You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જેને આંખે દેખાતું નથી તે આંતરરાષ્ટ્રીય રેસ કેવી રીતે જીતી લાવે છે?
- લેેખક, દિવ્યા આર્ય
- પદ, બીબીસી સંવાદદાતા
રક્ષિતા રાજુ કહે છે, "હું મોટી થઈ રહી હતી, ત્યારે મારા ગામના બધા લોકો કહેતા કે તે અંધ છે, નકામી છે."
24 વર્ષનાં રક્ષિતા ભારતના મધ્યમ અંતરના ટોચના દિવ્યાંગ ઍથ્લીટ્સ પૈકીનાં એક છે. તેઓ કહે છે, "તેનાથી હવે મને ખૂબ ગર્વ થાય છે."
રક્ષિતા જન્મથી જ અંધ છે. તેમનો જન્મ દક્ષિણ ભારતના એક અંતરિયાળ ગામડામાં થયો હતો. તેમણે 10 વર્ષની વયે માતા-પિતા બંનેને ગુમાવ્યાં હતાં. એ પછી તેમનો ઉછેર મૂક-બધીર દાદીએ કર્યો હતો.
રક્ષિતા કહે છે, "અમે બન્ને દિવ્યાંગ છે. તેથી મારાં દાદીમા મને સમજે છે. તેમણે મને બહુ ચિંતા ન કરવા કહ્યું છે."
રક્ષિતા લગભગ 13 વર્ષનાં હતાં ત્યારે સ્કૂલમાં સ્પૉર્ટ્સ ટીચર તેમને ખૂણામાં લઈ ગયા હતા અને જણાવ્યું હતું કે તેમનામાં એક મહાન ખેલાડી બનવાની ક્ષમતા છે.
એ વાતને યાદ કરતાં તેઓ કહે છે, "મને આશ્ચર્ય થયું. કેવી રીતે? હું દૃષ્ટિહીન છું તો એવા ટ્રૅક પર કઈ રીતે દોડી શકું, જેને હું જોઈ ન શકું?"
સ્પૉર્ટ્સ ટીચરે રક્ષિતાને સમજાવ્યું હતું કે દૃષ્ટિહીન દોડવીરોને એક માર્ગદર્શક મળી શકે છે, જે તેમની સાથે દોડે છે.
ઍથ્લીટે બે લેનમાં દોડવાનું હોય છે અને તેમને એક ટેથર દ્વારા જોડવામાં આવે છે. ટેથર એક ટૂંકો પટ્ટો હોય છે. તેના બંને છેડે લૂપ હોય છે, જેથી તેઓ તેને પકડી શકે. રક્ષિતા માટે તે એકદમ નવીન બાબત હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍથ્લીટ્સ વચ્ચેની દૃષ્ટિહીનતાનું સ્તર અલગ અલગ હોઈ શકે છે. કોઈને અન્યાય ન થાય તે સુનિશ્ચિત કરવા કેટલીક ઇવેન્ટ્સમાં સ્પર્ધકો તેમની આંખો પર માસ્ક પહેરે છે.
ગાઇડ રનર મેળવવા સંઘર્ષ
કેટલાક અન્ય વિદ્યાર્થીઓએ થોડા સમય સુધી રક્ષિતા માટે ગાઇડ રનર્સ તરીકે કામ કર્યું હતું. પછી 2016માં, રક્ષિતા 15 વર્ષનાં થયાં ત્યારે તેમણે નૅશનલ ગેમ્સમાં ભાગ લીધો હતો. એ વખતે રાહુલ બાલકૃષ્ણ નામની વ્યક્તિની નજર રક્ષિતા પર પડી હતી.
રાહુલ મિડલ-ડિસ્ટન્સ રનર હતા અને તેમણે પોતે અગાઉ 1500 મીટરની દોડ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેઓ ઈજામાંથી સાજા થઈ રહ્યા હતા ત્યારે થોડાં વર્ષો અગાઉ પૅરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયા (પીસીઆઈ)ના એક પ્રશિક્ષક તેમને પૅરા ઍથ્લેટિક્સમાં લાવ્યા હતા.
માર્ગદર્શકો તથા પ્રશિક્ષકોની અછત હતી અને રાહુલે બન્ને જવાબદારી સંભાળવાનો નિર્ણય કર્યો હતો. સરકાર તેમને તેમના કોચિંગના કામ માટે પગાર ચૂકવે છે, પરંતુ ગાઇડ રનર્સને ચૂકવણી કરવામાં આવતી નથી.
અલબત, કોઈ દૃષ્ટિહીન દોડવીર આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જીતે ત્યારે તેમના માર્ગદર્શકને પણ મેડલ મળે છે. રાહુલને તેમની પોતાની કારકિર્દી દરમિયાન એવો કોઈ ચંદ્રક મળ્યો ન હતો.
રાહુલ કહે છે, "હું મારા માટે અને મારા દેશ માટે આ કરી શક્યો તેનો મને ગર્વ હતો."
તેમણે રક્ષિતાને આધાર આપવા માટે પોતાનો સમય અને પૈસા આપ્યા. 2018માં રક્ષિતાને બેંગ્લુરુ જવામાં મદદ કરી, જેથી તેને વધારે સારી તાલીમ સુવિધા મળી શકે. હવે, રક્ષિતા સરકાર સંચાલિત હોસ્ટેલમાં રહે છે અને રાહુલ પાસેથી રોજ તાલીમ લે છે.
રાહુલ કહે છે કે જ્યારે રક્ષિતા દોડી રહ્યાં હોય, ત્યારે "નાની બાબતો જ બહુ મહત્ત્વની હોય છે."
એમ કહેતાં રાહુલ ઉમેરે છે, "કોઈ વળાંક આવતો હોય ત્યારે ગાઇડે તેમને ચેતવણી આપવી પડે છે કે અન્ય સ્પર્ધક ઓવરટેક કરી રહ્યો હોય ત્યારે માર્ગદર્શકે તેમને વધારે મહેનત કરવા કહેવું પડે છે."
સ્પર્ધાના નિયમ એવો હોય છે કે ગાઇડ સ્પર્ધકનો હાથ પકડી શકતા નથી. તેઓ ફક્ત ટેથર વડે જોડાયેલા હોય છે, જે તેમણે તેઓ ફિનિશ લાઇન ક્રૉસ ન કરે ત્યાં સુધી પકડી રાખવાનું હોય છે. એ ઉપરાંત તેઓ દૃષ્ટિહીન ઍથ્લીટને ધક્કો મારી શકતા નથી, ખેંચી શકતા નથી કે અન્ય કોઈ રીતે આગળ ધકેલી શકતા નથી.
સમય જતાં રાહુલ તથા રક્ષિતાની જોડી વચ્ચે મજબૂત સંબંધ બંધાયો અને હવે રક્ષિતા કહે છે, "હું મારા કરતાં મારા ગાઇડ રનરમાં વધુ વિશ્વાસ રાખુ છું."
તેમની તાલીમનું ફળ મળ્યું છે અને તેમણે 2018 અને 2023ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ્સ જીત્યા હતા. રક્ષિતાનું તેમના ગામમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગામના જે લોકો તેમને ટોણા મારતા હતા એ જ લોકોએ તેમના માટે કેવી રીતે સરઘસ યોજ્યું હતું અને તેમને ઉત્સાહભેર વધાવ્યાં હતાં અને ધ્વજ લહેરાવ્યા હતા તેનું વર્ણન કરતી વખતે રક્ષિતા હસી પડે છે.
રક્ષિતા પૅરાલિમ્પિક્સમાં 1500 મીટર માટે ક્વૉલિફાઈ થનારાં પ્રથમ પ્રજ્ઞાચક્ષુ ભારતીય મહિલા બન્યાં હતાં અને તેમણે 2024 પેરિસ ઑલિમ્પિક્સમાં રાહુલ સાથે ભાગ લીધો હતો.
બે ખેલાડી, એક કહાણી
રક્ષિતા ફ્રાન્સમાં મેડલ મેળવી શક્યા ન હતાં, પરંતુ પેરિસ માટે ક્વૉલિફાઇ થનારાં અન્ય એક ભારતીય દૃષ્ટિહીન મહિલા ખેલાડી, દોડવીર સિમરન શર્મા સાથે પોડિયમ પર પહોંચ્યાં હતાં અને બ્રોન્ઝ મેડલ લાવ્યાં હતાં.
સિમરન આંશિક રીતે દૃષ્ટિહીન છે અને તેમણે દોડવાનું શરૂ કર્યું ત્યારે એકલા દોડતાં હતાં.
જોકે, 2021માં ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ભાગ લીધો ત્યારે સિમરન તેમની લેનથી ભટકી ગયાં હતાં. તેઓ ટ્રૅક પરની લાઇન્સ જોઈ શક્યાં ન હતાં. તેમને સમજાયું હતું કે દોડવાનું ચાલુ રાખવું હશે તો તેમને ગાઇડની જરૂર પડશે.
તેઓ દેશની રાજધાની દિલ્હીમાં રહેતા હોવા છતાં ગાઇડ શોધવાનું તેમના માટે પડકારજનક સાબિત થયું હતું.
સિમરન કહે છે, "ગાઇડ કોઈ ખેલાડી ન હોવા જોઈએ. તમારે એવી વ્યક્તિની જરૂર હોય છે, જેની ટેકનિક તમારી સાથે મેળ ખાય અને જે તમારા જેટલી જ ઝડપે દોડી શકે."
પોતાની ગતિ અને શૈલી સાથે સંપૂર્ણપણે મેળ ન ખાતી હોય તેવી કેટલીક વ્યક્તિઓ સાથે ખોટી શરૂઆત કર્યા પછી આખરે સિમરનનો ભેટો અભય કુમાર નામના એક યુવાન ખેલાડી સાથે થયો હતો. જ્યાં સિમરન ટ્રેનિંગ લેતાં હતાં ત્યાં અભય કુમાર પણ ટ્રેનિંગ લેતા હતા.
18 વર્ષના અભય કુમાર સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા હતા અને સિમરનને માર્ગદર્શન આપવાનું તેમના માટે આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનો અનુભવ મેળવવાની એક તક હતી.
તેઓ કહે છે, "તેમણે મને વીડિયોઝ મોકલ્યા હતા. એ નિહાળ્યા પછી મેં વિચાર્યું હતું કે હું ઝડપથી શીખી લઉં છું. આ આસાન હશે, પરંતુ હું પહેલી વખત દોડ્યો ત્યારે તે ખૂબ જ મુશ્કેલ બન્યું હતું."
"મને સમજાયું કે હું વળાંક પર દોડું છું ત્યારે અંદરનો હાથ ઓછો ફરે છે અને બહારની બાજુનો હાથ વધુ ફરે છે, પરંતુ હું સિમરન સાથે દોડું છું ત્યારે હું તેની બહારની બાજુએ હોઉં છું."
તેથી દોડતી વખતે પોતાનો અંદરનો હાથ સિમરનના બહારના હાથની જેમ જ ફરે એ માટે દોડવાની રીતનું સમાયોજન કરવું પડ્યું, જેથી સિમરનની મૂવમેન્ટમાં કોઈ દખલ ન સર્જાય.
ફિનિશિંગ લાઇન કેવી રીતે ક્રૉસ કરવી ત્યાં સુધીની દરેક નાની વસ્તુમાં સુમેળ રાખવો પડે છે. ફિનિશિંગ લાઇન દૃષ્ટિહીન ખેલાડીએ તેમના ગાઇડ પહેલાં પાર કરવાની હોય છે.
અભય અને સિમરન મળ્યાનાં થોડાં અઠવાડિયાં પછી જ જાપાનમાં 2024 વર્લ્ડ પૅરાઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની એ પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હતી. તેમને પ્રૅક્ટિસ કરવા માટે લાંબો સમય મળ્યો ન હતો.
સિમરન માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા
અભય અને સિમરનની પહેલી જ, 100 મીટરની દોડ આપદા પુરવાર થઈ હતી.
સિમરન કહે છે, "અમારા બેમાંથી કોઈને નિયમની બરાબર ખબર ન હતી. અભયે વિચાર્યું કે હું લાઇન ક્રૉસ કરી શકું એટલા માટે તેણે અટકી જવું પડશે. તેથી તે થંભી ગયો હતો."
તેઓ ગેરલાયક ઠર્યા હતા, કારણ કે અભયે આગળ વધતા રહેવું જરૂરી હતું અને સિમરનની પાછળ લાઇન ક્રૉસ કરવાની હતી.
જોકે, તેઓ 200 મીટર દોડમાં પહોંચ્યાં ત્યારે જાણતાં હતાં કે તેઓ શું કરી રહ્યાં છે. એ સ્પર્ધામાં તેમણે સુવર્ણચંદ્રક જીત્યો હતો. સિમરન T12 શ્રેણીમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યાં હતાં.
એ જીતના ગૌરવ સાથે તેઓ પેરિસ પૅરાલિમ્પિક્સમાં ગયાં હતાં. 100 મીટર દોડમાં તેઓ ચોથા ક્રમે રહ્યા હતા, પરંતુ 200 મીટરમાં કાંસ્યપદક જીત્યો હતો અને સિમરન પૅરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ દૃષ્ટિહીન ભારતીય મહિલા બન્યાં હતાં.
સિમરન સ્મિત કરતાં કહે છે, "અમે મેડલ જીત્યો છે તેની મને ખબર પણ ન હતી. મારા ગાઇડે પછી કહ્યું કે અમે માત્ર મેડલ જ નથી જીત્યા, મેં મારો પર્સનલ બેસ્ટ ટાઇમ પણ નોંધાવ્યો છે."
સિમરનને ભારતના સર્વોચ્ચ સ્પૉર્ટ્સ સન્માન અર્જુન ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પૅરાલિમ્પિક્સ ગેમ્સમાં ભારતના શ્રેષ્ઠ પ્રદર્શનમાં યોગદાન બદલ તેમને નવાજવામાં આવ્યાં હતાં.
અલબત, 100 મીટર દોડ સ્પર્ધામાં હાર એક દુઃખદ મુદ્દો છે અને સિમરનને ચિંતા છે કે અભય તેમના માર્ગદર્શક તરીકે કેટલો સમય ટકી રહેશે. અભયની પોતાની વ્યક્તિગત કારકિર્દી પણ છે.
કોઈ જોડી જીતે ત્યારે ગાઇડ રનર્સને ઇનામ મળે છે તે ખરું, પરંતુ પૅરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયા (પીસીઆઈ) કહે છે કે તેઓ ગાઇડ્સને પગાર, રોકડ ઇનામ આપી શકતું નથી અથવા લાંબા ગાળાની કારકિર્દી ઑફર કરી શકતું નથી.
પીસીઆઈના નૅશનલ ઍથ્લેટિક્સ કોચ સત્યનારાયણ કહે છે, "અમે તેમના ખોરાક, રહેઠાણ, પરિવહન અને તાલીમ સુવિધાઓ જેવી ટૂંકાગાળાની જરૂરિયાતોને જ સંતોષી શકીએ છીએ."
રક્ષિતા અને સિમરન બન્નેની પાસે હવે સ્પૉન્સરશિપ ડીલ છે. તેનાથી તેમને ટ્રેનિંગ માટેનું ભંડોળ મેળવવામાં મદદ મળે છે.
તેઓ તેમના ગાઇડ્સને ચૂકવણી કરે છે અને તેમણે જીતેલી કોઈ પણ ઇનામી રકમમાંથી હિસ્સો આપે છે, પરંતુ રાહુલ તથા અભય બંને સરકાર પાસેથી વધારે મદદ ઇચ્છે છે.
તેઓ એમ પણ ઇચ્છે છે કે જાહેરક્ષેત્રે નોકરીઓ માટે તેમને પણ ખેલાડીઓ તથા મહિલાઓ માટે અનામત નોકરીમાં અરજી કરવાની મંજૂરી મળે.
અભય સાથે પોતાનું ભવિષ્ય અનિશ્ચિત હોવા છતાં સિમરન લૉસ ઍન્જલસમાં યોજાનારી આગામી પૅરાલિમ્પિક ગેમ્સની રાહ જોઈ રહ્યાં છે.
આગામી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતવાની આશા સાથે તેઓ કહે છે, "આ મેડલનો રંગ નહીં બદલું ત્યાં સુધી હું આરામ કરીશ નહીં."
રાહુલ રક્ષિતાની પડખે છે ત્યારે રક્ષિતા આગામી સ્પર્ધામાં પણ મેડલ જીતવાની આશા રાખે છે. રાહુલ કહે છે, "રક્ષિતાએ મેડલ જીતવો જ જોઈએ. ગામડાઓમાં તેના જેવી ઘણી છોકરીઓ છે. એ છોકરીઓ સ્પૉર્ટ્સ અને સંભાવનાઓ વિશે જાણતી નથી. રક્ષિતા તેમના માટે રોલ મોડલ બનશે."
ભારતમાં મહિલા ખેલાડીઓની નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી અને સન્માન માટે બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર (ISWOTY) ઍવૉર્ડની પાંચમી આવૃત્તિનું આયોજન થઈ ગયું છે.
આ માટે નૉમિનેટ ખેલાડીઓ વિશે જાણો. વિજેતાના નામની જાહેરાત 17 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન