછી સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટમાં લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ તેમાં સામેલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

કૉન્વેટ સ્કૂલમાં ભણેલા અને પછી ચંડીગઢની ડીએવી કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન કરતાં વિદ્યાર્થી રાજનીતિમાં આવેલા લૉરેન્સ બિશ્નોઈનો સમાવેશ દેશના ચર્ચિત અપરાધીઓમાં થાય છે.

કૅનેડા પોલીસે દાવાએ તેને ભારતીય એજન્ટો સાથે સાંકળ્યો છે એટલું જ નહીં, તેની ટોળકીનો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રભાવ હોવાનો દાવો પણ કર્યો છે.

બાબા સિદ્દીકી હત્યા કેસમાં મુંબઈ પોલીસ લૉરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા ઇચ્છે છે, પરંતુ કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના એક આદેશને કારણે લૉરેન્સને રિમાન્ડ પર લઈ શકાતો નથી.

ગુજરાતના કિનારેથી ડ્રગ તસ્કરી રૅકેટ ચલાવવાના આરોપસર લૉરેન્સ બિશ્નોઈ હાલ સાબરમતી જેલમાં કેદ છે.

પોલીસ પૂછપરછમાં નડતર બન્યો આદેશ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, લૉરેન્સ બિશ્નોઈ, અમદાવાદ, સાબરમતી જેલ, કૅનેડા, આતંકવાદી સંગઠન લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૉરેન્સ બિશ્નોઈ વર્ષ 2015 બાદથી જેલમાં બંધ છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ અને સીઆરપીસી 268 હેઠળ અમદાવાદની સાબરમતી જેલમાંથી ગૅંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈને બહાર લઈ જવા પર એક વર્ષનો પ્રતિબંધ છે.

સીઆરપીસીની કલમ ક્રમાંક 268 હેઠળ લાદવામાં આવેલા પ્રતિબંધને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા – 2023ની કલમ ક્રમાંક 303 હેઠળ એક વર્ષ લંબાવવામાં આવ્યો છે.

જૂન 2024માં સલમાન ખાનના ઘર પર થયેલા ગોળીબારની ઘટનામાં મુંબઈ પોલીસે લૉરેન્સ બિશ્નોઈનો કબજો મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી. અનેક વખત અરજી કરવા છતાં પોલીસને પૂછપરછ માટે લૉરેન્સનો કબજો મળ્યો નથી.

ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "લૉરેન્સ બિશ્નોઈને માદક દવાઓની દાણચોરીના મામલે પકડવામાં આવ્યો હતો અને ત્યારથી તે સાબરમતી જેલમાં છે."

ગુજરાતની જેલમાં કેમ કેદ છે બિશ્નોઈ?

ગુજરાત એટીએસએ 2022ની 14 સપ્ટેમ્બરે કચ્છ નજીકના સમુદ્રમાંથી એક હોડીમાંથી 40 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું. એ ઘટના પછી લૉરેન્સ બિશ્નોઈનું નામ ગુજરાતી મીડિયામાં ડ્રગ નેટવર્ક સાથે જોડવામાં આવતું રહ્યું છે.

ગુજરાત એટીએસ ડ્રગ નેટવર્ક સામે કાર્યવાહી કરી રહી હતી ત્યારે લૉરેન્સ બિશ્નોઈ પંજાબની કપૂરથલા જેલમાં કેદ હતો.

ગુજરાત પોલીસે લૉરેન્સને 2023માં અટકાયતમાં લીધો ત્યારે એટીએસના પોલીસ વડા સુનીલ જોશીએ બીબીસી ગુજરાતીને કહ્યું હતું, "અમારી માહિતી મુજબ, બિશ્નોઈએ જેલમાં રહીને માદક દવાઓની દાણચોરીની યોજના બનાવી હતી. ગુજરાતના દરિયામાંથી જે માદક પદાર્થ પકડવામાં આવ્યો હતો તે લૉરેન્સના લોકો માટે મોકલવામાં આવ્યો હતો."

સુનીલ જોશીએ કહ્યું હતું, "જેલમાં હોવા છતાં તેણે ડ્રગ્સની ખેપ મંગાવી કઈ રીતે એ પોલીસ જાણવા ઇચ્છે છે."

ગુજરાત પોલીસે બિશ્નોઈને પકડ્યો છે તે મામલો શું છે?

ગુજરાત એટીએસ અને તટરક્ષક દળે 2022ની 14 સપ્ટેમ્બરે એક સંયુક્ત અભિયાનમાં પાકિસ્તાનની એક હોડી પકડી હતી અને તેમાંથી 40 કિલોગ્રામ હેરોઇન જપ્ત કર્યું હતું.

પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે તે હેરોઇન ગુજરાતના બંદરેથી ભારતમાં લાવીને આગળ પંજાબ સુધી મોકલવાનું હતું.

સુનીલ જોશીએ કહ્યું હતું, "એ વખતે પોલીસને મળેલી માહિતીને આધારે તે હોડીને ટ્રૅક કરવામાં આવી હતી અને ગુજરાત પોલીસને મોટી સફળતા મળી હતી."

એ નૌકામાં પ્રવાસ કરી રહેલા છ પાકિસ્તાની નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

લૉરેન્સ બિશ્નોઈ જેલમાંથી પાકિસ્તાની ગૅંગસ્ટર સાથે વીડિયો કૉલ કરી રહ્યો હોવાનો કથિત વીડિયો પણ બહાર આવ્યો હતો. જોકે, તેની સ્વતંત્ર રીતે ખરાઈ કરી શકાઈ નથી.

ડ્રગ નેટવર્કની આ તપાસ દરમિયાન આગળ જતાં લૉરેન્સ બિશ્નોઈનું નામ બહાર આવ્યું હતું.

એ વખતે લૉરેન્સ પંજાબની કપૂરથલા જેલમાં કેદ હતો. લૉરેન્સે પાકિસ્તાનના કરાચીથી ડ્રગ્સ મંગાવી હોવાનું પોલીસ તપાસમાં આગળ જતાં જાણવા મળ્યુ હતું.

ગુજરાતમાં તે ડ્રગ્સ પકડાઈ ત્યારે મીડિયા સાથે વાત કરતાં તત્કાલીન ડીજીપી આશિષ ભાટિયાએ કહ્યું હતું, "જે ડ્રગ્સ પકડાયું છે તેનું નેટવર્ક અલગ-અલગ જેલોમાંથી ચાલી રહ્યું હતું. અમૃતસર, ફરીદકોટ અને કપૂરથલા જેલમાંના કેદીઓ આ નેટવર્કને ચલાવી રહ્યા હતા."

આશિષ ભાટિયાએ એમ પણ કહ્યું હતું કે "જેલમાં કેદ કેદીઓ ફોન તથા વૉટ્સઍપ કૉલ મારફત ડિલિવરી નક્કી કરે છે અને પછી તેમના માણસો એ ડ્રગ્સ પંજાબ સુધી પહોંચાડવાનું કામ કરે છે."

જેલની અંદરથી સંચાલિત ગુનાખોરીનું નેટવર્ક

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, લૉરેન્સ બિશ્નોઈ, અમદાવાદ, સાબરમતી જેલ, કૅનેડા, આતંકવાદી સંગઠન લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લૉરેન્સ બિશ્નોઈ 2014 બાદથી મોટા ભાગના સમય માટે જેલમાં જ રહ્યા છે.

લૉરેન્સ બિશ્નોઈ પર સૌથી પહેલાં સ્ટુડન્ટ પૉલિટિક્સ દરમિયાન હત્યાના પ્રયાસનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

બિશ્નોઈ 2014માં પહેલી વખત જેલમાં ગયો હતો.

જેલમાં રહેતાં બિશ્નોઈએ ગુનાખોરીની દુનિયામાં પગલાં ભર્યાં હતાં અને 2014 પછી મોટાભાગનો સમય તે જેલમાં જ રહ્યો છે.

2015થી 2017 દરમિયાન તે પંજાબના પટિયાલાની જેલમાં હતો.

2017માં બિશ્નોઈને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ થોડા દિવસ પછી અન્ય એક કેસમાં તેની ધરપકડ કરવામાં આવી હતી.

2018થી 2020 દરમિયાન તે દિલ્હીની તિહાડ જેલમાં કેદ હતો.

એ પછી 2020-21માં તેને પંજાબની ભટિંડા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. બિશ્નોઈને 2021માં રાજસ્થાનની અજમેર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો.

સંગઠિત અને અંડરવર્લ્ડ અપરાધની દુનિયાથી રોકવા માટે 2021માં જ તેને મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (મકોકા) હેઠળ એક મામલામાં તિહાડ જેલમાં સલામતીની દૃષ્ટિએ કેદ કરવામાં આવ્યો હતો.

જૂન 2022માં બિશ્નોઈની પંજાબ પોલીસ સિધ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં ધરપકડ કરી હતી. એ દરમિયાન પોલીસે તેની 14 દિવસની કસ્ટડી પણ મેળવી હતી.

નવેમ્બર 2022માં બિશ્નોઈ કપૂરથલા જેલમાં કેદ હતો. બાદમાં તેને દિલ્હીની તિહાડ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસે તેને ત્યાંથી જ કસ્ટડીમાં લીધો હતો અને અમદાવાદની સાબરમતી જેલમાં કેદ કર્યો હતો.

લૉરેન્સ બિશ્નોઈએ તેના અપરાધી જીવનનો મોટા ભાગનો સમય જેલોમાં જ વિતાવ્યો છે અને જેલમાં કેદ ગુનેગારો મારફત પોતાનું નેટવર્ક મજબૂત કર્યું છે.

જેલની બહાર ગોલ્ડી બરાડ તેનો સૌથી નજીકનો ગૅંગસ્ટર છે. તે કૅનેડામાં રહે છે.

એક ટીવી ચૅનલને આપેલી મુલાકાતમાં પોતાના અપરાધી જીવનની વાત કરતાં બિશ્નોઈએ કહ્યું હતું, "હું એક વિદ્યાર્થી હતો ત્યારે પહેલીવાર જેલમાં ગયો હતો. પછી જેલમાં રહીને જ ગૅંગસ્ટર બની ગયો...અમારા ભાઈઓની હત્યા કરવામાં આવી હતી. અમે તો માત્ર પ્રતિક્રિયા આપી હતી…વ્યક્તિ ગમે તે હોય, પરંતુ તેનું નિર્માણ તેની આસપાસના વાતાવરણથી જ થતું હોય છે."

માર્ચ 2023માં જેલની અંદર આપેલી આ મુલાકાતને પગલે અનેક સવાલ ઉભા થયા હતા અને હાઇકોર્ટે તેની ઉચ્ચ સ્તરીય તપાસની જાહેરાત પણ કરી હતી.

હાઈ સિક્યૉરિટી જેલમાં કેદ એક હાઇપ્રોફાઈલ કેદી મુલાકાત કેવી રીતે આપી શકે, એવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, લૉરેન્સ બિશ્નોઈએ મોટાભાગના ગુનાઓ જેલની અંદર રહીને જ આચર્યા છે.

બિશ્નોઈ સામે પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં મામલાઓ નોંધાયેલા છે. તેના પર 30થી વધુ કેસ નોંધાયેલા છે, જેમાંથી 19 હાલ અદાલતોમાં વિચારાધિન છે.

લૉરેન્સ બિશ્નોઈના વકીલ વિશાલ ચોપડાએ બીબીસીને કહ્યું હતું, "મારો અસીલ નિર્દોષ છે અને એ ગુનેગાર નથી."

સ્ટુડન્ટ પૉલિટિક્સથી ગુનાખોરી સુધી

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, લૉરેન્સ બિશ્નોઈ, અમદાવાદ, સાબરમતી જેલ, કૅનેડા, આતંકવાદી સંગઠન લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સિદ્ધુ મૂસેવાલાની હત્યાનો આરોપ પણ લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ પર લાગ્યો હતો.

પંજાબના ફાઝિલ્કાના અબોહરના રહેવાસી લૉરેન્સ બિશ્નોઈના પરિવાર પાસે સારા એવા પ્રમાણમાં જમીન છે. તેના પિતા નિવૃત્ત પોલીસ કર્મચારી છે.

ગામમાં તેનો મોટો બંગલો છે અને તેની ચારેય તરફ લગભગ 100 એકર પારિવારિક જમીન છે.

લૉરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ પણ તેની ગૅંગના સંચાલનમાં સામેલ હોવાનું માનવામાં આવે છે. મૂસેવાલા હત્યા કેસમાં પોલીસ અનમોલને શોધી રહી છે.

લૉરેન્સનાં માતા સુનીતા બિશ્નોઈએ એક વખત સરપંચની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ તેઓ એ ચૂંટણી લડ્યાં ન હતાં.

લૉરેન્સ સાથે સ્કૂલ અને કૉલેજમાં ભણેલા વિદ્યાર્થીઓએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું લૉરેન્સ પંજાબી, હરિયાણવી અને હિંદી સારી રીતે બોલી શકે છે.

લૉરેન્સનો પરિવાર પંજાબના જે અબોહર વિસ્તારનો છે તે રાજસ્થાન અને હરિયાણાને પણ અડીને આવેલો છે. આ પ્રદેશમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનની એક સમાન સંસ્કૃતિ છે.

શાળા અભ્યાસ દરમિયાન પણ લૉરેન્સ તેની બાઇક પર જ સ્કૂલે જતો હતો અને તેને મોંઘાં બૂટ પહેરવાનો શોખ હતો.

પોલીસ રેકૉર્ડ અનુસાર, લૉરેન્સ બિશ્નોઈનું અસલી નામ સતવિંદરસિંહ છે.

મૂસેવાલાની હત્યા વિશેના એક પુસ્તકના લેખક અને પંજાબના ધ ટ્રિબ્યુન અખબારના પત્રકાર જુપિંદરજીતસિંહને લૉરેન્સ બિશ્નોઈના એક સંબંધી રમેશ બિશ્નોઈએ જણાવ્યું હતું કે તેનું નામ બ્રિટિશ અધિકારી હૅનરી મોંટગોમેરી લોલૉન્સના નામ પરથી પડ્યું હતું. એ બ્રિટિશ અધિકારી સનાવરની પહાડીઓ પર સ્થિત પ્રતિષ્ઠિત લૉરેન્સ સ્કૂલના સ્થાપક પણ હતા.

કૉલેજ અભ્યાસ દરમિયાન લૉરેન્સ બિશ્નોઈ 'સોપુ' નામના વિદ્યાર્થી સંગઠન સાથે જોડાયેલા હતા. લૉરેન્સ બિશ્નોઈ જે સમયે વિદ્યાર્થીઓમાં સક્રીય હતા એ વખતે ચંડીગઢની કોલેજો અને યુનિવર્સિટીઓમાં 'સોપુ' અને 'પુસુ' નામનાં સ્થાનિક સંગઠનોની બોલબાલા હતી.

સ્ટુડન્ટ પૉલિટિક્સ દરમિયાન જૂથબાજીથી શરૂ થયેલી લૉરેન્સ બિશ્નોઈની ગુનાહિત સફર હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ડ્રગ્સ તસ્કરી અને ટાર્ગેટ કિલિંગ સુધી પહોંચી ગઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ, લૉરેન્સ 'એ' શ્રેણીનો ગૅંગસ્ટર છે. પંજાબ પોલીસે ગૅંગસ્ટરોની એક શ્રેણી બનાવી છે અને 'એ' શ્રેણીનો અર્થ કથિત રીતે વધારે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો ગુનેગાર છે.

પોલીસ રેકૉર્ડ અનુસાર, લૉરેન્સ બિશ્નોઈને ચાર કેસમાં દોષી પણ ઠરાવવામાં આવ્યો છે.

પંજાબ જેલમાં રહેવા દરમિયાન લૉરેન્સની દોસ્તી ગોલ્ડી બરાડ સાથે થઈ હતી અને હવે આ ગૅંગને બરાડ કૅનેડાથી ચલાવતો હોવાનું માનવામાં આવે છે.

સિદ્ધુ મુસેવાલાની હત્યા ઉપરાંત અન્ય અનેક કેસમાં મુખ્ય ષડયંત્રકર્તા તરીકે પંજાબ પોલીસ ગોલ્ડી બરાડને શોધી રહી છે.

પંજાબ પોલીસના જણાવ્યા મુજબ, ગોલ્ડી બરાડે 2022ની 29 મેએ સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી હતી.

એક પ્રાઇવેટ ચૅનલને આપેલી મુલાકાતમાં લૉરેન્સ બિશ્નોઈએ તેના ગ્રૂપ વિશે કહ્યું હતું, "આ કોઈ ગૅંગ નથી, પરંતુ એકસમાન પીડાવાળા લોકો એકઠા થયા છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન