એક સમયના સાથીદાર ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક કેમ સામસામે આવી ગયા?

અમેરિકામાં અત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ટેસ્લાના માલિક ઇલોન મસ્ક વચ્ચે જોરદાર વિવાદ ચાલે છે. બંને એકબીજાને પડકાર ફેંકે છે અને ધમકીઓ આપી રહ્યા છે.

વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને ટેસ્લા તથા સ્પેસએક્સ જેવી કંપનીઓના માલિક ઇલોન મસ્કને યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ ટેકેદાર ગણવામાં આવે છે, પરંતુ તાજેતરમાં તેમના સંબંધોમાં તણાવ આવ્યા હોય તેવું દેખાય છે.

ઇલોન મસ્ક ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં હિસ્સો પણ રહ્યા છે અને થોડા સમય માટે ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્ન્મેન્ટ ઍફિસિયન્સી (DOGE)નું વડપણ સંભાળ્યું હતું.

હવે બંનેએ એકબીજા સામે આરોપો મૂક્યા છે અને ધમકી આપવાનું શરૂ કર્યું છે.

ટ્રમ્પ અને મસ્ક વચ્ચે વિવાદ કેમ થયો?

ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે બે-ત્રણ કારણોથી વિવાદ શરૂ થયો છે. ઇલોન મસ્કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેક્સ અને ખર્ચના બિલનો ઉગ્ર વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આ બિલ પસાર થશે તો અમેરિકા નાદાર થઈ જશે.

ત્યાર પછી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં મસ્કે દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ એક વિવાદાસ્પદ ફાઇનાન્સિયર જેફરી એપસ્ટેઇનની ફાઇલમાં આવ્યું છે. જેફરી એપસ્ટેઇન સામે જાતીય ગુનાના કેસ થયા હતા. ઇલૉન મસ્કે કોઈ પુરાવા નથી આપ્યા, પરંતુ ટ્રમ્પ સાથે તેમનો વિવાદ વકર્યો છે.

ટ્રમ્પે પણ મસ્કને વળતો જવાબ આપતા કહ્યું છે કે "ઇલોન અને મારી વચ્ચે બહુ સારા સંબંધ હતા, પરંતુ હવે સંબંધ રહેશે કે નહીં તેની ખબર નથી." તેમણે મસ્કની કંપનીઓને મળેલા સરકારી કૉન્ટ્રેક્ટ પણ રદ કરવાની ધમકી આપી છે.

ઇલોન મસ્કની કંપનીને મળેલા ફેડરલ કૉન્ટ્રાક્ટ રદ થાય તો તેમના સ્પેસએક્સ પ્રોગ્રામને મોટો ફટકો પડવાની શક્યતા છે.

ટ્રમ્પે પોતાની સોશિયલ મીડિયા વેબસાઇટ પર ધમકીભરી ભાષામાં લખ્યું છે કે, "અમારા બજેટમાં અબજો ડૉલર બચાવવાનો એક સૌથી સરળ રસ્તો એ છે કે ઇલોનને મળેલી સબસિડી અને કૉન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવે."

બીબીસીના અહેવાલ પ્રમાણે જો ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર મસ્કની વિરુદ્ધ થઈ જાય તો મસ્કને મોટો નાણાકીય આંચકો લાગી શકે છે. આ કારણથી જ ગુરુવારે ટેસ્લાના શૅરમાં લગભગ 14 ટકાનો કડાકો આવ્યો હતો."

હાલમાં બંને તરફથી પડકાર ફેંકવામાં આવે છે. ઇલોન મસ્કે ટ્રમ્પના ઇમ્પિચમેન્ટ (મહાઅભિયોગ)ની પણ વાત કરી છે, તેમણે પોતાની કંપનીનું ફંડિગ ઘટાડવાની ચેલેન્જ આપી છે અને કહ્યું હતું કે તેઓ પોતાના ડ્રેગન સ્પેસક્રાફ્ટને સર્વિસમાંથી પાછું ખેંચી લેવાની ઝડપ વધારી દેશે.

જોકે, ત્યાર પછી પોતાની જૂની પોસ્ટથી વિપરીત જઈને કહ્યું છે કે તેઓ ડ્રેગન સ્પેસક્રાફ્ટને ડિકમિશન નહીં કરે.

અમેરિકાના અંતરીક્ષયાત્રીઓને આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર લઈ જવા અને સપ્લાય પહોંચાડવા માટે અમેરિકા ડ્રેગન સ્પેસક્રાફ્ટ પર નિર્ભર છે.

જેફરી એપસ્ટેઈન ફાઇલ્સનો વિવાદ

ઇલોન મસ્કે પુરાવા આપ્યા વગર ઍક્સ (અગાઉનું ટ્વિટર) પર દાવો કર્યો છે કે સેક્સને લગતા અપરાધોમાં સંડોવાયેલા અબજોપતિ જેફરી એપસ્ટેઇનની ફાઇલ્સમાં ટ્રમ્પનું નામ પણ આવેલું છે.

એપસ્ટેઇનને સેક્સ ટ્રાફિકિંગના આરોપો હેઠળ 2019માં પકડવામાં આવ્યા હતા અને કેસ ચાલતો હતો તે દરમિયાન તેમણે આત્મહત્યા કરી લીધી હતી.

તે વખતે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ એપસ્ટેઇનને ઓળખતા હતા, પરંતુ ઘણા સમય અગાઉથી તેમની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

બીબીસીના અહેવાલો મુજબ સૂત્રો કહે છે કે ટ્રમ્પ સામે ઇલોન મસ્કે જે આરોપો મૂક્યા તેમાં કંઈ નવું નથી. વહીવટીતંત્રે એપસ્ટેઇન ફાઇલ પહેલેથી રિલીઝ કરી દીધી છે અને તેમાં ટ્રમ્પનું નામ સામેલ છે.

સૂત્રોએ એવો સવાલ પણ કર્યો કે ટ્રમ્પને એપસ્ટેઇન સાથે સંબંધ છે તે વાતની ઇલોન મસ્કને પહેલેથી ખબર હતી તો પછી તેઓ ટ્રમ્પની આટલી નજીક શા માટે આવ્યા.

ઇલોન મસ્ક ચીનમાં મોટો બિઝનેસ ધરાવે છે તે વાત ઘણા સમયથી અમેરિકન સરકારને ખટકે છે એવું બીબીસીનો એક રિપોર્ટ કહે છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિતના ટોચના નેતાઓ સાથે ઇલોન મસ્કે બેઠકો કરી છે. શાંઘાઈ નજીક ટેસ્લાની ફેક્ટરી છે જે અમેરિકા બહાર સૌથી મોટો પ્લાન્ટ છે અને તેમાંથી ટેસ્લાને દર વર્ષે અબજો ડૉલરની આવક થાય છે.

વ્હાઇટ હાઉસે શું ખુલાસો કર્યો?

ટ્રમ્પનું નામ સેક્સ ગુનેગાર જેફરી એપસ્ટેઇનની ફાઇલમાં આવેલું છે તેવો આરોપ મૂકાયા પછી વ્હાઇટ હાઉસે તેનો ખુલાસો કર્યો છે.

વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરોલિન લેવિટે જણાવ્યું કે ઇલોન તરફથી આ કમનસીબ ઘટના ઘટી છે, તેઓ બિગ બ્યૂટીફુલ બિલથી નારાજ છે જેમાં તેમને ગમતી પૉલિસી સામેલ નથી.

દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પના લાંબા સમયથી સાથીદાર રહેલા સ્ટીવ બેનને કહ્યું છે કે ટ્રમ્પે આજે મધરાત પહેલાં જ સ્પેસએક્સને જપ્ત કરી લેવી જોઈએ. મસ્ક દ્વારા સ્થાપિત સ્પેસએક્સને દર વર્ષે અમેરિકન સરકારના અબજો ડૉલરના કોન્ટ્રાક્ટ મળે છે અને નાસાના અનેક પ્રોજેક્ટ માટે તે કામ કરે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન