You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સહારા ગ્રૂપના પ્રમુખ સુબ્રત રૉયનું 75 વર્ષની ઉંમરે નિધન
સહારા ઇન્ડિયા ગ્રૂપના પ્રમુખ સુબ્રત રૉયનું મંગળવાર, 14 નવેમ્બરની મોડી રાત્રે સાડા દસ વાગ્યે મુંબઇની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં નિધન થયું.
સહારા સમૂહે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તેઓ હાઇપર ટેન્શન અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી પીડિત હતા અને કાર્ડિયાક અરેસ્ટને કારણે તેમનું નિધન થયું.
નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે 12 નવેમ્બરની રાત્રે સ્વાસ્થ્ય ખરાબ થવાને કારણે તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
બુધવારે તેમનો મૃતદેહ લખનઉના સહારા શહેરમાં લાવવામાં આવશે, જ્યાં તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
સુબ્રત રૉયનો જન્મ 10 જૂન 1948ના રોજ બિહારના અરરિયામાં થયો હતો.
તેમનું પ્રારંભિક શિક્ષણ હૉલી ચાઈલ્ડ સ્કૂલ, કોલકાતામાં થયું હતું, ત્યારબાદ તેમણે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો.
સુબ્રત રૉયે 1970ના દાયકાના અંતમાં ચિટ ફંડ બિઝનેસ શરૂ કર્યો હતો અને થોડા જ સમયમાં તેમણે એક સામ્રાજ્ય ઊભું કરી દીધું જેમાં એક ઍરલાઇન - ઍર સહારા, ટેલિવિઝન ચેનલો અને રિયલ ઍસ્ટેટનો સમાવેશ થાય છે.
રિયલ ઍસ્ટેટની વાત કરીએ તો, તેમનો એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ એમ્બી વૅલી પણ હતો, જે મહારાષ્ટ્રમાં લોનાવાલા પાસે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક સમયે એવું માનવામાં આવતું હતું કે ભારતીય રેલવે પછી સહારા ગ્રૂપમાં સૌથી વધુ કર્મચારીઓ હતા. તેમની સંખ્યા લગભગ 12 લાખ હોવાનું કહેવાય છે.
સુબ્રત રૉયે 1993માં ઍર સહારાની શરૂઆત કરી હતી જેને બાદમાં તેમણે જેટ એરવેઝને વેચી દીધી હતી.
સહારા ગ્રૂપની કંપની પ્રાઇમ સિટીના આઈપીઓથી તેમના પતનની જાણે કે શરૂઆત થઈ હતી.
તેમના પર આરોપ હતો કે તેમણે નિયમો વિરૂદ્ધ લોકોને બે કંપનીઓમાં કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું, જેના કારણે તેને બે વર્ષ જેલમાં પસાર કરવા પડ્યા.
ટીમ ઇન્ડિયાનું સ્પોન્સર ‘સહારા’
2001 થી 2013 સુધી સહારા ગ્રૂપ ટીમ ઇન્ડિયાનું સ્પોન્સર હતું. સહારાની ટીમ પૂણે વોરિયર્સે 2011માં આઈપીએલમાં પણ પ્રવેશ કર્યો હતો.
2013માં સહારા ગ્રૂપની આર્થિક સ્થિતિ બગડ્યા બાદ આ કરાર સમાપ્ત કરવામાં આવ્યો હતો.
દીકરાઓનાં ચર્ચાસ્પદ લગ્ન
સુબ્રત રૉય બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને તેમના મિત્ર ગણાવતા હતા અને બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ટૉની બ્લેયર સાથે પણ ઘણીવાર દેખાતા હતા.
સુબ્રત રોયના બે પુત્રોના લગ્ન 2004માં થયા હતા. આ લગ્નની ઊજવણી લગભગ એક પખવાડિયા સુધી કરવામાં આવી હતી.
તેને આ સદીના સૌથી ચર્ચિત ભારતીય લગ્ન તરીકે વર્ણવવામાં આવ્યા હતા અને આ લગ્ન મીડિયામાં છવાયેલા રહ્યાં હતાં.
લગ્ન સમારોહમાં લગભગ દસ હજાર લોકો જોડાયા હતા. જેમાં વ્યાપારી હસ્તીઓ, બોલિવૂડ સ્ટાર્સ, ક્રિકેટ ખેલાડીઓ અને ફૅશન ઉદ્યોગના દિગ્ગજોએ ભાગ લીધો હતો.
આ મહેમાનોને ખાસ વિમાન દ્વારા લખનઉ લઈ જવામાં આવ્યા હતા. તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી પણ નવવિવાહિત યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા.
લોકો સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
તેમણે લખ્યું, “સહારા શ્રી સુબ્રત રોયજીનું નિધન ઉત્તર પ્રદેશ અને દેશ માટે એક ભાવનાત્મક ખોટ છે કારણ કે તેઓ એક ખૂબ જ સફળ ઉદ્યોગપતિ હોવાની સાથે-સાથે એક વિશાળ હૃદયના અને ખૂબ જ સંવેદનશીલ વ્યક્તિ પણ હતા. તેમણે અસંખ્ય લોકોને મદદ કરી હતી અને તેમનો આધાર બન્યા હતા. તેમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ!”
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પ્લૅટફોર્મ ઍક્સ પર લખ્યું છે કે સુબ્રત રોયના નિધનના સમાચાર સાંભળીને તે દુ:ખી છે.
તેમણે લખ્યું હતું કે તેઓ એક એવા વ્યક્તિ હતા જેમણે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરીને ક્યારેય હાર માની ન હતી.
યુવરાજે લખ્યું, “જ્યારે મને કૅન્સર થયું ત્યારે તેઓ મારી પડખે ઊભા રહેલા જૂજ લોકોમાંથી એક હતા. તેઓ હંમેશાં મારી અને મારા પરિવારની ખૂબ નજીક હતા. તેઓ એક એવા વ્યક્તિ હતા જેની પાસેથી અમે શીખતા હતા.”