ગાઝામાં અલ શિફા હૉસ્પિટલ નીચે હમાસની સુરંગનો દાવો, ઇઝરાયલી સેનાને શું મળ્યું?

    • લેેખક, લૂસી વિલિયમસન
    • પદ, અલ-શિફા હૉસ્પિટલ, ગાઝા શહેર બીબીસી ન્યૂઝ

અમે અલ-શિફા હૉસ્પિટલ સંકુલમાં અંધકારમાં આગળ વધ્યાં. ત્યાં રહેલી દીવાલ પાર કરીને ઇઝરાયેલી દળોએ તૈયાર કરેલા સુરક્ષિત પ્રવેશ દ્વારની મદદથી અંદર પ્રવેશ્યા. સશસ્ત્ર બુલડોઝરની પણ અમને સુરક્ષા મળી. આ રીતે અમે હૉસ્પિટલમાં પહોંચ્યાં.

બીબીસી અને અન્ય એક ટેલિવિઝન ક્રૂ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ) દ્વારા બોલાવાયેલા પ્રથમ પત્રકારો હતા જ્યાં ઇઝરાયેલ શું થયું છે તે બતાવવા માગતું હતું.

અહીં કોઈપણ વધારાની લાઇટ જોખમી છે તેથી અમે કમ્પાઉન્ડમાંથી પસાર થયા છીએ અમને ઍસ્કૉર્ટ કરવા માટે મોકલવામાં આવેલા ભારે સશસ્ત્ર સૈનિકોને અનુસરીને અમે આગળ વધ્યાં. કામચલાઉ તંબુઓ, કાટમાળ અને સૂતેલા લોકોની આસપાસ પગપાળા જઈને અમે રસ્તો પાર કર્યો.

હૉસ્પિટલના ડૉકટરો કહે છે કે, તેઓ ઘણા દિવસોથી વીજળી, ખોરાક અને પાણી વિના કામ કરી રહ્યાં છે અને તેના લીધે ગંભીર રીતે બીમાર દર્દીઓ મૃત્યુ પામ્યા છે. જેમાં નવજાત બાળકોનો સમાવેશ થાય છે.

ગાઝામાં લડાઈથી વિસ્થાપિત થયેલા લોકો હૉસ્પિટલ સંકુલમાં આશરો લઈ રહ્યા છે.

પરંતુ ઇઝરાયલ કહે છે કે હમાસ અલ-શિફા હૉસ્પિટલ સહિત ભૂગર્ભ ટનલનું નેટવર્ક પણ ચલાવે છે.

કાટમાળ અને તૂટેલા કાચ પર અમને બિલ્ડિંગમાં લઈ જઈ રહેલા માસ્ક પહેરેલા વિશેષ દળો સંકેત આપે છે કે, પરિસ્થિતિ હજુ પણ કેટલી ગંભીર છે.

ઇઝરાયલે હૉસ્પિટલનો કબજો મેળવ્યાના એક દિવસ પછી અમે પહોંચ્યા છીએ. તેઓ અહીં શા માટે છે તે વિશ્વને બતાવવા માટે તેઓ પ્રયાસ કરી રહ્યા છે.

હૉસ્પિટલમાંથી મળ્યા હથિયાર

એમઆરઆઈ યુનિટના તેજસ્વી પ્રકાશવાળા કૉરિડૉરમાં લેફ્ટનન્ટ કર્નલ જોનાથન કોનરિકસ અમને એકે-47 બંદૂકો, દારૂગોળો અને બુલેટ-પ્રૂફ વેસ્ટ સહિતની વસ્તુઓ બતાવે છે - તેઓ કહે છે કે, તેઓને કેટલાક ગ્રેનેડ સહિત લગભગ 15 બંદૂકો મળી આવી છે.

લેફ્ટનન્ટ કર્નલ કોનરિકસ અમને કેટલીક લશ્કરી પુસ્તિકાઓ અને પેમ્ફલેટ્સ પણ બતાવે છે અને એક નકશો પણ સામેલ છે. તેઓ કહે છે કે, હૉસ્પિટલમાંથી સંભવિત પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો સાથે ચિહ્નિત થયેલો એ નકશો છે.

તેઓ કહે છે કે, હમાસ લશ્કરી હેતુઓ માટે હૉસ્પિટલોનો ઉપયોગ કરે છે.

"[અને] અમે ઘણાં બધાં કમ્પ્યુટર્સ અને અન્ય સાધનો શોધી કાઢ્યાં જે વર્તમાન પરિસ્થિતિ પર ખરેખર પ્રકાશ પાડી શકે છે. આશા છે કે બંધકોના સંબંધમાં પણ એ મદદ કરશે."

તેઓ ઉમેરે છે કે, લૅપટૉપમાં બંધકોના ફોટા અને વીડિયો છે જે ગાઝામાં અપહરણ કર્યાં બાદ લેવામાં આવ્યા હતા. ઑક્ટોબરના હુમલા પછી ધરપકડ કરાયેલા હમાસ લડવૈયાઓની પૂછપરછના ઇઝરાયલી પોલીસ દ્વારા શેર કરાયેલા ફૂટેજ પણ તાજેતરમાં બહાર પાડવામાં આવ્યા છે. જોકે, લૅપટૉપમાં શું હતું તે બીબીસીને બતાવવામાં આવ્યું ન હતું.

લેફ્ટનન્ટ કર્નલ કોનરિકસે કહ્યું કે, આ સૂચવે છે કે હમાસ અહીં છેલ્લા કેટલાક દિવસોથી હાજર છે.

"આખરે આ મુખ્ય જાણકારી છે."

તેમણે કહ્યું, "હમાસ અહીં નથી કારણ કે તેઓએ જોયું કે અમે આવી રહ્યા છીએ. કદાચ આ એ બધું છે જે તેમને પાછળ છોડવાની ફરજ પડી હતી. અમે જે મૂલ્યાંકન કર્યું છે એ મુજબ હજી ઘણું બધું મળવાનું બાકી છે."

હૉસ્પિટલ પહોંચવા લડી ભીષણ લડાઈ

ઇઝરાયેલની સેનાએ હૉસ્પિટલના દરવાજા સુધી પહોંચવામાં સપ્તાહો સુધીની લડાઈ લડી છે. આજુબાજુની શેરીઓમાં લડાયેલી લડાઈ ગાઝામાં છેલ્લા કેટલાક દિવસોમાં લડાયેલી સૌથી ભીષણ લડાઈમાંથી એક છે.

અમારી મુલાકાત મર્યાદિત હતી. અમારી પાસે ત્યાં ખૂબ જ મર્યાદિત સમય હતો અને અમે ત્યાંના ડૉકટરો અથવા દર્દીઓ સાથે વાત નહોતી કરી શક્યાં.

અમે ગાઝાની સફર એક સીલબંધ સશસ્ત્ર કર્મચારી વાહનમાં કરી હતી, જેમાંથી બહારનો અંધકાર જોઈ શકાતો ન હતો. અમે ગાઝામાં એ જગ્યાઓમાંથી પસાર થયા જ્યાં અઠવાડિયાઓ પહેલાં ઇઝરાયેલનું પ્રથમ મોટું ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ થયું હતું.

લશ્કરી વાહનની અંદરથી અમે ખેતીની જમીનો, કાટમાળમાં પરિવર્તિત શેરીઓ અને નુકસાનગ્રસ્ત ઇમારતોનાં દૃશ્યો જોઈ શકતાં હતાં.

ગાઝા શહેરની દક્ષિણે અમે વાહનો બદલવા ઊતર્યાં, ત્યાંથી અમે તૂટેલા કાટમાળના ઢગલાઓ અને કોક્રિંટના ટેકરા ચઢીને આગળ વધ્યાં.

સૈનિકો નાનાં જૂથોમાં તંબુ તાણીને રહી રહ્યાં હતાં. ટૅન્કોની હરોળની બાજુમાં કામચલાઉ રાત્રિભોજન રાંધતા હતા.

એક સૈનિકે ધીમેથી કહ્યું, "આ એક ગુપ્ત રેસીપી છે."

તેમની ઉપરની બાજુએ ઇમારતો વિચિત્ર આકારોમાં તૂટી પડેલી હતી. દુકાનની આગળનો રોલિંગ શટરનો દરવાજો અડધો ખુલ્લો હતો જે હવામાં અધવચ્ચે લટકતો હતો.

યુદ્ધનું કેન્દ્ર બનેલી ઇમારત

ડેવિડનો સ્ટાર લાલ સ્પ્રે-પેઈન્ટમાં દીવાલ પર ચિતરવામાં આવ્યો હતો. તેની અંદર કોઈએ "આઈડીએફ" લખ્યું હતું, અને તેની ઉપર શબ્દો હતા : "ફરીથી ક્યારેય નહીં".

તારીખ સાત ઑક્ટોબરે હમાસે કરેલા હુમલાએ તેની સાથેના સંઘર્ષમાં ઇઝરાયલનું ગણિત બદલી નાખ્યું છે.

યુએસ, યુકે અને અન્ય દેશોએ હમાસને આતંકવાદી સંગઠન જાહેર કરેલું છે. સાત ઑક્ટોબરના હુમલા બાદ ઇઝરાયલે હમાસ સાથેના વર્ષોના તણાવપૂર્ણ સંઘર્ષવિરામનો અંત આણીને તેની સૈનિક અને રાજકીય શક્તિનો નાશ કરવાનો નિર્ધાર કર્યો છે.

તેનો અર્થ એ છે કે ગાઝા શહેરના હૃદય સમા વિસ્તારમાં ઘૂસી જવું જેમાં અલ-શિફાનો સમાવેશ થાય છે.

ઇઝરાયલી દળો હજુ પણ હૉસ્પિટલની નીચેની ટનલ શોધી રહ્યા છે. કેમ કે, તેઓ માને છે કે હમાસના લડવૈયાઓ કદાચ કેટલાક બંધકો સાથે ટનલોમાં પરત જતા રહ્યા હશે.

આ ઇમારત ઇઝરાયલના યુદ્ધનું કેન્દ્ર બની ગયું છે. જેને મુખ્ય કમાન્ડ સેન્ટર તરીકે ગણવામાં આવ્યું છે અને કહેવાય છે કે તે હમાસની કામગીરીનું ધબકતું હૃદય છે.

અને જે યુદ્ધ ગુપ્ત ઇન્ફર્મેશનના દમે લડાઈ રહ્યું હોય એમાં હાલની સ્થિતિ ઇઝરાયલની વાસ્તવિકતા વર્ણવે છે.

હૉસ્પિટલમાં લગભગ 24 કલાકની શોધ અને તપાસ પછી, ઇઝરાયલ કહે છે કે તેને હથિયારો અને અન્ય સાધનો મળ્યાં છે જે હમાસ લડવૈયાઓ અને બંધકો બંને વિશે માહિતી મેળવવામાં મદદ કરી શકે છે. પરંતુ બંને પર તેની કોઈ પકડ નથી.

અમે હૉસ્પિટલથી રવાના થયા અને ગાઝાના દરિયાકાંઠાના રસ્તા તરફ દોરી જતા પહોળા રસ્તા પર સફર શરૂ કરી. ગાઝા શહેરમાં હવે ટૅન્કોનું શાસન છે. સૂમસામ રસ્તાઓ દેખાય છે. એટલો ભયંકર વિનાશ થવા પામ્યો છે કે, ભૂંકપ આવ્યો હોય એવું લાગે.

તે સ્પષ્ટ છે કે ઇઝરાયલને આ શેરીઓ પર નિયંત્રણ મેળવવા માટે કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે.