ગુજરાતમાં માલધારીઓ ઘેટાંનું કિંમતી ઊન કચરામાં કેમ ફેંકી રહ્યા છે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા, સુરેન્દ્રનગરથી

ભાદરવા મહિનાની ચોમેર લીલોતરી અને વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગરના મુળી તાલુકાના વેલાળા ગામે માલધારી ભાયાભાઈ ટોળિયા અને તેના પિતરાઈ ભાઈ કુંવરાભાઈ ટોળિયા સવારમાં તેમનાં ઘેટાંને તેમના વાડા પાસેથી જ વહેતી બ્રહ્માણી નદીમાં નવડાવી રહ્યા છે.

ઘેટાનું ઊન મોટું થઈ ગયું છે અને તેને ઉતારવાની જરૂર છે તેવું વર્તાઈ રહ્યું છે.

ભાયાભાઈ તેમના મોટા બાપા નથુભાઈ, નથુભાઈના સૌથી નાના દીકરા ખીમાભાઈ એમ ત્રણેય મળીને અંદાજે 300 ઘેટાં પાળે છે. તો નથુભાઈના બીજા દીકરા એવા કુંવરાભાઈ પાસે 100 બકરીઓ છે.

ઊનનાં વસ્ત્રો આમ તો બહુ મોંઘાં હોય છે. તેથી સૌને લાગે કે ઊન પણ એટલી જ કિંમતી વસ્તુ હશે. પરંતુ ભાયાભાઈના વાડામાં ઊન ઉતારવાનું કામ જેવું પૂરું થયું કે તરત જ ભાયાભાઈનાં પત્ની રાજુબહેને ઊનને એક પછેડીમાં ભર્યું અને પછી નદી તરફ ચાલવા લાગ્યાં.

વાડાથી થોડે દૂર મા-દીકરીએ દોઢેક કિલો ઊનને નદીના કાંઠે ફેંકી દીધું. ત્યાં જૂન મહિનામાં નથુભાઈ અને ખીમાભાઈનાં 200 ઘેટાંનાં ઉતારેલ ઊનનો મોટો ઢગલો પહેલેથી જ પડ્યો હતો.

વેલાળા જેવાં દૃશ્યો સુરેન્દ્રનગર જિલ્લાનાં કેટલાંય ગામડાંમાં છે. તેમાંથી બીબીસીએ કેટલાંક ગામડાંની મુલાકાત લીધી હતી. તો જોવા મળ્યું કે માલધારીઓએ ફેંકી દીધેલ ઊન વગડામાં ઊડી રહ્યું હતું કે નદી-વોંકળા-તળાવડીમાં સડી રહ્યું હતું.

કિંમતી મનાતા ઊનની ગુજરાતમાં આવી હાલત કેમ થઈ ગઈ છે? કેમ લોકો તેને ફેંકી રહ્યા છે?

આ અહેવાલમાં જાણીશું.

ઘેટાની ઊનને કેમ કોઈ ખરીદતું નથી?

70 વર્ષના નથુભાઈ કહે છે કે છેલ્લાં આઠેક વર્ષથી તેમનાં ઘેટાંનું ઊન કોઈ ખરીદતું નથી.

નથુભાઈ બીબીસીને જણાવે છે, "ભૂતકાળમાં મેં 1000 રૂપિયા મણ (20 કિલો)ના ભાવે ઊન વેચ્યું છે. આખા વર્ષમાં ત્રણ વાર ઘેટાં કાતરતા અને ઊન લેવા લોકો અમારે ઘરે આવતા. ઘેટાં કાતરવાનું કામ પણ ઊન લેનાર લોકો જ કરી જતા. 30 વર્ષ પહેલાં હું દર વર્ષે આઠ-દસ હજારનું ઊન વેચતો. પરંતુ, પછી ભાવ ઘટવા લાગ્યા. છેવટે લોકો અમારી પાસેથી ઊન લેવા આવતા જ બંધ થઈ ગયા."

નથુભાઈનું કહેવું છે કે છેલ્લાં સાત-આઠ વર્ષથી તેમની પાસેથી કોઈ ઊન લઈ જતું નથી."

તેઓ કહે છે કે "ઊન જલદી સડતું નથી, તેથી તેનું ખાતર પણ થતું નથી. પહેલાં હું બકરાનાં વાળ અને ઊનને કાંતી તેમાંથી દોરડાં, ડામણ (પશુના પગે બાંધવાનું દોરડું), બુટણ (અનિચ્છનીય પ્રજનન ટાળવા નર ઘેટાં અને બોકડાનાં ગુપ્તાંગો પર બાંધવામાં આવતી દોરી) વગેરે બનાવતો. હવે સુતરનાં વાળ અને દોરડાં સસ્તાં થતાં કોઈ માલધારી ઊન કે વાળની દોરડી બનાવતા નથી. તેથી, અમારે તેને નાખી દેવા સિવાય બીજો કોઈ ઉપાય નથી."

વેલાળાથી ચાલીસેક કિલોમીટર દૂર આવેલા ભોજપરા-ગોદાવરી ગામના માલધારી કરમશીભાઈ ગમારા પણ કંઈક આવી જ ફરિયાદ કરે છે.

તેઓ કહે છે, "એક જમાનો હતો જયારે અમારા ગામના જ વણકર અમારા ઘેટાંની ઊન ખરીદવા પડાપડી કરતા. અમને ઍડ્વાન્સ પૈસા આપી દેતા. પરંતુ હવે જમાનો બદલાયો છે. મેં આ વખતે મહિનામાં મારાં 300 ઘેટાંનું ઊન કાતરવા માટે ડીસાથી માણસો બોલાવ્યા અને તેમને ઘેટાં દીઠ 20 રૂપિયા લેખે કુલ છ હજાર મજૂરી આપી. ભાડા અને તેમના જમણવારનો ખર્ચો પણ મારે કરવો પડ્યો."

ભાયાભાઈનું કહેવું છે કે આ ઊન કોઈ લેતું નથી તેથી તેમણે સાતેક મણ ઊન તેમના વાડા નજીક જ ફેંકી દેવું પડ્યું.

ભાયાભાઈ કહે છે, "પહેલાં ખુલ્લા વગડા હતા. અમે ગામના પાદરની બહાર નીકળીએ અને ઘેટાંને ચરવા છુટ્ટાં મૂકી દઈએ એટલે તે તેની રીતે ચર્યા કરે અને ગોવાળ કાંતણી વડે ઊન કાંતે. પણ, આજે ચરિયાણ ક્યાંય રહ્યાં નથી. બધે ખેતીનાં વાવેતર થઈ ગયાં છે. તેથી, જો ઘેટાં છૂટાં મૂકીએ તો કોઈ વાડીનાં શેઢે-પાળે ચડે અને ખેડૂતની ફરિયાદ આવે. આથી, હવે કાંતવાનો સમય રહેતો નથી."

ઊનનાં કપડાં અને વસ્તુઓનું ચલણ કેમ ઘટ્યું?

મોટા ભાગના લોકો ઠંડીથી બચવા શિયાળામાં મોટે ભાગે ઊનનાં કપડાં પહેરે છે. પરંતુ તેમાં રબારી અને ભરવાડ સમાજના લોકો હમણાં સુધી અપવાદ હતા.

ગોદાવરી ગામના વણકર સમાજના અગ્રણી એવા 69 વર્ષના લખમણભાઈ પરમાર કહે છે કે, "સુરેન્દ્રનગરનાં અમુક ગામમાં રહેતા વણકર સમાજના લોકો માલધારીઓ પાસેથી ઊન ખરીદીને તેમાંથી માલધારી સમાજનાં પરંપરાગત પોશાક વણીને તેનું વેચાણ કરતા. ઉપરાંત, માલધારીઓએ લાવેલ ઊનમાંથી કાપડ બનાવી આપવાનું જૉબવર્ક એટલે કે મજૂરીકામ પણ કરી આપતા."

તેઓ બીબીસીને જણાવે છે કે, "માલધારી સમાજની મહિલાઓ ઊનમાંથી બનાવેલ (ચણિયાને બદલે પહેરતા) ટંગલિયું, ચરમલિયું, ધુંસી, ધુંસડી વગેરે બારે મહિના પહેરતાં અને ચૂંદડી, મોરચૂંદડી વગેરે ઓઢતાં. તો અમુક લોકો સૂતરમાંથી બનાવેલ જિમ્મી અને ચૂંદડી ઓઢતાં. પુરુષો પણ ઊનમાંથી બનાવેલ ધાબળાં, ચાદર વગેરે સાથે રાખતા. અમે માલધારીઓ પાસેથી ઊન ખરીદી, તેને કાંતી તેમાંથી આ પ્રકારના કાપડ વણીને વેચતા. જો માલધારી તેમની ઊન અમારી પાસે લઈને આવે તો અમે તેને મજૂરી લઈને પણ આવાં કપડાં વણી આપતા. મેં પોતે 1000 રૂપિયા મણના ભાવે ઊન ખરીદેલું છે. ધંધો સારો ચાલતો ત્યારે હું વર્ષે પાંચ-આઠ મણ ઊન ખરીદતો."

લખમણભાઈ કહે છે કે, "દસેક વર્ષ અગાઉ આ વ્યવસાય લુપ્ત થઈ ગયો."

તેઓ કહે છે: "આપણાં ઘેટાંનું ઊન થોડું જાડું હોવાથી તેમાંથી બનાવેલ કપડાં પહેરનારને ખૂંચે છે. હવેની પેઢીને તે પહેરવાં ગમતાં નથી. તેથી, દસેક વર્ષ અગાઉ અમે માલધારીઓ પાસેથી ઊન લેવાનું બંધ કર્યું. આધુનિક મિલો આવતાં મિલોમાં પ્રોસેસ કરાયેલ ઊન કે ઊન જેવું મટિરીયલ મળવા લાગ્યું જે મુલાયમ છે. હવે અમે મિલોમાં પ્રોસેસ કરાયેલ આવું ઊન ખરીદી તેમાંથી કાપડ વણીએ છીએ અને વેચીએ છીએ."

ગુજરાત ઊન અને ઘેટાં વિકાસન નિગમ 'મરણપથારીએ'

ઘેટાં ઉછેર કરી આજીવિકા રળતા માલધારી પરિવારોની આર્થિક ઉન્નતિમાં મદદરૂપ થવાના ઉદ્દેશથી ગુજરાત સરકારે 1970માં કેન્દ્ર સરકારની મદદથી 'ગુશીલ'ના ટૂંકા નામે ઓળખાતા ગુજરાત ઊન અને ઘેટાં વિકાસ નિગમની સ્થાપના કરી હતી.

રાજ્ય સરકારના પશુપાલન વિભાગના નેજા હેઠળ ચાલતા આ નિગમે માલધારીઓ પાસેથી ઊન ખરીદી, તેનું વર્ગીકરણ કરી, વેચવાનું ચાલુ કર્યું. સાથે જ ઘેટાંની ઓલાદો સુધારવા રશિયાથી અને ઑસ્ટ્રેલિયાથી મેરિનો જાતિના ઘેટાંની આયાત કરી તેનું ગુજરાતની મારવાડી, પાટણવાળી જેવી દેશી ઓલાદો સાથે સંવર્ધન કરી સંકર જાતો વિકસાવવાનો પ્રયાસ કર્યો.

આ માટે નિગમે પોતાનાં ઘેટાં ઉછેર કેન્દ્રો અને 45 જેટલા વિસ્તરણ કેન્દ્રો પણ ખોલ્યાં. ઘેટાંના સારા આરોગ્ય માટે રસીકરણ, રોગોની સારવાર વગેરે સેવાઓ પૂરું પાડવાનું પણ ચાલુ કર્યું.

પરંતુ 2015થી આ જ સરકારી બોર્ડે માલધારીઓ પાસેથી ઊન ખરીદવાનું બંધ કર્યું. ધીમે ધીમે વિસ્તરણ કેન્દ્રો બંધ થયાં. રાજકોટના હિંગોળગઢ અને જામનગરમાં ચાલતાં ઊન વર્ગીકરણ કેન્દ્રો બંધ થયાં. અત્યારે આ બોર્ડ માત્ર પાંચ ઘેટાં સંવર્ધન કેન્દ્રો ચલાવે છે.

આ બૉર્ડમાં માત્ર પાંચ જ કાયમી સ્ટાફ છે. તેમાં ભુજ ખાતે આવેલ ઘનિષ્ટ ઘેટાં વિકાસ ઘટકના વડા અને ઇન્ચાર્જ વાય.ડી. સોલંકી, એક ડ્રાઇવર અને ત્રણ ગોવાળનો સમાવેશ થાય છે.

બાકી ગુશીલનો તમામ સ્ટાફ હંગામી છે, એવું એક અધિકારીએ બીબીસીને જણાવ્યું હતું.

છેક 1999થી ગુશીલમાં કામ કરતા વાય.ડી. સોલંકીએ બીબીસીને જણાવ્યું હતું કે, "જે ઊનના તારનો વ્યાસ 12 માઇક્રોનથી ઓછો હોય તે ઊન જ માણસોને પહેરવાનાં કપડાં માટે સારું ગણાય. કારણ કે આવું ઊન મુલાયમ અને કૂણું હોય છે. પરંતુ આપણાં ઘેટાંઓનું ઊન 50 માઇક્રોનથી વધારે જાડું છે. પરંતુ તે કાર્પેટ, પગ-લુછણિયાં વગેરે બનાવવા માટે સારું છે. આથી, તેનું બજાર હતું."

તેઓ જણાવે છે કે, "અમે એક વર્ષમાં નવ લાખ કિલો (45,000 મણ) ઊન વેચવાનો અને ઘેટાંપાલકોને 60 રૂપિયા પ્રતિ કિલો (1200 રૂપિયા પ્રતિ મણ) ભાવ આપ્યાનો રેકૉર્ડ છે. પરંતુ બજારમાં ઊનની માગ ઘટતાં છેવટે અમારે તેને બંધ કરવું પડ્યું."

ઘેટાં ઉછેરતા પશુપાલકો પર કેવી માઠી અસર થઈ?

સહજીવન નામનું એક એનજીઓ માલધારીઓના કલ્યાણ માટે કામ કરે છે. આ સંસ્થાના નેજા હેઠળ સુરેન્દ્રનગર ઘેટાં-બકરાં ઉછેરક માલધારી સંગઠનની સ્થાપના કરવામાં આવી છે.

આ સંગઠનના પ્રમુખ હાજાભાઈ ખાંભલાનું કહેવું છે કે ઊનનું અર્થતંત્ર ભાંગી પડતાં માલધારીઓને બમણો માર પડ્યો છે.

તેઓ કહે છે, "જયારે ગુશીલ ઊનની ખરીદી કરતું ત્યારે ઊનના વેચાણમાંથી થતી આવકમાંથી ઘેટાંની દવાદારૂ અને સારવારનો ખર્ચ નીકળી જતો અને માલધારીઓને થોડી બચત પણ થતી. પરંતુ, ઊનની ખરીદી બંધ થતાં આ આવકનો સ્રોત સુકાઈ ગયો છે અને ઉપરથી માલધારીઓએ ઘેટાં દીઠ 20 રૂપિયા કાતરવાની મજૂરી દેવી પડે છે."

હાજાભાઈનું કહેવું છે કે ઘેટાંને સ્વસ્થ રાખવા વર્ષમાં ઓછામાં ઓછું બે વાર કાતરવાં પડે છે.

તેઓ ઉમેરે છે કે, "ઊનનો બંધ થયેલ વેપાર, ઘટી રહેલું ચરિયાણ અને ઘેટાં- બકરાંના દૂધના ઓછા ભાવના કારણે ઘેટાં-બકરાં પાળવા માલધારીઓ માટે દિવસે ને દિવસે મુશ્કેલ બનતું જાય છે."

હાજાભાઈ કહે છે, "ચરિયાણ ઘટવાને કારણે માલધારીઓએ ઘેટાં-બકરાંને મગફળી, ગુવાર વગેરેનો પાલો ખવડાવવો પડે છે અને તેમાં હજારો રૂપિયાનો ખર્ચ થાય છે. સામે ઊન વેચાતું નથી. ડેરીવાળાં ઘેટાં અને બકરીનું દૂધ અલગથી લેતા નથી કે તેનું અલગથી વેચાણ કરતા નથી. તેથી, અમને દૂધનો પણ સારો ભાવ મળતો નથી. આવા સંજોગોમાં માલધારીઓની કમાણી પર ખૂબ ખરાબ અસર થાય છે."

બીબીસીએ જેટલા માલધારીઓ સાથે વાત કરી તેમણે કહ્યું કે જો તેઓ તેમનાં ઘેટાં વેચે તો ઘેટા દીઠ સરેરાશ દસ હજાર રૂપિયા મળે છે અને આવકનો આ એક મોટો સ્રોત છે.

વાય.ડી. સોલંકીએ જણાવ્યું હતું કે, "માલધારીઓને ઘેટાંને કાતરવામાં થતાં ખર્ચને ઓછો કરવા કેન્દ્ર સરકારના કેન્દ્રીય ઊન વિકાસ બોર્ડની ગ્રાન્ટમાંથી ગુશીલે વીજળીથી ચાલતા 50 ટ્રીમર મશીનો લઈ સહજીવન સંસ્થા સાથે કરાર કરી માલધારીઓને સેવા પૂરી પાડવાનું ચાલુ કર્યું છે. તેમાંથી 40 મશીન કચ્છના માલધારીઓને અને દસ સુરેન્દ્રનગરના માલધારીઓને ફાળવવામાં આવ્યા છે."

ઊનનો કોઈ વૈકલ્પિક ઉપયોગ થઈ શકે?

સહજીવન સંસ્થાના એક્ઝિકયુટિવ ડાયરેક્ટર કવિતા મહેતા કહે છે કે, "પોલિએસ્ટર, નાયલોન, એક્રેલિક જેવા સિન્થેટિક ફાઇબર એટલે કે કૃત્રિમ તારની શોધથી ભારતીય ઘેટાંના ઊનનું બજાર પડી ભાંગ્યું છે."

તેઓ કહે છે, "ભારતમાં માત્ર હિમાલય વિસ્તારનાં ઘેટાંનું ઊન મુલાયમ છે અને કાપડ માટે સારું ગણાય છે. પરંતુ આવું ઊન ભારતમાં ઉત્પન્ન થતી કુલ ઊનના માત્ર પાંચ ટકા જ છે. ભારતનાં ઘેટાંનું લગભગ 85 ટકા ઊન કાર્પેટ, પગલુંછણિયાં વગેરે બનાવવામાં વપરાતું. બાકીનું દસ ટકા ઊન જે થોડું સારું હતું, તે ફર્નિચર વગેરેમાં વપરાતું હતું. પરંતુ સિન્થેટિક ફાઇબર આવી જતાં અને સરકારે તેની સરળ રીતે આયાતની છૂટ આપતાં કાર્પેટ ઇન્ડસ્ટ્રીએ ઊન ખરીદવાનું બંધ કર્યું, કારણ કે સિન્થેટિક ફાઇબર તૈયાર દોરા સ્વરૂપે મળે અને સસ્તું પણ પડે."

તેઓ વધુ માહિતી આપતાં કહે છે કે, "હરિયાણા અને રાજસ્થાનને બાદ કરતાં અન્ય રાજ્યોમાં ચાલતાં ઊન નિગમો પાસે ઊનનું પ્રાઇમરી પ્રોસેસિંગ કરવાના વિવિધ વિસ્તારોમાં યુનિટ ન હતા. તેથી તેઓ સિન્થેટિક ફાઈબરના પડકારને ઝીલી ન શક્યા અને મૃતપ્રાય થઈ ગયા."

આ ઉપરાંત તેમનું કહેવું છે કે મેરિનો જેવી વિદેશી જાતોની ઊન ઉપર સરકારનું વધારે ધ્યાન રહેવાથી ભારતીય જાતોની ઊન પર જે કામ થવું જોઈતું હતું તે સમયસર ન થઈ શક્યું.

કવિતા મહેતા કહે છે, "મકાનોમાં ગરમીને નિયંત્રણમાં રાખવા માટે વપરાતા ગ્લાસ-વુલ અને રોક-વુલના બદલે આપણાં ઘેટાંની ઊનમાંથી બનાવેલ મટિરિયલ વાપરી શકાય તેમ છે, કારણ કે ઊન પણ ગરમી કે ઠંડીનું વહન કરતી નથી. આપણા ઘેટાંનાં ઊનમાંથી બનાવેલ કાપડ મોટા હૉલ અને થિયેટરમાં સાઉન્ડ-પ્રૂફિંગ માટે વાપરી શકાય તેમ છે. આપણા ઊનમાં આઘાતને સહન કરવાની પણ સારી ક્ષમતા છે તેથી તે કાર વગેરેમાં પણ વાપરી શકાય તેમ છે."

"આ સિવાય પણ થર્મલ પૅકેજિંગમાં થર્મોકોલને બદલે ઘેટાંનું ઊન વાપરી શકાય છે અને યુરોપના અમુક દેશોમાં આવું થઈ પણ રહ્યું છે. વળી, ઊનમાં પ્રોટીન અને કેરાટિનની માત્રા ઊંચી હોવાથી તેનું વિઘટન કરી ઉત્તમ ખાતર બનાવી શકાય છે. અમે આ દિશામાં પ્રયાસો કરી રહ્યા છીએ."

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન