અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તો ગુજરાતમાં શું અસર થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતમાં એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છે અને બીજી તરફ અરબી સમુદ્રમાં હલચલ શરૂ થઈ ગઈ છે.
હાલ લક્ષદ્વીપ અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન સર્જાયું છે.
હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં હજી વધારે મજબૂત બનશે અને પછી તે દરિયાની અંદર આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે અને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે.
અરબી સમુદ્રમાં સિસ્ટમની વચ્ચે હવામાન વિભાગનું કહેવું છે ગુજરાતના બાકીના વિસ્તારોમાંથી પણ ચોમાસું 2 કે 3 દિવસોમાં વિદાય લે તેવી અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે.
ભારતમાં આ વર્ષે ચોમાસાના ચાર મહિના દરમિયાન સરેરાશ કરતાં વધારે વરસાદ પડ્યો છે અને ગુજરાતમાં ચોમાસામાં સરેરાશથી વધાર વરસાદ થયો છે.
આ અહેવાલમાં જાણીએ કે શું અરબી સમુદ્રમાં નવું વાવાઝોડું સર્જાવાનું છે અને જો અહીં વાવાઝોડું સર્જાય તો ગુજરાતમાં તેની અસર થઈ શકે છે કે કેમ.
અરબી સમુદ્રમાં સિસ્ટમ બની, વાવાઝોડું સર્જાશે?

ઇમેજ સ્રોત, ani
ગુજરાતમાં હાલના સમયમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સામાન્ય રીતે ચોમાસું પૂરું થયા બાદ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું સામાન્ય પ્રમાણ રહેતું હોય છે.
સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસા પહેલાં અને ચોમાસા પછી વાવાઝોડાં આવતાં હોય છે. એટલે કે જૂનની શરૂઆતમાં અને ઑક્ટોબરથી નવેમ્બર મહિના સુધી વાવાઝોડાની શક્યતા રહેતી હોય છે. આ સમયગાળો વાવાઝોડા માટે અનુકૂળ માનવામાં આવે છે.
હાલના હવામાનની વાત કરીએ તો અરબી સમુદ્રમાં એક સાયક્લૉન સર્ક્યુલેશન બનેલું છે, જે ગુજરાતમાં લૉ પ્રેશર એરિયારૂપે સર્જાઈ શકે છે.
લૉ પ્રેશર એરિયા બન્યા બાદ હવામાન વિભાગનું એવું કહેવું છે કે એ તીવ્ર બનીને ડિપ્રેશનમાં ફેરવાશે. ત્યારબાદ એ ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે અને જો આવું થાય તો વાવાઝોડું બને તેવી શક્યતા છે.
હવામાન વિભાગનાં અલગ-અલગ મૉડલો અનુસાર, અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે અને તેમાં બે-ત્રણ દિવસનો સમય લાગી શકે છે. એટલે કે 13 અને 14 ઑક્ટોબર આસપાસ આ વાવાઝોડું સર્જાય તેવી શક્યતા છે.
વાવાઝોડું જો સર્જાય તો ગુજરાતને કેટલી અસર થશે?
હાલમાં જે સિસ્ટમ છે એ લક્ષદ્વીપ અને કેરળની આસપાસમાં સર્જાયેલી છે. એટલે આમ જોવા જઈએ તો એ ગુજરાતના દરિયાકાંઠાથી ઘણી દૂર છે.
સાયક્લૉનિક સિસ્ટમ દરિયામાં ઘણી દૂર હોવાથી ગુજરાતને તેની અસર થાય તેવું હાલના તબક્કે લાગlતું નથી.
તેમ છતાં એ સિસ્ટમ આગળ વધશે ત્યારે ઉત્તર-પશ્ચિમ તરફ આવશે. એટલે કે તે ઓમાન અને યમન તરફ ફંટાઈ જાય તેવી શક્યતા છે.
સ્કાયમેટ વેધર અનુસાર, લક્ષદ્વીપ અને તેની આસપાસના ક્ષેત્રમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે, જે સરેરાશ સાગરતટથી 5.8 કિમી ઉપર ફેલાયેલું છે.
મોટાં ભાગનાં મૉડલો એવું દર્શાવી રહ્યાં છે કે આ સિસ્ટમ વાવાઝોડું બને તો પણ એ ઓમાન અને યમન તરફ જાય તેવી પૂરી શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, આ વાવાઝોડું જો બને તો પણ એ અન્ય દિશામાં ફંટાઈ જાય તેવી શક્યતા છે.
એ પણ યાદ રાખવું જોઈએ કે વાવાઝોડાં પોતાની દિશા પણ બદલતાં હોય છે. ગુજરાતમાં તરફ આવતાં મોટાં ભાગનાં વાવાઝોડાં ઘણી વાર ઓમાન કે યમન તરફ ફંટાઈ ગયાં હોવાની ઘટના પણ બનેલી છે.
ગુજરાતમાં ક્યારે અને કેટલો વરસાદ પડી શકે છે?
ગુજરાતમાં સામાન્ય રીતે મોટા ભાગના વિસ્તારોમાં હાલ વરસાદ બંધ છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલી આ સિસ્ટમને કારણે ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે.
13 અને 14 ઑક્ટોબરે ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડશે. ત્યારબાદ આગામી 16 તારીખ બાદ વરસાદની શક્યતા છે.
એટલે કે જો વાવાઝોડું ગુજરાત પાસેથી કે દૂરથી પણ પસાર થાય તો તેની સામાન્ય અસર ગુજરાતમાં થઈ શકે છે.
આને કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













