You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
લાફિંગ ગૅસ : અમેરિકામાં આ જીવલેણ ગૅસ પર પ્રતિબંધ લાદવાની માગ કેમ થઈ રહી છે?
- લેેખક, ઇવ વેબસ્ટર
નાઇટ્રસ ઑક્સાઇડ - જેને બોલચાલમાં "લાફિંગ ગેસ" તરીકે ઓળખવામાં આવે છે - તેના ઘણા ઉપયોગો છે. દાંતની સારવાર દરમિયાન પીડા નિવારવાની દવાથી લઈને ડબ્બામાં બંધ વ્હીપ્ડ ક્રીમના એજન્ટ સુધી તેનો ઉપયોગ થાય છે.
જોકે લાંબા સમયથી તેની આડઅસરો જાણીતી છે પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે યુવાનોમાં તેની લત ધીમે-ધીમે વધી રહી છે. આ ગૅસનું વ્યસન વેપિંગની મદદથી વધી રહ્યું છે.
મેગ કૅલ્ડવેલનું ખૂબ જ નાની ઉંમરે મૃત્યુ થયું હતું.
આઠ વર્ષ પહેલાં, તેમણે યુનિવર્સિટીમાં મનોરંજન માટે નાઇટ્રસ ઑક્સાઇડ લેવાનું શરૂ કર્યું હતું. કોરોના મહામારી દરમ્યાન તેમણે કેટલાક યુવાનોની જેમ તેનો વધુ પડતો ઉપયોગ કરવાં લાગ્યાં હતાં.
મેગ ચાર બહેનોમાં સૌથી નાનાં હતાં. તેમનાં બહેન કૅથલીન ડાયલે બીબીસીને જણાવ્યું કે, "તે અમારા જીવનની રોશની હતી."
પરંતુ કૅલ્ડવેલ એટલી હદે નાઇટ્રસ ઑક્સાઇડ લેવા લાગ્યાં હતાં કે તેમના વ્યસને "તેમના જીવનને નિયંત્રણમાં લઈ લીધું હતું".
આ ગૅસના વધુ પડતા ઉપયોગની અસર તેમના શરીરનાં અંગો પર પડવા લાગી.
ઓવરડોઝ બાદ તેઓ થોડા સમય માટે તેઓ પોતાના પગ હલાવવામાં પણ અસમર્થ હતાં અને તેઓ જરૂરી દૈનિક ક્રિયાઓ કરવામાં અસમર્થ થઈ ગયાં હતાં. પરંતુ તેઓ પોતાની આદત છોડી ન શક્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ સ્થાનિક ધૂમ્રપાનની દુકાનોમાંથી આની ખરીદી કરતાં અને કાર પાર્કિંગમાં ધૂમ્રપાન કર્યા બાદ ફરી સીધાં દુકાનમાં વધુ ખરીદવા માટે જતાં. આમ ક્યારેક તો તેઓ દિવસમાં સેંકડો ડૉલર ખર્ચ કરી નાખતાં.
ગયા નવેમ્બરમાં તેઓ ખરીદતાં હતાં તે વેપ શૉપની બહારના કાર પાર્કિંગમાં જ તેમનું મૃત્યુ થયું.
ડાયલે કહ્યું, "મેગને લાગતું હતું કે તેઓ કાયદેસર રીતે સ્વીકૃત પદાર્થ ખરીદી રહ્યાં છે, કારણ કે તેઓ સિગરેટની દુકાનમાંથી ખરીદી રહ્યાં હતાં."
"તેમને નહોતું લાગતું કે તેમને આનાથી કોઈ નુકસાન થશે."
અમેરિકાના પૉઇઝન સેન્ટરના વાર્ષિક અહેવાલ અનુસાર 2023-2024 વચ્ચે યુએસમાં નાઇટ્રસ ઑક્સાઇડનું વ્યસન કરનારાઓમાં 58 ટકાનો વધારો થયો છે.
નાઇટ્રસ ઑક્સાઇન શ્વાસમાંથી અંદર લઈએ તો શું થાય?
નાઇટ્રસ ઑક્સાઇડને શ્વાસમાં લેવાનું સૌથી ગંભીર પરિણામ હાયપૉક્સિયા હોઈ શકે છે. આનાથી મગજને પૂરતો ઑક્સિજન મળતો નથી. આનાથી મોત પણ થઈ શકે છે.
નિયમિત આનું સેવન કરવાથી વિટામિન B12 ની ઊણપ પણ થઈ શકે છે જે ચેતાતંતુને અને કરોડરજ્જુને નુકશાન કરી શકે છે. જેનાથી લકવો પણ થઈ શકે છે. રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર, 2019 અને 2023 દરમિયાન નાઇટ્રસ ઑક્સાઇડને શ્વાસમાં લેવાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં 110 ટકાથી વધુનો વધારો થયો છે.
કોવિડ રોગચાળા દરમિયાન યુવાનોમાં આનો દુરુપયોગ વધ્યા બાદ 2023 માં યુકેમાં નાઇટ્રસ ઑક્સાઇડ રાખવાને ગુનાહિત ઠેરવવામાં આવ્યું હતું.
પરંતુ જ્યારે ઘણાં રાજ્યોએ યુએસમાં આ ઉત્પાદનના મનોરંજક ઉપયોગને પણ ગેરકાયદેસર ઠેરવ્યો છે, ત્યારે તેને રાંધણ ઉત્પાદન તરીકે વેચવું હજુ પણ કાયદેસર છે. ફક્ત લ્યુઇસિયાના રાજ્યએ ગેસના છૂટક વેચાણ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે.
એક મુખ્ય ઉત્પાદક ગૅલેક્સી ગૅસ તેમની વેબસાઇટ પર ચિકન સાતે વિથ પીનટ ચિલી ફોમ અને તરબૂચ ગાઝપાચો જેવી વાનગીઓ માટેની રેસિપી પણ ઑફર કરે છે. બ્લુ રાસ્પબેરી અથવા સ્ટ્રૉબેરી અને ક્રીમ જેવા સ્વાદો સાથે, નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ છટકબારી - તેમજ પૅકેજિંગ અને છૂટક વેચાણમાં મોટા ફેરફારો - દુરુપયોગમાં વધારો કરવામાં ફાળો આપ્યો છે.
આકર્ષક ડબ્બાં બનાવવા
અત્યાર સુધી, વપરાશકર્તાઓ લગભગ 8 ગ્રામ વજનના સિંગલ-યૂઝ સાદા ધાતુનાં કૅનિસ્ટર લેતા હતા અને બલૂનનો ઉપયોગ કરીને ગૅસને શ્વાસમાં લેતા હતા. પરંતુ જ્યારે રોગચાળા દરમિયાન ઉપયોગ વધ્યો, ત્યારે નાઇટ્રસ ઑક્સાઇડ ઉત્પાદકોએ ઑનલાઇન - 2 કિલો જેટલાં મોટાં - ઘણાં મોટાં કૅનિસ્ટર વેચવાનું શરૂ કર્યું અને અંતે તે ઇલેક્ટ્રૉનિક વેપ અને અન્ય ધૂમ્રપાન સામગ્રી વેચતી દુકાનોમાં મળવા લાગ્યું.
કંપનીઓએ કમ્પ્યુટર ગેમ્સ અને ટેલિવિઝન શ્રેણીનાં પાત્રો દર્શાવતી ડિઝાઇનવાળા ભડકાઉ રંગબેરંગી કૅનિસ્ટરમાં ગૅસનું પૅકેજિંગ કરવાનું પણ શરૂ કર્યું.
'ઍન્ડ એડિક્શન'ના પેટ ઓસેમ માને છે કે આ વિકાસ વધતો દુરુપયોગ દર્શાવે છે.
તેમણે કહ્યું કે, "ગૅલેક્સી ગૅસ અથવા મિયામી મૅજિક કહેવાથી પણ માર્કેટિંગ થાય છે. જો તમારી પાસે મોટાં કૅનિસ્ટર છે, તો તેનો અર્થ એ છે કે વધુ લોકો ભેગા થઈ તેનો ઉપયોગ કરી શકે છે. આનાથી પીઅર પ્રેસર પણ ઊભું થઈ શકે છે. "
બીબીસીએ ગૅલેક્સી ગૅસ અને મિયામી મૅજિક બંનેનો સંપર્ક કર્યો પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં. એમેઝોન જ્યાં ગૅસ ઑનલાઇન વેચાય છે, તેણે કહ્યું કે તેઓ ગ્રાહકો દ્વારા નાઇટ્રસ ઑક્સાઇડનો દુરુપયોગ કરવાથી વાકેફ છે અને તેઓ વધુ સલામતી માટે પગલાં લઈ રહ્યા છે.
યુએસમાં બીબીસીના ન્યૂઝ પાર્ટનર સીબીએસ ન્યૂઝના રિપોર્ટિંગના જવાબમાં, ગૅલેક્સી ગૅસે જણાવ્યું હતું કે, આ ગૅસ રાંધવાના ઉપયોગ માટે બનાવાયેલો છે અને તેઓ તેમની સાઇટ્સ પર દુરુપયોગ સામે ચેતવણી આપતો સંદેશ પણ સામેલ કરે છે.
ગયા વર્ષે નાઇટ્રસ ઑક્સાઇડના દુરુપયોગ અંગે ચિંતા વધી હતી, જ્યારે આ ઉત્પાદનનો ઉપયોગ કરતા લોકોના ઘણા વીડિયો ઑનલાઇન વાયરલ થયા હતા.
સોશિયલ મીડિયા પર યુવાનોના ગૅસનું સેવન વધુ પડતું કર્યું હોય તેવા વીડિયો ટ્રેન્ડ થયા હતા. જુલાઈ 2024 માં ઍટલાન્ટા સ્થિત એક ફાસ્ટ-ફૂડ રેસ્ટોરાં દ્વારા અપલોડ કરાયેલા એક વીડિયોમાં એક યુવાન સ્ટ્રૉબેરી અને ક્રીમ ફ્લેવર્ડ નાઇટ્રસ ઑક્સાઇડ શ્વાસમાં લેતો હતો અને કહેતો હતો કે "માય નેમ લિલ ટી, મેન", ગૅસથી તેનો અવાજ વધુ ઘેરો થઈ ગયો હતો. આજની તારીખમાં આ ક્લિપ લગભગ 40 મિલિયન વખત જોવામાં આવી છે અને તેની હજારો નકલો બનાવવામાં આવી છે.
રૅપ મ્યુઝિક વીડિયો અને ટ્વિચ સ્ટ્રીમિંગમાં પણ દુરુપયોગ ખૂબ જ જોવા મળ્યો હતો. જો રોગન શોમાં મહેમાનોએ તેનો પ્રયાસ કર્યો અને યે (કાન્યે વેસ્ટ) સહિતના રેપર્સે જાહેરમાં આ પદાર્થનો દુરુપયોગ કરવા વિશે વાત કરી. ત્યારથી યેએ તેના ડેન્ટિસ્ટ પર અવિચારી રીતે ખતરનાક માત્રામાં નાઇટ્રસ ઑક્સાઇડનો ઉપયોગ કરવા બદલ દાવો પણ કર્યો છે.
આ ટ્રેન્ડના પ્રતિભાવમાં TikTok એ "ગૅલેક્સી ગૅસ" ના આ વીડિયોને પ્રતિબંધિત કર્યા અને વપરાશકર્તાઓને પદાર્થના ઉપયોગ અને વ્યસન વિશે સંસાધનો પ્રદાન કરતા સંદેશા પર રિડાયરેક્ટ કર્યા. રેપર SZA એ તેમના સોશિયલ મીડિયા ફૉલોઅર્સને તેના નુકસાન વિશે ચેતવણી આપી.
માર્ચમાં ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશને ગૅસ શ્વાસમાં લેવા સામે સત્તાવાર ચેતવણી જારી કરી કારણ કે "નાઇટ્રસ ઑક્સાઇડ ઉત્પાદનો શ્વાસમાં લીધા પછી પ્રતિકૂળ ઘટનાઓના અહેવાલોમાં વધારો જોવા મળ્યો હતો".
નાઇટ્રસ ઑક્સાઇડ કેમ વેચાય છે?
એફડીએએ બીબીસીને જણાવ્યું હતું કે તે "નાઇટ્રસ ઑક્સાઇડના દુરુપયોગ સંબંધિત પ્રતિકૂળ ઘટનાઓને સક્રિયપણે ટ્રૅક કરવાનું ચાલુ છે અને જાહેર આરોગ્યને સુરક્ષિત રાખવા માટે તે યોગ્ય પગલાં લેશે".
પરંતુ કેટલાક લોકો માટે આ ચેતવણીઓ ખૂબ મોડી હતી.
2023માં અમેરિકન રેડિયોલૉજિસ્ટ મારિસા પોલિટના પરિવારે નાઇટ્રસ ઑક્સાઇડના વિતરક યુનાઇટેડ બ્રાન્ડ્સ વિરુદ્ધ કેસ કરીને 745 મિલિયન ડૉલરનો દાવો કર્યો હતો. તેમનો આરોપ હતો કે મારિસાનું મૃત્યુ એક ડ્રાઇવરે વધુ માત્રામાં નાઇટ્રસ ઑક્સાઇડ લેવાને કારણે થયું હતું. અદાલતે કંપનીને ગૅસનો દુરુપયોગ થતો હોવાનું જાણતા હોવા છતાં તેનું વેચાણ કરવા માટે જવાબદાર ગણાવી હતી.
પોલિટ પરિવારના વકીલ જોની સિમોને તે સમયે કહ્યું હતું, "મેરિસા પોલિટનું મૃત્યુ ન જ થવું જોઈતું હતું, પણ મારા ભગવાન, તે હવે છેલ્લું હોવું જોઈએ."
ત્યાર બાદ પણ યુએસ અને યુકે બંનેમાં આ ગૅસના લીધે ઘણા જીવલેણ ટ્રાફિક અકસ્માતો પણ થયા છે.
દરમિયાન કૅલ્ડવેલના પરિવારે નાઇટ્રસ ઑક્સાઇડના ઉત્પાદકો અને વિતરકો સામે ક્લાસ એક્શન મુકદ્દમો શરૂ કર્યો છે, જેથી યુએસભરમાં છૂટક વેચાણમાંથી આ ઉત્પાદનને કાયમ માટે દૂર કરી શકાય.
"ડેન્ટિસ્ટની ઑફિસમાં નાઇટ્રસ ઑક્સાઇડનું સંચાલન કરતા લોકોને હવે કલાકો સુધી તાલીમ લેવી પડે છે," તેમણે કહ્યું. "મારા માટે એ ગાંડપણ જેવું છે કે આ દવા સ્મોક શૉપમાં જઇને કોઈપણ વ્યક્તિ ખરીદી શકે છે."
ડાયલે કહ્યું, "દુર્ભાગ્યવશ હવે ખૂબ જ સ્પષ્ટ થઈ ગયું છે કે ઉત્પાદકો અને સ્મોક શૉપના માલિકો નૈતિક રીતે તેને વેચાણમાંથી દૂર કરશે નહીં."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન