ઇઝરાયલ-ગાઝા: એક મહિનાની લડાઈમાં સામે આવ્યાં આ પાંચ સત્ય

    • લેેખક, જેરેમી બોવેન
    • પદ, ઇન્ટરનેશનલ એડિટર, દક્ષિણ ઇઝરાયલથી

સાતમી ઑક્ટોબરના હમાસના હુમલા પછી જે અહેવાલો, વિશ્લેષણ અને ટિપ્પણીઓ બહાર આવી રહી છે તેમાં એક બાબત સ્પષ્ટ છે કે કોઈની પાસે સંપૂર્ણ કથા નથી.

એટલું જ નહીં, યુદ્ધના મેદાનમાં ખરેખર શું થઈ રહ્યું છે તે જાણવા યુદ્ધની કહાણીમાં ઊંડું ઊતરવું હંમેશાં મુશ્કેલ હોય છે.

ઇઝરાયલ અને પૅલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષનો નવો આકાર હજુ સુધી સ્પષ્ટ થયો નથી.

ઘટનાઓ હજુ પણ ઝડપભેર આકાર લઈ રહી છે. એ ડર પણ વાસ્તવિક છે કે યુદ્ધ વ્યાપક બની શકે છે.

મધ્ય પૂર્વની વાસ્તવિકતામાં નવો વળાંક આવી શકે છે, પરંતુ તેનો આકાર કેવો હશે એ વાત પર નિર્ભર છે કે આ યુદ્ધ વર્ષના બાકીના દિવસોમાં અને કદાચ એ પછી પણ કેવી રીતે આગળ વધશે.

આપણે કેટલીક બાબતો જાણીએ છીએ અને કેટલીક નથી જાણતા. આ યાદી લાંબી નથી.

અમેરિકાના તત્કાલીન સંરક્ષણ પ્રધાન ડોનાલ્ડ રમ્સફેલ્ડે 2003માં 'અજ્ઞાત અજાણ્યાઓ'ની વાત કરી હતી ત્યારે કેટલાક લોકોએ તેની મજાક ઉડાવી હતી, પરંતુ વિશ્વના અન્ય હિસ્સાની માફક આ હિસ્સામાં પણ તેમનું અસ્તિત્વ છે અને તેઓ ઊભરશે ત્યારે બહુ મોટો ફરક પાડી શકે છે.

'અમે મુશ્કેલ પાડોશમાં રહીએ છીએ, અમારે સખત બનવું જ પડશે'

એક વાત નક્કી છે કે ઇઝરાયલીઓ હમાસ અને તેના જુનિયર પાર્ટનર ઇસ્લામિક જેહાદના ગાઝામાંના પ્રભાવને તોડી નાખવા લશ્કરી અભિયાનને સમર્થન આપે છે.

હમાસનો હુમલો, 1400થી વધુ લોકોની હત્યા અને એ હકીકત છે કે હજુ પણ 240 જેટલા બંધકોને ગાઝામાં ઝકડી રાખવામાં આવ્યા છે, એ તેમના ગુસ્સાનું કારણ છે.

હું ઇઝરાયલી સૈન્યના નિવૃત્ત જનરલ નોઆમ ટિબોનને મળ્યો હતો.

સાતમી ઑક્ટોબરના હમાસના હુમલા પછી તેઓ તેમની પત્ની સાથે ગાઝાની સરહદ પરના કિબુત્ઝ (નાની વસાહત) નાહલ ઓઝ કેવી રીતે ગયા હતા તેની વાત મેં તેમની પાસેથી સાંભળી હતી.

તેમનું મિશન તેમના પુત્ર, તેમની પુત્રવધૂ અને તેમની બે નાની દીકરીઓને બચાવવાનું હતું, જે સફળ રહ્યું હતું. એ બધા રૂમમાં સલામત હતા, જ્યારે હમાસના બંદૂકધારીઓ બહાર આંટાફેરા કરતા હતા.

ટિબોન ભલે નિવૃત્ત થઈ ગયા હોય, પરંતુ તેઓ 62 વર્ષની વયે પણ તંદુરસ્ત દેખાય છે. તેમણે એક મૃત ઇઝરાયલી સૈનિકની ઍસૉલ્ટ રાઇફલ તથા હેલ્મેટ લઈ લીધાં હતાં.

અરાજકતાના એ દિવસે તેમણે સૈનિકોના જૂથનું નેતૃત્વ કર્યું હતું અને કિબુત્ઝમાંથી હુમલાખોરોને ભગાડીને તેમના તેમજ અન્ય ઘણા લોકોના જીવ બચાવ્યા હતા.

ટિબોન જૂની વિચારવાળા, સ્પષ્ટ વાત કરતા ઇઝરાયલી અધિકારી છે.

તેમણે કહ્યું, "ગાઝાએ સહન કરવું પડશે. તમારો પાડોશી તમારાં બાળકો, મહિલાઓ અથવા લોકોને રહેંસી નાખે તે વાત સાથે એકેય રાષ્ટ્ર સહમત ન થાય. જેમ તમે (બ્રિટિશ લોકોએ) બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તમારા દુશ્મનોને કચડી નાખ્યા હતા. અમારે ગાઝામાં આ જ કરવાની જરૂર છે. કોઈ દયા નહીં."

મેં યુદ્ધમાં માર્યા જતા પેલેસ્ટાઇનના નિર્દોષ નાગરિકો વિશે પૂછ્યું.

તેમણે કહ્યું, "તે કમનસીબે થઈ રહ્યું છે. અમે મુશ્કેલ પડોશમાં રહીએ છીએ અને અમારે ટકી રહેવું જરૂરી છે. અમારે સખત બનવું પડશે. અમારી પાસે કોઈ વિકલ્પ નથી."

સંખ્યાબંધ ઇઝરાયલીઓ તેમની લાગણીનો પડઘો પાડી રહ્યા છે, જેઓ માને છે કે પેલેસ્ટાઇનના નાગરિકોના મૃત્યુ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ તેઓ હમાસના કૃત્યને કારણે મરી રહ્યા છે.

ગાઝામાં 10 હજાર લોકોનાં મોત, તેમાં 4,100 બાળકો સામેલ

એ પણ સ્પષ્ટ છે કે હમાસ પરના ઇઝરાયલના હુમલાથી ભયંકર રક્તપાત થઈ રહ્યો છે.

હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, મૃત્યુઆંક 10,000ને પાર થઈ ગયો છે. એમાંથી લગભગ 65 ટકા બાળકો અને મહિલાઓ છે. આમાંથી 4,100થી વધુ બાળકો છે.

માર્યા ગયેલા લોકોમાંથી કેટલા સામાન્ય નાગરિક હતા કે હમાસ અથવા ઇસ્લામિક જેહાદ માટે લડતા હતા એ સ્પષ્ટ નથી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન અને ઇઝરાયલ બન્નેને તે આંકડા પર ભરોસો નથી, પરંતુ ભૂતકાળના સંઘર્ષમાં પેલેસ્ટાઈનમાં જાનહાનિના આંકડાને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સચોટ માનતી હતી.

સંયુક્ત રાષ્ટ્રસંઘ કહે છે કે રશિયાના આક્રમણ 21 મહિનામાં યુક્રેનમાં આશરે 9,700 નાગરિકો માર્યા ગયા છે.

પેલેસ્ટાઇનના મૃતકોમાં કેટલાક હમાસના હશે, પરંતુ એ પ્રમાણ 10 ટકાથી વધારે હોવાની શક્યતા નથી.

તેનો અર્થ એ છે કે યુક્રેનમાં ફેબ્રુઆરી, 2022થી અત્યાર સુધીમાં જેટલા નાગરિકો માર્યા ગયા છે તેટલા જ નાગરિકોને ઇઝરાયલે એક મહિનામાં માર્યા છે. (સંયુક્ત રાષ્ટ્રસંઘ કહે છે કે યુક્રેન માટેનો તેનો ડેટા અધૂરો છે અને માર્યા ગયેલા નાગરિકોની સાચી સંખ્યા સંભવતઃ વધારે છે, જ્યારે ગાઝામાં મૃતકોની સંખ્યા પણ વધારે હોવાની શક્યતા છે, કારણ કે ઘણા પેલેસ્ટાઇની નાગરિકો કાટમાળ હેઠળ દટાયેલા હોવાનું માનવામાં આવે છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના માનવાધિકાર કાર્યાલયે જણાવ્યું છે કે ઇઝરાયલના હવાઈ હુમલામાં ઘણા નાગરિકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે. તેને એ વાતની ચિંતા છે કે ઇઝરાયલના હુમલા અપ્રમાણસરના છે અને તે યુદ્ધ અપરાધ હોઈ શકે છે.

હમાસના હુમલા પછી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને હમાસને સત્તા પરથી હટાવવા માટે લશ્કરી બળનો ઉપયોગ કરવાના ઇઝરાયલના નિર્ણયને ટેકો આપવાની સાથે ઉમેર્યું હતું કે એ કામ “સાચી રીતે” કરવું જોઈએ.

તેમના કહેવાનો અર્થ એ હતો કે ઇઝરાયલે નાગરિકોનું રક્ષણ કરતા યુદ્ધના નિયમોનું પાલન કરવું જોઈએ.

અમેરિકાના વિદેશ પ્રધાન ઍન્ટની બ્લિંકન તેલ અવીવ પહોંચ્યા. ત્યાં જતા પહેલાં તેમણે કહ્યું હતું, "ધરાશયી ઇમારતના કાટમાળ નીચેથી કોઈ પેલેસ્ટાઇની બાળકને બહાર ખેંચી કાઢવામાં આવતું જોઉં છું ત્યારે મને, ઇઝરાયલમાં કે અન્યત્ર એવી અવસ્થામાં બાળક જોઉં ત્યારે જે પીડા થાય છે તેવી જ, પીડા થાય છે."

મેં છેલ્લાં 30 વર્ષ દરમિયાન ઇઝરાયલના દરેક યુદ્ધનું રિપોર્ટિંગ કર્યું છે. ઇઝરાયલે યુદ્ધના નિયમોનું પાલન કરવું જોઈએ, એવું અમેરિકન વહીવટીતંત્રે ક્યારેય જાહેરમાં કહ્યું હોય એવું મને યાદ નથી. બ્લિંકનની મુલાકાત સૂચવે છે કે ઇઝરાયલ બાઇડનની સલાહ અનુસરતું હોય તેવું તેઓ માનતા નથી.

ઇઝરાયલની સૌથી મોટી નિષ્ફળતા?

બીજું કંઈક આપણે નિશ્ચિતપણે જાણીએ છીએ તે એ છે કે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પર જોરદાર દબાણ છે.

ઇઝરાયલના સુરક્ષા અને લશ્કરી વડાઓથી વિપરીત, તેમણે સાતમી ઑક્ટોબરે ઇઝરાયલના સરહદી સમુદાયોને દેખીતી રીતે અસલામત અવસ્થામાં મૂકનારી શ્રેણીબદ્ધ નિષ્ફળતાની વ્યક્તિગત જવાબદારી સ્વીકારી નથી.

ગુપ્તચર એજન્સીઓને દોષી ઠેરવતી એક ટ્વીટ તેમણે ગયા રવિવારે, 29 ઓક્ટોબરે કરી ત્યારે હોબાળો થયો હતો. નેતન્યાહૂએ તે ટ્વીટ ડીલીટ કરી હતી અને માફી માગી હતી.

ભૂતપૂર્વ શાંતિ વાટાઘાટકાર, ઇઝરાયલની આંતરિક ગુપ્તચર એજન્સી શિન બેટના ભૂતપૂર્વ વડા અને એક ટેકનૉલૉજી ઉદ્યોગસાહસિક એમ ત્રણ ઇઝરાયલીઓએ ફોરેન અફેર્સ જર્નલમાં લખેલા લેખમાં જણાવ્યું હતું કે નેતન્યાહૂએ યુદ્ધમાં અને એ પછી જે કંઈ થાય તેમાં ભાગ લેવો ન જોઈએ.

ઇઝરાયલી વડાપ્રધાન પાસે અનેક વફાદાર ટેકેદારો છે, પરંતુ ઇઝરાયલી સૈન્ય અને સલામતી સંસ્થાઓમાંની ટોચની હસ્તીઓનો વિશ્વાસ તેઓ ગૂમાવી ચૂક્યા છે.

કિબુત્ઝ નાહલ ઓઝમાં પોતાના પરિવારને પોતાના પરિવારને બચાવવા લડાઈ લડી ચૂકેલા નિવૃત જનરલ નોમ ટિબોન વડાપ્રધાન નેતન્યાહૂની સરખામણી બ્રિટિશ વડાપ્રધાન નેવિલ ચેમ્બરલેન સાથે કરે છે. ચેમ્બરલેનને 1940માં રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી અને તેમના સ્થાને વિન્સ્ટન ચર્ચિલને બેસાડવામાં આવ્યા હતા.

ટિબોને મને કહ્યું હતું, "આ ઇઝરાયલના ઇતિહાસની સૌથી મોટી નિષ્ફળતા છે. લશ્કરી નિષ્ફળતા છે. ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે અને સરકારની નિષ્ફળતા છે, જે સત્તા પર હતી."

"બધો વાંક વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો છે. તેઓ ઇઝરાયલના ઇતિહાસની સૌથી મોટી નિષ્ફળતાના પ્રભારી છે."

ઇઝરાયલ માટે મોટો ઝટકો

2005ની આસપાસના છેલ્લા પેલેસ્ટિનિયન બળવાના અંતથી એક એવી પેટર્ન ઊભરી આવી હતી કે તે કાયમ ટકી રહેશે એવું નેતન્યાહૂ માનતા થઈ ગયા હતા.

પેલેસ્ટાઇન તેમજ ઇઝરાયલ, તમામ સંબંધિત પક્ષો માટે તે એક ખતરનાક ભ્રમણા હતી.

પેલેસ્ટાઇન હવે ઇઝરાયલ માટે ખતરો નથી, પરંતુ મૅનેજ કરી શકાય એવી સમસ્યા છે, એવી દલીલ કરવામાં આવતી હતી.

એ માટે ઉપલબ્ધ સાધનોમાં શક્તિ, લાલચ તથા “ભાગલા પાડો અને રાજ કરો”ની પ્રાચીન યુક્તિનો સમાવેશ થાય છે.

1996 અને 1999 વચ્ચેના અગાઉના સમયગાળા પછી નેતન્યાહૂ 2009થી મોટાભાગના સમય સુધી વડાપ્રધાન રહ્યા છે. તેઓ સતત દલીલ કરતા રહ્યા છે કે શાંતિ માટે ઇઝરાયલ પાસે કોઈ ભાગીદાર નથી.

કદાચ એવો ભાગીદાર મળ્યો હતો. હમાસની મુખ્ય પ્રતિસ્પર્ધી પેલેસ્ટિનિયન ઑથોરિટીમાં અનેક ખામીઓ છે અને તેના અનેક ટેકેદારો માને છે કે તેના વૃદ્ધ પ્રમુખ મહમૂદ અબ્બાસને હવે બાજુ પર રાખી દેવા જોઈએ.

પેલેસ્ટિનિયન ઑથોરિટીએ 1990ના દાયકામાં ઇઝરાયલ સાથે પેલેસ્ટિનિયન દેશની સ્થાપનાનો વિચાર સ્વીકાર્યો હતો.

નેતન્યાહૂ માટે 'ભાગલા પાડો અને શાસન કરો'નો અર્થ એવો છે કે પેલેસ્ટિનિયન ઑથોરિટીના ભોગે હમાસને શક્તિશાળી બનવાની છૂટ.

ઇઝરાયલમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન તરીકે સેવા આપનાર નેતન્યાહૂ જાહેર જે કંઈ કહે છે એ બાબતે બહુ સાવધ રહે છે, પરંતુ પાછલાં ઘણાં વર્ષોથી તેમણે લીધેલાં પગલાં દર્શાવે છે કે પેલેસ્ટિનિયનોનો અલગ દેશ બને એવું તેઓ ઇચ્છતા નથી. તેમાં પૂર્વ જેરુસલેમ સહિતની વેસ્ટ બૅન્કની જમીનનો સમાવેશ થાય છે. ઇઝરાયલના જમણેરીઓ માને છે કે તે જમીન યહૂદીઓની છે.

નેતન્યાહૂની જાહેરાતો સમયાંતરે લીક થતી રહી છે.

સંખ્યાબંધ ઇઝરાયલી સ્રોતના જણાવ્યા મુજબ, તેમણે 2019માં સંસદમાંના તેમના લિકુડ જૂથને કહ્યું હતું કે તેઓ પેલેસ્ટાઇન દેશનો વિરોધ કરતા હોય તો તેમણે ગાઝામાં મોટાભાગે કતાર દ્વારા ઠાલવવામાં આવતા નાણાની યોજનાને સમર્થન આપવું જોઈએ.

તેમણે તેમને એમ પણ કહ્યું હતું કે ગાઝામાં હમાસ અને વેસ્ટ બૅન્કમાં પેલેસ્ટિનિયન ઑથોરિટી વચ્ચે વ્યાપક ભાગલા પડાવવાથી પેલેસ્ટિનિયન દેશની સ્થાપના અશક્ય બનશે.

'સંઘર્ષ ક્યારે અને કેવી રીતે ખતમ થશે?'

હમાસને સત્તા પર ટકી રહેવાની મંજૂરી આપતા સોદાને અમેરિકા સમર્થિત ઇઝરાયલ સ્વીકારશે નહીં, એ પણ સ્પષ્ટ છે. તેમાં વધુ રક્તપાત થશે તે નક્કી છે. તેમનું સ્થાન કોણ લેશે તેના પ્રશ્નો પણ ઊભા થાય છે. તેનો જવાબ હજુ સુધી મળ્યો નથી.

જૉર્ડન નદી અને ભૂમધ્ય સમુદ્ર વચ્ચેની જમીન પર નિયંત્રણ માટે આરબો તથા યહૂદીઓ વચ્ચેનો સંઘર્ષ 100થી વધુ વર્ષથી ચાલી રહ્યો છે. તેના લાંબા અને લોહિયાળ ઇતિહાસનો બોધ એ છે કે તેનું લશ્કરી નિરાકરણ શક્ય નથી.

ઇઝરાયલની સાથે પૂર્વ જેરુસલેમમાં રાજધાની સાથે પેલેસ્ટાઇનની સ્થાપના કરીને સંઘર્ષ પર પૂર્ણવિરામ મૂકવાના પ્રયાસ માટે 1990ના દાયકામાં ઓસ્લો શાંતિપ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વર્ષો સુધી વાટાઘાટ પછી તેને ફરી જીવંત કરવાનો છેલ્લો પ્રયાસ બરાક ઓબામાના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો. એક દાયકા પહેલાંનો તે પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો અને ત્યારથી સંઘર્ષ વકરતો રહ્યો છે.

અમેરિકન પ્રમુખ બાઇડન અને અન્ય ઘણા લોકોએ કહ્યું છે તેમ, વધારે યુદ્ધ ટાળવાની એકમાત્ર સંભવિત તક, ઇઝરાયલની સાથે પેલેસ્ટિનિયન દેશની સ્થાપના છે.

બન્ને દેશના હાલના નેતાઓને જોતાં તે શક્ય નથી. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બન્નેના ઉગ્રવાદીઓ આ વિચારને ખતમ કરવા માટે પોતાનાથી બનતું બધું જ કરશે.

એવું તેઓ 1990ના દાયકાથી કરતા રહ્યા છે. એ પૈકીના કેટલાક માને છે કે તેઓ ભગવાનની ઇચ્છાને અનુસરી રહ્યા છે. આ વલણને લીધે તેમને સમાધાન માટે સમજાવવાનું શક્ય નથી.

આ યુદ્ધ ઊંડે સુધી પેસી ગયેલા પૂર્વગ્રહોને તોડવા અને બે દેશના વિચારને અમલપાત્ર બનાવવા માટે જરૂરી આંચકો નહીં આપે તો કશું થશે નહીં.

સંઘર્ષને સમાપ્ત કરવા પરસ્પર સ્વીકાર્ય માર્ગ વિના પેલેસ્ટિનિયનો અને ઇઝરાયલીઓને વધુ પેઢીઓએ યુદ્ધની સજા ભોગવવી પડશે.