You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગાઝામાં ‘ભીષણ સંઘર્ષ’ ચરમસીમાએ, ડૉક્ટરોએ કહ્યું- હૉસ્પિટલો કબ્રસ્તાન બની જશે
ગાઝામાં હૉસ્પિટલો બહાર ઇઝરાયલી ટૅન્કોની તહેનાતીને કારણે હાલત અતિશય ગૂંચવણભરી થઈ ગઈ છે.
ગાઝાની સૌથી મોટી હૉસ્પિટલ અલ-શિફાની અંદર રહેલા કર્મચારીઓ અનુસાર આજુબાજુની ગલીઓમાં ઇઝરાયલી સૈનિકો અને હમાસના ઉગ્રવાદીઓ વચ્ચે ભીષણ લડાઈ ચાલી રહી છે.
બંને બાજુથી થઈ રહેલા હુમલાઓ વચ્ચે દર્દીઓ અને હૉસ્પિટલમાં શરણ લેનારા લોકો ફસાયેલા છે.
અલ-શિફામાં હાજર એક સર્જને બીબીસીને જણાવ્યું કે હૉસ્પિટલમાં પાણી અને અન્ન ખતમ થઈ ગયાં છે. વીજળી પણ કપાયેલી છે.
બીજી તરફ, ઇઝરાયલે કહ્યું છે કે તેમની સેનાનું આ વિસ્તારમાં હમાસ સાથે ઘર્ષણ થયું છે પરંતુ સેનાએ હૉસ્પિટલ પર ગોળીબાર કર્યો નથી.
તેમણે કહ્યું છે કે તેઓ હૉસ્પિટલમાં દાખલ બાળકોને 'સુરક્ષિત હૉસ્પિટલમાં' ખસેડવામાં મદદ કરશે. હૉસ્પિટલના તબીબોએ કહ્યું હતું કે અત્યાર સુધીમાં અહીં બે બાળકોનાં મૃત્યુ થયાં છે. પરંતુ 37 બાળકોનો જીવ જોખમમાં છે.
હૉસ્પિટલમાં દાખલ 20 નવજાત બાળકોની તસવીરો બીબીસીને મોકલવામાં આવી છે. તેમને અલ-શિફાના સર્જિકલ થિયેટરમાં રાખવામાં આવ્યાં છે. ડૉક્ટરોએ કહ્યું છે કે નવજાતોની સંભાળ માટે બનાવવામાં આવેલા વોર્ડમાં દાખલ કરાયેલાં આ બાળકો મૃત્યુ પામી શકે છે કારણ કે વીજળીના અભાવે અહીં ઇન્ટેન્સિવ કેર યુનિટ કામ કરી રહ્યાં નથી.
ઈઝરાયેલ ડીફેન્સ ફોર્સિસ(IDF)એ ઘણી વખત કહ્યું છે કે હમાસ આ હૉસ્પિટલની નીચે બનેલી ટનલમાંથી હુમલાઓ કરી રહ્યું છે. જો કે હમાસે આ વાતને નકારી કાઢી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૉસ્પિટલના સર્જન ડૉ. મારવાન અબુ સાદાએ બીબીસીને જણાવ્યું હતું કે અલ-શિફાની બહારથી ગોળીબાર અને બૉમ્બ વિસ્ફોટના અવાજો સંભળાતા હતા. તેમણે કહ્યું હતું કે હૉસ્પિટલ પરિસરની આસપાસ લડાઇને કારણે મૃત દર્દીઓને દફનાવવા પણ મુશ્કેલ બની ગયા છે.
તેમણે કહ્યું કે ઈંધણના અભાવે શબઘરમાં રેફ્રિજરેટર પણ કામ કરી રહ્યાં નથી. તેમને ડર છે કે મૃતદેહો હૉસ્પિટલમાં હાજર લોકોમાં બીમારીઓ ફેલાવી શકે છે. હ્યુમન રાઈટ્સ ઇઝરાયલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે વીજળીના અભાવે બે પ્રિમેચ્યોર બાળકોનાં મૃત્યુ થયાં છે.
તેમનું કહેવું છે કે વીજળીના અભાવે અલ-શિફા હૉસ્પિટલમાં દાખલ 37 વધુ પ્રિમેચ્યોર બાળકોના જીવ જોખમમાં છે.
હૉસ્પિટલમાં ફસાયેલા નવજાત શિશુ
ઇઝરાયલે કહ્યું છે કે અલ-શિફા હૉસ્પિટલને ઘેરવામાં આવી નથી. હૉસ્પિટલનો પૂર્વ ભાગ ખુલ્લો છે. જે પણ લોકો અહીંથી બહાર જવા માગે તે સુરક્ષિત રીતે જઈ શકે છે.
ઇઝરાયલની સેનાના પ્રવક્તા રિયર ઍડમિરલ ડૅનિયલ હગારીએ કહ્યું છે કે તેમનો દેશ હૉસ્પિટલોમાં બાળકોના વોર્ડને સુરક્ષિત હૉસ્પિટલમાં ખસેડવામાં મદદ કરશે.તેમણે કહ્યું કે હૉસ્પિટલ પ્રશાસન તરફથી મદદની વિનંતી મળ્યા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.
આ પહેલા કર્નલ મૉશેએ કહ્યું હતું કે અલ-શિફા પાસે હમાસ અને ઇઝરાયલી સેના વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, પરંતુ હૉસ્પિટલ પર કોઈ ગોળી ચલાવવામાં આવી નથી. પરંતુ બીબીસી દ્વારા શૅર કરવામાં આવેલી તસવીરોમાં જોઈ શકાય છે કે સર્જિકલ વોર્ડમાં હાજર 20 નવજાત બાળકોને ધાબળામાં લપેટીને પુખ્ત વયના લોકો માટેના બેડ પર સૂવડાવવામાં આવ્યાં છે.
આમાંના ઘણાના ચહેરા પર ટેપ છે, જે દર્શાવે છે કે આ બાળકોને ઓક્સિજનની જરૂર પડી હશે. હૉસ્પિટલના ડૉકટરો છેલ્લા એક મહિનાથી ચેતવણી આપી રહ્યા છે કે ઇઝરાયલના કબજાને કારણે વીજળી નથી. જેના કારણે ઇન્ક્યુબેટરની ઉપલબ્ધતા ઘટી રહી છે.
ડૉ. અબુ સાદાએ જણાવ્યું હતું કે બાળકોને ઇન્ટેન્સિવ કેર, લાઇફ સપોર્ટ સિસ્ટમ અને કૃત્રિમ શ્વાસોચ્છવાસની જરૂર છે. "મને ડર છે કે જો આપણે આ બાળકોને આ સ્થિતિમાં છોડી દઇશું તો તેઓ મરી જશે. તેઓ બધા પ્રિમેચ્યોર બાળકો છે." તેમણે બીબીસીને મોકલેલી વૉઇસ નોટમાં જણાવ્યું હતું.
‘હૉસ્પિટલો કબ્રસ્તાન બની જશે’
ગાઝામાં માનવતાવાદી સહાયતાના કામમાં લાગેલાં આંતરરાષ્ટ્રીય સંગઠનોનું કહેવું છે કે યુદ્ધના કારણે દર્દીઓને સમયસર સારવાર મળી રહી નથી, જેના કારણે તેમના પર મૃત્યુનો ખતરો ભમે છે.
ડૉક્ટર્સ વિધાઉટ બૉર્ડર્સના (એમએસએફ) ડૅપ્યુટી મેડિકલ કૉ-ઓર્ડિનેટરે બીબીસીને કહ્યું કે જો યુદ્ધવિરામ નહીં થાય, તો હૉસ્પિટલોમાં બચેલા તમામ દર્દીઓ મૃત્યુ પામશે અને આ હૉસ્પિટલો કબ્રસ્તાનમાં ફેરવાઈ જશે.
રેડ ક્રૅસન્ટ સોસાયટીની પેલેસ્ટાઇનિયન શાખાનું કહેવું છે કે તેમની ટીમ ગાઝાની અલ-કુદસ હૉસ્પિટલમાં 500 દર્દીઓ અને લગભગ 14 હજાર વિસ્થાપિત લોકો સાથે ફસાયેલી હતી. તે દરમિયાન ગાઝાની એક નાની હૉસ્પિટલ, અલ-રેનતિસીને મોટા ભાગે ખાલી કરાવવામાં આવી હતી, જેમાં માત્ર થોડા દર્દીઓ અને સ્ટાફ જ બાકી હતો.
પેલેસ્ટાઇનિયન શરણાર્થીઓ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુએનઆરડબલ્યૂએ કહે છે કે ગાઝા પટ્ટીમાં 22 લાખ લોકો રહે છે, પરંતુ યુદ્ધની શરૂઆત થયા બાદ 15 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે.
7 ઑક્ટોબરે હમાસે ઇઝરાયલમાં ઘૂસીને લગભગ 1200 લોકોની હત્યા કરી હતી અને લગભગ 200 લોકોને બંધક બનાવીને ગાઝા લઈ જવામાં આવ્યા હતા. હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગાઝાની અંદર ઇઝરાયલના હુમલામાં મૃત્યુઆંક 11 હજારને વટાવી ગયો છે, જેમાં 4500થી વધુ બાળકોનો સમાવેશ થાય છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિએ કહ્યું- ‘ઇઝરાયલ બાળકોને મારવાનું બંધ કરે’
શુક્રવારે 10 ઑક્ટોબરે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું હતું કે ઇઝરાયલે ગાઝામાં બાળકો અને મહિલાઓની હત્યા કરવાનું બંધ કરવું જોઈએ. તેમણે કહ્યું કે 'બૉમ્બમારાને વાજબી ઠેરવી શકાય નહીં અને યુદ્ધવિરામથી ઇઝરાયલને ફાયદો થશે.'
મેક્રોને કહ્યું, "ઇઝરાયલને સ્વ-રક્ષણનો અધિકાર છે, પરંતુ અમે અપીલ કરીએ છીએ કે ગાઝા પર બૉમ્બમારો બંધ કરવામાં આવે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ફ્રાન્સ 'હમાસની આતંકવાદી પ્રવૃત્તિઓની સ્પષ્ટ નિંદા કરે છે'.
જ્યારે મૅક્રોનને પૂછવામાં આવ્યું કે શું તેઓ ઈચ્છે છે કે યુએસ અને બ્રિટન સહિતના અન્ય દેશો પણ યુદ્ધવિરામની અપીલ કરે, તો તેમણે કહ્યું, "મને આશા છે કે તેઓ પણ અપીલ કરશે."