You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 : પાંચ નૉમિની ખેલાડી કોણ છે?
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના પાંચમા સંસ્કરણ માટે નામાંકન થયેલાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.
આ પાંચ દાવેદારોમાં ગોલ્ફર અદિતિ અશોક, શૂટર મનુ ભાકર અને અવનિ લેખરા, ક્રિકેટર સ્મૃતિ મંધાના અને કુસ્તીબાજ વીનેશ ફોગાટનો સમાવેશ થાય છે.
આ ઍવૉર્ડ 2024ના વર્ષમાં ભારતીય મહિલા ખેલાડીઓના યોગદાનનું સન્માન કરે છે અને રમતગમતમાં સામેલ દેશની તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.
તમે બીબીસીની કોઈ પણ ભારતીય ભાષાની વેબસાઇટ અથવા બીબીસી સ્પૉર્ટ વેબસાઇટ પર ભારતીય મહિલા ખેલાડીઓ માટે મતદાન કરી શકો છો.
બીબીસી દ્વારા પસંદ કરાયેલી પૅનલે પાંચ ભારતીય ખેલાડીઓને શૉર્ટલિસ્ટ કર્યાં છે. આ જ્યૂરીમાં ભારતના કેટલાક સૌથી વરિષ્ઠ રમત પત્રકારો, નિષ્ણાતો અને લેખકોનો સમાવેશ થાય છે.
સૌથી વધુ મત મેળવનાર ખેલાડીને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર જાહેર કરાશે. જેનાં પરિણામો બીબીસી ઇન્ડિયન લેંગ્વેજ સાઇટ્સ અને બીબીસી સ્પૉર્ટ વેબસાઇટ પર પ્રસિદ્ધ થશે.
મતદાન શુક્રવાર, 31 જાન્યુઆરી સુધી ભારતીય સમયાનુસાર, રાતે 11.30 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે અને વિજેતાની જાહેરાત સોમવાર, 17 ફેબ્રુઆરી 2025ના રોજ દિલ્હીમાં એક સમારોહમાં કરવામાં આવશે. બધા નિયમો, શરતો અને ગોપનીયતા સૂચના વેબસાઇટ પર છે.
આ સમારોહમાં BBC જ્યૂરી દ્વારા નામાંકિત ત્રણ અન્ય મહિલા ખેલાડીઓનું પણ સન્માન કરાશે. જેમાં યુવા ખેલાડીની સિદ્ધિઓ માટે BBC ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ આપવામાં આવશે. રમતગમતમાં તેમના અપ્રતિમ યોગદાન માટે અનુભવી ખેલાડી માટે BBC લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ આપવામાં આવશે. પૅરા-સ્પૉર્ટ્સમાં શ્રેષ્ઠ દેખાવ માટે BBC પૅરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનો ઍવૉર્ડ પણ અપાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍવૉર્ડ સમારોહ ઉપરાંત ચૅમ્પિયન્સ ચૅમ્પિયન્સની થીમ પર એક ખાસ ડૉક્યુમેન્ટરી અને સ્ટોરી પણ રજૂ કરાશે. જે ખેલાડીઓને ચૅમ્પિયન બનાવવા પાછળ રહેલી વ્યક્તિઓના યોગદાનને ઉજાગર કરે છે.
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડની સ્થાપના 2019માં કરાઈ હતી. હવે આ ઍવૉર્ડ તેના પાંચમા વર્ષમાં ભારતમાં મહિલા ખેલાડીઓની સિદ્ધિઓનું સન્માન કરવા અને ઉજવણી કરવા જઈ રહ્યું છે.
નામાંકિત મહિલા ખેલાડીઓને મળો
અદિતિ અશોક (ગોલ્ફર)
26 વર્ષીય અદિતિ સતત ત્રણ ઑલિમ્પિક રમતો માટે ક્વૉલિફાય થનારી પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર છે. 18 વર્ષની ઉંમરે તેઓ ઑલિમ્પિકમાં પહોંચનારાં સૌથી નાનાં ગોલ્ફર હતાં (રિયો, 2016). ટોક્યો 2020માં તેઓ ચોથા સ્થાને રહ્યાં હતાં. મેડલથી માત્ર એક સ્થાન પાછળ. તેમનું પ્રર્દશન ગોલ્ફમાં ભારતનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.
અદિતિએ 2023 એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પરંતુ 2024માં ત્રીજા ઑલિમ્પિકમાં તેઓ મેડલથી દૂર રહ્યાં હતાં.
અદિતિ અત્યાર સુધીમાં પાંચ વિજય સાથે લેડીઝ યુરોપિયન ટૂર (LET) જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. તેઓ લેડીઝ પ્રોફેશનલ ગોલ્ફ ટૂરનાં નિયમિત ખેલાડી છે.
અદિતિને ભારતનું સર્વોચ્ચ રમત સન્માન અર્જુન ઍવૉર્ડ મળી ચૂક્યો છે.
મનુ ભાકર (શૂટર)
22 વર્ષીય મનુ ભાકર એક જ ઑલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. તેમણે 2024 ઑલિમ્પિકમાં ઍર પિસ્તોલ શૂટિંગમાં બે બ્રૉન્ઝ મેડલ જીત્યા હતા.
2020 ઑલિમ્પિકમાં તેમની પિસ્તોલ ખરાબ થઈ જવાના કારણે તેઓ મેડલ ચૂકી ગયાં હતાં. ત્યાર બાદ તેમણે 2024 પેરિસ ઑલિમ્પિક માટે તાલીમ લેવા તેમના લાંબા સમયના કોચ જસપાલ રાણા સાથે મળી તૈયારી કરી હતી.
2018માં મનુ શૂટિંગ વર્લ્ડકપમાં ગોલ્ડ જીતનાર સૌથી નાની ઉંમરની ભારતીય ખેલાડી બન્યાં હતાં. ત્યારે તેઓ માત્ર 16 વર્ષનાં હતાં.
મનુએ વર્ષોથી વર્લ્ડકપ અને વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ઘણા મેડલ જીત્યા છે. તેમને ભારતના સર્વોચ્ચ રમત-ગમત સન્માન એવા ખેલરત્નથી નવાજવામાં આવ્યાં છે.
અવનિ લેખરા (શૂટર)
23 વર્ષીય અવનિ લેખરા ત્રણ પૅરાલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. 2020 ટોક્યો પૅરાલિમ્પિક્સમાં એક ગોલ્ડ અને એક બ્રૉન્ઝ મેડલ જીત્યા બાદ તેમણે 2024માં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
2015માં તેમની શાળામાં ઉનાળુ વેકેશનમાં અવનીને રમત તરીકે શૂટિંગની જાણકારી મળી હતી.
તેમનો શોખ એક જુસ્સો બની ગયો અને તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને ક્ષેત્રે સ્પર્ધાઓ જીતવાનું શરૂ કરી દીધું.
છેલ્લાં 12 વર્ષમાં અવનીએ ત્રણ વર્લ્ડકપમાં ભાગ લીધો. જેમાં તેમણે ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ જીત્યા. તેમણે 2022ની એશિયન પૅરા ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નોંધપાત્ર સિદ્ધિઓ માટે અવનીને નાગરિક સન્માન પદ્મશ્રી અને સર્વોચ્ચ રમત સન્માન ખેલરત્નથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
સ્મૃતિ મંધાના (ક્રિકેટર)
સ્મૃતિ મંધાનાને મહિલા ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટરોમાંની એક માનવામાં આવે છે.
2024માં સ્મૃતિએ રેકૉર્ડ 1659 રન બનાવ્યા જે એક કૅલેન્ડર વર્ષમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ છે. આમાં ચાર વનડે સદીનો સમાવેશ થાય છે, જે પણ મહિલા ક્રિકેટરમાં માટે સૌથી વધુ છે.
તેઓ 2024 મહિલા પ્રીમિયર લીગ જીતનારી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમનાં કપ્તાન હતાં.
સ્મૃતિ 2022 અને 2018માં ICC મહિલા ક્રિકેટર ઍવૉર્ડ વિજેતા બન્યાં હતાં. ઑસ્ટ્રેલિયાનાં એલિસ પેરી પછી બે વાર આ ઍવૉર્ડ જીતનારી તેઓ બીજી ક્રિકેટર છે.
તેઓ 2020માં ટી-20 વર્લ્ડકપ અને 2017માં વનડે વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચેલાં ભારતીય ટીમમાં સામેલ ખેલાડી હતાં. સ્મૃતિને ભારતના સર્વોચ્ચ રમત સન્માનમાંનો એક અર્જુન ઍવૉર્ડ મળી ચૂક્યો છે.
વીનેશ ફોગાટ (કુસ્તીબાજ)
કુસ્તીબાજ વીનેશ ફોગાટે ત્રણ વાર ઑલિમ્પિકમાં ભાગ લીધો છે અને તેમણે ભારત માટે ઘણા મેડલો જીત્યા છે.
પેરિસ 2024 ઑલિમ્પિક ફાઇનલમાં પહોંચનારાં તેઓ પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બન્યાં હતાં. પરંતુ વજન ઘટાડવામાં નિષ્ફળ જવાને કારણે તેમને ફાઇનલમાં ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હતાં.
વીનેશે 2019 અને 2022માં વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં બ્રૉન્ઝ જીત્યો હતો. તેમણે એશિયન ગેમ્સમાં એક ગોલ્ડ અને એક બ્રૉન્ઝ અને કૉમનવેલ્થ ગેમ્સમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ચીફ બ્રિજભૂષણ શરણસિંહ સામેના વિરોધ કરનારાઓમાં તેઓ પણ સામેલ હતાં. બ્રિજભૂષણ પર મહિલા કુસ્તીબાજોનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. સિંહે તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
2024માં વીનેશ કૉંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડીને હરિયાણામાં ધારાસભ્ય બન્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન