ડૉલરનું ઘટતું મૂલ્ય ટ્રમ્પ માટે કેવી રીતે ફાયદાકારક થઈ શકે?

    • લેેખક, સેસિલિયા બારિયા
    • પદ, બીબીસી મુંડો

ડૉલરનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે.

આ વર્ષે વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી બાદ શરૂ થયેલા ટ્રેડ વૉરને લઈને તણાવ વધી રહ્યો છે જેની અસર અમેરિકન ચલણ પર થઈ રહી છે.

આ અઠવાડિયે અમેરિકી ઔદ્યોગિક ઉત્પાદન સતત ત્રણ મહિને ઘટ્યા બાદ ડૉલરનું મૂલ્ય 2023 પછી સૌથી નીચલી સપાટીએ પહોંચી ગયું હતું.

ટ્રેડ વૉર અને દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા નબળી પડવાની આશંકાઓ સેવાઈ રહી છે ત્યારે મૉર્ગન સ્ટેનલી, જેપી મૉર્ગન અને ગોલ્ડમૅન સૅક્સ જેવી રોકાણ બૅન્ક ભવિષ્યમાં ડૉલરમાં વધુ ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી રહી છે.

મૅક્સિકોસ્થિત નાણાકીય સમૂહ ફાઇનાન્સિએરોના આર્થિક વિશ્લેષક નિદેશક ગેબ્રિએલા સિલ્લરે બીબીસી મુંડો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ડૉલર ટ્રમ્પની સંરક્ષણવાદી અને અસ્થિર નીતિઓને કારણે ઘટી રહ્યો છે. આ નીતિને કારણે અમેરિકાની શાખને નુકસાન થઈ રહ્યું છે.

સિલ્લરના મત પ્રમાણે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયો અમેરિકાના વિકાસને અસર કરી શકે એમ છે અને ડૉલરનાં સુરક્ષિત રોકાણ અને દુનિયાની પ્રમુખ રિઝર્વ કરન્સીની સ્થિતિ સામે સવાલો કરી શકે છે.

ડૉલર નીચો આવવાને પરિણામે અમેરિકી નિકાસ આંતરરાષ્ટ્રીય બજારમાં સસ્તી થઈ જાય છે. આ સાથે અમેરિકામાં આયાત કરેલી વસ્તુઓ મોંઘી થઈ જાય છે.

ડૉલરના અવમૂલ્યનને કારણે અમેરિકી સેન્ટ્રલ બૅન્ક ફેડરલ રિઝર્વ આયાત કરેલી વસ્તુઓની કિંમતમાં વધારો અને આ કારણે વધતી મોંઘવારીને લઈને વ્યાજદરોમાં ઘટાડો કરવા અંગે વિચારી શકે છે.

ડૉલરમાં થઈ રહેલો ઘટાડો કેટલાક ગંભીર સંકેતો આપે છે. દુનિયાના દેશોનો અમેરિકા પરનો વિશ્વાસ ઘટી રહ્યો છે.

કૅલિફોર્નિયા યુનિવર્સિટી બર્કલેના અર્થશાસ્ત્રી બૈરી આઇચેંગ્રીને એપ્રિલના અંતમાં કહ્યું હતું, ડૉલર પર દુનિયાનો વિશ્વાસ અને નિર્ભરતા ઊભી કરતા અડધી સદી જેટલો સમય લાગ્યો છે. પણ એને પળવારમાં ખોઈ શકાય એમ છે.

ટ્રમ્પ એક નબળો ડૉલર કેમ ઇચ્છે છે?

ઐતિહાસિક રીતે યુએસ સરકારોએ દાયકાઓથી મજબૂત ડૉલરને પ્રોત્સાહન આપ્યું છે, કારણ કે તે દેશના ઉધાર ખર્ચને ઓછો રાખે છે અને વૈશ્વિક મંચ પર અમેરિકાની શક્તિના પ્રતીક તરીકે સેવા આપે છે.

જે દેશો અમેરિકાના સહયોગી નથી એ દેશો, જેમ કે ઈરાન, રશિયા, વેનેઝુએલા વગેરે પર દબાણ વધારી શકે છે, કારણ કે આનાથી આ દેશોને બીજા દેશો સાથે વેપાર કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

એટલે સુધી કે અમેરિકામાં આર્થિક સંકટના સમયમાં પણ દુનિયાના બીજા દેશોમાં ડૉલરની માગ અકબંધ રહે છે. પણ કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ પ્રશાસનનો વિચાર અલગ છે.

રિપોર્ટસ પ્રમાણે રાષ્ટ્રપતિ માને છે કે ડૉલરની મજબૂતી અમેરિકાના ઔદ્યોગિક પુનર્જાગરણમાં બાધારૂપ બની રહી છે.

નબળા ડૉલરને કારણે મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો 'ગૌરવશાળી યુગ' ફરી પાછો લાવી શકાશે.

સિલ્લર કહે છે, ટ્રમ્પ એક મજબૂત ડૉલર એટલા માટે નથી ઇચ્છતા કે આનાથી ઇમ્પૉર્ટને વેગ મળે છે.

ટ્રમ્પના દૃષ્ટિકોણથી જોઈએ તો દેશના ઘરેલુ ઉત્પાદનને વધારવા માટે, નવી નોકરીની તકો સર્જવા માટે, નિકાસમાં વૃદ્ધિ અને વેપારમાં નુકસાનને ઓછું કરવા માટે નબળો ડૉલર જરૂરી છે.

કેટલાક અનૌપચારિક રિપોર્ટમાં એક યોજનાનો ઉલ્લેખ છે જેને માર-એ-લાગો કરાર કહેવામાં આવે છે. જેને ટ્રમ્પના આર્થિક સલાહકાર સ્ટીફન મિરાને પ્રસ્તાવિત રૂપ આપ્યું છે.

શું કોઈ સમાધાન કે વિકલ્પ છે ખરો?

આ યોજના એ વિચાર પર આધારિત છે કે વિશ્વનાં અનામત ચલણ તરીકે ડૉલરનો દરજ્જો કોઈ વિશેષાધિકાર નથી, પરંતુ એક ખર્ચાળ બોજ છે જેણે યુએસ ઔદ્યોગિક ઉત્પાદકતા ઘટાડવામાં ભૂમિકા નિભાવની છે.

આ તર્ક પ્રમાણે ડૉલરની વૈશ્વિક માગ એના મૂલ્યને વધારી શકે છે, જેના કારણે અમેરિકી ઉત્પાદન મોંઘું થઈ શકે છે.

આનાથી વેપારખાધ સર્જાય છે અને ઉત્પાદન કંપનીઓ તેના ઉત્પાદન એકમો વિદેશમાં ખસેડી લેવા પ્રરિત થાય છે અને પરિણામે સ્થાનિક સ્તરે બેરોજગારીમાં વધારો થાય છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી અને આઈએમએફના ભૂતપૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી કેનેથ રોગોફે લખે છે, "મીરાનની યોજના ચાલકીભરી દેખાય છે, પરંતુ આ સમસ્યાનું નિદાન નથી."

રોગોફ માને છે કે ડૉલરે વિશ્વભરમાં અનામત ચલણ તરીકે ભૂમિકા ભજવી છે, પરંતુ એ પણ સાચું છે કે અમેરિકાની વધતી જતી વેપારખાધનાં ઘણાં કારણોમાંથી આ માત્ર એક કારણ છે. ટેરિફ નાખીને વેપારખાધનું સમાધાન લાવી શકાશે એમ માનવું ભૂલભરેલું છે.

અહીં એ ઉલ્લેખ કરવો મહત્ત્વપૂર્ણ છે કે કોઈ પણ રાષ્ટ્રપતિ પાસે ડૉલરના મૂલ્યને સીધા નિયંત્રિત કરવાની સત્તા નથી, કારણ કે વિનિમય દરો સ્વતંત્ર રીતે ચાલે છે.

અમેરિકા ચલણના મૂલ્યને સીધા ઉપર કે નીચે ખસેડી શકતું નથી, કારણ કે તેનું મૂલ્ય વૈશ્વિક ચલણ બજાર દ્વારા નક્કી થાય છે, જ્યાં રોકાણકારો ડૉલર ખરીદે છે અને વેચે છે.

તેમ છતાં યુએસ સરકારની આર્થિક નીતિઓ ડૉલરનાં મૂલ્ય અને વ્યાજદર જેવાં અન્ય પરિબળોને પ્રભાવિત કરે છે.

ડૉલર મજબૂત ક્યારે થશે?

આ બધું એક નાજુક મશીનરીની જેમ કામ કરે છે, જેમાં જો એક ભાગ ખસે, તો બીજા ભાગોને પણ અસર થાય છે. એપ્રિલમાં ટ્રમ્પની વારંવાર બદલાતી જતી ટેરિફ જાહેરાતોએ રોકાણકારોનો વિશ્વાસ ડગમગાવ્યો હતો અને યુએસ બૉન્ડસને નુકસાન થયું હતું. આ બૉન્ડસ સરકાર પૈસા એકત્રિત કરવા માટે જાહેર કરે છે.

આ આત્મવિશ્વાસનો અભાવ ડૉલર માટે પણ સારો રહ્યો નથી. જોકે કેટલાક વિશ્લેષકો માને છે કે આ એક કામચલાઉ પરિવર્તન છે અને કાયમી નથી.

મિઝુહો ફાઇનાન્સિયલના અર્થશાસ્ત્રી સ્ટીવ રિક્યુટોએ ઍસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે, "યુઆન, બિટકોઇન કે સોના જેવી ડૉલરની માગને બદલી શકે તેવી કોઈ બીજું ચલણ કે સંપત્તિ નથી, એટલે હાલમાં કોઈ વિકલ્પ નથી."

અમેરિકનો ફુગાવામાં સંભવિત વધારાથી ચિંતિત છે, કારણ કે તેમને આયાતી માલ માટે વધુ ચુકવણી કરવી પડી શકે છે, પછી ભલે તે ટેરિફને કારણે હોય કે ડૉલરના ઘટાડાને કારણે.

આવનારા મહિનાઓમાં ટ્રમ્પની વેપારનીતિ, બજેટ અને કરવેરા ઘટાડા (જે હાલમાં યુએસ સંસદમાં ચર્ચાનો વિષય છે), ફુગાવો અને વ્યાજદરોની ડૉલર પર શું અસર પડશે તે સમય જ કહેશે.

હાલમાં પ્રશ્નો વધુ છે અને જવાબો ઓછા છે, જોકે વૉલસ્ટ્રીટના અંદાજ મુજબ, ડૉલર મજબૂત થવાની શક્યતા હજુ પણ બહુ દૂર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન