You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'વિશ્વના સૌથી એકલા વૃક્ષ'ને જરૂર છે એક માદા પાર્ટનરની, ઝાડની અધૂરી પ્રેમકહાણી
સાઉથ આફ્રિકામાં એક વિશેષ વૃક્ષ છે જેને 'દુનિયાનું સૌથી એકલું વૃક્ષ ' ગણવામાં આવે છે, કારણ કે તે નર પ્રજાતિનું છે અને વિશ્વમાં બીજે ક્યાંય આનું માદા વૃક્ષ જડતું નથી.
આના કારણે ઈ. વૂડી નામના આ વૃક્ષનું અસ્તિત્વ જોખમમાં છે અને વૈજ્ઞાનિકો તેને બચાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદ લઈ રહ્યા છે.
સાઉથ આફ્રિકાના હજારો ચોરસ કિમીમાં ફેલાયેલાં જંગલોમાં યુનિવર્સિટી ઑફ સાઉથેમ્પટને એક રિસર્ચ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તેનો હેતુ ઈ. વૂડી માટે માદા પાર્ટનર શોધવાનો છે.
હાલમાં આ પ્રજાતિનાં જેટલાં વૃક્ષ છે તે બધાં નર ક્લોન છે. સમસ્યા એ છે કે આ વૃક્ષ પોતાની જાતે પ્રજનન કરી શકતું નથી.
આ એટલું પ્રાચીન પ્રજાતિનું વૃક્ષ છે કે પૃથ્વી પર ડાયનોસોર આવ્યા તે અગાઉથી અસ્તિત્વમાં છે અને હાલમાં તે સૌથી વધુ જોખમમાં છે.
વૃક્ષની એક અધૂરી પ્રેમકહાણી
યુનિવર્સિટી ઑફ સાઉથેમ્પટન ખાતે રિસર્ચ ફૅલો ડૉ. લૌરા સિન્ટી એક પ્રોજેક્ટ ચલાવી રહ્યાં છે જેમાં માદા ઈ. વૂડીને શોધવા માટે ડ્રોન અને એઆઈનો ઉપયોગ કરવામાં આવશે.
તેમણે કહ્યું કે, "ઈ. વૂડીની કહાણીથી હું પ્રેરિત થઈ છું. તે એક અધૂરી પ્રેમકહાણી જેવું છે."
"મને આશા છે કે ક્યાંક માદા વૃક્ષ મળી જશે. કમસે કમ એક તો હોવું જ જોઈએ. લુપ્ત થવાના આરે પહોંચેલા આ ઝાડને બચાવીને તેનું પ્રજનન થાય તો તે અદ્ભૂત હશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એઆઈની મદદથી જંગલમાં શોધ કરાશે
એકમાત્ર ઈ. વૂડી 1895માં સાઉથ આફ્રિકાના એનગોયે જંગલમાં મળી આવ્યું હતું.
અત્યાર સુધીમાં માત્ર એક નર મળ્યું હોવાથી તેના આધારે મળેલા બધા સેમ્પલ પણ નર ક્લોન છે. એટલે કે આ ઝાડ કુદરતી રીતે બીજું ઝાડ પેદા કરી શકતું નથી.
જંગલનું ડ્રોન ઇમેજિંગ કરીને એઆઈની મદદથી તેનું વિશ્લેષણ કરાયું છે, પરંતુ 10,000 એકરમાં આવેલા જંગલમાં હજુ માત્ર બે ટકા એરિયાને આવરી શકાયો છે.
માદા પાર્ટનર વગર ઝાડનું ટકી રહેવું મુશ્કેલ
ડૉ. સિન્ટી કહે છે કે "એઆઈની મદદથી અમે ઇમેજ ઓળખવાના અલ્ગોરિધમનો ઉપયોગ કરીએ છીએ જેથી છોડને આકાર દ્વારા ઓળખી શકાય."
"અમે છોડની ઇમેજ બનાવી અને તેને અલગ-અલગ ઇકૉલૉજિકલ પૃષ્ઠભૂમિમાં ગોઠવી હતી જેથી કરીને મૉડલ તેને ઓળખી શકે."
જંગલમાં માદા વૃક્ષ અસ્તિત્વમાં છે કે નહીં તે જાણવા માટે આખા જંગલમાં હજુ સુધી તપાસ થઈ શકી નથી.
આ પ્રજાતિને હજુ પણ લંડનના રૉયલ બોટનિકલ ગાર્ડ્સ ખાતે ઉગાડવામાં આવે છે જ્યાં તે 'વિશ્વના સૌથી એકલા છોડ' તરીકે ઓળખાય છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન