You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં વરસાદ : રાજ્યના કેટલા જિલ્લાઓમાં હજુ બે દિવસ કમોસમી વરસાદની આગાહી?
ગુજરાતમાં ભરઉનાળે ધોધમાર વરસાદ પડ્યો છે અને ગુજરાતમાં હજી બે દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં 8 માર્ચ સુધી વરસાદ પડવાની શક્યતા છે.
ગુજરાતની સાથે-સાથે પાડોશી રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ દેશમાં પ્રિ-મૉન્સુન સિઝન શરૂ થઈ ગઈ છે, એટલે કે ચોમાસા પહેલાંનો વરસાદ. માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં પડતા વરસાદને ચોમાસા પહેલાંનો વરસાદ ગણવામાં આવે છે.
માર્ચ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં ગરમીની સાથે સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે.
ગુજરાતના કયા જિલ્લામાં વરસાદની આગાહી?
હવામાન વિભાગ પ્રમાણે 7 માર્ચના રોજ અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલીમાં છૂટાંછવાયાં ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.
આ સાથે જ ગુજરાતની પાસે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી, દમણમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં 8 માર્ચથી વરસાદનું જોર ઘટવાનું શરૂ થઈ જશે અને 9 માર્ચની આસપાસથી વરસાદનું જોર સાવ ઘટી જવાની શક્યતા દેખાઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાતમાં ગરમીની વચ્ચે હાલ વરસાદ કેમ પડી રહ્યો છે?
ભારતમાં હાલ બે ત્રણ સિસ્ટમો કાર્યરત છે, એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ પર છે. જ્યારે એક એન્ટિ-સાયક્લૉન સિસ્ટમ છત્તીસગઢની આસપાસ છે. જેના કારણે બંગાળની ખાડી પરથી ભેજ લઈને આવતા પવનો મધ્ય ભારતમાં વરસાદ આપી રહ્યા છે.
ગુજરાતમાં હાલ વરસાદ પડવાની પાછળનું કારણ રાજસ્થાનની આસપાસ બનેલી એક સિસ્ટમ છે અને બીજી તરફ પડી રહેલી ગરમી પણ છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે અરબ સાગર પરથી આવતા પવનો ભેજ લઈને ગુજરાત પર આવે છે. એક તરફ ગરમી પડી રહી છે જેથી ગરમીને કારણે હવા ગરમ થઈને ઉપર ચઢે છે. તેની સાથે હવામાં રહેલો ભેજ પણ ઉપર ચઢે છે. ઉપર ગયા બાદ હવા અને ભેજ બંને ઠંડાં પડે છે અને ભેજ પાણીનાં નાનાં ટીપાંમાં પરિવર્તિત થાય છે.
હવા ઉપર જવાનો અને તે ઠંડી થવાનો ક્રમ સતત ચાલ્યા રાખે અને હવા તથા ભેજનો જથ્થો વધારે હોય તેવા સંજોગોમાં ગરમીની વચ્ચે વરસાદ પડે છે. આવા સમયે ગાજવીજ સાથે વરસાદ પડે છે તથા ઘણી જગ્યાએ વીજળી પડવાની પણ ઘટનાઓ સામે આવે છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલ કરા પણ પડ્યા છે.
ખેડૂતોના પાકને ઘણું નુકસાન
ખેડૂતોને કમોસમી વરસાદથી નુકસાન થયું છે, ગુજરાતમાં હાલ રવિ પાકની સિઝન ચાલી રહી છે, ઘઉં તથા ચણા જેવા પાકો તૈયાર છે. ઘણા ખેડૂતોના ખેતરમાં ઊભેલા ઘઉં પડી ગયા છે. ચણાના પાકમાં પણ નુકસાન છે.
બીજી તરફ જીરું, રાયડો, ધાણા, વરિયાળી, ડુંગળી, તથા કેરી જેવા બાગાયતી પાકોને પણ નુકસાન થવાની ભીતી છે. જીરું અને ધાણાના પાકો હાલ લણાઈને ખેતરમાં પડ્યા છે. આવા પાકો પર હાલ વરસાદ થવાને કારણે અનેક ખેડૂતોને ગુજરાતમાં નુકસાન થશે.
અમરેલી, ભાવનગર, રાજકોટ, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ખેડૂતોને નુકસાનના અહેવાલો પણ આવી રહ્યા છે.
ગુજરાતમાં હાલ તાપમાનમાં બહુ ફેરફાર થવાની શક્યતા દેખાતી નથી. મોટા ભાગના વિસ્તારોમાં દિવસ દરમિયાન આકરો તાપ જોવા મળે એવી શક્યતા છે.
શનિવારે અને રવિવારે સાંજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી સર્જી છે. ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદમાં ખેડૂતોના મહામૂલા પાકને ઘણું નુકસાન થયું છે.
ત્યારે ધારીના સુખપુર, કાંગસા, ગોવિંદપુર, કુબડા સહિતના ગામોમાં કમોસમી વરસાદના કારણે ખેતીના પાકોને નુકસાન થયું છે. આવી જ સ્થિતિ સાવરકુંડલાના ધજડી, સાકરપરા અને બાઢડા ગામના ખેડૂતોની થઈ છે.
રસૂલભાઈ રાઠોડે કહ્યું હતું કે, "ગઈ કાલે વરસાદના કારણે 8થી 10 વીઘાના ધાણા હતા એ બધા નિષ્ફળ ગયા છે. ધાણા કાઢવાની જ તૈયારી હતી પણ વરસાદ આવવાના કારણે બધા ધાણા બગડી ગયા અને 70થી 80 ટકાનું નુકસાન થયું છે."
માવઠાથી શિયાળુ પાકને નુકસાન
સાવરકુંડલા અને ખાંભા તાલુકાના ખેડૂતોને રવિપાક પર થોડી આશા હતી, પણ ગઈ કાલે કમોસમી માવઠું જાણે કેર બની આવ્યું હોય તેમ ખેડૂતના રવીપાક ઘઉં, ચણા તેમજ જીરું સહિતનો પાક પલળી ગયો હતો, ફરી એક વાર ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.
સાવરકુંડલાના તગડી ગામના એક સ્થાનિકે જણાવ્યું હતું કે, "ગઈ કાલે વરસાદ આવવાના કારણે ચણાને ઘણું નુકસાન થયું છે. હું ગરીબ માણસ છું, બધા ઢગલા ઊડી ગયા છે. હવે મારે 12 મહિના શું ખાવું, સરકારના ઘરે ખાવા જઈએ? એ અમને ખાવાનું આપશે? એ ખાલી વાતો કરે છે, મારા છોકરાઓને મારે ક્યાં મૂકવા જવા?"
સાવરકુંડલાના ભરતભાઈ હરિયાણીએ કહ્યું હતું કે, "કમોસમી વરસાદના કારણે ઘઉંનું ઘણું નુકસાન થયું છે. ચાડા ચાર વીઘામાં ઘઉં હતા બધાને ઘણું નુકસાન થયું છે. હવે સરકાર કંઈ મદદ કરે તો સારું થાય."
તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો