You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતના હવામાનમાં પલટો, કયા વિસ્તારમાં વરસાદની આગાહી?
ગુજરાતમાં શિયાળાની ઋતુ જામી છે અને એવામાં આગામી સમયમાં ગુજરાત રાજ્યના હવામાનમાં ફેરફાર થાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે. તો કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી શકે છે. તેમજ હવામાન પણ વાદળછાયું રહે તેવી શક્યતા છે.
જોકે સમગ્ર ગુજરાતમાં કોઈ વરસાદની શક્યતા નથી. ઠંડીમાં થોડો વધારો થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે શિયાળો થોડો મોડો શરૂ થયો છે અને રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં અપેક્ષા કરતાં ઓછી ઠંડી પડી છે.
ગુજરાતમાં ક્યાં વરસાદની આગાહી છે?
હવામાન વિભાગ અનુસાર, આજે એટલે 31 ડિસેમ્બરે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણમાં વરસાદની શક્યતા છે.
આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં વરસાદની આગાહી કરાઈ છે. આ તમામ જિલ્લામાં કેટલાંક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
આ સિવાયના જિલ્લામાં વરસાદની કોઈ આગાહી નથી એવું હવામાન વિભાગની વેબસાઇટ જણાવે છે.
જોકે હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી. પણ કેટલાક વિસ્તારોમાં 31મી ડિસેમ્બરથી પહેલી, બીજી જાન્યુઆરી સુધી વાદળો દેખાય તેવી શક્યતા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તર ભારતમાં બરફવર્ષાની આગાહી
સ્કાયમેટ વેધર અનુસાર, ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષાની સંભાવના છે. હિમાલય અને તેની આસપાસના પ્રદેશોમાં બરફ પડે તેવી શક્યતા છે. મનાલીમાં વાદળછાયું હવામાન રહેશે અને આસપાસના વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષા થાય તેવી સંભાવના છે.
જ્યારે કેટલાક મેદાની પ્રદેશોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તેમજ ગુજરાતમાં હવામાનમાં ખાસ ફેરફાર રહેશે નહીં તેવું મૉડલનું અનુમાન છે.
ઉત્તર ભારતના ઠંડો પવનોની અસર રાજસ્થાન અને ગુજરાતમાં જોવા મળી શકે છે.
એટલે કે રાજસ્થાન તેની આસપાસના વિસ્તારોમાં, ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને ઠંડી વધે તેવી શક્યતા છે. એટલે હવામાનમાં આંશિક ફેરફાર બાદ ઠંડીમાં થોડો વધારો થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે અમદાવાદ સહિત ગુજરાતમાં કેટલીક જગ્યાએ 31 ડિસેમ્બરે સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું. આગામી દિવસોમાં રાજ્યનું હવામાન એકંદરે સૂકું રહે તેવી શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન