You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘મર્ડર ન કર્યું હોય એને અમે ગૅંગમાં સામેલ જ નહોતા કરતા’, ચંબલના ખતરનાક ડાકુની કહાણી
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લાના કરાહલ તાલુકાથી લહરોની ગામ માંડ 15 કિલોમીટર દૂર હશે, પરંતુ મૂશળધાર વરસાદને કારણે આ નાના રસ્તે બહુ મુશ્કેલીથી આગળ વધી શકાતું હતું.
બપોરનો સમય હતો, પરંતુ ગાઢ-કાળાં વાદળોને લીધે એવું લાગતુ હતું કે જાણે રાત થવાની હોય. રસ્તામાં ઠેકઠેકાણે પશુઓ દેખાતાં હતાં. કોઈક રીતે પંથ કાપીને અમે લહરોની પહોંચ્યા. રસ્તામાં કેટલાક મજૂર એક મકાનમાં બેઠેલા જોવા મળ્યા હતા.
અમે ‘મુખિયાજી’ના ઘરના રસ્તા બાબતે પૂછપરછ કરી ત્યારે એક મજૂર તેમના ઘરનો રસ્તો દેખાડવા માટે અમારી સાથે આવ્યો. એ મજૂરે ઈશારો કરીને જણાવ્યું કે 'આ મુખિયાજીનું ફાર્મ છે.'
મુખિયાજી સાથે એ અમારી પહેલી મુલાકાત હતી. ટિનના શેડની નીચે ખાટલા પર સફેદ વસ્ત્રો પહેરીને બેઠેલા 75 વર્ષના મુખિયાજી તેમની મૂછને વળ ચડાવી રહ્યા હતા. અમારા આગમનની જાણ તેમને પહેલાંથી કરી દેવામાં આવી હતી. જે રીતે તેઓ 1975થી 1984 દરમિયાન ચંબલનાં કોતરો તથા શ્યોપુરના જંગલમાં પત્રકારોને મળતા હતા.
એ સમયે તેઓ ખાખી કપડાં પહેરતા હતા. લાંબા વાળ રાખતા હતા. હાથમાં કાયમ બંદુક રાખતા હતા, પરંતુ હવે તેમના પર વયનો પ્રભાવ દેખાય છે. બંદુક તો તેઓ આજે પણ સાથે રાખે છે, પરંતુ “આત્મરક્ષા” માટે. તેઓ કહે છે, “હવે જરૂરી છે. દુશ્મનાવટ પણ ઘણી બાંધી છે.”
રમેશ સિકરવાર ચંબલના એ છેલ્લા ડાકુઓ પૈકીના એક છે, જેમણે 80ના દાયકામાં આત્મસમર્પણ કર્યું હતું. તેમણે મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી અર્જુનસિંહના કહેવાથી 1984ની 27 ઑક્ટોબરે હથિયાર હેઠા મૂક્યાં હતાં.
તેમના સિવાય તેમની ગૅંગના 32 અન્ય સભ્યોએ પણ આત્મસમર્પણ કર્યું હતું. પછી 10 વર્ષ સજા ભોગવ્યા પછી તેમણે નવી જિંદગી શરૂ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મધ્યપ્રદેશનો ચંબલ વિસ્તાર દાયકાઓ સુધી ડાકુઓના આતંકનો ગઢ બની રહ્યો હતો. પછી વિનોબા ભાવે, જયપ્રકાશ નારાયણ અને ગાંધીવાદી સુબ્બા રાવના પ્રયાસોને કારણે 654થી વધારે ડાકુઓએ આત્મસમર્પણ કર્યું હતું.
ડાકુઓના ઉદય અને અસ્તની કહાણી
ડાકુઓના આત્મસમર્પણનો સિલસિલો 1960, 1970 અને 1980ના દાયકા સુધી ચાલતો રહ્યો હતો. એ દરમિયાન લગભગ 1,000 ડાકુઓએ આત્મસમર્પણ કર્યું હતું. તેને લીધે ચંબલ ડાકુઓના આતંકથી મુક્ત થઈ શક્યું હતું.
ઘણા ડાકુઓ સજા ભોગવીને સામાન્ય જીવનમાં પાછા ફર્યા હતા. ઘણાએ રાજકારણમાં નસીબ અજમાવ્યું હતું. કેટલાક ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ મધ્યપ્રદેશના રાજકારણમાં એટલા સફળ થયા ન હતા. જોકે, સમાજના એક મોટા વર્ગ પર તેમનો પ્રભાવ આજે પણ છે.
એ પૈકીના એક મલખાનસિંહ છે, જેઓ 80 વર્ષના થઈ ગયા છે. તેઓ તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટી છોડીને કૉંગ્રેસમાં સામેલ થયા છે.
ગુના નામના વિસ્તાર ઉપરાંત મુરૈના અને ચંબલના એક મોટા હિસ્સામાં તેમનો વ્યાપક પ્રભાવ છે.
રમેશ સિકરવારને આજે પણ ચંબલ વિભાગના એક મોટા હિસ્સામાં ‘ગરીબોના તારણહાર’ ગણવામાં આવે છે.
સાઠના દાયકામાં મધ્યપ્રદેશના ચંબલનાં જંગલ તથા કોતરોમાં ભયંકર ડાકુઓનો દબદબો હતો. હિંસા, હત્યા, અપહરણ અને ખંડણી ઉઘરાવવાની ઘટનાઓને કારણે ચંબલને આખા દેશમાં સૌથી કુખ્યાત ગણવામાં આવતું હતું. એ દરમિયાન આ વિસ્તારમાં અનેક ખૂનખાર ડાકુઓનું રાજ ચાલતું હતું.
મધ્યપ્રદેશના ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ એટલે કે સીઆઈડીના આંકડા મુજબ, 1960થી 1976 સુધી 654 ડાકુઓએ અલગ-અલગ સ્થળે આત્મસમર્પણ કર્યું હતું.
તેમાં બટેશ્વર અને રાજસ્થાનના ધૌલપુર ઉપરાંત ડાકુઓએ સૌથી મોટા પ્રમાણમાં આત્મસમર્પણ કર્યું હતું તે મુરૈના જિલ્લાનું જૌરા ગામ છે, જ્યાં સુબ્બા રાવનો 'ગાંધી સેવાશ્રમ' આવેલો છે.
આત્મસમર્પણ કર્યા બાદ ડાકુઓએ જેલની સજા પૂરી કર્યા બાદ ગાંધી સેવાશ્રમમાં રહીને લોકોની સેવાનું કામ શરૂ કર્યું હતું.
ડાકુઓ અને રાજકારણ
આત્મસમર્પણ કરી ચૂકેલા મોટા ભાગના ડાકુઓએ ખેતીનું કામ પસંદ કર્યું હતું, જ્યારે કેટલાકે રાજકારણમાં નસીબ અજમાવવાના પ્રયાસ કર્યા હતા.
આત્મસમર્પણ કરી ચૂકેલા ડાકુ પ્રેમસિંહનું 2013માં અવસાન થયું હતું. તેઓ કૉંગ્રેસની ટિકિટ પરથી સતનાના વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.
એક અન્ય કુખ્યાત ડાકુ મોહરસિંહે પણ રાજકારણમાં નસીબ અજમાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ 90ના દાયકામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. પછી ભીંડ જિલ્લાના મહગાંવની નગરપાલિકાના પ્રમુખ પણ બન્યા હતા. 80ના દાયકામાં તેમણે કૉંગ્રેસ માટે ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો.
જૂના દિવસો યાદ કરતાં સિકરવાર જણાવે છે કે સરકારે તેમના માટે ત્રણ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું, જ્યારે તેમના અન્ય સાથીઓ માટે 50,000 રૂપિયાનાં ઈનામ રાખવામાં આવ્યાં હતાં.
સિકરવાર કહે છે, “હત્યા કરો અને ગૅંગમાં સામેલ થાઓ. મર્ડર ન કર્યું હોય તેને અમે ગૅંગમાં સામેલ કરતા ન હતા. અમે આત્મસમર્પણ કર્યું ત્યારે મધ્યપ્રદેશમાં અમારી સિવાયની બીજી કોઈ ગૅંગ ન હતી. એ પહેલાં જેટલી ગૅંગ હતી એ બધાએ 1982માં આત્મસમર્પણ કરી દીધુ હતું.”
સગા કાકા સાથે થયેલા વિવાદે તેમની જિંદગી બદલી નાખી હતી. જમીનનો ઝઘડો હતો અને કાકાએ સિકરવારની જમીન આંચકી લીધી હતી.
તેઓ કહે છે, “કાકાજીએ અમને હેરાન કરી નાખ્યા હતા. પોલીસ અને વહીવટી તંત્રે અમારી સાથે ન્યાય કર્યો નહીં. અમે સગાસંબંધીને એકઠા કર્યા. સગાસંબંધીઓએ પણ અમારી વાત સાંભળી નહીં. તેઓ પૈસાદાર કાકાની તરફેણ કરતા રહ્યા.”
“ક્યાંયથી ન્યાય ન મળ્યો ત્યારે પિતાજીએ કહ્યું હતુઃ કોઈ સગો વાત નહીં સાંભળે. વહીવટી તંત્ર પણ નહીં. તમે આ દુષ્ટોને મારી નાખો. મારા આશિર્વાદ તમારી સાથે છે. મારી પાસે એક ટોપીદાર બંદુક હતી. એ લઈને હું ફરાર થઈ ગયો હતો. હું એક વર્ષ એકલો રહ્યો. એ પછી અમે કાકાને પકડ્યા અને તેમને ખતમ કરી નાખ્યા.”
ડાકુઓનો અનુભવ કેવો રહ્યો
પોલીસ સાથે સંતાકૂકડી રમતા રહેલા સિકરવારે આત્મસમર્પણનો નિર્ણય કર્યો હતો. તત્કાલીન મુખ્ય મંત્રી અર્જુનસિંહની પહેલના અનુસંધાને તેમણે આ નિર્ણય કર્યો હતો.
તેઓ કહે છે, “અર્જુનસિંહે મારા પિતાને પૌરીમાં મળવા બોલાવ્યા હતા. તેમણે કહેલું, તમે તમારા દીકરાને કોઈ પણ રીતે હાજર કરાવો. હું પૌરીમાં અર્જુનસિંહને એકલો મળ્યો હતો. તેના ચાર દિવસ પછી સુબ્બા રાવજી અને રાજગોપાલભાઈ પહોંચ્યા. તેઓ ચાર-પાંચ દિવસ અમારી સાથે ગૅંગમાં રહ્યા. તેમણે કહેલું કે 'અમે તમારાં સંતાનોની સારસંભાળ રાખીશું. તમે ચિંતા કરશો નહીં. ' અમે તેમની વાત માની લીધી.”
સિકરવારે આત્મસમર્પણ કર્યું તેને હવે 38 વર્ષ થઈ ગયાં છે. એ દરમિયાન તેમણે રાજકારણમાં પણ નસીબ અજમાવ્યું હતું, પરંતુ તેઓ બહુ સફળ થઈ શક્યા નહીં. તેમના પહેલાં આત્મસમર્પણ કરી ચૂકેલા મલખાનસિંહ પણ સફળ થઈ શક્યા ન હતા.
શ્યોપુરના જંગલ અને ચંબલનાં કોતરોમાં રહેવા છતાં રમેશ સિકરવારની ઇમેજ ‘ગરીબોના તારણહાર’ જેવી જ બની રહી. તેમનો દાવો છે કે તેઓ ડાકુ હતા ત્યારે આદિવાસીઓમાં તેમનો જેવો પ્રભાવ હતો એવો જ પ્રભાવ આજે પણ છે.
તેમના જણાવ્યા મુજબ, તેઓ ફરાર હતા એ દરમિયાન તેમણે અનેક આદિવાસી છોકરીઓનાં લગ્ન કરાવ્યાં હતાં. એ કારણે આદિવાસી સમાજ તેમને પડખે ઊભો છે.
તેમના કહેવા મુજબ, “અહીં આદિવાસીઓના 60,000 મત છે. અમે જે કહીશું એ તરફ આખો આદિવાસી સમાજ જશે. કોઈ નેતા ભલે ગમે તે કરે, તેઓ કોઈની વાત સાંભળતા નથી. કહે છે, મુખિયાજી જે કહેશે તે જ અમે કરીશું.”
સિકરવાર હાલ ભારતીય જનતા પાર્ટીમાં છે. તેમના જણાવ્યા મુજબ, મુરૈનાના સંસદસભ્ય નરેન્દ્રસિંહ તોમરના કહેવાથી તેઓ ભાજપના સભ્ય બન્યા હતા.
એ પહેલાં 2008માં તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર વિજયપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી પણ લડ્યા હતા, પરંતુ એ વખતે તેમને 16,000 મત જ મળ્યા હતા.
સિકરવારના કહેવા મુજબ, ચુંટણી વખતે રાજકીય પક્ષોના નેતાઓ તેમની પાસે સમર્થન માટે આવે છે.
તેઓ રાજકારણમાં જરૂર છે, પણ તેમાં એમનું મન લાગતું નથી. સિકરવાર કહે છે, “કોઈ પક્ષનો ઝંડો ઉઠાવવાનું બંદુકથી પણ ભારે હોય છે.”
તેમના જણાવ્યા મુજબ, સરકારી કર્મચારીઓના વલણે જ ડાકુઓને જન્મ આપ્યો છે. એ માટે તેઓ મુખ્યત્વે પોલીસ અને તલાટીઓની કાર્યશૈલી તેમજ ભ્રષ્ટાચારને જવાબદાર માને છે.
તેઓ કહે છે, “તમે ક્યાંય પણ તલાટીને જોઈ લો. તેમની પાસે જમીનનું સીમાંકન કરાવશો તો તમારી જમીન મારી નામે કરી નાખશે અને મારી જમીન કોઈ અન્યના નામે કરી નાખશે. તમે મરો કે જીવો, તેમને તો પૈસા જોઈએ.”
લહરોની ગામના સરપંચ લક્કુ આદિવાસી જણાવે છે કે તેમનો સમાજ અનેક દાયકાઓથી સિકરવાર સાથે જોડાયેલો છે. આ વખતે સમાજના લોકો તેમને ચૂંટણી લડવાનું દબાણ કરી રહ્યા છે, પરંતુ સિકરવાર ચૂંટણી લડવા રાજી નથી, એવું પણ લક્કુ આદિવાસી જણાવે છે.
લક્કુ જણાવે છે કે તેમનો સમાજ કાયમ સિકરવારને પૂછીને જ મતદાન કરે છે અને ભવિષ્યમાં પણ એવું કરતો રહેશે.
તેનું કારણ અહીંના કસિયા સહરિયા જણાવે છે. તેમના કહેવા મુજબ, રમેશ સિકરવાર ન હોત તો આદિવાસીઓની જમીન દબંગોએ કબજે કરી લીધી હોત. દબંગો અને વગદાર લોકોએ આદિવાસીઓની જમીન હડપવાના પ્રયાસ કર્યા ત્યારે રમેશ સિકરવાર વચ્ચે આવ્યા હતા અને આદિવાસીઓની જમીન બચી ગઈ હતી.
એકતા પરિષદ સાથે જોડાયેલા દૌલતરામ ગૌડનું કહેવું હતું કે માત્ર આદિવાસીઓ જ નહીં, સમાજના દબાયેલા-કચડાયેલા લોકો પણ રમેશ સિકરવારને બહુ આદર આપે છે. તેઓ કહે છે, “કોઈ માણસ પીડિત હોય, કોઈનાથી પરેશાન હોય તો ફરિયાદ લઈને મુખિયાજી પાસે પહોંચી જાય છે. તેઓ તરત કહે છે, ચાલો, હું તમારી સાથે આવું છું. તેઓ તેમની સાથે કારમાં બેસીને તરત રવાના થાય છે.”
ડાકુઓનું વર્તન બંધારણને અનુરૂપ નથી
જોકે, બીજી તરફ ઘણા એવા લોકો પણ છે, જેમને આત્મસમર્પણ કરનાર ડાકુઓના ‘ગરીબોના તારણહાર’ બનવા સામે વાંધો છે.
મધ્યપ્રદેશ પોલીસમાં ફરજ બજાવી ચૂકેલા ભારતીય પોલીસ સેવાના ભૂતપૂર્વ અધિકારી શૈલેન્દ્ર શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ, આ વર્તન બંધારણને અનુરૂપ નથી.
બીબીબી સાથે વાત કરતાં શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે લોકશાહીમાં દરેકની જવાબદારી અને ભૂમિકા નિર્ધારિત કરવામાં આવી છે.
શ્રીવાસ્તવનું કહેવું છે, “પોલીસ કાયદો બનાવવાનું કામ કરી શકતી નથી અને સજા આપી શકતી નથી. એ અદાલતનું કામ છે. લોકતંત્રમાં દરેક વ્યક્તિની ભૂમિકા નક્કી કરવામાં આવી છે. આપણે બંધારણ મુજબ આગળ વધવું પડશે. કાયદો હાથમાં લઈને કરવામાં આવેલા કામનું પરિણામ પણ યોગ્ય હોતું નથી.
તેથી તેનું ગુણગાન કરવાને બદલે કાયદા અનુસાર ચાલવું જરૂરી છે. ભૂતપૂર્વ ડાકુઓને ન્યાય કરવાનો શું અધિકાર છે? એ તેમનું કામ નથી.”
ડાકુઓની જિંદગી વિશે લેખો લખી ચૂકેલા અને આ સમસ્યા પર લાંબા સમય સુધી નજર રાખતા રહેલા વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવાઈ માને છે કે ડાકુઓ સજા ભોગવીને સામાન્ય જિંદગીમાં પાછા ફર્યા અને કોઈ રાજકીય પક્ષની ચાળ પકડીને નેતા તો બની ગયા, પરંતુ તેમની હાલત પણ રાજકારણમાં નસીબ અજમાવી ચૂકેલા ફિલ્મ અભિનેતાઓ જેવી થઈ છે.
કિદવાઈ કહે છે, “મોટા-મોટા અભિનેતાઓ રાજકારણમાં આવ્યા. તેમને વાસ્તવિકતા સમજાઈ ગઈ. તેમને ખબર પડી ગઈ કે નેતા તેમને કાયમ હાંસિયા પર જ રાખે છે. આ વાત, જે ડાકુઓએ આત્મસમર્પણ કર્યું હતું તેમના સંદર્ભમાં પણ આટલી જ પ્રાસંગિક છે. સિકરવાર અને મલખાનસિંહ સાથે પણ એવું જ થયું. તેઓ રાજકારણમાં તો આવ્યા, પરંતુ આવ્યા પછી તેમને ખબર પડી કે રાજકારણ કેવા પ્રકારનું કળણ છે.”
ભીંડના વરિષ્ઠ પત્રકાર રામભુવનસિંહ કુશવાહાના જણાવ્યા અનુસાર, ડાકુઓ કોઈ ખાસ કારણસર હથિયાર ઉઠાવતા હતા. તેમ છતાં તેઓ ગરીબો માટે જ કામ કરતા હતા.
રાજકારણમાં આવ્યા પછી પણ તેઓ વ્યવસ્થાનો હિસ્સો બન્યા નહીં અને ઉત્પીડન વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા.
કુશવાહા કહે છે, “ડાકુઓ રાજકારણમાં જરૂર આવ્યા, પરંતુ નેતાઓના ગુણ કે તિકડમ તેમનામાં આવ્યાં નહીં એટલે તેઓ રાજકારણમાં સફળ થયા નહીં.”
આત્મસમર્પણ કરી ચૂકેલા ડાકુઓ રાજકારણમાં ભલે કોઈ કરિશ્મા ન દર્શાવી શક્યા હોય, પરંતુ તેઓ સમાજના જે વર્ગમાંથી આવે છે તેમાં તેમનો એક ઈશારો નેતાઓના ભાગ્યનો ફેંસલો કરી શકે છે.
તેમાં સૌથી મોખરે પાનસિંહ તોમરનું નામ આવે છે. તેમના નામથી આખો ચંબલ વિસ્તાર થરથરતો હતો. પાનસિંહ સૈનિક હતા અને સારા દોડવીર પણ હતા. પછી જમીનના વિવાદને કારણે તેઓ વિદ્રોહી બન્યા હતા.
તેમનું પોલીસ સાથેની અથડામણમાં મૃત્યુ થયું હતું, જ્યારે તેમના ભત્રીજા બળવંત સિંહે આત્મસમર્પણ કર્યું હતું. પાનસિંહનો પરિવાર બાદમાં ઝાંસીમાં રહેવા ચાલ્યો ગયો હતો.
મધ્યપ્રદેશના ચંબલ સિવાય આ ડાકુઓનો આતંક મધ્યપ્રદેશને અડીને આવેલા ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનના વિસ્તારોમાં પણ રહ્યો હતો. એ સિવાય મધ્યપ્રદેશના વિંધ્ય વિસ્તારમાં પણ ડાકુઓ સક્રિય હતા.
એ ડાકુ, જેનાથી કાંપતો હતો ચંબલ પ્રદેશ
પત્રકાર રામભુવન સિંહ કુશવાહા જણાવે છે કે ચિત્રકૂટ વિસ્તારમાં શિવકુમાર પટેલ ઉર્ફે દદુઆ અને અમ્બિકા પટેલ ઉર્ફે ઠોકિયાનો ભારે આતંક હતો. તેઓ એટલા પ્રભાવશાળી હતા કે ટિકિટ મળ્યા પછી ઉમેદવારો તેમની પાસે મદદ માગતા હતા.
દદુઆના નાના ભાઈ અને પુત્ર પણ રાજકારણમાં સક્રિય રહ્યા. તેઓ ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના સંસદસભ્ય તથા વિધાનસભ્ય પણ બન્યા હતા.
મોહરસિંહને પણ ચંબલનો આતંક ગણવામાં આવે છે. તેમના પર હત્યા, લૂંટ અને અપહરણના 300થી વધુ કેસ નોંધાયા હતા. તેમણે 1982માં આત્મસમર્પણ કર્યું હતું.
મોહરસિંહે કૉંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કર્યો હતો, પરંતુ પોતે વિધાનસભા કે સંસદની ચૂંટણી ક્યારેય લડ્યા ન હતા. તેમનો ટેકો ઉમેદવારોની હારજીત નક્કી કરતો હતો. કોરોના કાળમાં તેમનું નિધન થયું હતું.
રમેશ સિકરવાર સિવાય જૂના ડાકુઓમાં હવે માત્ર મલખાનસિંહ જીવંત છે. તેમણે હાલમાં જ કૉંગ્રેસની ચાળ પકડી છે.
મલખાનસિંહ નગરપાલિકાની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓ 1996માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ભીંડથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. તેઓ કૉંગ્રેસ માટે ગ્વાલિયર અને ચંબલ વિસ્તારમાં ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા છે.
અર્જુન સિંહે કેવી રીતે કરાવ્યું ડાકુઓનું આત્મસમર્પણ
ડાકુઓ વિશે દાયકાઓ સુધી અખબારોમાં રિપોર્ટિંગ કરતા રહેલા વરિષ્ઠ પત્રકાર રાશિદ કિદવાઈએ આ સમસ્યા વિશેના તેમના પુસ્તક ‘લીડર્સ, પોલિટિશ્યન્શ, સિટિઝન્સ’માં એવા ડાકુઓનો ઉલ્લેખ કર્યો છે, જેમણે આત્મસમર્પણ બાદ રાજકારણમાં નસીબ અજમાવ્યું હતું. તેમાં ફૂલનદેવી, માનસિંહ અને મોહરસિંહ વગેરેનો સમાવેશ થાય છે.
કિદવાઈ જણાવે છે કે મધ્યપ્રદેશ અને ચંબલની બાજુમાં આવેલા ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમા ડાકુઓની સમસ્યા ખતમ કરવામાં મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી અર્જુનસિંહનું યોગદાન મહત્ત્વનું છે. અર્જુનસિંહે 1,000થી વધારે ડાકુઓને આત્મસમર્પણ માટે પ્રેરિત કર્યા હતા.
કિદવાઈ કહે છે, “તેમણે આ સમસ્યાના નિરાકરણ માટે નીતિ પણ બનાવી હતી અને ગાંધીવાદી નેતાઓને સાથે પણ લીધા હતા. અર્જુનસિંહ ન હોત તો ડાકુઓની સમસ્યા કાબુ બહાર ચાલી ગઈ હોત. અર્જુનસિંહની પહેલને લીધે જ રક્તપાત બંધ થયો હતો અને ડાકુઓએ એક પછી એક આત્મસમર્પણ કર્યું હતું. એ બહુ મોટું પગલું હતું, કારણ કે તેને લીધે આખી સમસ્યા સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ. અન્યથા નકસલવાદ જેવું થયું હોત.”
અર્જુનસિંહની પહેલને લીધે ડાકુઓને સરકારી તંત્રમાં વિશ્વાસ આવ્યો હતો. ડાકુઓ આટલા મોટા પ્રમાણમાં હથિયાર હેઠા મૂકવા રાજી થયા તેનું કારણ આ જ છે.
ફૂલનદેવીનો પ્રભાવ આમ તો ઉત્તર પ્રદેશમાં જ વધારે હતો, પરંતુ તેમણે આત્મસમર્પણ મધ્યપ્રદેશના ભીંડમાં 1983ની 13 ફેબ્રુઆરીએ કર્યું હતું. તેમના આત્મસમર્પણ માટે ભીંડના તત્કાલીન પોલીસ વડા રાજેન્દ્ર ચતુર્વેદીએ પોતાના દીકરાને ડાકુઓ પાસે ગીરવી રાખ્યો હતો.
સેવાનિવૃત્ત આઈપીએસ અધિકારી શૈલેન્દ્ર શ્રીવાસ્તવના કહેવા મુજબ, જે ડાકુઓ ઉત્તર પ્રદેશમાં આતંક ફેલાવતા હતા તેઓ પણ મધ્યપ્રદેશ સરકારની આત્મસમર્પણ નીતિથી આકર્ષાયા હતા. તેથી મોટા ભાગના ડાકુઓને મધ્યપ્રદેશમાં જ આત્મસમર્પણ કરવાનું વધુ સારું લાગ્યું હતું.
ફૂલનદેવીએ ભીંડની એમજેએસ કૉલેજમાં પોતાના સાથીઓ જોડે આત્મસમર્પણ કર્યું હતું. એ પછી થોડાં વર્ષો સુધી તેઓ મધ્યપ્રદેશની જેલમાં જ રહ્યાં હતાં. પછી તેમને તિહાર જેલ મોકલી આપવામાં આવ્યાં હતાં.
1994માં તેમને મુક્ત કરવામાં આવ્યાં હતાં. 1996માં તેઓ ઉત્તર પ્રદેશની મિર્ઝાપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી જીત્યાં હતાં અને 2021માં દિલ્હીમાં તેમની હત્યા કરવામાં આવી હતી.
હવે પરિસ્થિતિ કેવી છે
હવે ચંબલ પ્રદેશ ડાકુઓથી મુક્ત થઈ ગયો છે. જોકે, એકાદ જગ્યાએ ડાકુઓ સક્રિય હોવાના સમાચાર પોલીસને આજે પણ મળતા રહે છે, પરંતુ ટેકનૉલૉજીનો વિકાસ થવાની સાથે પોલીસ હવે આ કોતરો પર આધુનિક પદ્ધતિથી નજર રાખે છે.
શૈલેન્દ્ર શ્રીવાસ્તવ દાવા સાથે કહે છે કે હવે આ સમસ્યા સંપૂર્ણપણે, મૂળસોતી ખતમ થઈ ગઈ છે.