ગાઝા માટે હમાસને પૈસા ક્યાંથી મળે છે?

હમાસ અને ઇઝરાયલના જંગ દરમિયાન એવો સવાલ પેદા થયો છે કે હમાસનું સ્પોન્સર કયો દેશ કે સંગઠન છે અને આ ઇસ્લામિક સંગઠનને પૈસા ક્યાંથી મળે છે?

આખરે કોના બળે આ સંગઠન લગભગ દાયકાથી ગાઝા પર સત્તાસ્થાને જળવાયેલું છે?

બે વર્ષ પહેલાં ઇઝરાયલ સાથે 11 દિવસ સુધી ચાલેલા સંઘર્ષમાં હમાસે ચાર હજાર રૉકેટ છોડ્યાં હતાં.

પરંતુ આ વર્ષે 7 ઑક્ટોબરના હુમલામાં તેણે માત્ર એક દિવસમાં હજારો રૉકેટ ફાયર કર્યાં હતાં.

આનાથી સ્પષ્ટ છે કે તેની પાસે હજુ પણ રૉકેટનો મોટો ભંડાર છે.

સૈન્ય ખર્ચ સિવાય ગાઝા પટ્ટી પર લગભગ 50 હજાર કર્મચારીઓના પગારનો ઉલ્લેખ કરવો પણ જરૂરી છે જે હમાસના અધિકારીઓ મુજબ, માસિક 30 મિલિયન ડૉલર કરતાં વધુ છે.

આ સિવાય હમાસ એ લોકોને પણ આર્થિક મદદ કરે છે જેમણે જુદાં જુદાં ઘર્ષણોમાં પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે કે અથવા જેમનો કોઈ સ્વજન ઈજાગ્રસ્ત થયો છે.

હમાસ પોતાના ગ્રૂપના કેટલાક લોકો માટે પાણી, વીજળી અને ઘરભાડું પણ ચૂકવે છે.

હમાસનું સમર્થન કરનારા દેશ કેટલા છે?

સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, ગાઝા સરકારનું વાર્ષિક બજેટ 700 મિલિયન ડૉલર કરતાં વધુ છે, જે પૈકી 260 મિલિયન ડૉલર વર્તમાન ખર્ચ માટે રખાયા છે.

હમાસ અને ગાઝા પટ્ટીમાં સ્થાપિત સરકારને ઘણા પ્રકારે આર્થિક મદદ મળે છે. અમુક આર્થિક મદદ તો તેમને અન્ય સરકારો પાસેથી મળે છે. અમુક નાગરિકો અને પરોપકારી સંસ્થાઓ પાસેથી પણ તેમને સહયોગ મળે છે.

ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં કામ કરીને અમુક પૈસા મળે છે અને વિભિન્ન દેશોમાં મૂડીરોકાણ થકી પણ તેમને પૈસા મળે છે.

એવું કહેવાય છે કે ઈરાન, કતાર, કુવૈત, તુર્કી, સાઉદી અરેબિયા, અલ્જીરિયા, સુદાન અને સંયુક્ત આરબ અમીરાત હમાસના આર્થિક અને રાજકીય સમર્થકો છે.

હમાસના સૌથી મહત્ત્વપૂર્ણ આર્થિક અને રાજકીય સમર્થકો પૈકી એક કતાર છે.

ફ્રાન્સના ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનૅશનલ ઍન્ડ સ્ટ્રેટેજિક અફેર્સ (આઈઆરઆઈએસ)ના ઉપાધ્યક્ષ દીદીદહ બેલયૂને હાલમાં જ કહ્યું કે કતર તરફથી તેમને માસિક 30 મિલિયન ડૉલરની મદદ મળે છે.

તેમના અનુસાર આ મદદ ગાઝા પટ્ટીમાં સરકારી કર્મચારીઓને વેતન આપવામાં કામ લાગે છે.

જોકે હાલમાં જ ઉનાળા દરમિયાન સમાચાર આવ્યા હતા કે કતારની મદદ આવવામાં વિલંબને કારણે હમાસ પોતાના કર્મચારીઓને વેતનની ચુકવણી નથી કરી શકી રહ્યું.

ફ્રાન્સના અખબાર ‘લિબરેશન’એ વર્ષ 2018માં એક રિપોર્ટમાં કહેલું કે કતારની આર્થિક મદદ ગાઝામાં મોટા માનવીય સંકટને રોકવાના આશયથી વર્ષ 2014માં શરૂ કરાઈ હતી. આ જ કારણે કતાર હમાસને પોતાની આર્થિક મદદ ઇઝરાયલ મારફતે પહોંચાડે છે અને આ કોઈ ગુપ્ત મામલો નથી.

કતારનો સાથ અને સાતત્યપૂર્ણ સમર્થન

કતાર હમાસના સૌથી મોટા સમર્થકો પૈકી એક છે.

હમાસના પ્રમુખ ઇસ્માઇલ હનિયા વર્ષ 2012થી દોહામાં રહી રહ્યા છે. આ આ ઇસ્લામિક ગ્રૂપનું રાજકીય કાર્યાલય કતારના પાટનગરમાં જ સ્થિત છે.

‘વૉશિંગટન સેન્ટર ફૉર આરબ સ્ટડીઝ’ અનુસાર દોહાએ વર્ષ 2012થી 2022 સુધી ગાઝા માટે લગભગ 1.3 બિલિયન ડૉલરની મદદ કરી છે.

આ સંસ્થા પ્રમાણે પાછલા બે દાયકા દરમિયાન સંયુક્ત આરબ અમીરાતે વેસ્ટ બૅન્ક અને મહમૂદ અબ્બાસની સરકારને બે અબજ ડૉલર, અલ્જીરિયાએ 908 મિલિયન ડૉલર, કુવૈતે 758 મિલિયન ડૉલર અને સાઉદી અરેબિયાએ ચાર અબજ 766 મિલિયન ડૉલર પહોંચાડ્યા છે. વેસ્ટ બૅન્કે વાયદો કર્યો છે કે આમાંથી તેઓ ગાઝા પટ્ટીનેય ભાગ આપશે અને તેણે પોતાના વાયદો અત્યાર સુધી પાળ્યો પણ છે.

ઇજિપ્તની સરકાર અને હમાસના સંબંધ કંઈક અલગ

પેલેસ્ટાઇનમાં હમાસનો પ્રારંભ ઇખ્વાનુલ મુસ્લિમીનની શાખા તરીકે થઈ હતી. ઇખ્વાનુલ મુસ્લિમીન એક ઇસ્લામિક સંગઠન છે અને તેનો પાયો ઇજિપ્તમાં વર્ષ 1928માં નખાયો હતો.

ઇજિપ્તના ગાઝા પટ્ટી સાથે નિકટના સંબંધ રહ્યા છે પરંતુ અબ્દુલ ફતાહ અલસીસી ઇજિપ્તમાં સત્તા પર આવ્યા બાદ એટલેકે વર્ષ 2013 બાદથી ઇજિપ્તમાં રહેતાં પેલેસ્ટાઇનિયન સમૂહો વચ્ચેનાં સંબંધ નબળા પડી ગયા છે.

હમાસ માટે ઇજિપ્ત મહત્ત્વપૂર્ણ ક્રૉસિંગ પૉઇન્ટ છે. સૌથી મોટા પ્રમાણમાં ભોજન અને સામાન ઇજિપ્તના રસ્તે ગાઝા પટ્ટી સુધી પહોંચાડાય છે.

અમેરિકન થિંક ટૅન્ક ‘કાઉન્સિલ ઑન ફોરેન રિલેશન્સ’ પ્રમાણે 2021માં હમાસે ઇજિપ્ત અને વેસ્ટ બૅન્કથી આવનારા સામાનથી 12 મિલિયન ડૉલર કરતાં વધુ વસૂલ કર વસૂલ કર્યું છે.

ઇજિપ્તની માફક તુર્કી પણ હમાસનું રાજકીય સમર્થક છે, પરંતુ તુર્કી તરફથી હમાસને કોઈ આર્થિક મદદ અપાયાના પુરાવા નથી.

તુર્કી અને ઈરાન તરફથી હમાસને કેવી મદદ મળે છે?

તેમ છતાં ઇઝરાયલી મીડિયા ‘હારતેજ’ પ્રમાણે તુર્કી હમાસને કદાચ વાર્ષિક 300 મિલિયન અમેરિકન ડૉલરની મદદ કરે છે.

આ સિવાય ઇઝરાયલી અધિકારીઓએ આ વર્ષે જુલાઈમાં જાહેરાત કરી હતી કે તુર્કીથી ગાઝા માટે 16 ટન વિસ્ફોટક સામગ્રી મોકલાઈ હતી, જે જપ્ત કરી લેવાઈ હતી.

પરંતુ હમાસનો સૌથી મહત્ત્વપૂર્ણ મિત્ર અને સૈનિક તેમજ આર્થિક સમર્થક ઈરાન છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૅક સલેવાને હાલમાં જ કહ્યું હતું કે, “અમે શરૂઆતથી કહ્યું છે કે ઈરાન વ્યાપક અર્થોમાં હમાસનું સમર્થક છે કારણ કે તેણે હમાસની સૈન્ય શાખા માટે મોટા ભાગનું ફંડિંગ કર્યું છે. તેમણે હમાસને ટ્રેનિંગ આપી છે અને સૈન્યક્ષમતા પૂરી પાડી છે.”

બીજી તરફ યુરોપિયન કમિશનના અધ્યક્ષે હાલમાં જ કહેલું કે હમાસ ગ્રૂપનો 93 ટકા દારૂગોળો ઈરાન પાસેથી આવે છે.

પરોપકારી સંસ્થાઓ પાસેથી ફંડિંગ

ઈરાનની હમાસને આર્થિક મદદ વિશે અમેરિકન વિદેશ મંત્રાલયના 2020ના રિપોર્ટ અનુસાર ઈરાન હમાસને વાર્ષિક 100 મિલિયન ડૉલર આપે છે.

હમાસના ફંડિંગનો સૌથી મહત્ત્વપૂર્ણ સ્રોત વિભિન્ન દેશો, સમૂહો અને પરોપકારી સંસ્થાનોમાં સામાન્ય લોકો તરફથી કરાતી મદદ છે.

અમેરિકન વિદેશવિભાગે ગત ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી હમાસને ફારસની ખાડીના દેશોની સાથોસાથ પેલેસ્ટાઇનિયન, બીજા નિર્વાસિતો અને પેલેસ્ટાઇનિયન પરોપકારી સંસ્થાઓ દ્વારા આર્થિક મદદ મળે છે.

રશિયાની ન્યૂઝ એજન્સી ‘સ્પૂતનિક’એ જાન્યુઆરી 2021માં લખેલું કે હમાસને 95 ટકા કરતાં વધુ ફંડિંગ સરકારો, ઇખ્વાનુલ મુસ્લિમીનના મૂડીપતિઓ, જનતા અને સમગ્ર વિશ્વમાં પેલેસ્ટાઇનિયન સમર્થકો પાસેથી મળે છે.

હમાસનું સમર્થન કરનારા સૌથી મહત્ત્વપૂર્ણ બિનસરકારી સંગઠનોમાં ‘અલ અંસાર’ જેવી કલ્યાણકારી સંસ્થાઓ પણ સામેલ છે.

અલ અંસાર ઇસ્લામિક જેહાદ સાથે જોડાયેલ એક ગ્રૂપ છે, જેની સ્થાપના વર્ષ 2001માં થઈ હતી. તેમજ પેલેસ્ટાઇનિયન વિસ્તાર, ખાસ કરીને ગાઝા અને વેસ્ટ બૅન્કમાં ચાલી રહેલાં પરોપકારી કામોમાં સક્રિય છે.

મે 018માં અલ મૉનિટરે સામી અબૂ અયાઝના હવાલાથી લખેલું, “ઈરાન પેલેસ્ટાઇનિયનના નવ હજાર પરિવારોને આર્થિક મદદ આપે છે, જેમાંથી ગાઝામાં લગભગ સાત હજાર પરિવાર અને વેસ્ટ બૅન્કમાં બે હજાર પરિવાર રહે છે. ઈરાન મૃત્યુ પામનારા પેલેસ્ટાઇનિયનોના પરિવારોને દર ત્રણ મહિને આર્થિક મદદ પૂરી પાડે છે.”

અલ અંસારે જુલાઈ 2017માં પોતાના ફેસબુક પેજ પર ઈરાન તરફથી અપાતી મદદ વિશે એક રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. તે અનુસાર, મૃત્યુ પામનાર વિવાહિત લોકોના પરિવારોને 600 ડૉલર જેટલી રકમ મળી છે, જ્યારે બીજા મૃતકોના પરિવારોને ઓછામાં ઓછી 300 ડૉલર જેટલી રકમ અપાઈ છે.

મૂડીરોકાણ વડે ફંડિંગ

હમાસની આર્થિક પ્રવૃત્તિઓના મહત્ત્વપૂર્ણ પૉર્ટલ પૈકી એક ક્રિપ્ટો કરન્સીનું વિશ્વ છે.

ગુપ્તતાને કારણે ક્રિપ્ટો કરન્સી માર્કેટ અને બ્લૉક ચેઇન જેવી જગ્યાને હમાસ જેવાં સમૂહોનાં કામ કરવા માટે સહાયક જગ્યા મનાય છે.

‘વૉલ સ્ટ્રીટ જર્નલ’એ હાલમાં જ એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જેમાં કહેવાયું છે કે હમાસે ગત સાત વર્ષોમાં ક્રિપ્ટો કરન્સીના મૂડીરોકાણથી લગભગ 41 મિલિયન ડૉલરની કમાણી કરી છે.

આ રિપોર્ટમાં કહેવાયું છે કે હમાસે ક્રિપ્ટો કરન્સી મારફતે વિશ્વમાંથી લાખો ડૉલરની આર્થિક મદદ જમા કરી છે.

આ સૂચનાઓ બાદ જ અમેરિકન કૉગ્રેસના ક્રિપ્ટો માટેના સમૂહે હમાસની પ્રવૃત્તિઓ માટે કઠોર કાયદો બનાવવા માટે આ મામલો ઉઠાવ્યો હતો.

‘આતંકવાદની આર્થિક મદદ’

બ્લૉક ચેઇનના વિકાસ પર નજર રાખતી રિસર્ચ કંપની એલેપ્ટિકના સહસંસ્થાપક એટમ રૉબિન્સને હાલમાં જ કહેલું કે હમાસ ‘આતંકવાદ’ની આર્થિક મદદ માટે ક્રિપ્ટો કરન્સીના સૌથી સફળ ઉપભોક્તાઓ પૈકી એક રહ્યું છે.

આ જ પ્રકારની બીજી કંપની ટીઆરએમ લીબ્ઝે પણ કહ્યું છે કે હમાસે માત્ર 2021માં કિપ્ટો કરન્સી વડે ચાર લાખ ડૉલરની આર્થિક મદદ હાંસલ કરી છે.

અમેરિકન વિદેશમંત્રાલયે પણ દાવો કર્યો છે કે ઈરાન હમાસને ક્રિપ્ટો કરન્સી મારફતે આર્થિક મદદ પૂરી પાડે છે.

આ દરમિયાન હાલના મહિનામાં ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં હમાસે લેવડદેવડમાં ઘણાં નિયંત્રણોનો સામનો કરવો પડ્યો છે.

ઇઝરાયલની કાઉન્ટર ટેરરિઝ્મ ફાઇનાન્સિંગ ઑફિસે આ વર્ષે જુલાઈમાં સૂચના અપાઈ હતી કે તેમણે હમાસના ફંડ રેઇઝિંગ અભિયાન વિશે ઘણા વર્ચુઅલ કરન્સી કોષ જપ્ત કર્યા છે, જે પૈકી કેટલાકનો સંબંધ હમાસની ઉપશાખા કસામ બ્રિગેડ સાથે હતો.

હમાસનો પોર્ટફોલિયો કેટલો મોટો છે?

ઇઝરાયલની કાઉન્ટર ટેરરિઝ્મ ફાઇનાન્સિંગ ઑફિસે પુષ્ટિ કરી છે કે જપ્ત કરાયેલા કોષના સરનામાં પૈકી એક રોકડ ખરીદી અને રકમ ટ્રાન્સફર કરનારી કંપનીનું છે.

આ આખી જમા કરાયેલ રકમ હમાસ ખર્ચ નથી કરી શકતું, બલકે તેના એક મહત્ત્વપૂર્ણ ભાગને વિભિન્ન દેશોમાં પૈસા કમાવવા માટે રોકવામાં આવે છે.

અમેરિકન વિદેશ મંત્રાલયનું કહેવું છે કે ઈરાનથી મળનારા ફંડને હમાસ વિભિન્ન દેશોમાં મૂડીના રોકાણના પોર્ટફોલિયોમાં રાખે છે.

અમેરિકન વિદેશ મંત્રાલય અનુસાર મૂડીરોકાણના ક્ષેત્રમાં કરોડો ડૉલર લગાવાય છે અ એ સુદાન, અલ્જીરિયા, તુર્કી, સંયુક્ત આરબ અમીરાત અને બીજા દેશોમા રોકવામાં આવ્યા છે.

હમાસના પોર્ટફોલિયોમાં સામેલ કંપનીઓ યોગ્ય કારોબારની આડમાં કામ કરે છે અને તેના પ્રતિનિધિઓએ પોતાની સંપત્તિઓ પર હમાસના નિયંત્રણને છુપાવવાની કોશિશ કરી છે.

અમેરિકન વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ મૂડીરોકાણના નેટવર્કની દેખરેખ હમાસનું ટોચનું નેતૃત્વ કરે છે અને મૂડીરોકાણ થકી થનારી આવકની મદદથી હમાસના નેતા આરામદાયક જીવન ગાળે છે. તેઓ એવું પણ કહે છે કે આ મૂડીરોકાણ ગાઝા પટ્ટીમાં મૂડીરોકાણ અને પૈસા જમા કરવા માટે નથી.