US ઇમિગ્રેશનઃ ટ્રમ્પનો નવો નિર્ણય ભારતીયો માટે આંચકાજનક, અમેરિકા જવું મુશ્કેલ બનશે?

    • લેેખક, અંશુલ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકાએ ભારતની ટ્રાવેલ એજન્સીઓ અને એજન્ટો પર વિઝા પ્રતિબંધ લગાવ્યા છે. ગેરકાયદે ઇમિગ્રેશનને ઉત્તેજન આપવાના આરોપસર આ કાર્યવાહી થઈ છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટેમી બ્રૂસે એક નિવેદનમાં કહ્યું કે, "અમેરિકાના ઇમિગ્રેશન કાયદા અને નીતિઓ લાગુ કરવા, કાયદાનું શાસન જાળવવા અને અમેરિકાની સુરક્ષા માટે આ મહત્ત્વપૂર્ણ છે."

અમેરિકા તરફથી વિઝા પ્રતિબંધોના કારણે અસરગ્રસ્ત લોકોને લગતી કોઈ માહિતી અપાઈ નથી. કોઈ ટ્રાવેલ એજન્ટ કે ટ્રાવેલ એજન્સીનું નામ પણ જાહેર નથી કરાયું.

આ વર્ષે ફેબ્રુઆરીમાં અમેરિકાએ કેટલાક ભારતીયોને 'ગેરકાયદે ઇમિગ્રન્ટ' ગણાવીને એક વિમાનમાં પાછા મોકલ્યા હતા. આ લોકોને હાથકડી અને પગમાં બેડીઓ પહેરાવાઈ હોય તેવી તસવીરો બહાર આવી હતી.

ભારતે અમેરિકાના આ નિર્ણય પર કોઈ સત્તાવાર પ્રતિભાવ નથી આપ્યો.

પરંતુ સવાલ એ છે કે ભારતથી અમેરિકા જવા માંગતા લોકો પર આની કેવી અસર પડશે.

અમેરિકન વિદેશ મંત્રાલયે શું કહ્યું?

સોમવારે આ પ્રતિબંધો વિશે વિગતવાર માહિતી આપતા અમેરિકન વિદેશ મંત્રાલયે એક પ્રેસ રિલીઝ જારી કરી હતી.

પ્રેસ રિલીઝ પ્રમાણે "ભારતમાં હાજર ટ્રાવેલ એજન્સીઓના માલિકો અને વરિષ્ઠ અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લગાવવા વિદેશ મંત્રાલય આ પગલું લઈ રહ્યું છે. કારણ કે તેઓ જાણી જોઈને અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રેશનને પ્રોત્સાહન આપે છે. મિશન ઇન્ડિયાના કાઉન્સિલર બાબતો અને ડિપ્લોમેટિક સુરક્ષા સેવા અમારા દૂતાવાસ અને વાણિજ્ય દૂતાવાસોમાં દરરોજ કામ કરે છે, જેથી કરીને ગેરકાયદે ઇમિગ્રેશન અને માનવ તસ્કરીમાં સામેલ લોકોને સક્રિય રીતે ઓળખી શકાય."

જોકે, ટ્રાવેલ એજન્ટોએ ગેરકાયદે ઇમિગ્રેશનના રસ્તાને કઈ રીતે આસાન બનાવ્યું છે તે વિશે તેમણે જણાવ્યું ન હતું.

નિવેદનમાં જણાવાયું કે વિદેશી તસ્કરી નેટવર્કને ખતમ કરવા માટે ટ્રાવેલ એજન્સીઓ વિરુદ્ધ આ પ્રકારના પગલાં લેવાનું જારી રહેશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ કાર્યવાહી ઇમિગ્રેશન અને નૅશનાલિટી ઍક્ટની કલમ 212 (એ)(3)(સી) હેઠળ કરવામાં આવે છે.

નવી દિલ્હીસ્થિત અમેરિકન દૂતાવાસે ઘણી વખત કહ્યું છે કે, "અમેરિકા આવતા ભારતીયોને ચેતવણી આપવામાં આવે છે કે તેઓ દેશમાં પ્રવાસના સમય કરતા વધુ ન રોકાય. આવું કરનારાઓને ડિપૉર્ટ કરવામાં આવશે અને દેશમાં પ્રવેશ પર કાયમી પ્રતિબંધ લગાવી દેવાશે."

નિર્ણયની કેવી અસર પડશે?

આ વર્ષે જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિનું પદ સંભાળનારા ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીપ્રચાર દરમિયાન ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ અંગે સખત નીતિ અપનાવવાનું વચન આપ્યું હતું.

સત્તા પર આવતા જ તેઓ તેનો અમલ કરતા જોવા મળ્યા. તેમણે ઘણા દેશોના નાગરિકોને ગેરકાયદે ઇમિગ્રન્ટ ગણાવીને તેમના દેશમાં પાછા મોકલી દીધા હતા.

હવે ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાંને અમેરિકાની ગેરકાયદે ઇમિગ્રન્ટ વિરોધી નીતિ સાથે સાંકળીને જોવામાં આવે છે.

ટ્રાવેલ એજન્ટ્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (ટીએએઆઈ) એ ભારતમાં ટ્રાવેલ એજન્ટો અને ટુરિઝમ વ્યવસાયના લોકોનું સંગઠન છે.

ટીએએઆઈના ખજાનચી પારસ લાખિયાએ બીબીસી સાથે વાત કરતી વખતે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણય પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ અનિશ્ચિતતા ભર્યો નિર્ણય છે.

પારસ લાખિયા કહે છે કે, "મોટા ભાગના ભારતીયોના સ્વજનો, મિત્રો અને ઓળખીતાઓ અમેરિકામાં રહે છે. તેથી ભારતથી જતા લોકો માટે અમેરિકા એક મુખ્ય દેશ છે. સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત ન હોય તેવા પ્રતિબંધો ઘણી બધી અસ્પષ્ટતા પેદા કરી શકે અને પ્રવાસીઓને અસર કરી શકે છે."

રાષ્ટ્રપતિ ટ્રમ્પના શપથગ્રહણના બે અઠવાડિયાં પછી 104 'ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ'ને લઈને એક વિમાન અમૃતસરમાં ઊતર્યું હતું. તે વખતે ભારતમાં રાજકીય મુદ્દો બની ગયો હતો. ભારતીયોને બેડીઓ પહેરાવીને અમેરિકાથી લાવવામાં આવ્યા હતા એવું કહેવાયું હતું.

ભારત સરકારના આંકડા પ્રમાણે ફેબ્રુઆરીમાં ત્રણ સૈન્ય વિમાનોમાં 333 ભારતીય નાગરિકોને યુએસથી ભારત લાવવામાં આવ્યા હતા.

ભારતમાં અમેરિકન દૂતાવાસ મુજબ 2024ના પ્રથમ 11 મહિનામાં 20 લાખથી વધુ ભારતીયો અમેરિકા ગયા હતા. 2023ની તુલનામાં તે 26 ટકા વધારો દર્શાવે છે.

જોકે, આ લોકો પર્યટન, વ્યવસાય અને શિક્ષણ જેવા નોન-ઇમિગ્રન્ટ વિઝા પર ગયા હતા, કાયમી રહેવા માટે નહોતા ગયા.

વર્ષ 2024માં 3.31 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં શિક્ષણ માટે ગયા હતા, જે 2008-09 પછી સૌથી વધુ છે.

હવે અમેરિકા જવા અંગે ભારતીયોમાં શું ખચકાટ વધ્યો છે? ટ્રાવેલ એજન્ટો ગ્રાહકોને કઈ રીતે સમજાવે છે?

પારસ લાખિયાનું કહેવું છે કે, "હાલમાં ચોક્કસપણે ખચકાટ અને ગુંચવણની સ્થિતિ છે. આવા કોઈ પણ ફેરફાર વિશે અમેરિકાના સ્થાનિક કાર્યાલયો દ્વારા પણ સ્પષ્ટ રીતે જણાવવું જોઈએ. તેનાથી ટ્રાવેલ કંપનીઓ આને વધુ સારી રીતે સમજી શકશે અને પ્રવાસીઓને તેની જાણકારી આપી શકશે. મને લાગે છે કે તેનો મૂળ હેતુ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ, ઓવરસ્ટેને રોકવાનો અને 30 દિવસ કરતા વધુ રોકાનારા તમામ બિન અમેરિકન નાગરિકોનો રેકૉર્ડ પ્રાપ્ત કરવાનો છે."

અમેરિકામાં કેટલા ગેરકાયદે ભારતીયો છે?

પ્યૂ રિસર્ચ સેન્ટર મુજબ વર્ષ 2022 સુધી લગભગ 7.25 લાખ ભારતીય નાગરિકો અમેરિકામાં ગેરકાયદે વસતા હતા. અમેરિકામાં મેક્સિકો અને અલ સાલ્વાડોર પછી સૌથી વધુ ભારતીયો ગેરકાયદે રહે છે.

માઇગ્રેશન પૉલિસી ઈન્સ્ટિટ્યૂટ મુજબ આ આંકડો 7.75 લાખનો છે. એમપીઆઈ પ્રમાણે ભારત આ મામલે આખા એશિયામાં ટોચ પર છે.

અમેરિકાના હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગ (ડીએચએસ)નો સત્તાવાર ડેટા અલગ ચિત્ર રજૂ કરે છે. તે પ્રમાણે 2022માં અમેરિકામાં 2.20 લાખ ગેરકાયદે ભારતીયો હતા.

ભારતથી ટ્રાવેલ એજન્સીઓ મારફત કેટલા લોકો યુએસ જાય છે?

આ સવાલ વિશે પારસ લાખિયાએ કહ્યું કે, "માત્ર ટ્રાવેલ એજન્સીઓ મારફત થયેલી યાત્રાની વિગત આપતો કોઈ ડેટા નથી. પરંતુ 2024માં 20 લાખથી વધુ ભારતીયોએ અમેરિકાનો પ્રવાસ કર્યો હતો એવું ડેટા કહે છે."

યુએસ કસ્ટમ્સ એન્ડ બૉર્ડર પ્રોટેક્શનની વેબસાઈટ પર પ્રકાશિત આંકડા મુજબ 2023માં અમેરિકન અધિકારીઓ દ્વારા પકડવામાં આવેલા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટની સંખ્યા 96,917 હતી. 2022માં આ આંકડો 63,927 હતો જ્યારે 2021માં 30,662 લોકો ઝડપાયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન