વાઘબકરી ચાની કંપનીના ડિરેક્ટર પરાગ દેસાઈ કોણ છે જેમનું રખડતાં કૂતરાંના હુમલાથી ઘાયલ થતાં મૃત્યુ થયું

"ભારતમાં બધા જ વગર ચાલી શકે પણ ચા વગર તો ન જ ચાલી શકે." વાઘબકરી ટી ગ્રૂપ જે ભારતની એક અગ્રણી ટી કંપની છે તેના ડિરેક્ટર એવા પરાગ દેસાઈનું આ વાક્ય છે.

વાઘબકરી ટી ગ્રૂપના ઍક્ઝિક્યૂટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું 49 વર્ષની વયે અવસાન થયું છે. કંપનીએ સોશિયલ મીડિયા પર શોક સંદેશ સાથે તેમની અંતિમવિધિ વિશે જાહેરાત કરી હતી.

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર દેસાઈ ગયા સપ્તાહે 15 ઑક્ટોબરે તેમના ઘરની બહાર રખડતાં કૂતરાંના હુમલાથી બચવાના પ્રયાસમાં ઘાયલ થઈ ગયા હતા અને તેમને બ્રેઇન હૅમરેજ થઈ ગયું હતું.

વાઘબકરી ગુજરાતમાં એક જાણીતી ચાની બ્રાન્ડ છે અને દેસાઈ ગ્રૂપ દ્વારા સંચાલિત છે. પરાગ ચોથી પેઢીના ઉદ્યોગપતિ હતા અને કંપનીની વેબસાઇટ અનુસાર તેમણે અમેરિકાની લૉન્ગ આઇલૅન્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું.

પરાગ દેસાઈએ 1995માં પારિવારિક ધંધામાં ઝપલાવ્યું હતું. ત્યારે કંપનીની આવક 100 કરોડથી પણ ઓછી હતી.

તેમણે બિઝનેસને અમદાવાદથી બહાર વિસ્તાર્યો અને ઇકૉર્મસ પ્લૅટફૉર્મ પણ લૉન્ચ કર્યું. દેસાઈએ કંપનીનું સેલ્સ, માર્કેટિંગ અને નિકાસના વિભાગની કમાન સંભાળી હતી.

ઈજા અને મૃત્યુ

15મી ઑક્ટોબરે પરાગ દેસાઈ તેમના ઘરની બહાર પડી ગયા હતા. તેઓ રખડતાં કૂતરાંએ તેમના પર કરેલા હુમલાથી બચવા ભાગી રહ્યા હતા પણ પડી ગયા હતા. આથી તેમને બ્રેઇન હૅમરેજ થઈ ગયું હતું.

સિક્યૉરિટી ગાર્ડે પરિવારને જાણ કરતા જ તેમને નજીકની શેલ્બી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. પછી સર્જરી માટે ઝાયડસ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી.

પીટીઆઈ મુજબ પરિવારે જણાવ્યું કે તેઓ 7 દિવસ સુધી હૉસ્પિટલમાં રહ્યા પછી રવિવાર, 22મી ઑક્ટોબરે સાંજે સાત વાગ્યે તેમણે આખરી શ્વાસ લીધા.

બિઝનેસમાં સફળતા

પરાગ દેસાઈનો ટી ગ્રૂપની કાયાપલટમાં મોટો ફાળો હતો. તેમણે 70થી વધુ ટી લાઉન્જ લૉન્ચ કરી અને ટી વર્લ્ડ કૅફે પણ ખોલ્યાં. તેમણે ગ્રૂપના ઇકૉર્મસને મજબૂતી આપીને સોશિયલ મીડિયામાં પ્રચાર વધાર્યો.

સીઆઈઆઈ (કોન્ફેડેરશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી) સહિતનાં મંચો સાથે તેઓ જોડાયેલા હતા.

ફોર્બ્સ ઇન્ડિયા અનુસાર વાઘબકરી ભારતમાં ટાટા અને હિંદુસ્તાન યુનિલિવર પછી ત્રીજા નંબરની સૌથી મોટી પૅકેજ્ડ ટી કંપની છે.

વાઘબકરી ચાનો પાયો કઈ રીતે નંખાયો અને એમાં તેઓ કઈ રીતે સંકળાયા એની વાત કરીએ તો, ગાંધીજીને અનુસરતા પરાગ દેસાઈના દાદા આફ્રિકામાં ચાનો બગીચો મૂકી અમદાવાદ આવ્યા હતા. પછી તેમણે અમદાવાદના કોટ વિસ્તારમાં ચાની દુકાન કરી હતી.

તેઓ 80ના દશક સુધી અમદાવાદ અને એની આસપાસનાં ગામો સુધી સીમિત રહેલી વાઘબકરી ચા આંતરરાષ્ટ્રીય સ્તરે કેવી રીતે પહોંચી એની વાત કરતા વેસ્ટર્ન ઇન્ડિયા ટી ડીલર્સ એસોશિયેશનના ઉપ-પ્રમુખ અશોક રેલીયાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવી.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "1990ના દશકમાં સૌ પ્રથમ પરાગ દેસાઈએ ઈ-પ્લૅટફૉર્મ પર ચાનું માર્કેટિંગ શરૂ કર્યું હતું અને 1992માં વાઘબકરી ચાને ઍક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું."

"એના થોડા સમય પછી દેશભરમાં કૉફી હાઉસની ચેઇનની શરૂઆત થઈ અને ચાને લક્ઝ્યુરિયસ સ્ટેટસ મળ્યું નહોતું. આ સમય ચા માટે નિર્ણાયક હતો."

"ચા એટલે લારી પર પીવાની, એવું વાત માનવામાં આવતી હતી. યુવાનોમાં કૉફી પીવાનું ચલણ વધ્યું હતું. આ સમયે પરાગ દેસાઈએ પોતાના પૈતૃક ધંધામાં ઇનોવેશન લાવવાનું નક્કી કર્યું અને એમને રિસર્ચ કરીને ટીલાઉન્જ ચાલુ કરી."

"એમાં કૉફી હાઉસ જેવી હૉસ્પિટાલિટી ઉપરાંત ચા સાથે યુવાનોને ગમે એવા નાસ્તા પણ નક્કી થયા."

"આ ટીલાઉન્જની શરૂઆત એમને પહેલાં જયપુરમાં કરી હતી. ત્યારબાદ મુંબઈમાં કરી. જયપુરમાં શરૂઆતમાં વાઘબકરીની ટીલાઉન્જ સફળ ના થઈ, પણ મુંબઈમાં સફળ થઈ."

"એ પછી વાઘબકરીએ આઈસ ટી, ગ્રીન ટી ઉપરાંત અલગ-અલગ ફ્લેવરની વેનિલા ટી, ચૉકલેટ ટી શરૂ કરી જે સફળ થતા દેશનાં 17 રાજ્યો અને વિદેશમાં 14 દેશોમાં ટીલાઉન્જ ચાલુ કરી. અને 100 કરોડનું ટર્નઓવર કરતી આ કંપની 2000 કરોડનું ટર્નઓવર કરતી થઈ ગઈ."

ભારત પ્રત્યેનો પ્રેમ

પરાગ દેસાઈના મિત્ર અને કચ્છ ચેમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ રાજેશ ભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "પરાગ દેસાઈએ અમેરિકામાં માર્કેટિંગમાં એમ.બી.એનો કોર્સ કર્યો પછી એમની સાથે ભણનારા એમના મિત્ર વિદેશમાં સેટલ થઈ ગયા, પણ પરાગ દેસાઈ ભારત પરત આવ્યા હતા."

"તેઓ એમના પૈતૃક ધંધામાં જોડાયા હતા પણ ખરા. એમના ભારત પ્રત્યેના પ્રેમને કારણે એ ભારત આવ્યા હતા અને એમને જોયું કે વાઘબકરી ચાનો ગ્રાહક પૈસાદાર વર્ગ, મધ્યમ વર્ગ, નિમ્ન આવક ધરાવતો વર્ગ અને ચાની લારીવાળા પણ હતા. ચાની લારીવાળા માટે વાઘબકરીની ભૂકી ચા વેચાતી હતી."

"એટલે વાઘબકરી ચા ખરેખર સમાજના તમામ વર્ગમાં વપરાશમાં હતી. માર્કેટિંગના માહિર પરાગ દેસાઈએ ધંધાના કેટલાક નિયમો એમના પિતા પાસેથી શીખ્યા હતા. અમદાવાદના કોટ વિસ્તારમાં એમની દુકાન હતી ત્યાં પહેલાં છૂટકમાં ચા વેચાતી હતી."

"પરંતુ 1980ના દશકમાં અમદાવાદમાં કોમી હિંસા બહુ થઈ ત્યારે એમના પિતાએ ચાને પૅકેટમાં વેચવાનું શરૂ કર્યું હતું. જે સફળ ગયું હતું. "

"પછી ચા ઍક્સપોર્ટ પણ થતી હતી. પોતાના પૈતૃક ધંધામાં જોડાયેલા પરાગ દેસાઈએ 1990ના દશકમાં ચાનું ઈ-માર્કેટિંગ શરૂ કર્યું હતું. ત્યારબાદ એમને ટીલાઉન્જ શરૂ કરી અને દેશ અને દુનિયામાં પહોંચી ગયા."

મિત્રો અને પરિવારે શું કહ્યું?

અમદાવાદના થલતેજના સ્મશાનગૃહમાં એમના અગ્નિ સંસ્કાર સમયે એકત્રિત થયેલા ઉદ્યોગપતિમાંથી એક એવા ઉદ્યોગપતિ કેતન પટેલે બીબીસીને કહ્યું કે, "સવારે તેઓ મૉર્નિંગ વોક પર નીકળ્યા ત્યારે રસ્તે રખડતા કૂતરાં એમની પાછળ પડ્યા અને એ પડી ગયા આથી માથામાં ઈજા થઈ અને બ્રેઇન હૅમરેજ થયું. જેના કારણે એમનું અવસાન થયું છે."

બોપલમાં રહેતા અને પરાગ દેસાઈના મિત્ર મનોજ શાહનું કહેવું છે કે, "એ મૉર્નિંગ વૉક વખતે ચાલતા ચાલતા કોઈ સાથે ફોન પર વાત કરતા હતા અને અચાનક બે કૂતરાંને ઝઘડતાં આવતાં જોયાં જેથી તેઓ દોડ્યા એટલે એ વખતે પગમાં ઠોકર વાગતા પડી ગયા અને બ્રેઇન હૅમરેજ થયું હતું."

પરાગ દેસાઈ રાષેશ દેસાઈના પુત્ર છે, જેઓ વાઘબકરી ગ્રૂપના એમડી છે. પરાગને પત્ની વિદિશા અને એક પુત્રી પરિશા છે.

બીબીસીએ પરાગ દેસાઈનાં પત્ની વિદિશા દેસાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ એ વાત કરી શકે એ સ્થિતિમાં નહોતા અને એમના પિતા રશેષ દેસાઈ પણ આ અંગે વાતચીત કરવાની સ્થિતિમાં નહોતા .

પરાગ દેસાઈના મિત્ર તથા એક સપ્તાહ પહેલાં સાથે ડિનર કરનારા ઝાડસ હૉસ્પિટલના ઉપ-પ્રમુખ વી.એન. શાહે બીબીસી સાથેની વાતમાં કહ્યું કે, “એમને બ્રેઇન હૅમરરેજ થયું ત્યારે તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાં હાલત નાજુક થતા અમારી હૉસ્પિટલમાં લાવ્યા હતા. એમને તાત્કાલિક ક્રિટિકલ કેરની તમામ સારવાર અપાઈ હતી પણ પરાગ દેસાઈનું બ્રેઇન હૅમરેજને કારણે રવિવારે રાત્રે નિધન થઈ ગયું."

ગાંધીવાદી નારણદાસ દેસાઈએ નાંખ્યો હતો પાયો

વાધ બકરી ગ્રૂપની સ્થાપના કરનાર એક સમર્પિત ગાંધીવાદી નારણદાસ દેસાઈએ 1892માં ચાના વેપારમાં ઝંપલાવ્યું હતું.

નારણદાસ દેસાઈ હૃદયથી એક ઉદ્યમી હતા, અને તેમણે દક્ષિણ આફ્રિકામાં ચાના બગીચાથી શરૂઆત કરી હતી. તેઓ એકલા હાથે ચાનો બગીચો સંભાળવાથી લઈને પ્રોસેસ કરીને ચા તૈયાર કરવાનું કામ દિલથી કરતા હતા. પરંતુ દક્ષિણ આફ્રિકામાં વંશીય ભેદભાવને કારણે તેમણે ભારત પરત આવવાનું નક્કી કર્યું.

તેઓ ભારત આવ્યા ત્યારે ખાલી હાથ આવ્યા હતા, તેમની પાસે ફક્ત થોડો ઘણો સામાન અને દક્ષિણ આફ્રિકામાં સૌથી ઈમાનદાર અને અનુભવી ટી એસ્ટેટના માલિક હોવાનું સર્ટિફિકેટ હતું. આ સર્ટિફિકેટ તેમને મહાત્મા ગાંધીએ આપ્યું હતું.

તેઓ ભારત આવ્યા ત્યારે ગાંધીએ તેમનું સન્માન કર્યું હતું અને 1915માં તેમણે ગુજરાત ટી ડિપોની શરૂઆત કરી અને અમદાવાદમાં ચાની દુકાનની શરૂઆત કરી. ગાંધીજીના પદચિહ્નો પર ચાલનાર દેસાઈએ કંપની મારફતે સામાજિક સમાનતાના સંદેશનો પ્રસાર કરવાનું નક્કી કર્યું અને વાઘબકરીના લોગોમાં વાઘ અને બકરી એક જ કપમાંથી ચા પીતા બતાવવામાં આવ્યા જેને ઉચ્ચ અને નિમ્ન વર્ગ સમાનતાની ભાવના તરીકે દર્શાવવામાં આવ્યા.

નારણદાસ દેસાઈના ત્રણ દીકરા હતા. રામદાસ દેસાઈ, ઓછવલાલ દેસાઈ અને કાંતિલાલ દેસાઈ એમ ત્રણેય પુત્રોએ પિતાના ધંધામાં જોડાવાનું નક્કી કર્યું.

1980 સુધી ગજરાત ટી ડિપો મારફતે દેસાઈ પરિવાર થોકમાં ચા વેચવાનો ધંધો કરતો રહ્યો, સાથે જ સાત રિટેલ આઉટલેટ (છૂટક વેચાણ માટે દુકાનો) પણ ચલાવતો હતો.

કંપનીની વેબસાઇટ પ્રમાણે દેસાઈ પરિવારની કંપનીએ જ સૌપ્રથમ 1980માં ચાને પૅકેજ કરવાની જરૂરિયાત સમજી અને ગુજરાત ટી પ્રોસેસર્સ ઍન્ડ પૅકેજર્સની સ્થાપના કરી.

કંપનીએ કોલકાતામાં ઑફિસની શરૂઆત કરી જેથી ચાનાં હરાજી કેન્દ્રો પર તેની ખરીદી પર નજર રાખી શકાય. 2006માં વાઘબકરી ચાની કૉર્પોરેટ ઑફિસની શરૂઆત કરી.

ચાના જે ધંધાનાં મૂળ છેક દક્ષિણ આફ્રિકાથી અડે છે તે આજે ભારતમાં પૅકેજ્ડ ટીની અગ્રણી કંપનીઓમાંથી એક છે અને બે હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે.

વાઘબકરી કપંનીનું પાંચ કરોડ કિલો ચાનું ડિસ્ટ્રિબ્યૂશન છે. હાલ તે 24 રાજ્યોમાં વેપાર કરે છે અને 60થી વધુ દેશોમાં ચાની નિકાસ પણ કરે છે.

વર્ષ 2017માં વાઘબકરીને ફૅમિલિ બિઝનેસ ઍવોર્ડ આપવામાં આવ્યો હતો. નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની હાજરીમાં યોજાયેલા સમારોહમાં તેમનું સન્માન કરાયું હતું.

આ પ્રંસગે તેમણે સ્થાનિક મીડિયા અનુસાર અમદાવાદ સહિત ભારતમાં ટી લોન્જ શરૂ કર્યાની જાહેરાત કરી હતી.

વાઘબકરી ગુજરાત સહિત રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, હૈદરાબાદ, છત્તીસગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ગોવા તથા પંજાબ અને કર્ણાટકામાં બહોળું માર્કેટ ધરાવે છે.