ICC મહિલા વર્લ્ડકપ 2025ની આજથી શરૂઆત, ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ ક્યાં અને ક્યારે રમાશે?

મહિલા વર્લ્ડ કપ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, ICC

મહિલા વન-ડે વર્લ્ડકપની 13મી આવૃત્તિ 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની શરૂઆતની મૅચ ગુવાહાટીમાં બપોરે 3:00 વાગ્યે રમાશે.

ભારત આ ટુર્નામેન્ટનું આયોજન કરશે, પરંતુ પાકિસ્તાનની બધી મૅચ શ્રીલંકાના કોલંબોમાં રમાશે.

આ ટુર્નામેન્ટમાં 2 નવેમ્બર સુધી આઠ ટીમ વચ્ચે 31 મૅચ રમાશે.

મૅચ ક્યાં સ્થળોએ યોજાશે?

  • ડૉ. ડીવાય પાટીલ સ્પૉર્ટસ ઍકેડેમી, નવી મુંબઈ
  • બારસાપરા ક્રિકેટ સ્ટેડીયમ, ગુવાહાટી, આસામ
  • હોલકર સ્ટેડિયમ, ઇંદોર
  • ડૉ. વાય. એસ. રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડીયમ, વિશાખાપટ્ટનમ
  • આર. પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો, શ્રીલંકા

મહિલા વર્લ્ડકપમાં કઈ ટીમો છે?

  • ઑસ્ટ્રેલિયા
  • બાંગ્લાદેશ
  • ઇંગ્લૅન્ડ
  • ભારત
  • ન્યૂઝીલૅન્ડ
  • પાકિસ્તાન
  • દક્ષિણ આફ્રિકા
  • શ્રીલંકા

આ ટીમો કેવી રીતે ક્વૉલિફાય થઈ હતી?

મહિલા વર્લ્ડ કપ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, ICC

ભારતે તેના હોસ્ટિંગ અધિકારોના આધારે ક્વૉલિફાય થયું હતું, જ્યારે ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, ન્યુઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા ICC મહિલા ચૅમ્પિયનશિપ 2022-25માં ટોચની પાંચ ટીમો તરીકે ક્વૉલિફાય થયા હતા.

બાંગ્લાદેશ અને પાકિસ્તાને વર્લ્ડ કપ ક્વૉલિફાયરમાં પ્રથમ અને બીજા સ્થાને રહીને ટુર્નામેન્ટમાં પ્રવેશ કર્યો.

મહિલા વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ ક્યારે અને ક્યાં છે ?

રવિવારે-5 ઑકટોબરના રોજ, કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં કટ્ટર હરીફો આમને-સામને થશે.

ભારતે 2005થી બંને દેશો વચ્ચે રમાયેલી બધી ODI મૅચોમાં પાકિસ્તાનને હરાવ્યું છે, જેમાં છેલ્લી જીત સાઉથ આફ્રિકામાં ICC વર્લ્ડ કપ 2022 માં મળી હતી.

મહિલા વર્લ્ડકપનું સમયપત્રક શું છે?

મહિલા વર્લ્ડ કપ, બીબીસી, ગુજરાતી

ટુર્નામેન્ટનો મુખ્ય રાઉન્ડ 30 સપ્ટેમ્બરથી 26 ઑક્ટોબર દરમિયાન રાઉન્ડ-રોબિન ફૉર્મેટમાં રમાશે.

ગ્રૂપ સ્ટેજના અંતે ટોચની ચાર ટીમો 29 અને 30 ઑક્ટોબરના રોજ સેમિફાઇનલ માટે ક્વૉલિફાય થશે.

ફાઇનલ 2 નવેમ્બરના રોજ રમાશે.

મહિલા વર્લ્ડકપમાં કોનું પલડું ભારે છે?

મહિલા ક્રિકેટમાં ઑસ્ટ્રેલિયાનું વર્ચસ્વ હંમેશા સ્પષ્ટ રહે છે, અને વન ડે વર્લ્ડકપ પણ તેમાં અપવાદ નથી.

દર ચાર વર્ષે યોજાતી આ ટુર્નામેન્ટ પહેલી વાર 1973માં રમાઈ હતી, જ્યારે ઇંગ્લૅન્ડે જીત મેળવી હતી. પરંતુ ત્યારથી, ઑસ્ટ્રેલિયા સાત વખત આ ટુર્નામેન્ટ જીતી ચૂક્યું છે અને વર્તમાન ચૅમ્પિયન છે.

ઇંગ્લૅન્ડે કુલ ચાર વખત અને ન્યુઝીલૅન્ડે એક વખત વર્લ્ડકપ જીત્યો છે.

મહિલા વર્લ્ડકપમાં કઈ ખેલાડીઓ પર સૌની નજર છે?

  • સ્મૃતિ મંધાના (ભારત)
  • દીપ્તિ શર્મા (ભારત)
  • ચમારી અથાપથુ (શ્રીલંકા)
  • સૉફી ઍક્લેસ્ટોન (ઇંગ્લૅન્ડ)
  • મૅગન શુટ (ઑસ્ટ્રેલિયા)
  • ઍલિસ પેરી (ઑસ્ટ્રેલિયા)
  • લૌરા વૉલ્વાર્ડ (દક્ષિણ આફ્રિકા)
  • ઍમેલિયા કેર (ન્યુઝીલૅન્ડ)
  • સિદ્રા અમીન (પાકિસ્તાન)
  • નાહિદા અખ્તર (બાંગ્લાદેશ)

વર્લ્ડકપના પાંચ શ્રેષ્ઠ ગ્રૂપ-સ્ટેજ કયાં છે?

  • ભારત વર્સિસ પાકિસ્તાન, 5 ઑક્ટોબરે 9:30 GMT
  • ભારત વર્સિસ ઑસ્ટ્રેલિયા, 12 ઑક્ટોબરે 9:30 GMT
  • ભારત વર્સિસ ઇંગ્લૅન્ડ, 19 ઑક્ટોબરે 9:30 GMT
  • ઑસ્ટ્રેલિયા વર્સિસ ઇંગ્લૅન્ડ, 22 ઑક્ટોબરે, 9:30 GMT
  • ઑસ્ટ્રેલિયા વર્સિસ દક્ષિણ આફ્રિકા, 25 ઑક્ટોબરના રોજ 9:30 GMT

વિજેતા ટીમને કેટલું ઇનામ મળશે?

ભારતીય મહિલા ટીમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતીય મહિલા ટીમ પ્રૅકટિસ દરમિયાન

ટુર્નામેન્ટ માટે કુલ ઇનામી રકમ: $13.88 મિલિયન

ચૅમ્પિયન્સ: $4.48 મિલિયન

રનર્સ-અપ: $2.24 મિલિયન

સેમિફાઇનલમાં હારનારા ખેલાડીઓ: દરેક $1.12 મિલિયન

પાંચમા અને છઠ્ઠા સ્થાને આવનારાઓ: $700,000 (દરેક)

સાતમા અને આઠમા સ્થાને આવનારાઓ: $280,000 (દરેક)

મહિલા વર્લ્ડકપ માટે ટિકિટ કેવી રીતે મળી શકે?

ગ્રૂપ-સ્ટેજની બધી રમતોની ટિકિટ ICC ની ટિકિટિંગ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ભારતમાં દર્શકો સ્ટાર નૅટવર્ક અને જીઓ હૉટસ્ટાર એપ પર બધી મૅચ લાઇવ જોઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન