બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં મતદારયાદીનો શું વિવાદ ચાલી રહ્યો છે?

જૂન માસના અંત ભાગમાં ભારતના ચૂંટણીપંચે કંઈક એવી જાહેરાત કરી છે જેના કારણે બિહારના રાજકારણમાં આક્ષેપોનો ક્રમ શરૂ થઈ ગયો છે.

વિરોધમાં વિપક્ષી દળોનું 'ઇન્ડિયા' ગઠબંધન આ જાહેરાતનો વિરોધ કરી રહ્યું છે તો બીજી તરફ ભાજપે ભારતના ચૂંટણીપંચની આ જાહેરાતને બિરદાવી હતી.

આ વાત છે ભારતના ચૂંટણીપંચના બિહારમાં મતદાર 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (એસઆઈઆર) કરાવવાના નિર્ણયની.

આ પગલા પર માત્ર વિપક્ષ જ સવાલ નથી ઉઠાવી રહ્યો, પરંતુ સામાન્ય લોકોના મનમાં પણ આને લીધે ઘણાં શંકાસવાલ પેદા થઈ રહ્યાં છે.

કેન્દ્રીય ચૂંટણીપંચે કરેલી જાહેરાત અનુસાર આ કાર્યવાહીથી તમામ યોગ્ય નાગરિકોના નામ વૉટર લિસ્ટમાં હોય એ બાબત સુનિશ્ચિત કરાશે.

ચૂંટણીપંચે મતદારોને એક ફૉર્મ ભરવા કહ્યું છે જેની સાથે જે પુરાવા સામેલ કરવાના છે તેમાં આધાર કાર્ડનો સમાવેશ નથી કરાયો.

જોકે, સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન ચૂંટણીપંચને આધાર કાર્ડને સામેલ કરવા સલાહ આપી છે. પરંતુ ચૂંટણીપંચે આ વિશે કોઈ નિર્ણય નથી લીધો. તેથી સવાલ એ થાય છે કે ચૂંટણીપંચ માત્ર આધાર કાર્ડને દસ્તાવેજ તરીકે સ્વીકારશે કે નહીં.

બિહારમાં આ વર્ષે અમુક મહિના બાદ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, તેથી વિપક્ષ આ કાર્યવાહીની ટીકા કરી રહ્યો છે અને કેન્દ્રીય ચૂંટણીપંચ પર 'ભાજપના સેલ' તરીકે કાર્ય કરવાનો આરોપ કરી રહ્યો છે.

વિપક્ષનાં દળોની સાથોસાથ સિવિલ સોસાયટીએ પણ આ પગલાનો વિરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે આ પ્રક્રિયા લાગુ કરવાથી ઘણા લોકો મતદારયાદીની બહાર રહી જશે.

શું છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન?

24 જૂન 2025ના રોજ ચૂંટણીપંચે પોતાની એક પ્રેસનોટ જાહેર કરીને જણાવ્યું કે બિહારમાં મતદારયાદીનું છેલ્લે 'ઇન્ટેન્સિવ રિવિઝન' 2003માં કરાયું હતું. એ બાદ ઘણા લોકોનાં મૃત્યુ, પ્રવાસ અને ગેરકાયદેસર ઇમિગ્રેશનને કારણે એક સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જરૂર છે.

ભારતના ચૂંટણીપંચે જણાવ્યું કે જે લોકનાં નામ 2003ની યાદીમાં સામેલ છે, તેમણે ચૂંટણીપંચ તરફથી જાહેર કરાયેલ એક ફૉર્મ માત્ર ભરવાનું રહેશે.

જેમનું નામ એ યાદીમાં નથી, તેમણે જન્મના વર્ષ પ્રમાણે દસ્તાવેજો આપવાના રહેશે.

જેમનો જન્મ 1 જુલાઈ, 1987 પહેલાં થયો છે, તેમણે પોતાના જન્મસ્થળ કે જન્મતિથિ માટે દસ્તાવેજ આપવા પડશે.

જેમનો જન્મ 1 જુલાઈ, 1987થી 2 ડિસેમ્બર 2004 વચ્ચે થયો છે, તેમણે પોતાની સાથોસાથ પોતાનાં માતાપિતા પૈકી કોઈ એકનો દસ્તાવેજ આપવાનો રહેશે. જેમનો જન્મ 2 ડિસેમ્બર 2004 બાદ થયો છે, તેમણે પોતાના દસ્તાવજે સાથે પોતાનાં માતાપિતાના દસ્તાવેજ પણ આપવાના રહેશે.

જેમનાં માતાપિતાનું નામ 2003ની મતદારયાદીમાં સામેલ છે, તેમણે પોતાનાં માતાપિતાના દસ્તાવેજ જમા કરાવવાની કોઈ જરૂર નહીં રહે. જોકે, તમામ મતદારોએ ચૂંટણીપંચ તરફથી જાહેર કરાયેલ ફૉર્મ ભરવાનું રહેશે.

આ સમગ્ર પ્રક્રિયા માટે એક મહિનાનો સમય અપાયો છે. 26 જુલાઈ સુધી તમામ મતદારોએ ફૉર્મ ભરવાનું રહેશે. એ બાદ 1 ઑગસ્ટના રોજ ચૂંટણીપંચ એક ડ્રાફ્ટ લિસ્ટ જાહેર કરશે.

એ બાદ ફરિયાદ દાખલ કરાવવા માટે લોકો પાસે એક મહિનાનો સમય હશે. 30 સપ્ટેમ્બરના રોજ મતદારોની ફાઇનલ લિસ્ટ જાહેર કરાશે.

ચૂંટણીપંચ પ્રમાણે, બિહારમાં લગભગ આઠ કરોડ મતદાર છે, તેથી લોકો એ વાતનો વિરોધ કરી રહ્યા છે કે સમગ્ર પ્રક્રિયા પૂરી કરવા માટે ખૂબ ઓછો સમય અપાયો છે.

એસઆઈઆર બે પ્રકારે થશે. પ્રથમ બૂથ લેવલ ઑફિસર (બીએલઓ) ઘરે ઘરે, એક પ્રી-ફિલ્ડ ફૉર્મ ગણના પ્રપત્ર (મતદારની જાણકારી અને દસ્તાવેજ) લઈને જશે.

બીજી રીતમાં કોઈ પણ વ્યક્તિ ચૂંટણીપંચની વેબસાઇટ પર જઈને આ ફૉર્મ ડાઉનલોડ કરીને તેને ભરી શકે છે.

અહીં પ્રી-ફિલ્ડ ફૉર્મનો અર્થ એ છે કે તેમાં મતદાર વિશેની વિગતો અગાઉથી જ ફૉર્મમાં ભરેલી હશે.

બીએલઓ માત્ર તેનું વેરિફિકેશન કરશે. સાથે જ જો જરૂર હશે તો વ્યક્તિને આવશ્યક દસ્તાવેજ જમા કરાવવાના રહેશે.

પ્રી ફિલ્ડ ફૉર્મનો આધાર, આ વર્ષે 7 જાન્યુઆરીના રોજ ચૂંટણીપંચ તરફથી જાહેર કરાયેલ મતદારોની પ્રકાશિત 'અંતિમ યાદી' છે.

7 જાન્યુઆરીના રોજ પ્રકાશિત થયેલી આ યાદી પ્રમાણે, બિહારમાં કુલ 7,80,22,933 મતદાર છે, જેમાં 3,72,57,477 મહિલા 4,07,63,352 પુરુષ અને 2,104 થર્ડ જેન્ડર છે.

ચૂંટણીપંચે 11 દસ્તાવેજોની યાદી પણ જાહેર કરી છે, જે પૈકી કોઈ એક દસ્તાવેજ ફૉર્મની સાથે જોડવાનો રહેશે.

  • કોઈ પણ ઓળખપત્ર કે કેન્દ્ર/રાજ્ય સરકારના નિયમિત કર્મચારીઓ અથવા પેન્શન મેળવનારાને મળતો પેન્શન ચુકવણીનો આદેશ
  • 1 જુલાઈ 1987 પહેલાં જાહેર કરાયેલ કોઈ પણ ઓળખપત્ર/પ્રમાણપત્ર/સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, બૅન્ક, પોસ્ટ ઑફિસ, એલઆઇસી કે પીએસયુ તરફથી જાહેર કરાયેલ કોઈ પણ દસ્તાવેજ
  • જન્મપ્રમાણપત્ર/પાસપોર્ટ/શૈક્ષણિક પ્રમાણપત્ર કે સર્ટિફિકેટ
  • રાજ્ય સરકારની કોઈ સંસ્થા તરફ જાહેર કરાયેલ મૂળ નિવાસી પ્રમાણપત્ર
  • ઓબીસી, એસસી કે એસટીનું જાતિપ્રમાણપત્ર
  • વનઅધિકાર પ્રમાણપત્ર
  • રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનું ફૅમિલી રજિસ્ટર
  • સરકાર તરફથી જાહેર કરાયેલ ઘર કે જમીનનું પ્રમાણપત્ર
  • નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (જે બિહારમાં લાગુ નથી)

નોંધનીય છે કે આ તમામ માન્ય દસ્તાવેજોની યાદીમાં આધાર કાર્ડ, રૅશન કાર્ડ, મનરેગા જૉબ કાર્ડ, પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ સમાવિષ્ટ નથી.

ઉપર જણાવ્યું એમ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનના પગલા હેઠળ મતદારયાદીમાં પોતાનું નામ જાળવી રાખવા માટે કેટલાક મતદારોએ પુરાવા રજૂ કરવા પડી શકે છે.

આના કારણે બિહારમાં સામાન્ય લોકો મૂંઝવણનો સામનો પણ કરી રહ્યા છે.

આવી જ એક વ્યક્તિ છે બિહારમાં કોસી નદીના કાંઠે ખોખનાહા ગામનાં રહેવાસી પ્રિયંકા. પૂર આ ગામનો ભૂગોળ અવારનવાર બદલતો રહે છે.

પ્રિયંકા એસઆઇઆર માટે આવશ્યક દસ્તાવેજો અંગે કહે છે કે, "બધા કાગળ ગઈ વખતના પૂરમાં વહી ગયા. સરકાર હવે કયા કાગળ શોધી રહી છે?"

તેઓ કહે છે કે, "હવે પાણી આવી ગયું છે, શું અમે જાનમાલ, બાળબચ્ચાં છોડીને કાગળની વ્યવસ્થા કરીએ?"

આ સિવાય લખની બિગહા મુસહરી નામક ક્ષેત્રમાં રહેતા મુસહર સમુદાયના લોકોના વિકાસમિત્ર લાલજીકુમાર કહે છે કે, "માંઝી (મુસહર) લોકો અભણ છે. તેમની પાસે કોઈ દસ્તાવેજ નથી, આધાર કાર્ડ સુધ્ધાં નથી. તેઓ શું મતદાન કરશે?"

ઍસોસિયેશન ફૉર ડેમૉક્રૅટિક રિફૉર્મ સાથે સંકળાયેલા રાજીવકુમાર જણાવે છે કે, "અમે લોકો આ નિર્ણયને પટણા હાઇકોર્ટમાં પડકારવાના છીએ."

તેમનું કહેવું છે કે, "અમે માનીએ છીએ કે આ નિર્ણય બિનલોકતાંત્રિક છે અને બિહારની ખરી પરિસ્થિતિઓ પ્રમાણે યોગ્ય નથી. વર્ષ 2003માં એસઆઇઆરમાં દોઢ વર્ષ લાગ્યાં હતાં. આ વખત આ પ્રક્રિયા એક માસમાં થઈ જશે?"

મહાદલિત સમુદાય વચ્ચે પોતાના પાયાના કામ માટે સુધા વર્ગીઝને પદ્મશ્રીથી સન્માનિત કરાયાં છે.

તેઓ આ નિર્ણય અંગે કહે છે કે, "અમારા અનુસૂચિત જાતિ (બિહારમાં મહાદલિત)ના લોકો ગરીબ છે. તેમની પાસે જમીન નથી. શિક્ષણ નથી અને કોઈ દસ્તાવેજ પણ નથી. સરકાર તેમને મતદાનના બંધારણીય અધિકારથી કેવી રીતે વંચિત રાખી શકે."

બિહારને આંકડાના સંદર્ભમાં જોવામાં આવે તો એ દેશનું સૌથી વધુ પૂર પ્રભાવિત રાજ્ય છે. રાજ્યના ભૂગોળનો 73 ટકા ભાગ પૂરપ્રભાવિત છે.

સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (સીઆરએસ) 2022ના રિપોર્ટ પ્રમાણે, બિહારમાં 21 દિવસની અંદર જન્મ રજિસ્ટ્રેશન માત્ર 71.6 ટકા લોકોએ કર્યું. જન્મનું રજિસ્ટ્રેશન 21 દિવસની અંદર મફત થતું હોય છે.

આવી જ રીતે શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો બિહાર સરકારના જાતિ આધારિત સર્વે પ્રમાણે રાજ્યમાં સામાન્ય વર્ગમાં 17.45, ઓબીસીમાં 21.69, ઇબીસીમાં 24.65, એસસીમાં 24.31, એસટીમાં 24.52, અન્ય જાતિઓમાં 18.32 ટકા લોકોએ માત્ર પહેલા ધોરણથી પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ લીધું છે. રાજ્યમાં આવા લોકોની સંખ્યા 22.67 ટકા છે.

રાજ્યનાં ક્ષેત્રીય રાજકીય દળો અને રાષ્ટ્રીય કક્ષાએ પણ આ નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે.

બિહારના પૂર્વ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ચૂંટણીપંચ દ્વારા અચાનક સ્પેશન ઇન્ટેન્સિવ રિવિઝન કરાવવાની જાહેરાત અત્યંત શંકાસ્પદ અને ચિંતાજનક છે."

તેમણે લખ્યું કે, "ચૂંટણીપંચે આદેશ આપ્યો છે કે તમામ વર્તમાન મતદારયાદીને રદ કરીને દરેક નાગરિકે પોતાનું નામ મતદારયાદીમાં સામેલ કરવા માટે નવેસરથી અરજી કરવાની રહેશે. પછી ભલે તેનું નામ પહેલાંથી જ મતદારયાદીમાં કેમ ન હોય."

"ચૂંટણીના બે મહિના પહેલાં આ પ્રક્રિયાની શી જરૂર પડી."

એઆઇએમઆઇએમ પ્રમુખ અને હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું છે કે આ પ્રક્રિયાનું પરિણામ એ આવશે કે બિહારના ગરીબોને મોટી સંખ્યાને મતદારયાદીમાંથી બહાર કરી દેવાશે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "વિશ્વસનીય અનુમાનો પ્રમાણે માત્ર ત્રણ ચતુર્થાંશ જન્મ જ રજિસ્ટર થાય છે. મોટા ભાગના સરકારી કાગળોમાં ભારે ભૂલો હોય છે. પૂર પ્રભાવિત સીમાંચલ ક્ષેત્રના લોકો સૌથી ગરીબ છે, આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવી કે તેમની પાસે માતાપિતાના દસ્તાવેજ હશે એ એક ક્રૂર મજાક છે."

બીજી તરફ પશ્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસનાં સાસંદ સાગરિકા ઘોષે કહ્યું કે ચૂંટણીપંચના માધ્યમથી ભાજપ વિપક્ષને નિશાન બનાવવાની કોશિશ કરી રહ્યો છે.

તેમણે દાવો કર્યો કે ચૂંટણીપંચે બિહાર વિધાનસભા પહેલાં મતદારયાદીમાં સંશોધનની વાત કરી છે, પરંતુ તેમનું નિશાન પશ્ચિમ બંગાળ છે.

સાગરિકા ઘોષે કહ્યું છે કે ચૂંટણીપંચના અધિકારી ઘરેઘરે જઈને મતદારો તપાસશે અને એ બાદ આખી મતદારયાદી બદલી દેવાશે.

થોડા દિવસ પહેલાં આ નિર્ણય અંગે વિપક્ષની દળોના 'ઇન્ડિયા' ગઠબંધનની દસ પાર્ટીઓએ દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સાથે મુલાકાત કરી હતી.

બિહારમાં ભાજપના નેતા અને રાજ્યના ઉપમુખ્ય મંત્રી વિજયકુમાર સિંહાએ વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો અને કહ્યું કે, "રાષ્ટ્રીય જનતા દળની માનસિકતા બંધારણવિરોધી છે."

"જ્યારે ચૂંટણીપંચ પારદર્શિતા સાથે મતદારોની ઓળખ કરીને 100 ટકા મતદાન સુનિશ્ચિત કરવા માગે છે તો આવા લોકોને બેચેની કેમ થઈ રહી છે?"

તેમણે કહ્યું કે, "રાષ્ટ્રીય જનતા દળને ખ્યાલ છે કે તેમની સરકાર આ વખત નહીં બને, તેથી તેઓ પહેલાંથી જ પોતાની હારની ભૂમિકા તૈયાર કરી રહ્યા છે."

ચૂંટણીપંચ મુજબ 15 જુલાઈ સુધીમાં પંચે 86.32 ટકા મતદારોનાં ફૉર્મ એકઠાં કરી લીધાં છે. અત્યાર સુધીમાં 90.84 ટકા મતદારોનો સંપર્ક પણ થઈ ચૂકયો છે.

વાસ્તવમાં 1.59 ટકા મતદારો મૃત હોવાનું જાણવા મળ્યું હતું. 2.2 ટકા મતદારો કાયમ માટે બિહાર બહાર જતા રહ્યા છે અને 0.73 ટકા મતદારોના નામ એક કરતા વધુ જગ્યાએ રજિસ્ટર્ડ છે.

એટલે કે કુલ 4.52 ટકા મતદારોનાં નામ મતદારયાદીમાંથી હટાવાશે, આવા કુલ 35 લાખ મતદાર થાય છે.

જાન્યુઆરી 2025માં બિહારમાં મતદારોની સંખ્યા 7.90 કરોડ દર્શાવાઈ હતી. ચૂંટણીપંચ 25 જુલાઈ સુધી ગણતરી ફૉર્મ સ્વીકારશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન