You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇઝરાયલે ગાઝાના 'બે ભાગ' કેમ કરી નાખ્યા? અત્યાર સુધીમાં શું થયું?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને પરિણામે ઇઝરાયલે ગાઝા પટ્ટી પર સતત હુમલાઓ કરવાનું ચાલુ રાખ્યું છે. ગાઝામાં જાનમાલનું ભારે નુકસાન થઈ રહ્યું છે.
હમાસ દ્વારા સંચાલિત ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર અત્યાર સુધીમાં ગાઝામાં દસ હજાર કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે.
ઉલ્લેખનીય છે કે હમાસે ઇઝરાયલ પર કરેલા હુમલામાં 1400થી વધુ લોકોનાં મૃત્યુ થયાં બાદ 200થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ ઇઝરાયલે ગાઝા પર બૉમ્બ વરસાવાનું શરૂ કર્યું હતું.
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (આઇડીએફ)એ જણાવ્યું છે કે, “તેમણે ગાઝામાં આવેલી હમાસની ચોકી પર નિયંત્રણ મેળવી લીધું છે. આ ચોકીનો ઉપયોગ ઇઝરાયલ પર નજર રાખતી અન્ય ચોકીઓ સાથે સંદેશાવ્યવહાર માટે થતો હતો. તે અન્ય સુવિધાઓથી સુસજ્જ હતી અને આતંકવાદી ટનલો સાથે જોડાયેલી હતી.”
તેમના જણાવ્યા અનુસાર, “આ ઑપરેશનમાં અનેક ‘આતંકવાદીઓ’નો ખાતમો કરવામાં આવ્યો હતો.”
આઇડીએફે એમ પણ કહ્યું હતું કે ગઇ કાલે કરવામાં આવેલા હુમલામાં ફાઇટર વિમાનોએ અંદાજે 450 જગ્યા પર હુમલા કર્યા હતા જેમાં સૈન્યઠેકાણાં, તોપવિરોધી હથિયારો વગેરે સામેલ હતાં.
ગાઝામાં સંપૂર્ણ સંચારબંધી પર ચિંતાઓ
ગાઝામાં છેલ્લા ઘણા સમયથી મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ બંધ છે.
પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટ ચૅરિટીએ કહ્યું છે કે, “યુદ્ધ શરૂ થયા બાદ ગાઝામાં આ ત્રીજી વાર થયેલું બ્લૅકઆઉટ છે. અમારી ટીમ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના પ્રમુખે કહ્યું છે કે, “હું આ બાબતથી ખૂબ ચિંતાતુર છું. ગાઝામાં ફરી વખત સંપૂર્ણ સંચારબંધી અને ભારે બૉમ્બમારાના અહેવાલો ચિંતા ઉપજાવે છે.”
ઇન્ટરનેટ મૉનિટરિંગ ગ્રૂપ નેટબ્લૉક્સે કહ્યું છે કે આ છેલ્લા મહિનામાં ત્રીજી વાર થયેલું કૉમ્યુનિકેશન બ્લૅકઆઉટ છે.
સંયુક્ત રાષ્ટ્રની સંસ્થાઓએ તત્કાલ યુદ્ધવિરામની માગ કરી
યુએનની તમામ મુખ્ય એજન્સીઓના વડાઓએ એક સંયુક્ત નિવેદન બહાર પાડીને ‘તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામ’ માટે હાકલ કરી છે. આ તમામ એજન્સીઓ એક સાથે નિવેદન બહાર પાડે એ જવલ્લે જ બનતી ઘટના છે.
યુએનની આ એજન્સીઓના વડા કહે છે, "લગભગ એક મહિનાથી વિશ્વ ઇઝરાયલ અને તેના કબજા હેઠળના પેલેસ્ટિનિયન પ્રદેશમાં ઊભી થયેલી આઘાતજનક પરિસ્થિતિને જોઈ રહ્યું છે. અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે."
યુનિસેફ, વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ સહિતની સંસ્થાના વડાઓ, સેવ ધ ચિલ્ડ્રન જેવી ચૅરિટી સંસ્થાઓએ સંયુક્ત નિવેદન આપ્યું છે. તેમણે બંને બાજુએ થયેલી ભયાનક જાનહાનિનું વર્ણન કર્યું છે. તેમણે હમાસને પણ બંધકોને મુક્ત કરવા અપીલ કરી છે.
નિવેદનમાં કહેવાયું છે કે, "જોકે, ગાઝામાં હજુ પણ ચાલુ રહેલી નાગરિકોની ભયાનક હત્યાઓ એ આઘાતજનક છે. 22 લાખ પેલેસ્ટિનિયનોને ખોરાક, પાણી, દવા, વીજળી અને બળતણનો પુરવઠો મળી રહ્યો નથી."
નિવેદનમાં ઉમેરવામાં આવ્યું છે કે પેલેસ્ટિનિયન શરણાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરતી એજન્સી UNRWA માટે કામ કરતા 88 લોકો 7 ઑક્ટોબરથી અત્યાર સુધીમાં માર્યા ગયા છે. કોઈ સંઘર્ષમાં યુએન માટે કામ કરતા આટલા બધા લોકો એકીસાથે માર્યા ગયા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
અમેરિકાએ શું કહ્યું?
ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં માનવતાવાદી વિરામ લેવા માટે જો બાઇડનનું વહીવટી તંત્ર મધ્ય પૂર્વમાં તેની મુત્સદ્દીગીરી વધારી રહ્યું છે.
સીઆઈએના ડિરેક્ટર વિલિયમ બર્ન્સ અત્યારે અધિકારીઓ સાથે વાતચીત માટે ઇઝરાયલમાં છે.
તેમણે નાગરિકોની જાનહાનિ ટાળવા માટે વધુ પ્રયત્નો કરવા માટે હાકલ કરી છે.
આ સિવાય યુએસ સેક્રેટરી ઑફ સ્ટેટ ઍન્ટની બ્લિન્કન તુર્કીમાં મંત્રણા કરશે.
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સોમવારે વિદેશી નેતાઓ સાથે સંઘર્ષ અંગે ચર્ચા કરશે. જોકે, આ નેતાઓ કોણ છે તેના વિશે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
વ્હાઇટ હાઉસ અનુસાર હેરિસ ગાઝામાં નાગરિકોને માનવીય સહાયનો પહોંચાડવા માટેના અમેરિકાના પ્રયાસોને આગળ વધારશે.
અત્યાર સુધીમાં શું-શું થયું?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7મી ઑક્ટોબરથી શરૂ થયેલા સંઘર્ષમાં 6 નવેમ્બર સવાર સુધીમાં દસ હજારથી વધુ લોકોના ગાઝામાં મૃત્યુ થયાં છે.
રવિવારે 5 ઑક્ટોબરે ઇઝરાયલે ગાઝામાં રવિવારે રાત્રે ભયાનક વિસ્ફોટો અને હવાઈ હુમલા કર્યા છે.
તેમના નિવેદન અનુસાર,
- સમગ્ર ગાઝા સિટીને ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસે ઘેરી લીધું છે.
- સૈન્ય ટુકડીઓ છેક સમુદ્રકિનારા સુધી પહોંચી ચૂકી છે અને ગાઝાને સંપૂર્ણ રીતે ઉત્તર અને દક્ષિણ એમ બે ભાગોમાં વહેંચી દેવામાં આવ્યું છે.
- હજુ ઇઝરાયલ સામાન્ય નાગરિકોને ઉત્તરથી દક્ષિણ સુધી જવા માટે રસ્તો આપી રહ્યું છે.
- ઇઝરાયલ હજુ પણ બૉમ્બમારો ચાલુ રાખશે અને અને ગાઝામાં જમીની કાર્યવાહી પણ ચાલુ રાખશે.