લવ બૉમ્બિંગ શું છે? લોકો આનો શિકાર કેવી રીતે બને છે?

તેઓ દિવસમાં અનેક વખત ટેક્સ્ટ મૅસેઝ, ઇમેઇલ્સ, અને ફોન કોલ્સના માધ્યમથી તમારો સંપર્ક કરે છે. તમારા વખાણ કરવામાં એ કોઈ જ કસર નથી રાખતા અને એવું દર્શાવે છે કે તમારા કરતાં વધારે એમના માટે કશું જ નથી. ભલેને તમે એમને થોડાક સમય પહેલાં જ મળ્યા હોવ, પરંતુ તેઓ તમારી ખુશામત કરવામાં અને વચનો આપવામાં કલાકો વીતાવી ચૂક્યા હોય છે.

આ પ્રકારના વર્તનને ‘લવ બૉમ્બિંગ’ કહેવાય છે.

લવ બૉમ્બિંગ અને નોકરી

ઘણીવાર આ શબ્દો ડેટિંગના સંબંધમાં ઉપયોગમાં લેવાય છે. જ્યારે કોઈ રિઝવવા માટે ખુશામતોનો પુલ બાંધે છે અથવા કંઈક એવું કરે છે કે સામેવાળી વ્યક્તિ અહેસાન માનવા લાગે.

પરંતુ લવ બૉમ્બિંગ રોમૅન્ટિક સંબંધો સુધી મર્યાદિત નથી. ઘણા લોકોને કામના ક્ષેત્રમાં પણ આવા વ્યવહારનો અનુભવ કરવો પડે છે. ઘણી કંપનીઓ પણ પોતાને ત્યાં રહેલી કર્મચારીઓની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની શોધ કરતી વખતે આવી જ રીતે વર્તે છે.

ઘણી કંપનીઓ પણ એમને ત્યાંની ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવાર સાથે આવો વ્યવહાર કરે છે હોય છે.

કંપની ખાલી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો સાથે પદ સાથે જોડાયેલી જવાબદારીઓ અને કાર્ય વિશેની માહિતી આપવાને બદલે ઉમેદવારોના અનુભવની પ્રશંસા કરવા અને વચનો આપવા પર વધુ ભાર મૂકે છે.

બેંગલુરુમાં બિઝનેસ સોલ્યુશન કંપનીના મૅનેજર રોહિત પરાશરે જણાવ્યું છે કે છેલ્લી નોકરીમાં તેમની સાથે આવું જ બન્યું હતું. તેઓ વડોદરાની એક કંપનીમાં કામ કરતા હતા અને પગારમાં વધારો ન થવાને કારણે નોકરી બદલવા હતા.

તેમણે ગુરુગ્રામની એક કંપની માટે ઇન્ટરવ્યૂ આપ્યો અને તેમની પસંદગી થઈ ગઈ.

આ દરમિયાન, અગાઉની કંપનીમાં રોહિતનો પગાર વધી ગયો, પરંતુ તેમને ગુરુગ્રામની કંપનીના એચઆર વિભાગ દ્વારા દિવસો સુધી ફોન કરી ઑફર સ્વીકારવા માટે મનાવવામાં આવ્યા હતા.

રોહિત કહે છે, "મને વારંવાર કહેવામાં આવ્યું હતું કે કંપની ફક્ત સારો પગાર જ નથી ચૂકવતી, પરંતુ અહીં ઘણી અન્ય સુવિધાઓ પણ છે. કામનું વાતાવરણ સારું છે, અમે કર્મચારીઓની ખૂબ કાળજી લઈએ છીએ, તમને તમારી પ્રોફાઇલ અનુસાર કાર્ય આપવામાં આવશે અને સારા પ્રદર્શનના આધારે પગાર પણ વધારવામાં આવશે."

લાંબી વિચારણા પછી, રોહિતે આખરે ઑફર સ્વીકારી લીધી અને વડોદરા છોડીને ગુરુગ્રામ પહોંચી ગયા.

યુએસએના સાન ફ્રાન્સિસ્કોમાં કૅરિયર કોચ સૅમૉર્ન સેલિમ કહે છે કે, "જ્યારે લેબર માર્કેટમાં ખાલી હોદ્દાને અનુરૂપ લાયક ઉમેદવારો ઉપલબ્ધ ન હોય, ત્યારે ઘણીવાર આવી વર્તણૂક જોવા મળે છે."

સૅમૉર્ન કહે છે, "આવી સ્થિતિમાં, જ્યારે કંપનીઓમાં સારી પ્રતિભા શોધવાની સ્પર્ધા હોય છે ત્યારે ઉમેદવારો મજબૂત સ્થિતિમાં હોય છે. આવામાં ભરતી કરનારાના પ્રયાસો એવા હોય છે કે કંપનીને વધુમાં વધું વિકલ્પો ઉપલબ્ધ કરાવે. જ્યારે ઉમેદવારો ઓછા હોય છે, તો તેમને આકર્ષવા ઘણો સંઘર્ષ કરવો પડે છે. "

માત્ર સારી બાબતો જ બતાવવી

ઘણી વખત કંપનીઓ ભરતી કરનારી એજન્સીઓ પર પણ દબાણ કરે છે કે તેઓ તેમની મજબૂત અને સકારાત્મક છબી જ દર્શાવે.

કૅરિયર કોચ સૅમૉર્ન સેલિમ કહે છે કે, આ રોમૅન્ટિક સંબંધની પ્રારંભિક મુલાકાતો જેવું છે, જ્યાં ભરતી કરનારી એજન્સીઓ ઉમેદવારોને પોતાની ખામીઓ અથવા નબળાઈઓને બદલે તેમની વધુ સારી બાજુઓ જ બતાવવા માગે છે.

વૈશ્વિક કક્ષાએ ભરતી કરતી કંપની સિએલોનાં બ્રિટનનાં મૅનેજિંગ ડિરેક્ટર સૅલી હન્ટર માને છે કે, ઘણા ભરતી કરનારાઓને એ વાતનો ખ્યાલ નથી હોતો કે તેઓ ‘લવ બૉમ્બિંગ’ જેવો વ્યવહાર કરે છે.

તેઓ કહે છે, "ભરતી કરનારા લોકો આશાવાદી અને વેચાણની કળામાં નિષ્ણાત હોય છે. તેમની આવી વર્તણૂક સારી ભાવનાને કારણે હોય છે. તેઓ ઇચ્છે છે કે ઉમેદવારને નોકરી પણ મળે અને તે તેમાં ખુશ પણ રહે."

પરંતુ સૅલી ચેતવણી આપે છે કે લવ બૉમ્બિંગ જેવા વર્તન પાછળ કેટલાંક અન્ય કારણો પણ હોઈ શકે છે. જ્યારે તેમને ખાલી હોદ્દા ભરવા માટે થર્ડ પાર્ટી (કંપની વગેરે) દ્વારા નીમવામાં આવે છે, ત્યારે તેઓ પોતાના ફાયદા માટે ઉમેદવારો સાથે ખૂબ જ અતિશયોક્તિવાળી વાતો કરી શકે છે.

તેઓ કહે છે, "જો ભરતી કરનારાઓનો પગાર ઓછો હોય અને તેઓ ભરતીના બદલામાં પ્રાપ્ત કમિશન પર ખૂબ નિર્ભર હોય, તો તેઓ કોઈપણ ખાલી પોસ્ટ ભરવા માટે વધુને વધુ તકો બનાવવાનો પ્રયાસ કરશે. આ માટે તેઓ ઉમેદવારો સાથે લવ બૉમ્બિંગ જેવો વ્યવહાર કરી શકે છે."

નુકશાન પહોંચાડે તેવી ખુશામત

સામાન્ય રીતે, આ બધું કોઈ ખોટાં આશયથી નથી કરવામાં આવતું, પરંતુ કંપનીઓનાં ઇરાદા ગમે તે હોય, ઘણી વખત કર્મચારીઓને પણ નુકસાન સહન કરવું પડે છે. ઉમેદવાર દબાણ હેઠળ નોકરી લઈ શકે છે, જે તેના માટે માફક ન હોય.

રોહિત પરાશર સાથે પણ આવું જ થયું. સારા ભવિષ્યની આશામાં, તેઓ ગુરુગ્રામ આવ્યા અને નવી કંપનીમાં જોડાયા બાદ જાણ્યું કે ત્યાંની વાસ્તવિકતા તો તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલી તસવીર કરતાં કંઈક જુદી જ હતી.

તે બતાવે છે, “જ્યારે ભૂલ થાય ત્યારે સિનિયર્સનું જુનિયર સભ્યો પર બૂમો પાડવાનું સામાન્ય હતું. કૉર્પોરેટ જગતમાં, દરેકને તેના નામથી બોલાવવામાં આવે છે, પરંતુ મેં જોયું કે અમારા મૅનેજર એ વાતથી ચિડાઈ ગયા કારણ કે મેં તેમના નામની આગળ 'સર' શબ્દ નહોતો લગાવ્યો. જો ટીમમાં કોઈ સમસ્યા આવે, તો મૅનેજર અલગ જગ્યાએ લઈ જઈને સમજાવાની બદલે બધાની વચ્ચે ફ્લોર પર વાત કરતા.”

નોકરી આપતી વખતે તેમને જે વિશ્વાસ આપવામાં આવ્યો હતો, તેનાથી તે વાતાવરણ તદ્દન અલગ હતું.

રોહિત કહે છે કે તેઓ એ વાતાવરણમાં પોતાને ઢાળી શક્યા નહીં અને તેમણે ચોથા મહિને જ રાજીનામું આપી દીધું.

આવુ જ કંઈક અમેરિકાનાં 46 વર્ષના કિયર્સ્ટન ગ્રેગ્સ સાથે થયું હતું. તેઓ પોતે રિક્રુટર છે એટલે તેઓ કંપનીઓ માટે ભરતીનાં કામ સાથે સંકળાયેલાં છે. તેઓ કહે છે કે વૉશિંગ્ટન ડીસીની એક કંપનીમાં તેમને નોકરી વિશેનું ફૂલગુલાબી ચિત્ર દેખાડવામાં આવ્યું હતું.

ગ્રેગ્સ કહે છે, "મને કહેવામાં આવ્યું કે આ ક્ષેત્રમાં તમારું નામ ઘણું છે. મને તો સીધી નોકરી માટે જ ઑફર આપી દેવામાં આવી. એમ કહેવામાં આવ્યું હતું કે તમે ઘરેથી કામ કરી શકો છો અને તમને વધુ સુવિધાઓ મળશે. "

પરંતુ ભરતી પ્રક્રિયા પૂરી થતાંની સાથે જ વસ્તુઓ બદલાઈ ગઈ.

પહેલા દિવસે જ, મૅનેજમૅન્ટે ગ્રેગ્સને ઓફિસે આવવાનું કહ્યું. જ્યારે તે ઓફિસે પહોંચ્યાં ત્યારે કોઈએ તેમનું સ્વાગત કર્યું નહીં, કોઈએ તેમને ટીમ સાથે પરિચય કરાવ્યો નહીં. જ્યારે તેમણે મૅનેજરનો સંપર્ક કર્યો, ત્યારે ઘરેથી કામ કરવાનો વાયદો તૂટી ગયો. તેમને કહેવામાં આવ્યું કે ઘરે થી કામ કરવું એ આ કંપનીની નીતિ નથી.

ગ્રેગ્સને નવી ઑફિસનું ખરાબ વાતાવરણ જોઈને આશ્ચર્ય થયું. ત્યાં કામ કરવાની પદ્ધતિ જોઈને ગ્રેગ્સને પણ આશ્ચર્ય થયું. ઓફિસમાં ખરાબ ભાષાનો ઉપયોગ થતો હતો. તેમણે જોયું કે અપંગ ઉમેદવારની ભરતી પ્રક્રિયા વખતે તેમની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં નહોતો થઈ રહ્યો. તેમણે આઠ દિવસ પછી જ નોકરી છોડી દીધી.

મનોબળ પર અસર

કારકિર્દી કોચ સેલિમ કહે છે કે બીજી સમસ્યા પણ છે. કેટલાક ઉમેદવારો ઑફર મેળવવાથી ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે, પરંતુ પછીથી તેમને નોકરી આપવામાં આવતી નથી.

તેઓ સમજાવે છે, "આ એટલા માટે છે કારણ કે કેટલાક રિક્રુટરો ઘણા ઉમેદવારોનો સંપર્ક કરે છે અને તેમને મૂંઝવણમાં રાખે છે, જેથી કંપનીઓ માટે વધુમાં વધુ વિકલ્પો ઉપલબ્ધ થઈ શકે. આવી સ્થિતિમાં, જો તેઓ કોઈને કહે કે તમે ભરતીપ્રક્રિયામાં બાકીના ઉમેદવારો કરતાં આગળ ચાલી રહ્યા છો, તો તેનો અર્થ એ નથી કે તમને નોકરી મળશે."

કારકિર્દી સલાહકાર પરવીન મલ્હોત્રા આનું બીજું એક કારણ પણ આપે છે.

તે કહે છે, "સામાન્ય રીતે આવું ઓછી નોકરીઓ અને વધુ ઉમેદવારો હોવાને કારણે થાય છે. પરંતુ ઘણી વખત એવું પણ જોવા મળે છે કે કંપનીએ પહેલેથી જ નક્કી કરી રાખ્યું હોઈ છે કે કઈ પોસ્ટ પર કોને રાખવાના છે. પારદર્શક દેખાવા માટે, તેઓ જાહેરાતો પ્રકાશિત કરે છે અને ભરતી પ્રક્રિયાનો ડોળ કરે છે."

પરંતુ આમ કરવાથી માત્ર ઉમેદવારનું મનોબળ નથી તૂટતું પરંતુ આર્થિક નુકસાન પણ થઈ શકે છે. બની શકે છે કે તેમણે કોઈક સારી જોબ ઑફર નકારી હોય બીજી લવ બૉમ્બિંગ કરતી કંપનીના શિકાર બની.

કેવી રીતે બચવું?

રિક્રુટર કેવી રીતે એક ઉમેદવાર જોડે વર્તે છે તે બદલવું તો મુશ્કેલ છે. પરંતુ જ્યારે તમને ખબર પડે કે ‘લવ બૉમ્બિંગ’ જેવો વ્યવહાર થઈ રહ્યો છે, ત્યારે ચેતી જવું જોઈએ.

સાન ફ્રાન્સિસ્કોમાં કૅરિયર કોચ સૅમૉર્ન સેલિમ કહે છે, “ઉમેદવારોએ સંકેતો પકડવા જોઈએ. ભરતી કરતી વખતે ઉમેદવારના અનુભવ અને પ્રતિભાની પ્રશંસા કરવી સામાન્ય વાત છે. આમ પણ, નોકરી ઓફર કરતી વખતે ઉમેદવારને મહત્ત્વ આપવું જરૂરી છે, પરંતુ જ્યારે અતિશયોક્તિ કરવામાં આવતી હોય અથવા પારદર્શિતા અપનાવવામાં ન આવી રહી હોય, ત્યારે ઉમેદવારોએ સાવચેત થઈ જવું જોઈએ."

કારકિર્દીના સલાહકાર પરવીન મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, "એવું કહેવામાં આવે છે કે ખરીદનારે ખરીદી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. આ સિદ્ધાંત નોકરી શોધવાના મામલામાં પણ લાગુ પડે છે."

તે કહે છે, "ઘણી વખત એવું બને છે કે કંપનીએ જેના વાયદા કર્યાં હતા તેનો અડધો ભાગ પણ મળતો નથી. આવામાં, આ જવાબદારી ઉમેદવારોની છે કે કંપની વિશેની માહિતી એકત્રિત કરે. અગાઉ આ કાર્ય મુશ્કેલ હતું, પરંતુ હવે ઘણા કર્મચારીઓ કંપની છોડ્યા બાદ તેના વિશે ઑનલાઇન રિવ્યૂ આપે છે. એટલે, હવે ઑનલાઇન ખાતરી કરી શકાય છે કે કોઈ પણ કંપનીનું વાતાવરણ કેવું છે, તેની નીતિઓ શું છે અને કંપની કેવી છે."

એટલે કે લવ બૉમ્બિંગ અને તેનાથી થતા નુકસાનથી બચવાની એક જ રીત છે - સાવચેતી રાખવી.

કૅરિયર કોચ સૅમૉર્ન સેલિમ કહે છે, "જ્યારે પણ મોટા પાયે છટણીનો તબક્કો આવે છે, ત્યારે પણ કોઈક ક્ષેત્રમાં નિપુણતા ધરાવતા ઉમેદ્દવારો પાસે ઘણા વિકલ્પો હોય છે. પછી નોકરીની પસંદગી કરતી વખતે, તેઓ પગાર ઉપરાંત પણ ઘણી બધી વસ્તુઓનું ધ્યાન રાખે છે, જેમકે કંપનીમાં કામનું વાતાવરણ કેવું છે. આમ પણ ભરતી કરનારાઓ તો કોશિશ કરતા હોય છે કે જે પદ ભરવાનું હોય તેના વિષે સારી સારી વાતો કહે અને ઉમેદવારોને પણ તેઓ કંઈક વિશિષ્ટ હોવાનો અનુભવ કરાવે."