અમેરિકામાં 'ગેરકાયદે' રહેતા લોકોને કેવી રીતે પકડવામાં આવે છે, પકડ્યા બાદ કોને પરત મોકલી દેવાય અને કોને નહીં?

ગુરુવારે સવારે અમેરિકામાં 'ગેરકાયદે' વસવાટ કરતા 33 ગુજરાતીઓનું જૂથ અમેરિકામાંથી ડિપૉર્ટ થઈને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચ્યું હતું.

અમેરિકામાંથી દેશનિકાલ કરાયા બાદ ભારતના 104 લોકોને પરત મોકલવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત સહિત હરિયાણા અને પંજાબના લોકોનો સમાવેશ થતો હતો.

ગત 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદથી 'દેશમાં ગેરકાયદે રહી રહેલા અને પ્રવેશવા માગતા માઇગ્રન્ટ' સામે 'અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી' શરૂ કરી હતી.

જેના ભાગ સ્વરૂપે સમગ્ર દેશમાં 'ગેરકાયદે રહી રહેલા લોકો' સામે જાણે ઝુંબેશ શરૂ કરી દેવાઈ હતી. શુક્રવારે અમદાવાદ ઍરપૉર્ટ પર જોવા મળેલાં દૃશ્યો આ જ કાર્યવાહીના પરિણામસ્વરૂપે જોવા મળ્યાં હોવાનું કહેવાઈ રહ્યું છે.

હવે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં તેમની નીતિઓના અમલીકરણનાં પરિણામો દેખાવાનું શરૂ થયું છે ત્યારે ખરેખર અમેરિકામાંથી ખરેખર કોને કાઢી મુકાય છે એ પ્રશ્ન અંગે ચર્ચા થવા લાગી છે.

અમેરિકામાંથી ખરેખર કોને ડિપૉર્ટ કરી શકાય?

માઇગ્રેશનપૉલિસી ડોટ ઓઆરજીના એક અહેવાલમાં વિગતવાર અમેરિકામાંથી કોને ડિપૉર્ટ કરી શકાય એ અંગે વાત કરાઈ છે.

હાલ ઘણા લોકો એવું માની રહ્યા છે કે અમેરિકામાં બિનઆધિકારિક ઇમિગ્રન્ટ્સ પર જ ડિપૉર્ટેશનની 'તલવાર' લટકી રહી છે. જોકે, હકીકતમાં એવું નથી.

દેશમાં કાયદેસર રહેતા ઇમિગ્રન્ટ્સ જેઓ નાગરિક નથી બન્યા તેમને પણ કેટલીક સ્થિતિમાં આની અસર થઈ શકે છે.

બિનઆધિકારિક ઇમિગ્રન્ટ્સની સાથોસાથ એવા લોકો કે જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકાની સરહદમાં પ્રવેશ્યા હોય એ અને વિઝાની મર્યાદા કરતાં વધુ સમય સુધી દેશમાં રહેનાર લોકોને પણ ડિપૉર્ટ કરી શકાય છે.

કામચલાઉ વિઝા પર દેશમાં આવેલા ઇમિગ્રન્ટ્સ જેમણે પોતાની વિઝાની શરતોનો ભંગ કર્યો હોય તેમને પણ ડિપૉર્ટ કરી શકાય છે.

ઇમિગ્રન્ટ સિવાય દેશમાં કાયદેસર રીતે કાયમી વસવાટ કરતા લોકો એટલે કે ગ્રીન કાર્ડ હોલ્ડરો તેમજ કામચલાઉ વિઝાધારકોને પણ ડિપૉર્ટ કરી શકાય છે. જોકે, આ કૅટગરીમાં આવતા લોકોએ ગુના આચર્યા હોવાનું સાબિત થવું જોઈએ. આ ગુનાઓમાં દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવાનો, હથિયાર અથવા ડ્રગ્સ મળી આવવું, ચોરી અને હિંસક ગુના સામેલ છે.

નોલો ડોટ કૉમના એક અહેવાલ અનુસાર નૈતિક અધ:પતનનો ગુનો આચરનાર વ્યક્તિ સામે ડિપૉર્ટેશનની કાર્યવાહી શરૂ કરવાના બે રસ્તા છે.

એક એ કે તમે અમેરિકામાં પોતાના વસવાટનાં પ્રથમ પાંચ વર્ષમાં નૈતિક અધ:પતન કહેવાય એવો ગુનો આચર્યો હોય.

તેમજ બીજો છે તમે એક જ ગુનાહિત કૃત્યમાંથી પરિણમ્યા ન હોય એવા બે અથવા વધુ નૈતિક અધ:પતનના ગુના આચર્યા હોય.

જોકે, અહીં કયા ગુનાને નૈતિક અધ:પતનને લગતા ગુના ગણવા એ અંગે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. અલબત્ત અમેરિકન કોર્ટો સમયાંતરે આ સંદર્ભે પોતાના મત વ્યક્ત કર્યા છે. જેમાં "છેતરપિંડી, લોકોને કે વસ્તુઓને નુકસાન પહોંચાડવાનો ઇરાદો, મૃત્યુ નિપજાવવા કે લૂંટના ઇરાદે"ઈજા, પતિ-પત્ની પર હિંસા" વગેરે ગુના સામેલ છે.

કોની ધરપકડ કરવી એ કઈ રીતે નક્કી કરાય છે?

આઇસીઇ ડોટ જીઓવીમાં આપેલી માહિતી અનુસાર અમેરિકાના અંતરિયાળ વિસ્તારોમાં અમેરિકાની ઇમિગ્રેશન અને કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (આઇસીઇ) ઍન્ફોર્સમેન્ટ ઍન્ડ રિમૂવલ ઑપરેશન્સ (ઇઆરઓ)ના અધિકારીઓને ઇમિગ્રેશન માટેના કાયદા લાગુ કરવાની જવાબદારી સોંપવામાં આવે છે.

આ અધિકારીઓ પર રાષ્ટ્રીય સુરક્ષાની જાળવણી અને જાહેર સલામતીની જાળવણીની જવાબદારી હોય છે.

ઇઆરઓ ઇમિગ્રેશન ઍન્ફોર્સમેન્ટ પ્રક્રિયાના બધા તબક્કાને મૅનેજ કરવાનું કામ કરે છે, જેમાં ઓળખ, ધરપકડ, અટકાયત અને દેશનિકાલ કરવાને પાત્ર લોકોના દેશનિકાલની કાર્યવાહી કરવા સહિતની બાબતો સામેલ છે.

ઇઆરઓ દેશનિકાલ કરવાને પાત્ર લોકોની ઓળખ અને તેમની ધરપકડ કરવા માટે કાયદો લાગુ કરતી ઑથૉરિટી પર આધાર રાખતું હોય છે.

ઇઆરઓ આવા લોકોને શોધવા માટે લક્ષ્યકેન્દ્રી અને ઇન્ટેલિજન્સ આધારિત ઑપરેશનો હાથ ધરતું હોય છે.

ઇઆરઓ પાસે દેશનિકાલને પાત્ર લોકોની વહીવટી ધરપકડ કરવા સિવાય ઇમિગ્રેશન સાથે સંબંધિત ગુનાહિત કૃત્યોમાં ક્રિમિનલ અરેસ્ટ વૉરંટ બજાવવાની અને પ્રૉસિક્યૂશન શરૂ કરવાની સત્તા હોય છે.

ઇઆરઓ દ્વારા ધરપકડ કરાયેલ લોકોને મુખ્યત્વે બે કૅટગરીમાં વિભાજિત કરવામાં આવે છે. જેમાંથી એક છે જે-તે દેશની નાગરિકતા આધારે અને અમેરિકામાં ગુનાહિત ઇતિહાસ આધારે.

ગુનાહિત ઇતિહાસની કૅટગરીમાં લોકોને ત્રણ પેટાવર્ગોમાં વિભાજિત કરીને નોંધવામાં આવે છે.

એક છે અમેરિકામાં ગુનેગાર સાબિત થયાનો વર્ગ.

બીજો છે અમેરિકામાં ગુનાનો કેસ ચાલી પેન્ડિંગ હોવાનો વર્ગ.

અને ત્રીજો છે એ વર્ગે જેના પર અમેરિકાના અન્ય કોઈ કાયદા તોડ્યાનો આરોપ નથી, પરંતુ તેમણે અમેરિકાના ઇમિગ્રેશન કાયદાનો ભંગ કર્યો છે.

સત્તાવાર આંકડા અનુસાર અમેરિકામાં વર્ષ 2023માં સૌથી લગભગ 1.69 લાખ લોકોની ઇઆરઓએ ધરપકડ કરી હતી.

જો કોઈ વ્યક્તિને દેશનિકાલ અપાય તો શું?

જો અમેરિકામાંથી કોઈ વ્યક્તિને દેશનિકાલ અપાય તો કેટલાંક વર્ષો સુધી દેશમાં તેના પરત ફરવા પર પ્રતિબંધ મુકાઈ જાય છે. જોકે, દેશનિકાલ કેવી રીતે થયો એના આધારે આ પ્રતિબંધના પ્રકાર જુદા જુદા હોઈ શકે.

જો 'ઝડપી દેશનિકાલ'ની પ્રક્રિયા થકી કોઈ વ્યક્તિને દેશનિકાલ કરાય તો તેના અમેરિકાપ્રવેશ પર આગામી પાંચ વર્ષ સુધી પ્રતિબંધ રહે છે.

ઇમિગ્રેશન જજ મારફતે કોઈ બિનનાગરિક માટે દેશનિકાલનો નિર્ણય અપાય તો આવી વ્યક્તિ દસ વર્ષ સુધી અમેરિકા પરત ફરી ન શકે.

જે વ્યક્તિ સામે બીજી વખત દેશનિકાલનો ઑર્ડર કરવામાં આવે તે સતત 20 વર્ષ સુધી અમેરિકા પરત ફરી શકતી નથી.

કેટલાક ગુનાના અપરાધી અને વારંવાર ઇમિગ્રેશનને લગતા કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પર આજીવન પ્રતિબંધ મૂકવામાં આવે છે.

અહીં નોંધનીય છે કે ઘણા કિસ્સામાં દેશનિકાલ માટેનો ઑર્ડર એ દેશનિકાલની ખરી પ્રક્રિયામાં પરિણમી શકતો નથી. કારણ કે સંબંધિત સત્તાધીશ દ્વારા દેશનિકાલ માટેનો ઑર્ડર અપાયા બાદની વહીવટી પ્રક્રિયા બાદ જ ખરા અર્થમાં જે તે વ્યક્તિને ખરા અર્થમાં દેશનિકાલો આપી શકાય છે.

આમાં એવા પણ લોકો સામેલ હોય છે, જેમની સામે દેશનિકાલનો હુકમ તો છે, પરંતુ તેઓનો કોઈ પત્તો નથી. આ સિવાય એવા પણ લોકો આ યાદીમાં સામેલ હોય છે, જેમનો પોતાનો દેશ તેમને પરત સ્વીકારવા તૈયારી બતાવતો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.