આખો દિવસ કૂવામાં મજૂરી કરવાની, સૂઈ જાય માટે રાતે દારૂ પિવડાવતા, મજૂરો પર કેવો અત્યાચાર થતો?

    • લેેખક, પ્રવીણ ઠાકરે
    • પદ, બીબીસી મરાઠી માટે, ઉસ્માનાબાદથી

મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ જિલ્લામાં વેઠિયાગીરીની ઘટના બહાર આવી છે.

ઉસ્માનાબાદના ભૂમ તાલુકામાં કૂવાનું કામ કરતા કૉન્ટ્રાક્ટર દલાલો મારફત મજૂરો ખરીદીને તેમની પાસે 12થી 14 કલાક કામ કરાવતા હોવાનું સામે આવ્યું છે.

એ પૈકીના એક મજૂરના પગમાં ઈજા થઈ હતી. એ ઈજાની સારવાર તો દૂર રહી, તેને કામમાંથી મુક્તિ પણ આપવામાં આવી ન હતી. ઉપરાંત આ મજૂરો ભાગી ન જાય એટલા માટે તમામના પગ સાંકળથી બાંધી દેવામાં આવ્યા હતા.

બે મજૂર પાસે જે મોબાઇલ ફોન હતા તે, તેઓ કોઈનો સંપર્ક ન કરી શકે એટલા માટે છીનવી લેવામાં આવ્યા હતા. બધા મજૂરોના ખિસ્સામાંથી તમામ દસ્તાવેજ લઈ લેવામાં આવ્યા હતા.

કોઈ મજૂર વિરોધ કરે તો તેને લાકડીઓ અને મશીનના પાઇપ વડે માર મારવામાં આવતો હતો. તમામ પાસે અત્યંત પાશવી રીતે કામ કરાવવામાં આવતું હતું અને પછી તેમને બળજબરીથી દારૂ પીવડાવવામાં આવતો હતો. તેથી મજૂરો ચુપચાપ ઊંઘી જતા હતા.

પોલીસ પાસેથી શું માહિતી મળી?

પોલીસને આ અમાનવીય કૃત્યની જાણ થઈ ત્યારે તેમણે બે જગ્યાએથી 11 મજૂરોને ઉગાર્યાં હતા. પોલીસે આ મામલે સાત આરોપી સામે કેસ નોંધ્યો છે. એક મહિલા અને એક કિશોર આરોપી સહિત ત્રણ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેમને ચાર દિવસની પોલીસ રિમાન્ડ આપવામાં આવી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, કુલ 11 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. એ તમામ અલગ-અલગ જિલ્લાના છે. એ તમામને અહમદનગર જિલ્લાના રેલવે સ્ટેશન નજીકના લેબર કૅમ્પમાંથી લાવવામાં આવ્યા હતા. એ પૈકીના કેટલાક માતા-પિતા સાથેના વિવાદને કારણે અને કેટલાક ગામમાં રોજગાર મળતો ન હોવાથી અહીં આવ્યા હતા. એક મજૂરની દીકરીનાં લગ્ન હતાં એટલે તે થોડા પૈસા કમાવા અહીં આવ્યો હતો.

જોકે, એક દલાલે કામ અપાવવાના બહાને તમામને ઉસ્માનાબાદ જિલ્લામાં મોકલી આપ્યા હતા. એ પછી તેમને ઉસ્માનાબાદ તાલુકાના વખારવાડી ખામસવાડી ગામે કૂવાનું કામ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા.

મજૂરોને કઈ રીતે ત્રાસ આપવામાં આવતો હતો?

આ મજૂરો પાસે સવારે છ-સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અથવા કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી કૂવામાં કામ કરાવવામાં આવતું હતું. રાતે તેમને ભોજન આપવામાં આવતું હતું.

મજૂરો ભાગી ન જાય એટલા માટે તેમને સાંકળ વડે બાંધી રાખવામાં આવતા હતા. પ્રતિકાર કરતા મજૂરોને નિર્દયતાથી માર મારવામાં આવતો હતો. સતત 14 કલાક પાણીમાં કામ કરવાને કારણે બધા મજૂરોના પગમાં ગંભીર ઈજા થઈ હતી.

તેમાંનો એક મજૂર ઔરંગાબાદ જિલ્લાનો પ્રણવ હતો. પ્રણવના પગમાં ગંભીર ઈજા થઈ હોવા છતાં તેણે કામ કરવું પડતું હતું. પ્રણવની હાલ ઔરંગાબાદમાં સારવાર ચાલી રહી છે. સારવારમાં વિલંબ થયો હોત તો પ્રણવે પગ ગુમાવવો પડ્યો હોત.

બંધક બનાવવામાં આવેલા 11 પૈકીના છ અને પાંચ મજૂરોને અલગ-અલગ સ્થળે લઈ જવામાં આવ્યા હતા. એ પૈકીનો એક મજૂર કોઈક રીતે નાસી છૂટવામાં સફળ થયો હતો અને તેણે તેના પરિવારને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી.

એ પછી તે મજૂરના પરિવારજનો ઉસ્માનાબાદના ઢોકી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તેમની વાત પર પોલીસને વિશ્વાસ થયો ન હતો, પરંતુ મજૂરોની વિનંતી બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પોલીસે મજૂરોને ઉગારી લીધા હતા અને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

ધરપકડ કરાયેલા આરોપી પૈકીના કૉન્ટ્રાક્ટર ક્રિષ્ના બાલુ શિંદે, કિરણ, સંતોષ શિવાજી જાધવ અને અન્ય બે વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

‘પગ સડી જવા છતાં તે કામ કરતો હતો’

હિંગોળી જિલ્લાના સેનગાંવ તાલુકાના કાવઠા ગામના બે પિતરાઈ ભાઈ ભગવાન ધુકસે અને સંદીપ ધુકસે કામની શોધમાં અહમદનગર આવ્યા હતા. તમને કામ અપાવીશ એવું કહીને એક દલાલ તેમને એક ઢાબા પર લઈ ગયો હતો. ઢાબા પર તેમને દારૂ પીવડાવ્યો હતો.

ભગવાન ધુકસે કહે છે, “અમે કારમાં આખો દિવસ પ્રવાસ કર્યો હતો. એ કાર સાંજે એક કૂવા પાસે લાવવામાં આવી હતી, જેથી કોઈને ખબર ન પડે. અમે બે ભાઈ ત્યાંથી છૂટા પડ્યા હતા. સંદીપને બીજા કૂવાનું કામ કરવા મોકલ્યો હતો. એ રાતે પણ અમે દારૂ પીધો હતો અને ઊંઘી ગયા હતા.”

“બીજા દિવસે વહેલી સવારે અમને કૂવામાં કામ કરવા ઉતારવામાં આવ્યા હતા. ચા-નાસ્તો કશું આપવામાં આવ્યું ન હતું. બીજા મજૂરોને પૂછ્યું ત્યારે ખબર પડી હતી કે ત્યાં ફક્ત દારૂ જ મળે છે. જમવાનો સમય મળતો નથી. સાંજે કામ પૂરું થયા પછી ફરી દારૂ આપવામાં આવ્યો ત્યારે મેં વિરોધ કર્યો એટલે મને માર મારવામાં આવ્યો હતો. આવી રીતે જ ચાલતું રહ્યું. કંઈ પણ થાય તો હાથમાં પથ્થર કે લાકડી જે હોય તેનાથી માર મારવામાં આવતો હતો.”

ભગવાન ધુકસે ઉમેરે છે, “મારી સાથે કામ કરતા એક છોકરાનો પગ સડી ગયો હતો છતાં તે કામ કરતો હતો. મને સમજાઈ ગયું હતું કે આવું ચાલતું જ રહેશે. જમવામાં એક રોટલી અને ચટણી આપવામાં આવતી હતી. તમે તે ન ખાઓ તો પણ માર મારવામાં આવતો હતો. વિરોધ કેવી રીતે કરવો? આતંક હતો. સ્નાનની વ્યવસ્થાની વાત જવા દો, શૌચાલય માટે પાણી સુધ્ધાં મળતું ન હતું. આવી રીતે દિવસો કાઢ્યા હતા.”

“પછી મેં વિચાર્યું કે કોઈ પણ રીતે મરવાનું તો છે જ. એટલે એક સવારે ત્રણ વાગ્યે હું નાસી છૂટ્યો. ચંપલ પહેરી રાખ્યાં હતાં. પગમાં બાંધેલી સાંકળમાં નાનું તાળું મારેલું હતું. તેને ખોલવાના પ્રયાસ કર્યા પણ ખૂલ્યું નહીં. મારી આંગળી સોજી ગઈ હતી. અર્ધો કલાક મહેનત કર્યા પછી હું શેરડીના ખેતરની આડશમાં ભાગતો રહ્યો. ક્યાં જઈ રહ્યો છું તેની ખબર ન હતી. ટ્રેન જે દિશામાં જતી હતી એ દિશામાં હું આગળ વધતો રહ્યો.”

ભગવાન ધુકસે કહે છે, “થોડો સમય નજીકના ગામમાં ગયો. અંતર ચાર કિલોમીટરનું જ હતું, પરંતુ હું ફરતો ફરતો ગયો એટલે અઢી કલાક થયા. ઇલેક્ટ્રિકની દુકાનમાં જઈને પૂછ્યું, ફોન પે છે? ફોન પે મારફત ઘરેથી રૂ. 500 મગાવ્યા. ત્યાંથી હું લાતુર ગયો. ત્યાં મારો ભાઈ અને દોસ્તો હતો. મારી સાથે શું થયું હતું એ જણાવ્યું અને બે કારમાં 30-40 માણસોને લઈને અમે ઢોકી પોલીસ સ્ટેશન પહોંચ્યા.”

“પોલીસ સ્ટેશનમાં મારી વ્યથા કહી ત્યારે પહેલાં તો પોલીસ મારી વાત માનવા તૈયાર ન હતી. તેમણે કહ્યું કે આવું બને જ નહીં, પરંતુ મેં તેમને વિનંતી કરી અને તેમને ઘટનાસ્થળે લઈ ગયો. ત્યાં બધું દેખાડ્યું. સાંકળો દેખાડી. આરોપીની અટકાયત કરીને પોલીસે તેમની પાસેથી મારા ભાઈ વિશે માહિતી મેળવી અને તેને છોડાવ્યો. આ લોકોનું એક નેટવર્ક છે. કૂવામાં બે જ માણસ હોય છે, પરંતુ એક ફોન આવતાની સાથે જ થોડી મિનિટોમાં બધા એકઠા થઈ જાય છે.”

‘રાતે દારૂ પીવડાવે અને સાંકળથી બાંધી દે’

અમોલ નિમ્બાલકર વાશિમ જિલ્લાના સેલુ બજારનો રહેવાસી છે. પરિવાર સાથે વિવાદ થતાં તે કામ અર્થે અહમદનગર આવ્યો હતો.

અમોલ કહે છે, “અહમદનગર પહોંચ્યા પછી હું રેલવે સ્ટેશને બેઠો હતો. ત્યાં હિંગોલીના બે યુવક સાથે મુલાકાત થઈ. તેમની સાથે વાત કરતો હતો ત્યાં એક એજન્ટ આવ્યો. તેણે અમને પૂછ્યું, કામ કરશો? અમે હા પાડી. તે અમને ઑટોમાં બેસાડીને લઈ ગયો અને અમારા માટે દારૂની વ્યવસ્થા કરી. અમે નશામાં ચકચૂર થઈ ગયા પછી તે અમને જંગલમાં એક ઢાબા પાસે લઈ ગયો. ત્યાર બાદ કૉન્ટ્રાક્ટરના વાહનમાં અમને છ જણાને બેસાડીને અલગ કર્યા અને રાતે કૂવા પાસે લઈ જવામાં આવ્યા હતા. એ પછી અમને સાંકળ વડે બાંધી દેવામાં આવ્યા હતા.”

“તમે અમને સાંકળ વડે શા માટે બાંધો છો, એવું પૂછ્યું ત્યારે તે મને માર મારવા લાગ્યો હતો. મને માર પડ્યો એટલે ડરી ગયેલા બીજા બે લોકોએ કોઈ સવાલ કર્યો નહીં. એ પછી તેણે અમારા ખિસ્સામાંથી મોબાઇલ અને પૈસા કાઢી લીધા હતા. તેણે અમને સવારે સાડા પાંચે જગાડ્યા હતા. અમે શૌચક્રિયા કરવા ગયા ત્યારે પણ તેનો માણસ અમારી પાછળ આવ્યો હતો. તેણે અમને દાંત પણ સાફ કરવા દીધા ન હતા. સીધા કૂવામાં કામ કરવા ઉતાર્યા હતા. 10 વાગ્યે અમને જમવાનું આપ્યું હતું.”

અમોલ ઉમેરે છે, “બપોરે ભોજનમાં એક ભાખરી, ચટણી, તીખું તમતમતું રીંગણનું ભરપૂર રસાદાર શાક. રાતે જમી લીધા પછી અમને દારૂ પીવડાવવામાં આવતો હતો. તેથી અમે બધું ભૂલી જતા હતા. પછી અમારા પગ સાંકળ વડે બાંધી દેવામાં આવતા હતા. કૂવામાં કામ ઓછું કરીએ તો ઉપરથી પથ્થર ફેંકવામાં આવતા હતા. તેમાં મારા હાથમાં ઈજા થઈ. વિસ્ફોટ માટે દારૂગોળો ઠૂંસવાની એક લાકડી હોય છે. તેના વડે મને માર મારવામાં આવ્યો હતો. કૉન્ટ્રાક્ટરની માતા પણ ગાળાગાળી કરતી હતી. એ પરિસ્થિતિમાં અનેક દિવસો પસાર કર્યા.”

“મેં કૉન્ટ્રાક્ટર ક્રિષ્નાને શરૂઆતમાં કહ્યું હતું કે તમારા ફોન પરથી મને ઘરે ફોન કરવા દો. તેણે એક-બે વખત સાંભળ્યું હતું. ત્રીજી વખતે મને ખતમ કરી નાખવાની ધમકી આપી હતી. પ્રણવ મારી સાથે હતો. તેના પગમાં ગંભીર જખમ થયો હતો. સતત પાણીમાં કામ કરવાને કારણે જખમ વકરતો હતો.”

“મેં ક્રિષ્નાને કહ્યું કે પ્રણવના પગનો જખમ વકરી રહ્યો છે. તેને હૉસ્પિટલે જવા દો. ક્રિષ્નાએ મારી વાત સાંભળી નહીં. એક વાર પ્રણવે કૂવાના માલિક સાથે વાત કરી. એ ક્રિષ્નાના ભાઈએ સાંભળી પછી ક્રિષ્નાએ પ્રણવને હોઝ પાઇપ વડે એટલો જોરદાર માર્યો હતો કે તે કહી શકાય તેમ નથી.”

“હું નાસી છૂટવા ઇચ્છતો હતો, પરંતુ સવારે છ વાગ્યાથી રાત સુધી કૂવામાં કામ કરીને બહાર આવું કે તરત મને સાંકળ વડે બાંધી દેવામાં આવતો હતો. બન્ને પગ વચ્ચે એક જ ફૂટનું અંતર હોય તેમાં ભાગવું કઈ રીતે? આજુબાજુ કૉન્ટ્રાક્ટરના સગાસંબંધીઓનું કામ ચાલુ હોય.”

“મારા પગ પર ઈજા થઈ હતી ત્યારે મામા, કાકા, કાકી, માસી બધાએ મને હૉસ્પિટલે લઈ જવા કૉન્ટ્રાક્ટરને જણાવ્યું ત્યારે તેણે મારા જખમ પર બ્લાસ્ટિંગના દારૂગોળાનો ટુકડો લગાવ્યો. અસહ્ય પીડાને કારણે હું રડી પડ્યો હતો. બે કલાક સુધી માટીમાં પગ ઘસતો રહ્યો હતો, એટલી પીડા થઈ હતી, પરંતુ તેણે જરાય દયા દાખવી ન હતી. હવે હું મારા ગામ ચાલ્યો જઈશ અને ત્યાં કામ કરીશ. અહીં રોજના રૂ. 500 મળતા હતા, ગામમાં રૂ. 150 મળશે, પણ કામ તો ગામમાં જ કરીશ.”

‘કૉન્ટ્રાક્ટર દારૂગોળો ઠૂંસવાની લાકડી વડે મારતો હતો’

વાશિમ જિલ્લાના માંનોર તાલુકાના રુઇ ગામનો ભારત રાઠોડ તેમનાં માતા સાથે રહે છે. પિતાનું અવસાન થયું છે. મા-દીકરો ખેતીકામ કે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે.

ભારતના પગ અને આંખની નજીકના જખમ હજુ રુઝાયા નથી. તે કહે છે, “ક્રિષ્ના અને સંતોષ કૉન્ટ્રાક્ટર બહુ મારતા હતા. હું અને મારો મિત્ર તેમના માટે કામ કરતા હતા. પહેલાં દલાલે અને પછી સંતોષે અમને દારૂ પીવડાવ્યો હતો. પાણીમાં મીઠું-મરચું નાખેલું રીંગણનું શાક અને એક ભાખરી અમને ખાવા આપ્યાં હતાં. પછી અમને સાંકળથી બાંધવામાં આવ્યા ત્યારે મારા દોસ્ત સંજયે તેનો વિરોધ કર્યો એટલે નિર્દય રીતે માર મારવામાં આવ્યો હતો.”

“મેં અને મારા મિત્રએ તેમને કહ્યું હતું કે અમે કામ કરવા આવ્યા છીએ. કામ કરાવો. તમે અમને ખરીદ્યા નથી. સાંકળથી શા માટે બાંધો છો? તેમણે અમને બહુ માર્યા. ખેડૂતો આવતા-જતા અને બધું જોતા હતા. મેં પાંચ-છ કૂવાનું કામ કર્યું છે. મને એક બીમારી છે. તેથી હું એન્જિનને હાથ લગાવતો નથી, કારણ કે એન્જિનને ચલાવું ત્યારે મને ધ્રુજારી થાય છે. તેથી કૉન્ટ્રાક્ટરે મને દારૂગોળો ઠૂંસવાની લાકડી વડે બહુ માર માર્યો હતો.”

“કેટલાક કૂવામાંથી ગાળ કાઢવો પડતો હતો. આઠ-આઠ ફૂટ ગાળ હોય, પણ કામ કર્યા સિવાય છૂટકો ન હતો. કામ ન કરીએ તો લાકડી વડે માર મારવામાં આવતો હતો. એન્જિનનો એક પાઇપ તૂટેલો હતો તે લઈને કૉન્ટ્રાક્ટર કૂવામાં આવતો અને માર મારતો. ડરીડરીને કામ કરવું પડતું હતું. પેશાબ કે સંડાસ, બધું કૂવામાં જ કરવું પડતું હતું. અંદરની માટી બહાર કાઢવી પડતી હતી.”

ભારત ઉમેરે છે, “હવે હું મુક્ત થઈ ગયો છું, પરંતુ મારી માતાને એમ કહ્યું હતું કે પૈસા ચાંઉ થઈ ગયા છે એટલે હું પોલીસ સ્ટેશનમાં છું. મારી માતાએ કહેલું કે પૈસા મળે કે ન મળે, પણ તું ઘરે પાછો આવી જા. હું એકલી છું. મારી માતાનું ઑપરેશન થયું છે. તેને બધી વાત કેવી રીતે કરવી તે સમજાતું ન હતું. તેના પેટમાં ગાંઠ થઈ હતી. આટલી બીમાર વ્યક્તિને આપણી આપવીતી કઈ રીતે કહેવી?”

‘સવારે કૂવામાં ઊતરવાનું, છેક રાતે જ બહાર નીકળવાનું’

નાંદેડ જિલ્લાના આટકુર ગામના મારુતિ જટાલકરનો પત્ની, ત્રણ પુત્રી અને માતા-પિતાનો પરિવાર છે. મજૂરી કરીને તેઓ ગુજરાન ચલાવે છે. મારુતિ પરિવારનો આધારસ્તંભ છે.

2023ની 15, મેએ મારુતિની મોટી પુત્રીનાં લગ્ન હતાં. ઉનાળામાં ગામમાં કોઈ કામ ન હોવાથી મારુતિ કામની શોધમાં અહમદનગર ગયા હતા અને દલાલના સંપર્કમાં આવ્યા હતા.

મારુતિએ વિચાર્યું હતું કે રોજના રૂ. 500 મજૂરી લેખે 15-20 દિવસ કામ કરીશ તો લગ્ન પહેલાં થોડા પૈસા એકઠા કરી શકાશે, પરંતુ તેઓ દીકરીનાં લગ્નમાં પણ ન જઈ શક્યા કે પરિવારનો સંપર્ક પણ ન કરી શક્યા. હવે સંપર્ક થયો ત્યારે જાણવા મળ્યું કે દીકરીનાં લગ્ન થઈ ગયાં છે. પરિવારના લોકો અને મારુતિ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા.

મારુતિ કહે છે, “મેં કૉન્ટ્રાક્ટરને મારી દીકરીનાં લગ્નની વાત કરી અને ફોન પાછો આપવાનું કહ્યું ત્યારે કૉન્ટ્રાક્ટરે મને પહેલી વાર કહ્યું હતું કે તને પૈસા આપીને અહીં લાવ્યા છીએ. તે વસૂલ નહીં થાય ત્યાં સુધી પૈસા મળશે નહીં. લગ્ન માટે ફોન પે મારફત પૈસા મોકલવાનું કહ્યું ત્યારે કૉન્ટ્રાક્ટરે ગાળાગાળી કરી હતી અને મને માર માર્યો હતો.”

“હું રડતો-રડતો ફરી કામે લાગ્યો. સવારે કૂવામાં ઊતરતો હતો અને છેક રાત્રે બહાર નીકળતો હતો. પેશાબ, સંડાસ બધું જ કૂવામાં કરવું પડતું હતું. બપોરે ભોજન માગો તો કહેતા કે ભોજન એક જ વાર મળશે. ભોજન બનાવવા બેસીએ તો કામમાં વધુ સમય લાગે.”

મારુતિએ કુલ એક મહિનો અને 18 દિવસ કામ કર્યું હતું, પરંતુ મજૂરીપેટે એક રૂપિયો મળ્યો નહીં. હવે તેમની ઇચ્છા ગામમાં જ કામ કરવાની છે.

પોલીસે સ્વખર્ચે મજૂરોને ઘરે પહોંચાડ્યા

ઢોકી પોલીસ સ્ટેશનના પ્રભારી ઇન્સ્પેક્ટર જગદીશ રાઉતે કહ્યું હતું કે “કેટલાક લોકોને સાંકળ બાંધીને કામ કરાવવામાં આવતું હોવાનું અમને જણાવવામાં આવ્યું હતું. અમને શરૂઆતમાં તે ખોટી લાગી હતી, પરંતુ બાદમાં અમે પોલીસવડા અતુલ કુલકર્ણીને જાણ કરી હતી. પછી તેમના માર્ગદર્શન હેઠળ એક ટીમ તૈયાર કરવામાં આવી હતી.”

જગદીશ રાઉતે ઉમેર્યું હતું કે “પોલીસ ટીમ વાખારવાડી ગામમાં પહોંચી ત્યારે કૂવામાં પાંચ મજૂરકામ કરતા જોવા મળ્યા હતા. તેમને પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેમની પાસે દરરોજ 12 કલાક કામ કરાવવામાં આવે છે અને રાતે તેમને સાંકળથી બાંધી દેવામાં આવે છે, જેથી તેઓ ભાગી ન જાય. બાજુના ખામસવાડી ગામમાં વધુ છ મજૂરો કામ કરતા હોવાની માહિતી તેમણે આપી હતી. ત્યાં જ સમાન પરિસ્થિતિ હતી. ખામસવાડીના છ મજૂરોને બાદમાં મુક્ત કરાવવામાં આવ્યા હતા.”

“અમે મજૂરોને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમને દિવસમાં એક જ વખત ભોજન આપવામાં આવે છે અને તેમણે શૌચક્રિયા કૂવામાં જ કરવી પડે છે. બાદમાં માનવકચરો ટોપલીમાં ભરીને બહાર ફેંકવામાં આવે છે.”

મુક્ત કરવામાં આવેલા તમામ 11 મજૂરોની તબીબી સારવાર કરવામાં આવી હતી અને બાદમાં તેમને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. તેમને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા પોલીસે સ્વખર્ચે કરી હતી. કૉન્ટ્રાક્ટરોએ મજૂરોને મહેનતાણું ચૂકવ્યું નથી, પણ પોલીસ તેના પુરાવા એકઠા કરી રહી છે.

શ્રમ વિભાગના પ્રતિનિધિ અને મામલતદારે પણ મજૂરોની મુલાકાત લીધી છે.

જગદીશ રાઉતના કહેવા મુજબ, “અમે માનવતસ્કરી પર ચાંપતી નજર રાખી રહ્યા છીએ અને પોલીસની બે ટીમ એ દિશામાં કામ કરી રહી છે. કૉન્ટ્રાક્ટરોને આવા મજૂર વેચતા કેટલાક અન્ય એજન્ટો વિશે પણ અમને માહિતી મળી છે.”

“વર્તમાન કિસ્સામાં કૉન્ટ્રાક્ટરોએ મજૂરોને મહેનતાણા પેટે એક રૂપિયો સુધ્ધાં ચૂકવ્યો ન હતો અને તેમને માનસિક ત્રાસ આપ્યો હતો. આવી પરિસ્થિતમાં તેઓ મજૂરો પાસે ચાર-પાંચ મહિના કામ કરાવતા હોય છે. તેથી મજૂર મહેનતાણાના પૈસા માગ્યા વિના મજબૂરીમાં ભાગી જાય છે.”

દરમિયાન, પોલીસે કૉન્ટ્રાક્ટર સંતોષ જાધવ અને કિષ્ણા શિંદેની 18 જૂને ધરપકડ કરી હતી, પરંતુ અહમદનગરનો દલાલ હજુ ફરાર છે.

ભારતીય દંડ સંહિતાની કલમ ક્રમાંક 370 (માનવ તસ્કરી), 367 (વ્યક્તિનું ગંભીર શારીરિક હાનિ, ગુલામીગીરી માટે અપહરણ કરવું), 354 (ખોટી રીતે કેદમાં રાખવા) અને 324 (જોખમી શસ્ત્રો કે સાધનો વડે ઈજા કરવી) હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મુક્ત કરાવવામાં આવેલા મજૂરોને સરકાર તરફથી કોઈ મદદ મળી શકે કે કેમ તેની ચકાસણી મહેસૂલ અને શ્રમ વિભાગ કરી રહ્યા છે.