ગુજરાત : જેમના પર હુમલો થયો અને ગોંધી રખાયા એ આઇએએસ નીતિન સાંગવાન કોણ છે?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાતના આઇએએસ અધિકારી નીતિન સાંગવાન પર સાબરકાંઠામાં કથિત હુમલો થવાની ઘટના સામે આવતાં આ બનાવ સમગ્ર દેશમાં સમાચારોમાં છવાઈ ગયો હતો.

ગત 6 માર્ચે બપોરે થયેલ આ કથિત હુમલાના આરોપમાં વડાલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે ત્રણ આરોપીઓ વિષ્ણુ ગમાર, દિલીપ પરમાર અને નિલેશ ગમારની ધરપકડ કરી હતી.

પોલીસે આપેલ માહિતી અનુસાર આઇએએસ અધિકારી પર થયેલ કથિત હુમલાની ઘટનામાં મુખ્ય આરોપી ખેડબ્રહ્મા તાલુકાના નિવાસી બાબુભાઈ પરમાર છે.

કહેવાઈ રહ્યું છે કે કથિત હુમલામાં આઇએએસ નીતિન સાંગવાનને ઈજાઓ પણ થઈ હતી.

ફરિયાદ અનુસાર ગુજરાતના ડિરેક્ટર ઑફ ફિશરિઝ તરીકે ફરજ બજાવતા નીતિન સાંગવાન સાબરકાંઠાના ધરોઈ ડૅમ ખાતે ફિશરિઝ પ્રોજેક્ટમાં થયેલ કથિત ગેરરીતિની તપાસ માટે બનાવના દિવસે પહોંચ્યા હતા.જે દરમિયાન આરોપીઓ તેમના પર કથિતપણે હુમલો કર્યો હતો.

કથિત હુમલા બાદ 7 માર્ચ 2023ના રોજ મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે વડાલી પોલીસ સ્ટેશનમાં ગુના સંદર્ભે ઇન્ડિયન પીનલ કોડની કલમ 386, 143, 147, 149, 189, 323, 332, 342, 353, 506, 120(બી) અને ગુજરાત પોલીસ ઍક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધાયો હતો.

સામે પક્ષે આરોપી બાબુભાઈ પરમારે પણ આઇએએસ નીતિન સાંગવાન અને તેમની ટીમ સામે ‘જાતિસૂચક શબ્દો બોલી અને મારઝૂડ’ કરવાનો આરોપ લગાવ્યો હતો.

આ બનાવ સામે આવતાં જ લગભગ તમામ સમાચાર સંસ્થાઓએ તેની નોંધ લીધી હતી.

ઘટના બાદ સમગ્ર મામલો શું હતો એ બાબત જાણવા માટે જેટલું કુતૂહલ જોવા મળ્યું તેટલું જ કુતૂહલ આઇએએસ નીતિન સાંગવાન અંગે જાણવાને લઈને પણ લોકોનાં મનમાં હતું.

ગુજરાતમાં યુપીએસસીના રેન્કર અધિકારી નીતિન સાંગવાન પર કથિત હુમલાનો મામલો શું છે?

  • ગુજરાતના મત્સ્યોદ્યોગ નિયામક તરીકે ફરજ બજાવતા આઇએએસ અધિકારી નીતિન સાંગવાન પર કથિત હુમલાની ઘટના સામે આવતાં મામલો અખબારોમાં છવાઈ ગયો હતો
  • ફિશરિઝ યોજનાને લગતી ચકાસણીમાં કથિત ગેરરીતિ સામે આવતાં આરોપીઓ નીતિન સાંગવાન પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી
  • પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ નીતિન સાંગવાનને ગોંધી રાખી તેમની પાસેથી આ મામલે પોલીસ કાર્યવાહી ન કરવાની લેખિત બાયંધરી લીધી હતી
  • આ સમગ્ર મામલે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હતી
  • ઘટનાના મુખ્ય આરોપી બાબુભાઈ પરમારે સામે પક્ષે આઇએએસ નીતિન સાંગવાને પોતાની સાથે મારઝૂડ કરી, જાતિસૂચક શબ્દો બોલી અપમાનિત કરવાનો આરોપ કરતી અરજી કરી હતી
  • આ સમગ્ર મામલો સામે આવતાં આઇએએસ અધિકારી નીતિન સાંગવાન કોણ છે એ અંગે ચર્ચા જાગી છે

નીતિન સાંગવાન કોણ છે ?

મૂળ હરિયાણાના નીતિન સાંગવાન વર્ષ 2016ની બૅચના આઇએએસ છે જેઓ હાલ ગુજરાતમાં મત્સ્યોદ્યોગ નિયામક તરીકે ફરજ બજાવે છે.

સાંગવાન વર્ષ 2015માં યુનિયન પબ્લિક સર્વિસની પરીક્ષા (યુપીએસસી)માં ઑલ ઇન્ડિયા 28મો રેન્ક મેળ્યો હતો.

તેમણે શાળાકીય શિક્ષણ હરિયાણાની DRK આદર્શ વિદ્યાલયમાં લીધું હતું.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આઇએએસ અધિકારી બનનાર વ્યક્તિ શાળાકીય શિક્ષણમાં પણ ખૂબ સારાં પરિણામો હાંસલ કરતી આવી હોય છે. પરંતુ કેટલીક વ્યક્તિઓ તેમાં અપવાદ છે. તે પૈકી એક નીતિન સાંગવાન પણ છે.

તેઓ વર્ષ 2020માં એક ટ્વીટના કારણે ચર્ચામાં આવ્યા હતા.

આ ટ્વીટમાં તેમણે બોર્ડની પરીક્ષામાં પોતે મેળવેલ પરિણામ અંગે માહિતી આપી હતી. ટ્વીટ અનુસાર તેમને ધોરણ 12ની કૅમિસ્ટ્રીની લેખિત પરીક્ષામાં 24 માર્ક્સ મેળવ્યા હતા જે પાસિંગ માર્ક્સ કરતાં માત્ર એક માર્ક વધુ હતો.

તેમના ઉચ્ચ અભ્યાસની વાત કરીએ તો તેઓ હરિયાણાથી મિકેનિકલ ઇજનેરી અને એમબીએ સુધી અભ્યાસ કરી ચૂક્યા છે.

તેમની સફળતાની કહાણી પણ એક સામાન્ય ઉમેદવાર જેવી જ રહી છે. નીતિન સાંગવાન ચોથા પ્રયત્ને આઇએએસનું પોતાનું લક્ષ્ય ભેદી શક્યા. પ્રથમ પ્રયત્નમાં તો તેઓ યુપીએસસીની પરીક્ષા પાસ પણ નહોતા કરી શક્યા. પરંતુ બીજા પ્રયત્નમાં તેઓ ધ દિલ્હી, અંદમાન ઍન્ડ નિકોબાર, લક્ષદ્વીપ, દમણ ઍન્ડ દિવ ઍન્ડ દાદરા નગર હવેલી (સિવિલ) સર્વિસિઝ (ડેનિક્સ)માં ઉત્તીર્ણ થયા હતા.

જ્યારે ત્રીજા પ્રયત્નમાં તેમની ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ માટે પસંદગી થઈ હતી. આઇએએસ તરીકે પસંદગી પામ્યા એ પહેલાં તેઓ અન્ય સ્થળોએ નોકરી કરી ચૂક્યા છે.

આ પહેલાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનરપદે કાર્યરત્ હતા અને ડીડીઓ સહિત અન્ય પદો પર ફરજ બજાવી ચૂક્યા છે.

નીતિન સાંગવાને તાજેતરમાં ‘ઍસેન્સિયલ હિસ્ટ્રી ઑફ મૉડર્ન ઇન્ડિયા’ નામનું એક પુસ્તક પણ લખ્યું હતું.

શું હતો સમગ્ર મામલો?

ઘટના અંગે મળી રહેલી માહિતી મુજબ ગુજરાતના મત્સ્યોદ્યોગ નિયામક નીતિન સાંગવાન વિભાગના બે ડેપ્યુટી ડાયરેક્ટર સાથે ધરોઈ ડૅમ કિનારેથી 23 કિલોમીટર દૂર આવેલા આંબાવાડા ગામે નદીમાં માછલીના ઉછેર માટે સરકારી સબસિડી મેળવી ખરીદાયેલા કૅજની ચકાસણી કરવા માટે પહોંચ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા માછીમારોને માછલાઉછેર માટે સબસિડી આપતી કૅજ કલ્ચર નામની સ્કીમ ચલાવાય છે. નોંધનીય છે કે આ યોજના અતંર્ગત કૅજદીઠ 60 ટકા રકમની સબસિડી અપાતી હોય છે.આક્ષેપ મુજબ ધરોઈ ડૅમ ખાતે આંબાવાડા ગામ નજીકની સાઇટ પર મંજૂર થયેલ સબસિડીની સામે કૅજની સંખ્યા ઓછી હોવાનો રિપોર્ટ મળ્યો હતો. જે સંદર્ભે તપાસ માટે મત્સ્યોદ્યોગ નિયામકની ટીમ ત્યાં પહોંચી હતી.

પોલીસ દ્વારા અપાયેલ માહિતી અનુસાર તપાસ દરમિયાન ફરિયાદ મુજબ કૅજની સંખ્યા ઓછી જણાતાં આઇએએસ નીતિન સાંગવાને આરોપીઓની પૂછપરછ કરી હતી.

આક્ષેપ અનુસાર કૅજની ગણતરી સંદર્ભે કથિત ગેરરીતિ મામલે નિયામક અને તેમની ટીમ આરોપીઓ પર કાર્યવાહી માટે ચર્ચા કરી રહ્યા હતા. તે દરમિયાન કથિતપણે આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ મત્સ્યોદ્યોગ નિયામક અને તેમની ટીમ પર હુમલો કરી, ઈજા પહોંચાડી હતી.

આ સમગ્ર મામલામાં એવો પણ આક્ષેપ કરાઈ રહ્યો છે કે આરોપીઓએ મત્સ્યોદ્યોગ નિયામકની ટીમને ગોંધી રાખી, ધાકધમકી આપી ફરિયાદ ન કરવાનું લખાણ પણ કરાવ્યું હતું.

પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ દસ-12 માણસોને લાકડીઓ સાથે બોલાવી આઇએએસ નીતિન સાંગવાન પાસે લખાણ કરાવ્યું હતું કે, “આજરોજ મેં કૅજની મુલાકાત લીધી હતી મુલાકાત વખતે બાબુભાઈ સાથે બોલાચાલી થઈ હતી અને બાબુભાઈને મુક્કા મારેલ તે બાબતે સમાધાન થઈ ગયું છે અને હું પોલીસ ફરિયાદ કરીશ નહીં.”

પોલીસ ફરિયાદમાં લખાયેલ વિગતો અનુસાર આરોપી બાબુભાઈએ કથિતપણે મત્સ્યોદ્યોગ નિયામક નીતિન સાંગવાનને ઘૂંટણના ભાગે બચકું ભર્યું હતું. તેમજ તેમને અને તેમની ટીમને ડૅમમાં ફેંકી દેવાની ધમકી આપી હતી.

આ સમગ્ર પ્રકરણ સંદર્ભે સાબરકાંઠાના એસપી વિશાલ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારના મત્સ્યોદ્યોગ નિયામક નીતિન સાંગવાનને આંબાવાડા ખાતે ધરોઈ ડૅમ પર ઇન્સ્પેક્શન દરમિયાન ગેરરીતિ જણાતાં આરોપીઓએ ઉશ્કેરાઈ જઈ ગયા હતા તેમની સાથે ઝપાઝપી કરી હતી. જેને કારણે નિયામકની હાલત બગડતાં તેઓ લગભગ બેભાન થઈ ગયા હતા.”

“સમગ્ર ઘટના બાદ નિયામકને ખાટલા મારફતે કિનારે લાવી ત્યાંથી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, હાલ તેમની હાલત સ્થિર છે.”

આ કેસમાં 15થી 17 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર અન્ય આરોપીઓની ધરપકડના પ્રયત્ન ચાલી રહ્યા છે.પોલીસે ધરપકડ કરાયેલ ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માટે તજવીજ હાથ ધરાઈ હતી.

માહિતી અનુસાર આ સમગ્ર ઘટનાના મુખ્ય આરોપી બાબુ પરમાર ખેડબ્રહ્માના કંથાપુર ગામના વતની અને મત્સ્યોદ્યોગ મંડળી કૅમ્પના મંત્રી છે.

આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ હાલમાં મત્સ્યોદ્યોગ નિયામક, ગુજરાત નીતિન સાંગવાનનો પક્ષ જાણવા તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરાતાં તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

આરોપીઓએ નીતિન સાંગવાન પર કર્યા આરોપ

આઇએએસ નીતિન સાંગવાનને કથિતપણે ગોંધી રાખવા અને માર મારવા અંગે થયેલી પોલીસ ફરિયાદમાં આરોપી બાબુ પરમારે 6 માર્ચના રોજ નીતિન સાંગવાન વિરુદ્ધ ગંભીર આરોપ કરતી અરજી વડાલી પોલીસ સ્ટેશન ખાતે કરી હતી.

બાબુ પરમારે પોતાની અરજીમાં આરોપ કર્યો છે કે, "નીતિન સાંગવાને તેઓને જાતિવિષયક અપમાનજનક શબ્દો કહ્યા, માર માર્યો અને તેઓ નશાયુક્ત પીણું પીધેલા હતા."

બાબુભાઈએ પોતાની અરજીમાં નીતિન સાંગવાને પોતાને ધક્કો મારી અને માર માર્યો હોવાનો આરોપ કર્યો છે. તેમજ મારઝૂડના કારણે થયેલી ઈજાઓને કારણે તેમણે વડાલી હૉસ્પિટલ ખાતે સારવાર લીધી હોવાની વાત અરજીમાં જણાવી હતી.

ઉપરોક્ત તમામ આરોપો સાથે બાબુભાઈએ નીતિન સાંગવાન અને તેમના સાથી અધિકારીઓએ બનાવના સમાધાન તરીકે પોલીસ કાર્યવાહી ન કરવાનું લખાણ કરી આપ્યું હોવાનું જણાવ્યું હતું. સાથે જ સમગ્ર ઘટના દરમિયાન આઇએએસ નીતિન સાંગવાન નશાની હાલતમાં હોવાનો આરોપ કર્યો હતો.