You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડ્રૉનનો ઉપયોગ કરીને દાહોદ પોલીસે 'ચોર'ને કેવી રીતે ઝડપી પાડ્યો, શું છે આ ટૅક્નૉલૉજી?
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
કાનૂન કે હાથ લંબે હોતે હૈ એવો ફેમસ ડાયલોગ તો તમે સાંભળ્યો જ હશે પરંતુ હવે જાણે કે પોલીસ આ ડાયલોગને સાબિત કરવાનો દાવો કરી રહી છે.
ગુજરાતની દાહોદ પોલીસે આકાશમાંથી નજર રાખીને ડ્રૉન વડે આરોપીઓને ઝડપ્યા હોવાનો દાવો કર્યો છે.
દાહોદ પોલીસે દાવો કર્યો છે કે દાહોદમાં ચોરી કરવા આવેલો એક આરોપી જંગલની ઝાડીમાં છુપાઈ ગયો હતો તેને ડ્રૉનની મદદથી થર્મલ સ્ક્રિનિંગનો ઉપયોગ કરીને ઝડપી લીધો છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ઘણીવાર ઝાડની ઓથ લઇને આરોપીઓ જંગલમાં છુપાઈ જાય તો તેમને શોધવા મુશ્કેલ હતા પરંતુ આ થર્મલ ટૅકનોલૉજીથી ગાઢ જંગલમાં છુપાયેલા આરોપીઓ પણ હવે ઝડપી શકાય છે.
દાહોદ જિલ્લામાં ગાઢ જંગલો, મોટાં ઘાસનાં મેદાનો તેમજ પહાડી વિસ્તાર પણ આવેલો છે. આ વિસ્તારમાં કોઇ આરોપી છુપાઈ જાય તો ભૂતકાળમાં તેને શોધવો મુશ્કેલ બની જતો હતો. જેથી દાહોદ પોલીસ દ્વારા ટૅકનૉલોજીની મદદથી આરોપીઓને સરળતાથી પકડવામાં આવી રહ્યા હોવાનો દાવો થઈ રહ્યો છે.
કેવી રીતે ઝડપાયો આરોપી?
દાહોદ પોલીસે આપેલી જાણકારી અનુસાર રવિવારે રાત્રે બે વાગ્યાની આસપાસ દાહોદ જિલ્લાના લુહાર ફળિયામાં આવેલા શિવજીના મંદિરમાં ચોરી કરવાના ઇરાદે કેટલાક શખસો ઘૂસ્યા હતા. આ શખસો મંદિરનું તાળું તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે સમયે સામે રહેતાં નિરૂબહેન જાગી ગયાં હતાં. તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ઉઠીને ભેગા થઈ ગયા.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે ભેગા થયેલા લોકો 'ચોરી કરવા આવેલા શખસ'ની નજીક જતા તેમણે લોકો પર પથ્થર અને ઇંટો મારીને હુમલો કર્યો હતો.
આ ઘટના અંગે લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ઘટનાસ્થળેથી એક શખસને ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક મંદિરની પાછળ આવેલા ગાઢ જંગલમાં ભાગી ગયો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાજર પોલીસે તાત્કાલિક ડ્રૉન મંગાવ્યું હતું. પોલીસે ડ્રૉનની મદદથી થર્મલ સ્ક્રિનિંગ કરીને ઇમેજ કૅપ્ચર કરી હતી. જેમાં આરોપી જંગલમાં જ્યાં છુપાયો હતો તેનું લોકેશન મળી આવ્યું હતું.
પોલીસે ચારે તરફ કૉર્ડન કરીને આ ટૅકનૉલૉજીની મદદથી આરોપીને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે ધરપકડ કરાયેલા આરોપીનું નામ ઠાકોર ફુલસિંહ રાવત છે અને તે મધ્યપ્રદેશનો રહેવાસી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછમાં પોલીસને માહિતી મળી હતી કે આ આરોપીઓ અગાઉ 70 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હતા. તેમજ તેઓ અગાઉ ગુજરાત અને કર્ણાટકની જેલમાં પણ જઈ આવ્યા હતા.
પોલીસે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરતાં કોર્ટ દ્વારા આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
'ટૅક્નૉલોજીથી આરોપીને પકડવામાં સહયોગ મળે છે'
આરોપીને પકડવામાં ઉપયોગમાં લેવાયેલી ડ્રૉન ટૅકનૉલોજીમાં થર્મલ સ્ક્રિનિંગ શું છે તે અંગે વાત કરતાં દાહોદના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાજદીપ ઝાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “થર્મલ સ્ક્રિનિંગમાં કૅમેરા હોય છે. જે ડ્રૉનમાં ઇનબિલ્ટ આવતી ટૅકનૉલોજી છે. આ ટૅકનૉલોજીમાં ઑબ્જેક્ટના તાપમાનના આધારે થર્મલ કૅમેરા ઇમેજ ક્રિએટ કરે છે. ઝાડ, પશુ પક્ષી મનુષ્ય દરેકના શરીરનું અલગ અલગ તાપમાન હોય છે.”
તેઓ સમજાવતા કહે છે, “એક ચોક્કસ ઊંચાઈ પર ડ્રૉન ઉડાડી નીચેની ઇમેજ કૅપ્ચર કરવામાં આવે છે. ઝાડ, પશુ-પક્ષી તેમજ મનુષ્ય દરેક ઑબ્જેક્ટના તેના તાપમાનના આધારે અલગ-અલગ ડાર્કનેસ અને કલર કૉડિંગ બને છે. આ કલર કોડિંગના આધારે તે ઑબ્જેક્ટ માણસ, ઝાડ કે પ્રાણી હોવાની ઓળખ થાય છે.”
તેમણે ઉમેર્યું હતું, “આ ટૅકનૉલોજીની ખાસ વાત એ છે કે કોઈ આરોપી જંગલમાં ઝાડ કે ઝાડી નીચે છુપાયો હોય તો પણ તેને થર્મલ ઇમેજની મદદથી પકડી શકાય છે. આ પ્રકારે છુપાયેલા આરોપીને ઝાડના તાપમાનને આધારે ઝાડની ઇમેજ અને તેની નીચે છુપાયેલા માણસના શરીરના તાપમાનને આધારે કૅમેરામાં તેની અલગ કલરની ઇમેજ બને છે. ટૅકનૉલોજીની મદદથી સરળતાથી તેને શોધી શકાય છે.”
તેમણે જણાવ્યું હતું કે, “અમે ઑગસ્ટ, 2023થી ડ્રૉનનો પેટ્રોલિંગ માટે અને આરોપીઓને પકડવા માટે ઉપયોગ કરીએ છીએ. ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશનના ડ્રૉનની અંદર નાઇટ વિઝન, થર્મલ સ્ક્રિનિંગ તેમજ ઇન્ફ્રારેડ ટૅકનૉલોજી ઇનબિલ્ટ જ હોય છે.અમારા વિભાગ દ્વારા જે ડ્રૉનનો ઉપયોગ કરવામાં આવે છે તે 30x ઝૂમવાળું છે. બહુ ઊંચાઈ પરથી ઝૂમ કરીને પણ ઑબ્જેક્ટને જોઈ શકાય છે. તેમજ અમે ફૉક્સ લાઇટ પણ લગાવી છે.”
'10 વર્ષથી હાથમાં ન આવતા રીઢા ગુનેગારો પકડી લેવાયા'
દાહોદમાં જંગલો, ઊંચા ઘાસનાં મેદાનો તથા પહાડી વિસ્તારો આવેલાં છે તેથી અહીંથી પસાર થતા ઇન્દોર હાઇવે પર લૂંટારુઓ ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈ ભાગી જતા હતા.
ડૉ. રાજદીપ ઝાલા કહે છે, “અમારા ધ્યાનમાં આવ્યું હતું કે લૂંટારુઓ રોડની બાજુમાં છુપાઇને બેસી રહેતા હતા અને તીક્ષ્ણ પથ્થરો રસ્તા પર મૂકી રાખતા હતા. તીક્ષ્ણ પથ્થરને કારણે રાહદારીઓની ગાડીમાં પંચર થતાં તેઓ ગાડી ઊભી રાખતા હતા. તે સમયે લૂંટારુઓ આવીને લૂંટ કરીને અંધારા અને જંગલનો લાભ લઇને ભાગી જતા હતા. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડ્રૉન ટૅકનૉલોજી ખૂબ જ ઉપયોગી નીવડી છે. હાઇવે પેટ્રોલિંગમાં ડ્રૉન ટૅકનૉલોજીનો ઉપયોગ કરનાર દાહોદ જીલ્લો દેશમાં કદાચ પ્રથમ છે.”
દાહોદ પોલીસ દ્વારા હાઇવેના 70 કિલોમીટર વિસ્તારને A, B અને C એમ ત્રણ કૅટેગરીમાં વહેચવામાં આવ્યા છે.
ડૉ. રાજદીપ ઝાલા દાવો કરતા જણાવે છે કે, “ડ્રૉન સર્વેલન્સ શરૂ કર્યાના 14 મહિનામાં આ હાઇવે પર એક પણ લૂંટ નોઁધાઇ નથી.”
દાહોદ પોલીસ દ્વારા ગાંજો પકડવા માટે પણ ડ્રૉન ટૅકનૉલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. જે ખેતરોમાં અગાઉ ગાંજો પકડાયો હોય કે શંકાસ્પદ હોય કે કોઇ બાતમી મળી હોય તેને આધારે પોલીસ ડ્રૉનની મદદથી સર્વેલન્સ કરીને ફૂટેજ મેળવે છે. આ ફૂટેજને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આધારે ઍનાલિસિસ કરવામાં આવે છે. જેમાં પણ પોલીસને સફળતા પણ મળી છે.
આ અંગે ડૉ. રાજદીપ ઝાલા જણાવે છે કે દાહોદ પોલીસે ડ્રૉન સર્વેલન્સથી ગાંજા પકડવાના 8 કેસ નોંધ્યા છે. તેમજ દોઢ કરોડની કિમંતનો ગાંજાનો જથ્થો પકડ્યો છે.
તેમનો દાવો છે કે ડ્રૉનની મદદથી દાહોદ પોલીસે 10 વર્ષ કરતાં વધુ સમયથી ભાગતા ફરતા 10 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે.
થર્મલ સ્ક્રિનિંગ કૅમેરા શું હોય છે?
ડ્રૉન એક્સ્પર્ટ નિખિલ મેથિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું, "થર્મલ કૅમેરા ઑબ્જેક્ટના તાપમાનના આધારે અલગ અલગ કલરમાં ઇમેજ બનાવે છે. જેમકે માણસનું તાપમાન 35 ડિગ્રી હોય છે. જ્યારે ઝાડ, પાન કે અન્ય ઑબ્જેક્ટનું તાપમાન 25 જેટલું હોય છે. 25 ડિગ્રી તાપમાન એ સામાન્ય તાપમાન છે. સામાન્ય તાપમાનમાં ઇમેજમાં બ્લૅક અને વ્હાઇટ ઇમેજ દેખાય છે. જ્યારે વધારે તાપમાનમાં લાલ અને કેસરી ઇમેજ દેખાય છે."
તેના ઉપયોગ વિશે વધુ સમજ આપતા તેમણે કહ્યું, "સામાન્ય રીતે થર્મલ કૅમેરા સર્વેલન્સ માટે વાપરવામાં આવતા હોય છે. જેમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા થર્મલ કૅમેરા ડ્રૉન પણ વાપરવામાં આવે છે. આ ઉપરાંત સોલાર પેનલ ઇન્સ્પેક્શન, વિન્ડ ફાર્મ તેમજ પાવર લાઇન ઇન્સ્પેકશન જેવા અલગ-અલગ ઇન્સ્પેક્શન માટે પણ તેનો ઉપયોગ થાય છે."
તેમણે ઉદાહરણ આપીને કહ્યું કે "સોલાર પેનલમાં કોઈ સેલ ખરાબ હોય તો નરી આંખે જોઈ શકાતો નથી. સોલારના ખરાબ થઈ ગયેલા સેલનું તાપમાન વધારે હોય છે જેથી થર્મલ કૅમેરામાં તેને પકડી શકાય છે."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)