ગામડાની છોકરીઓની કહાણી, જેમનાં કબડ્ડીએ જીવન બદલી નાખ્યાં

    • લેેખક, અનઘા પાઠક
    • પદ, બીબીસી મરાઠી

મીનાની આંખો જમણેડાબે ચપળતાથી ફરતી ફરતી એક ક્ષણ શોધી રહી છે જેથી તેઓ સામેની ટીમ પર રેડ મારી શકે. તેઓ ભારતીય રમત કબડ્ડી રમી રહ્યાં છે જે હવે વિશ્વભરના 50થી વધુ દેશોમાં રમાય છે.

આ રમત બે ટીમો વચ્ચે રમાય છે, જેમાં દરેક ટીમમાં સાત ખેલાડીઓ હોય છે. હવે આ રમતમાં સામેના ભાગમાં રેડ મારવા જવાનું હોય છે અને પોતાના ભાગમાં આઉટ થયા વગર પાછા ફરવાનું હોય છે.

પરંતુ 14 વર્ષની મીના માટે આ રમત હાર-જીત કરતા ઘણી વધારે મહત્ત્વની છે. આ રમત તેને પ્રતિબંધિત ગામડાના જીવનમાંથી મુક્તિ અપાવે છે અને દુનિયાભરની તકો તેની સામે મૂકે છે.

તેઓ શરમાતાં શરમાતાં શબ્દો શોધતાં કહે છે કે, "જ્યારે હું રમું છું ત્યારે હું કોઈ બીજી વ્યક્તિ હોઉં તેવું લાગે છે. તે ક્ષણે હું તે મીના નથી રહેતી જે ઘરકામ માટે બંધાયેલી હોય છે. તે સામાજિક બંધનો અને અપેક્ષાઓથી પણ દબાયેલી હોય છે. પણ આ રમતમાં તો ફક્ત હું અને વિરોધી.... બીજું કોઈ નહીં. મને તો એવું લાગે છે કે જે છોકરીઓ રમતી નથી તેના કરતાં હું વધુ મુક્ત શક્તિશાળી છું."

મીના ભારતની આર્થિક રાજધાની મુંબઈથી લગભગ 230 કિમી દૂર એક નાના આદિવાસી ગામ કુશોડીના સીમમાં રહે છે.

અહીંયાં છોકરીઓનું જીવન પરંપરાગત રીતે ઘરકામ, લગ્ન અને બાળકોની આસપાસ જ હોય છે.

પરંતુ 15 વર્ષ પહેલાં ગામડાની શાળાના શિક્ષકોના એક જૂથે નક્કી કર્યું કે તેઓ છોકરીઓને વધુ તકો પૂરી પાડવા માગે છે. દાજી રાજગુરુએ ગામની આ છોકરીઓને તકો આપવા સાથીદારો સાથે મળીને કબડ્ડી ક્લબની સ્થાપના કરી.

દાજી રાજગુરુ કહે છે, "મારી એક દીકરી છે. હું ઇચ્છું છું કે તે જીવનમાં કંઈક પ્રાપ્ત કરે, શ્રેષ્ઠ જીવન જીવે, કંઈક બને. છોકરીઓ કબડ્ડી કેમ ન રમી શકે અને તેમાંથી કારકિર્દી કેમ ન બનાવી શકે?"

તેથી તેમણે અને તેમના સાથીદારો કે જેઓ નાની ઉંમરે કબડ્ડી રમ્યા હતા. તેમણે વિચાર્યું કે સ્થાનિક છોકરીઓને આ રમત રમતા શીખવાડવું સારું રહેશે.

તેમણે તેમની બચતના 5,000 રૂપિયા એકઠા કર્યા અને શાળાને તેના મેદાનનો ઉપયોગ કરવા માટે રાજી કરી. આમ તેમના કહેવા પ્રમાણે દેશની સૌપ્રથમ માત્ર યુવતીઓની કબડ્ડી ક્લબનો પાયો નંખાયો.

'પ્રારંભિક તબક્કામાં માતાપિતા દીકરીઓને કબડ્ડી રમવા દેવા તૈયાર નહોતાં'

શરૂઆતમાં શાળાની વિદ્યાર્થિની હતી તેવી ફક્ત બે છોકરી જ આમાં જોડાઈ.

તેઓ કહે છે કે, "માતાપિતા તેમની છોકરીઓને કબડ્ડી રમવા દેવા માટે તૈયાર ન હતા, કારણ કે તેના લીધે તેમને ઘણો સમય ઘરથી દૂર વિતાવવો પડતો હતો. તેઓ તેમની પુત્રીનાં લગ્નની સંભાવનાઓ પર પડતી તેની અસર વિશે પણ ચિંતિત હતા, કારણ કે પરંપરાગત પરિવારોમાં છોકરીઓને બહાર જવાની અને મોડા ઘરે આવવાની મંજૂરી નથી હોતી."

દાજી અને તેમના સાથીદારો ઘરે ઘરે જઈને માતા-પિતાને ખાતરી આપતા હતા કે તેમની દીકરીઓ શાળા પહેલાં અને પછીની તાલીમમાં સુરક્ષિત રહેશે.

તેમણે તેમને ખાતરી આપી હતી કે તેઓ છોકરીઓનું યોગ્ય રીતે ધ્યાન રાખશે અને છોકરાઓ દ્વારા તેમને વિચલિત પણ નહીં થવા દે.

શરૂઆતમાં તો શિક્ષકો છોકરીઓને ઘરેથી લઈ અને મૂકી પણ જતા. પરંતુ જેમ જેમ સંખ્યા વધતી ગઈ તેમ તેઓ આમ કરવા અસર્મથ બની ગયા. હવે ક્લબમાં લગભગ 30 છોકરીઓ કોચિંગ લે છે.

કોચિંગ શરૂ કર્યા પછી લગભગ 300 છોકરીઓ અહીંયાંથી કબડ્ડીની તાલીમ લઈ ચૂકી છે જેમાં દાજીની પોતાની પુત્રીનો પણ સમાવેશ થાય છે. કેટલીક છોકરીઓ તો સાત વર્ષની ઉંમરથી જ રમવાનું શરૂ કરી દે છે.

ક્લબના બાકીના સભ્યોની જેમ મીના શાળા પહેલા બે કલાક અને વર્ગો પૂરા થયા પછી બે કલાક તાલીમ લે છે. તેમણે પરોઢિયે ઘરેથી નીકળવું પડે છે અને રાત પડે ત્યારે તેઓ પાછાં ફરે છે.

મીના કહે છે, "હું સવારે એકલી જ જાઉં છું ત્યારે અંધારું હોય છે. મને હંમેશાં ડર લાગતો કે કોઈ મને કંઈ કરી નાંખશે. મારો પરિવાર ત્યારે મારા તરફે નહોતો. અને હજુ પણ રમતવીર બનવાના મારા નિર્ણયથી તેઓ નાખુશ છે."

હજુ પણ છે લગ્ન કરવાનું દબાણ

ક્લબના સભ્યો કે જેઓ રાજ્યની ટીમમાં કે લોકલ ક્લબમાં રમે છે તેનાથી પ્રેરણા લઈ મીનાએ પોતાનો હોંસલો બરકરાર રાખ્યો.

સિદ્ધિ ચાલકે અને સમરીન બુરાન્ડકર છોકરીઓના પ્રથમ બેચમાં હતાં અને લગભગ આઠ વર્ષ સુધી ક્લબમાં તાલીમ લીધી હતી. હવે 25 વર્ષની ઉંમરે તેઓ વ્યાવસાયિક લીગ ખેલાડીઓ છે અને આર્થિક રીતે સ્વતંત્ર છે.

શરૂઆતમાં તેમના પરિવારો માનતા હતા કે છોકરીનો કબડ્ડી રમવાનો આ તબક્કો પસાર થઈ જશે. પરંતુ જ્યારે છોકરીઓએ તેમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું ત્યારે તેમનાં માતાપિતા નાખુશ થઈ ગયાં. તેમના પર લગ્ન કરી લેવાનું દબાણ હજુ પણ છે પરંતુ સાથે સાથે હવે તેમના પરિવારોને તેમના પર ગર્વ પણ છે.

કબડ્ડીએ સમરીન બુરાન્ડકરનું જીવન બદલી નાંખ્યું અને તેને આર્થિક રીતે સ્વતંત્ર થવામાં મદદ કરી.

તેઓ કહે છે કે, "મારા પરિવારમાં કોઈ મારા જેટલું કોઈ કમાતું નથી."

સમીરને ઉમેર્યું કે, "હવે હું મોટા શહેરમાં રહું છું અને મારી રીતે જિંદગી જીવું છું. મારા સમુદાયમાં છોકરીઓ તેમની પસંદ મુજબ નથી જીવી શકતી. હું ફક્ત કબડ્ડીને કારણે જ અહીં પહોંચી છું,"

સિદ્ધિ સમરીનની ટીમમાં જ રમે છે. તેમની મિત્રતા કબડ્ડીમાંથી જન્મી છે. તેઓ વિવિધ સ્પર્ધાઓ માટે ભારતભરમાં ફર્યા છે, મેડલ અને ચૅમ્પિયનશિપ જીતી છે.

સિદ્ધિ કહે છે કે, "હું ફક્ત કબડ્ડી કારણે જ આ કરી શકી છું. નહીંતર તો મારાં લગ્ન થઈ ગયાં હોત અને હું અત્યારે મારા પતિના ઘરે વાસણ ધોતી હોત," પરંપરાગત ભાગ્યમાંથી બચી ગયાં હોય તેમ બંને હસી પડ્યાં.

ભારતમાં રમતગમતમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ ખેલાડીઓને જાહેર ક્ષેત્રમાં નોકરી પણ મળે છે. ભારતનાં વિવિધ રાજ્યો રમતગમતમાં ઉચ્ચ સિદ્ધિઓ માટે નોકરીઓ પણ ફાળવે છે.

જે ખેલાડીના સક્રિય રમતગમતનાં વર્ષો પૂરાં થઈ ગયાં પછી પણ આવકની ખાતરી છે.

ગામડામાં રહેતી ઘણી છોકરીઓ આવી નોકરીઓ મેળવીને નાણાકીય રીતે સ્વતંત્ર થવાનાં સ્વપ્ન સાથે રમતગમત ક્ષેત્રમાં આવે છે. આ ક્ષેત્ર તેમને માનસન્માન અને ઓળખ પણ આપે છે.

ક્લબના એક યુવાન કોચ વિલાસ બેન્દ્રેએ કહ્યું, "જ્યારે અમે સ્પૉર્ટસ ક્લબ ચાલુ કરી ત્યારે કોઈ પણ આ છોકરીઓને સહેજ પણ મહત્ત્વ આપતા નહીં. તેઓ હંમેશાં તેમનાં ઘરોમાં, સમાજમાં વેંત છેટાં જ રહ્યાં છે."

"પરંતુ અમને સમજાયું કે જ્યારે ગ્રામીણ છોકરીઓ રમતગમત દ્વારા તેમના જીવનમાં આગળ વધે છે, ત્યારે તેમના જીવનમાં નોંધપાત્ર ફેરફાર થાય છે. તેમની વાત કરવાની રીત, તેમની જીવનશૈલી, બધું જ બદલાઈ જાય છે."

માત્ર રમતગમત જ નહીં, કારકિર્દી અને શિક્ષણ માટેનું સોપાન બની ક્લબ

કબડ્ડી ટુર્નામેન્ટમાંથી મળતી ઇનામી રકમ ક્લબને ભંડોળ પૂરું પાડવામાં મદદ કરતી રહે છે.

ભલે બધી છોકરીઓ વ્યાવસાયિક રમતવીર ન બની શકી હોય. પરંતુ ક્લબની તાલીમ તેમને આત્મવિશ્વાસ આપે છે. તેમને યુનિવર્સિટીમાં જવા દેવા માટે પરિવારોને રાજી કરી શક્યા. અને વહેલા લગ્ન ટાળી શક્યા.

આખા સમુદાયમાં આ તાલીમ સ્વીકાર્ય બની છે. જ્યારે છોકરીઓ કસરત કરતી હોય છે ત્યારે તેઓ ધારી ધારીને જોઈ નથી રહેતા.

ક્લબને કોચ, સ્પર્ધાઓમાં ટીમે જીતેલા રોકડ પુરસ્કારો અને ક્યારેક દાન દ્વારા ભંડોળ મળે છે. મોટા ભાગની છોકરીઓ ગરીબ અને વંચિત પરિવારોની હોય છે અને તેમને આ ક્લબમાં કોઈ ફી ચૂકવવાની નથી હોતી.

તાલીમ ઉપરાંત ક્લબ ઉનાળામાં શાળામાં રહેણાક રમતગમત શિબિરોનું આયોજન કરે છે. તેમાં તેઓ તાલીમાર્થીઓને ઈંડાં, કેળાં અને દૂધ જેવો ખોરાક પણ આપે છે. અને ઘણી વાર ખેલાડીઓની ઈજાની સારવારનું બિલ પણ ચૂકવે છે.

કેટલાક લોકો કોચના હેતુ પણ પ્રશ્નો ઊભા કરે છે.

દાજી કહે છે કે, "લોકો ગોળગોળ રીતે કહે છે કે 'તમે છોકરાઓને કોચિંગ કેમ નથી આપતા?'" દાજી ઉમેરે છે કે, છોકરાઓ માટે પહેલેથી જ તકો ઉપલબ્ધ છે. છોકરીઓ આવી તકોથી વંચિત છે.

વિલાસ ઉમેરે છે, "અમે ફક્ત તેમના કોચ નથી. કેટલીક વાર અમે તેમના વાલી પણ બનીએ છીએ, તેમને માર્ગદર્શન આપીએ છીએ, શિસ્ત શીખવાડીએ છીએ તેમને યોગ્ય પસંદગી કરવામાં મદદ કરીએ છીએ."

અને મીના આ કિંમતી તક પાછળ રહેલી સંભાવનાઓને જાણે છે.

મીના મેડલ, ચૅમ્પિયનશિપ અને સામાન્ય ગામડાની છોકરીના જીવનને પાછળ છોડી સ્વપ્ન જોવાની હિંમત કરતા કહે છે, "હું કબડ્ડીની શ્રેષ્ઠ રેડર બનવા માગું છું અને ભારતની ટીમની કેપ્ટન બનવા માગું છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.