You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગેરકાયદેસર વિદેશ જતા લોકો પાસેથી ખંડણી માગવા યાતનાની હદો પાર કરી દેતી ઈરાની ગૅંગ
- લેેખક, સોરાન કુર્બાની
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
(ચેતવણી: આ કહાણીમાં હિંસા અને જાતીય શોષણની કેટલીક વિચલિત કરે તેવી વિગતો હોઈ શકે છે.)
બીબીસીની એક ખાસ તપાસમાં જાણવા મળ્યું છે કે, અફઘાન નાગરિકોનું અપહરણ કરતી ગૅંગ ખંડણી માટે તેમના પરિવારજનોને ટૉર્ચર કરેલા વીડિયો મોકલે છે.
અફઘાનિસ્તાનના તાલિબાન શાસનની ચુંગાલમાંથી ત્યાંના ઘણા નાગરિકો ભાગી જવા ઇચ્છે છે. આથી ઘણા લોકો ભાગીને ઈરાન-તુર્કીની સરહદે પહોંચે છે. પણ ત્યાં પહોંચીને તેઓ એક બીજા જ ત્રાસદાયક સંકજામાં ફસાઈ જાય છે.
તાલિબાનથી ભાગી રહેલા આ અફઘાન નાગરિકો જ્યારે ઈરાન અને તુર્કીની સરહદે પહોંચે છે, ત્યારે એ વિસ્તારમાં સક્રીય ગૅંગ તેમનું અપહરણ કરી લે છે અને અને ખંડણી ઉઘરાવવા માટે તેમનાં પર ત્રાસ ગુજારે છે.
બીબીસીની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ટોળકી બંધકોના પરિવારોને ટૉર્ચરનો વીડિયો મોકલીને ખંડણી વસૂલે છે.
આ અફઘાન લોકો યુરોપમાં પ્રવેશ મેળવવા માટે ઈરાન-તુર્કીની સરહદ પાર કરે છે.
આ ઘટનાઓનો ભોગ બનેલા ઘણા પરિવારોએ બીબીસીને તેમની આપવીતી જણાવી.
ટૉર્ચરના ભયાનક વીડિયો
સ્થળાંતર કરનારાઓનું એક અફઘાન જૂથ એક પર્વતની ટોચ પર એકસાથે હાથકડી પહેરીને તેમની મુક્તિ માટે આજીજી કરતું દેખાય છે. દરેકના ગળામાં પણ બેડીઓ બંધાયેલી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લોહીલુહાણ મોં અને ધૂળથી ઢંકાયેલા ચહેરાવાળો એક માણસ કહે છે, “જે કોઈ પણ આ વિડિયો જોઈ રહ્યા છે, તેમને હું જણાવવા માંગુ છું કે ગઈકાલે મારું અપહરણ કરવામાં આવ્યું હતું અને આ લોકો વ્યક્તિ દીઠ 4,000 ડૉલર માંગી રહ્યા છે. તેઓ અમને દિવસ-રાત નિર્દયતાથી મારતા રહે છે.”
બીજા વિડિયોમાં સંપૂર્ણપણે નગ્ન લોકોનું એક જૂથ બરફ પર આળોટતું દેખાય છે. જ્યારે કોઈ તેમને પાછળથી ચાબુકો ફટકારી રહ્યું છે.
અન્ય એક વિડિયોમાં એક વ્યક્તિ બૂમો પાડી રહી છે, "મારો પરિવાર છે. મારી સાથે આવું ન કરો. મારી પત્ની અને બાળકો છે. કૃપા કરીને મારા પર દયા કરો."
તેના આ નિવેદન પહેલા એક ગૅંગે છરીથી ડરાવીને તેનું જાતીય શોષણ કર્યું હતું.
આ વિચલિત કરી દેનારા વીડિયો એ વાતનો પુરાવો છે કે, યુરોપ જવાનો પ્રયાસ કરી રહેલા અફઘાન નાગરિકોનું ઈરાની ગૅંગ દ્વારા અપહરણ કરવામાં આવે છે અને તેમની પાસે ખંડણીની માંગ કરવામાં આવે છે.
આ એક સંગઠિત અપરાધ બની ગયો છે.
અફઘાનિસ્તાનથી ઈરાન થઈને તુર્કી અને પછી યુરોપ જવાનો આ માર્ગ તો દાયકાઓ જૂનો છે.
હકીકતમાં 12 વર્ષ પહેલા રાજકીય આશ્રય મેળવ્યા બાદ હું આ જ રસ્તે ઈરાનથી ભાગીને બ્રિટન પહોંચવામાં સફળ રહી હતી.
પરંતુ હવે આ માર્ગ જોખમી બની ગયો છે.
હજારો નાગરિકોએ દેશ છોડ્યો
જે લોકો ઈરાનથી તુર્કી જવાનો પ્રયાસ કરે છે તેમને સૂકા પહાડી માર્ગો પર કલાકો સુધી ચાલવું પડે છે. જ્યાં છાંયડા માટે કોઈ વૃક્ષ નથી અને આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષા દળોથી છુપાવું વધુ મુશ્કેલ બની જાય છે.
ઓગષ્ટ 2021 માં તાલિબાને સત્તા પર કબજો કર્યો ત્યારથી હજારો અફઘાન નાગરિકોએ અફઘાનિસ્તાન છોડી દીધું છે.
આ દરમિયાન ટોળકીએ મોટા પાયે આ લોકો પાસેથી પૈસા કમાવવાની તક જોઈ.
સામાન્ય રીતે દાણચોરો સાથે મળીને તેઓ ઈરાન જતા લોકોનું અપહરણ કરે છે. તેઓ તેમના સલામત માર્ગ માટે પહેલેથી જ ઘણો ખર્ચ કરી ચૂક્યા હોય છે. એ જ લોકો પાસેથી આ ટોળકી બીજા પૈસા પડાવે છે.
બીબીસીની ટીમે સરહદ નજીકના ઓછામાં ઓછા 10 ગામોમાં આ પ્રકારના ત્રાસની વાત સાંભળી છે.
છેલ્લા ત્રણ વર્ષથી શોષણની ઘટનાઓ એકત્ર કરી રહેલા એક કાર્યકર્તાએ અમને જણાવ્યું કે તેમને દરરોજ બેથી ત્રણ આ પ્રકારના વીડિયો આવે છે.
અમે અમીનાને તુર્કીની આર્થિક રાજધાની ઈસ્તાંબુલમાં એક ઍપાર્ટમૅન્ટમાં મળ્યા.
તે અફઘાનિસ્તાનમાં પોલીસ અધિકારી હતા. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે તાલિબાન સત્તા પર કબજો કરશે, ત્યારે તેઓ દેશ છોડીને ભાગી ગયા. તેમને અગાઉ પણ તાલિબાન તરફથી ધમકીઓ મળી રહી હતી.
તેમને તેના પરિવાર સાથે સરહદ પર બંધક બનાવવામાં આવ્યા હતા. તેમણે આ અનુભવ મારી સાથે શૅર કર્યો.
તેઓ કહે છે, “હું ખૂબ જ ડરી ગઈ હતી કારણ કે, હું ગર્ભવતી હતી અને ત્યાં કોઈ ડૉક્ટર પણ ન હતા. અમને બળાત્કારનો પણ ડર હતો.”
ખંડણી આપવા ઘર વેચવું પડ્યું
તેમના પિતા હાજીએ અમને જણાવ્યું હતું કે, અમીના અને પરિવારના અન્ય સભ્યોના અપહરણ બાદ ગૅંગ દ્વારા તેમને એક અજાણ્યા અફઘાન વ્યક્તિના ત્રાસનો વીડિયો મોકલવામાં આવ્યો હતો.
તેઓ કહે છે, “તેઓ આ વીડિયો મોકલીને મને ચેતવણી આપી રહ્યા હતા. જો તમે ખંડણી નહીં ચૂકવો તો અમે તમારી દીકરી અને જમાઈને મારી નાખીશું."
હાજીએ ગૅંગને ખંડણી ચૂકવવા માટે અફઘાનિસ્તાનમાં પોતાનું ઘર વેચી દીધું અને આ રીતે તેમને છોડાવ્યા. તેમણે ફરીથી સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો અને આ વખતે તેઓ તુર્કી પહોંચવામાં સફળ રહ્યા.
પરંતુ સરહદ પરના ત્રાસના એ આઠ દિવસ અમીના માટે અતિશય ભારે હતા. તેમણે પોતાનું બાળક ગુમાવ્યું.
પરંતુ આ ટોળકી સિવાય અમીના અને તેમનાં જેવા બીજા લોકોને આ માર્ગમાં બીજા મોટા અવરોધનો સામનો કરવો પડ્યો. આ અવરોધ સરહદ પર બનેલી દીવાલ હતી.
તુર્કી અને ઈરાન વચ્ચેની સરહદે બાંધવામાં આવેલી દિવાલ ત્રણ મીટર ઉંચી છે અને તેમાં કાંટાળા તાર છે. યુરોપિયન યુનિયન દ્વારા અહીં ઈલેક્ટ્રૉનિક સેન્સર અને વૉચ ટાવર લગાવવામાં આવ્યા છે.
તુર્કીએ 2017 માં સ્થળાંતર કરનારાઓને તુર્કીમાં પ્રવેશતા રોકવા માટે સરહદ દિવાલ બનાવવાનું શરૂ કર્યું હતું પરંતુ પ્રવાસી લોકોના સ્થળાંતરનો પ્રવાહ હજુ ચાલુ જ છે.
અમીના અને અન્ય ઘણા લોકોએ અમને કહ્યું કે જ્યારે તેઓને તુર્કી સત્તાવાળાઓ દ્વારા રાત્રે ભગાડવામાં આવ્યા હતા, ત્યારે ઈરાન બાજુની ગૅંગ તેમની પાછળ પડતી હતી.
આંતરરાષ્ટ્રીય માનવાધિકાર જૂથોએ પણ તેમના અહેવાલોમાં આવા આક્ષેપો નોંધ્યા છે.
તુર્કી પર પણ ખરાબ વર્તન કરવાનો આરોપ
તુર્કીના માનવાધિકાર વકીલ મહમૂદ કાગન આશ્રય શોધનારા લોકોના કેસો લડે છે. તેઓ કહે છે કે તુર્કીનું આ વલણ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ગેરકાયદેસર છે અને તેનાથી આ ગૅંગને લોકોનું શોષણ કરવામાં મદદ મળે છે.
તેમના મતે, "શરણાર્થીઓેને ભગાડી દેવા એ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે કારણ કે તેનાથી તેઓ વધુ ખતરામાં પડે છે અને તેમનું શોષણ થવાની શક્યતાઓ વધી જાય છે. તેઓ વધુ લાચાર બની જાય છે."
તુર્કીના વહીવટીતંત્રે આ આરોપો પર બીબીસીના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો.
જોકે, માનવાધિકાર જૂથોના આક્ષેપો પર સરકારે એ લોકોને ભગાડવાની કાર્યવાહીના આરોપો નકાર્યા અને કહ્યું કે, તુર્કીમાં કોઈપણ પ્રકારના ગેરકાયદેસર પ્રવેશ પર સરહદી સુરક્ષા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.
દીવાલ બનાવવામાં આવી તે પહેલા સ્થાનિક લોકો પૈસા કમાવવા માટે સરહદ પાર માલની દાણચોરી કરતા હતા. પરંતુ હવે આ ગેરકાયદેસર વેપાર લગભગ બંધ થઈ ગયો છે. જેનો અર્થ એ છે કે તેમણે સ્થળાંતર કરનારાઓનું અપહરણ કરવાનો અથવા તેમને સરહદ પાર કરાવવાનો વ્યવસાય અપનાવ્યો છે.
ઈરાન સરહદે તુર્કીનું સૌથી નજીકનું શહેર વાન એ પ્રકારની દાણચોરીનું કેન્દ્ર છે. અહીં અમે અહમદને મળ્યા. તે એક અફઘાન યુવાન છે જેણે તેમની આગળની મુસાફરી માટે દાણચોરો સાથે વાટાઘાટો કરી હતી.
ગયા વર્ષે ઈરાનમાં અહમદના ભાઈનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેઓ પણ તાલિબાનના ડરથી દેશ છોડીને ભાગી રહ્યા હતા.
ત્યારે અહમદ અફઘાનિસ્તાનમાં જ હતા. તેમને એક ગૅંગ તરફથી ખંડણીનો ફોન આવ્યો હતો.
તેઓ કહે છે, “મેં કહ્યું કે અમારી પાસે પૈસા નથી. અપહરણકારો મારા ભાઈને મારતા હતા. અમે તેની ચીસો સાંભળી શકતા હતા."
તેમના ભાઈની મુક્તિ માટે અહમદે તેમની પારિવારિક મિલકત પણ વેચી દીધી. પરંતુ જ્યારે અહમદે દેશ છોડવાનું નક્કી કર્યું ત્યારે તેમનો ભૂતકાળનો અનુભવ પણ તેને આ નિર્ણય લેવામાં રોકી શક્યો નહીં.
તાલિબાન આવ્યા પછી આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ હતી.
અફઘાનિસ્તાનથી ભાગવાની છ વાર કોશિશ કરી
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં અમે સઈદને મળ્યા, જેમણે તુર્કી જવા માટે છ વખત પ્રયાસ કર્યો હતો.
તેમને બનાવટી દસ્તાવેજનું વચન આપવામાં આવ્યું હતું જેની મદદથી તેઓ તુર્કીમાં પ્રવેશ કરી શકશે. પરંતુ વચન આપનાર વ્યક્તિએ તેમની સાથે છેતરપિંડી કરી અને તેમને એક ગૅંગને સોંપી દેવામાં આવ્યા. જેમણે તેમની મુક્તિ માટે 10 હજાર ડૉલરની ખંડણી માંગી.
તેઓ કહે છે, “હું ખૂબ ડરી ગયો હતો. તેઓ મારી સાથે કંઈપણ કરી શકે તેમ હતા. તેઓ મારી આંખો, કિડની, હૃદય, કંઈપણ કાઢી શકતા હતા."
પરંતુ જ્યારે તેમણે સાંભળ્યું કે ગૅંગના સભ્યો તેમના પર બળાત્કાર પણ કરી શકે છે અને તેનો વીડિયો તેમના પરિવારના સભ્યોને મોકલી શકે છે ત્યારે તે ચોંકી ગયા હતા.
આખરે તે $500 ચૂકવીને આ મુશ્કેલીમાંથી છૂટી ગયા.
ઈરાન સરકાર આ ગેંગ પર શું કાર્યવાહી કરી રહી છે, તે અંગેના બીબીસીના સવાલનો કોઈ જવાબ મળ્યો નથી.
બીબીસીને ઈરાનની અંદર રિપોર્ટિંગ કરવા પર પ્રતિબંધ છે તેથી અમે સરહદ પાર કરીને વધુ તપાસ કરી શક્યા નથી.
આ મુલાકાતના અઠવાડિયાં પછી સઈદે અમારો સંપર્ક કર્યો અને કહ્યું કે, તેમણે તેમની મુસાફરી ફરી શરૂ કરી છે અને તેઓ ફરીથી તહેરાન પહોંચી ગયા છે.
ત્યારથી આઠ મહિના વીતી ગયા છે અને અમને તેના વિશે કોઈ જાણકારી મળી નથી.
અમીના તમામ વેદના અને આઘાત છતાં પણ હવે તુર્કીમાં તેના ભવિષ્ય વિશે વિચારી રહી છે.
તેમણે કહ્યું, "ગર્ભપાત છતાં હું જાણું છું કે હું માતા બનીશ. હું જાણું છું કે હું મજબૂતીથી આ સંજોગોનો સામનો કરીશ."