મોરબી પુલ દુર્ઘટના : હોનારતનાં ત્રણ-ત્રણ વર્ષે પણ ન્યાય ઝંખતા પરિવારો, કેસમાં અત્યાર સુધી શું થયું?

ત્રણ વર્ષ પહેલાં 135 લોકોનાં મૃત્યુનું કારણ બનનાર મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી સહિત અન્ય આરોપીઓ સામે મોરબીની ટ્રાયલ કોર્ટમાં આરોપો ઘડવાની કાર્યવાહીને પડકારતી અરજીની સુનાવણી મામલે ગુજરાત હાઇકોર્ટે અંતિમ મુદ્દત આપી છે.

મંગળવારે ગુજરાત હાઇકોર્ટે આ કેસના મુખ્ય આરોપી અને ઓરેવા જૂથના એમડી જયસુખ પટેલ સહિતના આરોપીઓ તેમજ પીડિત પક્ષના વકીલે ટ્રાયલ કોર્ટને આરોપો ઘડતી રોકવા કારણો આપ્યાં બાદ આ કેસની આગામી સુનાવણી 27 નવેમ્બરે રાખવાનું ઠરાવ્યું હતું.

આ કેસમાં આરોપી અને પીડિત પરિવાર દ્વારા જુદા જુદા આધારોને ધ્યાને લઈ ટ્રાયલ કોર્ટને આરોપ ઘડતી રોકવા માટે મંગળવારની સુનાવણીમાં દલીલો કરાઈ હતી.

ગુજરાત હાઇકોર્ટે હવે આ મામલાની અંતિમ સુનાવણી 27 નવેમ્બરે થશે એવો હુકમ કર્યો હતો.

હવે ફરી વખત આ કેસ ચર્ચામાં આવ્યા બાદ ગુજરાતના ઇતિહાસમાં એક 'ભયાનક દુર્ઘટના' તરીકે નોંધાયેલા આ પ્રકરણમાં અત્યાર સુધી શું શું થયું છે એ અંગે જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે.

નોંધનીય છે કે આ ઘટનાના પીડિત પરિવારો અને મોરબીના લોકો હજુ પણ ન્યાય ઝંખી રહ્યા છે.

મંગળવારની સુનાવણીમાં શું થયું?

આ કેસમાં 135 મૃત્યુ પૈકી 122 પીડિતોના પરિવારોના વકીલ એવા ઉત્કર્ષ દવેએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં મંગળવારે ગુજરાત હાઇકોર્ટમાં આ કેસ અંગે થયેલી સુનાવણીની કેટલીક વિગતો આપી હતી.

તેમણે કહ્યું કે, "મોરબી ખાતે ટ્રાયલ કોર્ટ સમક્ષ આરોપી પક્ષે ડિસ્ચાર્જ અરજી કરી હતી, જે નકારાયા બાદ આરોપી પક્ષે એ હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો હતો અને હાઇકોર્ટ આ અરજીને સાંભળે એ પહેલાં આરોપી પક્ષે મોરબી સેશન્સ કોર્ટમાં ટ્રાયલ સ્ટે કરાવવા માટેની અરજી કરી."

"આમ, એ લોકો પણ ડિસ્ચાર્જના આશયથી હાલ ટ્રાયલ પર સ્ટે કરાવવા ઇચ્છતા હતા, પરંતુ અમારી સ્ટે માટેની અરજીનાં કારણો જુદાં હતાં."

વકીલ ઉત્કર્ષ દવે કહે આગળ કહે છે કે, "અમારા ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર સ્ટે એટલા માટે ઇચ્છીએ છીએ, કારણ કે આ કેસમાં પીડિતોએ હત્યાની કલમ (આઇપીસી 302) ઉમેરાય એ માટેની અરજી કરી છે. જે ગુજરાત હાઇકોર્ટમાં પૅન્ડિંગ છે. તેમજ પીડિતોના પક્ષેથી આ સમગ્ર કેસની તપાસ સીબીઆઇને સોંપવા માટેની દાદ માગતી અરજી સુપ્રીમ કોર્ટમાં પૅન્ડિંગ છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટે નોટિસ પણ ઇસ્યૂ કરી દીધી છે. અમારી દલીલ એવી હતી કે જો આ હકીકતોને ધ્યાને લઈએ અને આ સ્થિતિમાં ચાર્જ ફ્રેમ થાય તો બંને અરજીઓ નકામી બની જશે."

ઉત્કર્ષ દવે જણાવે છે કે આ હકીકતોના પ્રકાશમાં નામદાર ગુજરાત હાઇકોર્ટે પોતાના હુકમમાં આ મામલાની અંતિમ સુનાવણી આગામી 27 નવેમ્બરે રાખવાનું ઠરાવ્યું છે.

મોરબી બ્રિજ દુર્ઘટનાના પીડિત પરિવારજનો શું કહે છે?

દુર્ઘટનાના પીડિતો પૈકી એક રાજેશ સનુરા કહે છે કે ઘટનાનાં ત્રણ વર્ષ બાદ પણ તેમને ન્યાયની ઘણી આશા છે.

તેઓ કહે છે, "કેસ ખૂબ ધીમી ગતિથી ચાલી રહ્યો છે, જે અમારા માટે દુ:ખદ બાબત છે."

રાજેશભાઈ આગળ કહે છે કે તેમને આ કેસમાં કોર્ટમાંથી ઝડપી ન્યાય મળે તો સારું રહેશે.

રાજેશભાઈ કહે છે કે, "અત્યાર સુધી સુનાવણી ખૂબ ધીમી ગતિએ જ ચાલી છે, અમને ક્યારેય આ કેસ તીવ્ર ગતિથી ચાલી રહ્યો છે એવું નથી લાગ્યું, અમને આ બાબતે કોઈ દિલાસો નથી મળ્યો."

"અમારી આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે એવી માગ છે. આ જ માગ અમારા વકીલે પણ કરી હતી. સરકારે આ કેસમાં શરૂઆતમાં જ પગલાં લીધાં છે, પરંતુ જો આ કેસ હજુ ફાસ્ટ ચાલે તો સારું રહેશે."

વધુ એક પીડિત પરિવારના સભ્ય નરેન્દ્રભાઈ પરમાર કહે છે કે, "આ દુર્ઘટનાના તમામ દસ આરોપીઓ હાલ જામીન પર બહાર છે. એમની જામીનની શરતોમાં પણ સેશન્સ કોર્ટે રાહત આપી દીધી છે."

તેઓ આગળ કહે છે કે, "આ ઘટનાને ત્રણ વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં આ દુર્ઘટનાના કેસમાં હજુ સુધી ચાર્જ ફ્રેમ નથી થયા. નવી નવી અરજીઓ થયા કરે છે અને એના નિરાકરણમાં હજુ સુધી કોઈ કાર્યવાહી આગળ નથી વધી રહી."

"એકંદરે ન્યાયની આ પ્રક્રિયા પીડિતો માટે નિરાશાજનક છે."

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં શું થયું હતું?

1887માં બનેલો આ પુલ ઑક્ટોબર 2022માં સમારકામ બાદ ખુલ્લા મુકાયાના પાંચમા દિવસે તૂટી પડ્યો હતો.

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો તેના 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં સરકારે એક એફઆઇઆર નોંધી કથિત રીતે જવાબદાર લોકો સામે ફોજદારી પગલાં લેવાનું શરૂ કરી દીધું હતું.

ઐતિહાસિક ઝૂલતો પુલ લોકો માટે રોજિંદી અવરજવર દરમિયાન નદી ઓળંગવા માટેનો પુલ ન રહેતાં પ્રવાસીઓ માટેનું એક આકર્ષણ બની ગયો હતો.

પુલની માલિકી મોરબી નગરપાલિકાની હતી, પરંતુ નગરપાલિકાએ તેનાં વપરાશ અને સારસંભાળ માટે મોરબીના જાણીતા ઉદ્યોગગૃહ અજંતા મૅન્યુફૅક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ (ઓરેવા ગ્રૂપ) સાથે માર્ચ 2022માં એક સમજૂતી કરાર કરીને પુલને ઓરેવા ગ્રૂપને સોંપ્યો હતો.

સમારકામ બાદ જયસુખ પટેલે ઝૂલતો પુલ 26 ઑક્ટોબર 2022ના રોજ મુલાકાતીઓ માટે ખુલ્લો મૂક્યો હતો.

દુર્ઘટનામાં માર્યા ગયેલા તેમજ ઈજાગ્રસ્ત થયેલ લોકો પુલ જોવા આવેલા મુલાકાતીઓ હતા.

આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 135 લોકોમાંથી 50 કરતાં પણ વધુ બાળકો હતાં.

દરેક મૃતકના પરિવારને રાજ્ય સરકારે આઠ-આઠ લાખ રૂપિયા, કેન્દ્ર સરકારે બબ્બે લાખ રૂપિયા, મોરબીના રાજપરિવારે એક-એક લાખ રૂપિયા આપ્યા છે. તો ઓરેવા ગ્રૂપે દસ-દસ લાખ રૂપિયાનું વળતર ચૂકવી દીધું છે.

તેમજ ઈજાગ્રસ્ત લોકોને રાજ્ય સરકારે એક-એક લાખ રૂ. અને કેન્દ્ર સરકારે 50 હજાર વળતર ચૂકવ્યું છે. રાજ્ય સરકારે ઈજાગ્રસ્તોને મફત સારવાર અપાવી હતી.

મોરબીમાં કોની-કોની સામે ગુનો નોંધાયો છે?

31 ઑક્ટોબરની વહેલી સવારે મોરબી પોલીસે આ ઘટના સંદર્ભે તત્કાલીન ભારતીય દંડ સંહિતાની (આઈપીસી) કલમ 304 (સદોષ માનવવધ), 308 (સદોષ માનવવધ કરવાની કોશિશ) વગેરે કલમો હેઠળ એક એફઆઇઆર દાખલ કરી હતી અને કલાકોની અંદર જ નવ લોકોની ધરપકડ કરી લીધી હતી.

આઇપીસી કલમ 304 હેઠળ દોષિતને દસ વર્ષ સુધીની જેલની સજા થવાની જોગવાઈ છે.

ધરપકડ કરાયેલા લોકોમાં ઓરેવા ગ્રૂપના મૅનેજરો દીપક નવીનચંદ્ર પારેખ અને દિનેશ મહાસુખરાય દવેનો સમાવેશ થતો હતો.

આ સિવાય ઝૂલતા પુલની ટિકિટ બારીએ ઓરેવા ગ્રૂપ વતી ટિકિટ બુકિંગનું કામ કરતા કારકૂનો મનસુખ ટોપિયા અને મહાદેવ સોલંકી તેમજ પુલના ચોકીદારો અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ અને મુકેશ ચૌહાણની ધરપકડ કરાઈ હતી.

આ ઉપરાંત પોલીસે ઝૂલતા પુલનું ઓરેવા ગ્રૂપ વતી 2022માં સમારકામ કરનારા પ્રકાશ પરમાર અને તેમના પુત્ર દેવાંગ પરમારની પણ ધરપકડ કરી હતી.

પરમાર પિતા-પુત્ર સુરેન્દ્રનગરમાં દેવકૃપા ફેબ્રિકેશન નામની પેઢી ચલાવી ફેબ્રિકેશનનું લુહારીકામ કરે છે.

એફઆઈઆરમાં નોંધવામાં આવ્યું હતું કે દુર્ઘટના સમયે ઝૂલતા પુલ પર "આશરે 250થી 300 લોકો" હતા.

પોલીસની ફોજદારી તપાસ ઉપરાંત આ ઘટનાની વહીવટી તપાસ કરવા રાજ્ય સરકારે એક ઉચ્ચ કક્ષાની સ્પેશ્યિલ ઇન્વેસ્ટિગેશન ટીમની (એસઆઇટી) રચના કરી હતી.

તેમાં સિવિલ એન્જિનિયર્સ, ધાતુશાસ્ત્રના તજજ્ઞો અને પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ કર્યો હતો.

એસઆઇટીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે પુલનું યોગ્ય સમારકામ કર્યા વગર જ તેને જાહેર જનતા માટે ખુલ્લો મૂકી દેવાયો હતો અને ઘટના સમયે જેટલા લોકો પુલ પર હતા તેટલું વજન ખમી શકવાની તેની ક્ષમતા ન હતી.

ઉદ્યોગપતિ જયસુખ પટેલની પણ ધરપકડ

ધરપકડોના આ તબક્કા બાદ પોલીસે ઉદ્યોગપતિ જયસુખ પટેલની શોધખોળ આદરી હતી, પરંતુ તેઓ મળી આવ્યા ન હતા.

તેથી, પોલીસે કોર્ટમાં અરજી દાખલ કરી જયસુખ પટેલ સામે ધરપકડનું વૉરંટ કઢાવ્યું હતું, તેમજ કાનૂની કાર્યવાહીથી બચવા જયસુખ પટેલ વિદેશ જતા ન રહે તે માટે તેમના વિરુદ્ધ ઍરપૉર્ટ્સ પર લૂકઆઉટ સર્ક્યુલર પણ જાહેર કરાવ્યો હતો.

પોલીસની પકડથી ત્રણેક મહિના દૂર રહ્યા બાદ છેવટે જયસુખ પટેલે 31 જાન્યુઆરી 2023ના રોજ મોરબીની કોર્ટમાં આત્મસર્પણ કર્યું હતું.

ત્યાર બાદ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી અને તેમના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે આ કેસમાં માર્ચ, 2023માં કોર્ટમાં ચાર્જશીટ (આરોપનામું) દાખલ કર્યું હતું અને તેમાં જયસુખ પટેલને મુખ્ય આરોપી ગણાવ્યા હતા.

આ કેસમાં પોલીસે મોરબી નગરપાલિકાના તત્કાલીન ચીફ ઑફિસર સંદીપસિંહ ઝાલાની પણ પૂછપરછ કરી હતી. જોકે, તેમની ધરપકડ કરાઈ નહોતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન