એ કારણો જેને લીધે ભારતે હાથમાંથી નીકળી ગયેલી મૅચ જીતી લીધી અને સિરીઝ 2-2થી ડ્રૉ કરી

ઓવલ ખાતે ભારત ઇંગ્લૅન્ડ શ્રેણીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મૅચ કોઈ વન-ડે મુકાબલા જેવા દિલધડક તબક્કે પહોંચી ગઈ હતી અને છેલ્લા દિવસે ભારતે વિજય મેળવ્યો હતો.

પાંચમા દિવસે ઇંગ્લૅન્ડને 37 રન જોઈતા હતા અને ચાર વિકેટ હાથમાં હતી, જોકે, ભારતીય બૉલર્સની અસરકારક બૉલિંગની સામે ઑલાઉટ થઈ ગયા હતા અને ભારતનો છ રનથી વિજય થયો છે.

પહેલા બે દિવસમાં બંને ટીમોની પહેલી ઇનિંગ આટોપાઈ ગઈ હતી. ઇંગ્લૅન્ડ પાસે 23 રનની સામાન્ય લીડ હતી, જોકે, બીજા દિવસે ભારતે ઇંગ્લૅન્ડ ઉપર 52 રનની લીડ મેળવી હતી.

આ દરમિયાન મૅચ અનેક ચઢાવ-ઉતારમાંથી પસાર થયો હતો. એક સમયે લાગતું હતું કે આ ટુર્નામેન્ટ ભારતના હાથમાંથી નીકળી ગઈ છે.

આમ તેંડુલકર-એન્ડરસન સિરીઝ 2-2ની બરાબરી રહી છે. જ્યારે એક ટેસ્ટ મૅચ ડ્રૉ થઈ હતી. ભારતે રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા ખેલાડીઓની ગેરહાજરીમાં પહેલી ટેસ્ટ શ્રેણી રમી અને શુભમ ગિલના નેતૃત્વમાં આ પહેલી ટુર્નામેન્ટ હતી.

ચોથા દિવસની સૌથી મોટી ક્ષણ

ચોથા દિવસે સવારે ઇંગ્લૅન્ડનો સ્કોર ત્રણ વિકેટે 137 રનનો હતો. ત્યારે હેરી બ્રૂક 21 બૉલમાં 19 રન બનાવીને રમી રહ્યા હતા.

ઇંગ્લૅન્ડની 35મી ઓવર દરમિયાન પ્રસિદ્ધ કૃષ્ણાની બૉલને મોહમ્મદ સિરાજે બાઉન્ડ્રી ઉપર કૅચ પકડી હતી. પ્રસિદ્ધ કૃષ્ણાએ ઉજવણી શરૂ કરી દીધી હતી, પરંતુ આ દરમિયાન તેમને સિરાજની ભૂલનો અહેસાસ થયો.

કૅચ પકડતી વખતે સિરાજનો પગ બાઉન્ડ્રી લાઇનના દોરડાને અડકી ગયો હતો. સિરાજ પણ આ ભૂલનો અફસોસ કરતા દેખાયા હતા અને બ્રૂકના ચહેરા ઉપર સ્મિત આવી ગયું હતું.

સિરાજે ભારત વતી સૌથી વધુ 19 વિકેટ લીધી છે, પરંતુ આ ભૂલ ભારતને ભારે પડી હતી અને એક તબક્કે મૅચ ભારતના હાથમાંથી નીકળતો જણાયો હતો.

બ્રૂક અને રૂટના નામે રેકૉર્ડ

બ્રૂકે આ જીવતદાનનો પૂરેપૂરો લાભ લીધો અને રન ફટકારવાનું ચાલુ રાખ્યું. સામે છેડે જો રૂટે તેમનો પૂરો સાથ આપ્યો.

બ્રૂકે માત્ર 91 દડામાં તેમની કારકિર્દીની 10મી સદી ફટકારી હતી. આ સિદ્ધિ તેમણે પોતાની 50મી ટેસ્ટ ઇનિંગમાં મેળવી હતી.

ડૉન બ્રેડમૅન પછી આ બ્રૂક એવા ખેલાડી બન્યા છે કે જેમણે 50થી ઓછી ટેસ્ટ ઇનિંગમાં 10 સદીઓ ફટકારી હોય. બંને બૅટ્સમૅનની આક્રમક બૅટિંગ સામે મૅચ ભારતના હાથમાંથી સરકતો જણાય રહ્યો હતો, એવામાં ભારતના ફાસ્ટ બૉલરો મેદાન ઉપર ઊતર્યા અને મૅચમાં ભારતનું પુનરાગમન થયું.

આકાશદીપના બૉલ ઉપર હેરી બ્રૂકે બૉલ હવામાં ઉછાળ્યો, આ વખતે મોહમ્મદ સિરાજે કોઈ ભૂલ ન કરી અને કૅચ પકડી લીધો.

બીજી બાજુ, જો રુટે તેમની 39મી સદી પૂર્ણ કરી અને શ્રીલંકાના ક્રિકેટર કુમાર સંગાકારાથી આગળ નીકળી ગયા. જોકે તેઓ સચીન તેંડુલકર (51 સદી), જૅક કાલિસ (45 શતક) અને રિકી પૉન્ટિંગથી (41 સૅન્ચૂરી) પાછળ છે.

તેમણે ઘર આંગણે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનારા બૅટ્સમૅન તરીકે પણ સ્થાન મેળવ્યું.

શુભમ ગિલની ભૂલ અને સુધાર

પાંચમી ટેસ્ટ મૅચ ભારત માટે નિર્ણાયક હતી, આમ છતાં આ મહત્ત્વપૂર્ણ મૅચ માટે ભારતના આક્રમક બૉલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો.

શુભમ ગિલે ઓવલ ટેસ્ટમાં પહેલી ઇનિંગ દરમિયાન વૉશિંગ્ટન સુંદર પાસે એક પણ ઓવર કરાવી ન હતી. તેમના આ નિર્ણયની ભારે ટીકા થઈ હતી. તેમણે ચોથી ટેસ્ટમાંથી બોધપાઠ લીધો ન હોવાનું પણ કેટલાક નિષ્ણાતોએ કહ્યું.

પહેલી ઇનિંગમાં રવિન્દ્ર જાડેજા પાસે માત્ર બે ઓવર જ બૉલ કરાવી હતી. એવી જ રીતે બીજી ઇનિંગમાં પણ સ્પીનરોને મોડેથી બૉલ આપ્યો હતો.

દરમિયાન બ્રૂક અને રૂટ ભારતના સ્પીન બૉલરોને ઝૂડવાનું ચાલુ કરી દીધું હતું. તેઓ પરસ્પર સ્ટ્રાઇક રોટેટ પણ કરતા રહ્યા.

બંને બૅટસમૅન જામી ગયા હતા અને ઝડપભેર રન લઈ રહ્યા હતા, ત્યારે શુભમ ગિલે ફાસ્ટ બૉલરોને તક આપી. ત્યારે બ્રૂકે તેમની સામે પણ આક્રમક બૅટિંગ ચાલુ રાખી અને ઇંગ્લૅન્ડ મૅચ જીતી જશે એવું લાગવા માંડ્યું હતું.

આકાશદીપના બૉલ ઉપર સિરાજે ઇંગ્લૅન્ડના બૅટ્સમૅન બ્રૂકનો કૅચ લીધો. એ પછી પ્રસિદ્ધ કૃષ્ણાએ બે વિકેટ લીધી અને ઇંગ્લૅન્ડનો સ્કોર છ વિકેટે 339 રનનો હતો.

નવો દિવસ, નવી શરૂઆત

પાંચમા દિવસે બંને દેશના ખેલાડીઓની માનસિક સ્થિતિ બદલાઈ ગઈ હતી. ભારતીય બૉલરો આખી રાતના આરામ પછી ફરીથી ચુસ્ત અને તાજા જણાતા હતા. તેમની સામે ઇંગ્લૅન્ડના ખેલાડીઓને આઉટ કરવાનું એકમાત્ર ટાર્ગેટ હતું.

જેમી સ્મિથ અને જેમ્સ એન્ડરસની જોડી મેદાન ઉપર હતી. સ્મિથે સિરીઝની શરૂઆતમાં સદી અને અડધી સદી ફટકારી હતી. જોકે, ગત ત્રણ ઇનિંગમાં તેઓ બે આંકડાનો સ્કોર પણ ખડકી શક્યા ન હતા અને આઠ, નવ તથા આઠ રને આઉટ થયા હતા.

ઑલરાઉન્ડર ક્રિસ વૉક્સ ઈજાગ્રસ્ત હતા. તેઓ સ્લિંગ સાથે મેદાન ઉપર ઊતર્યા હતા. જોકે, આનાથી ભારતીય કૅમ્પને કોઈ આશ્ચર્ય નહોતું થયું, કારણ કે જો રૂટે મૅચ પછીની પ્રેસ કૉન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે જરૂર પડશે તો વૉક્સ પણ બૅટિંગ કરશે.

દર બે ચાર બૉલ પછી શુભમ ગિલ બૉલર સાથે વાત કરતા અને માર્ગદર્શન આપતા દેખાયા હતા.

ઇંગ્લૅન્ડ ન રચી શક્યું ઇતિહાસ

પાંચમા દિવસની ભારતની જીતએ વર્ષ 2021માં ઓવલ ટેસ્ટમાં વિજય જેવો જ હતો. આ મેદાન ઉપર ભારતનો ત્રીજો વિજય છે.

વર્ષ 1902માં ઇંગ્લૅન્ડે ઓવલના મેદાન ઉપર ચોથી ટેસ્ટ મૅચમાં 263 રન ચેઝ કરીને એક વિકેટે વિજય મેળવ્યો હતો.

એ પછી આ મેદાન ઉપર કોઈપણ ટીમ આથી વધુ રન ચેઝ કરી શકી ન હતી. ઇંગ્લૅન્ડ પાસે તેનો જ 123 વર્ષ જૂનો રેકૉર્ડ તોડવાની તક હતી, પરંતુ ભારતે તેના ઉપર પાણી ફેરવી દીધું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન