કોનેરુ હમ્પીએ વર્લ્ડ રૅપિડ ચેસ ચૅમ્પિયનશિપ જીતી, બીજી વાર ખિતાબ મેળવ્યો

ભારતનાં કોનેરુ હમ્પીએ વર્લ્ડ રૅપિડ ચેસ ચૅમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. તેમણે આ ખિતાબ બીજી વાર જીત્યો છે.

કોનેરુ હમ્પીએ રવિવારે ઇન્ડોનેશિયાનાં ઇરીન સુકંદરને હરાવીને ખિતાબ પોતાના નામે કર્યો છે.

કોનેરુ હમ્પીએ આ અગાઉ વર્ષ 2019માં જ્યૉર્જિયામાં આ ખિતાબ જીત્યો હતો. આ સિવાય ચીનનાં જૂ વેનજૂને પણ એકથી વધુ વાર આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

ભારતનાં 37 વર્ષીય કોનેરુ હમ્પીએ 8.5 અંક સાથે આ સિદ્ધિ મેળવી છે. પુરુષ વર્ગમાં રશિયાના 18 વર્ષીય વોલોદાર મુર્જિને આ ખિતાબ જીત્યો છે.

થોડા દિવસ પહેલાં ભારતના ડી. ગુકેશે ચીનના ડિંગ લીરેનને હરાવીને સિંગાપોર ખાતે વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતી હતી. હવે કોનેરુની જીત સાથે ચેસક્ષેત્રે ભારતના ખાતામાં વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે.

કોનેરુ હમ્પીએ વર્ષ 2021માં બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ (BBC ISWOTY)ના બીજા સંસ્કરણનાં વિજેતા પણ રહી ચૂક્યાં છે.

નોંઘનીય છે કે તેમને દર્શકો દ્વારા સૌથી વધુ મત મળ્યા બાદ આ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

આ માટેની વર્ચ્યુઅલ ઍવૉર્ડ સેરેમનીનું આયોજન નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે થયું હતું.

બીબીસી ઇન્ડિયન સ્પૉટ્સવુમન ઑફ ધ યરનાં વિજેતા

ઍવૉર્ડ જીત્યા બાદ હાલનાં વીમેન્સ વર્લ્ડ રૅપિડ ચેસ ચૅમ્પિયન અને 2020 ક્રૅઇન કપનાં વિજેતા હમ્પીએ કહ્યું હતું, "આ ઍવૉર્ડ ઘણો મૂલ્યવાન છે. માત્ર મારા માટે જ નહીં, પણ સંપૂર્ણ ચેસની બિરાદરી માટે. એક ઇનડોર ગેઇમ હોવાના કારણે ચેસને ભારતમાં ક્રિકેટ જેવી રમતો જેટલું મહત્ત્વ નથી મળતું. પણ આ ઍવૉર્ડ થકી મને આશા છે કે લોકોનું ધ્યાન ખેંચાશે."

બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનાં વિજેતા કોનેરુ હમ્પીએ પોતાની સફળતા અંગે વાત કરતાં આગળ કહ્યું, "મને લાગે છે કે મારી ઇચ્છાશક્તિ અને આત્મવિશ્વાસ થકી હું ઉંમર પર વિજય મેળવી શકી. એક મહિલા ખેલાડીએ ક્યારેય રમત છોડવાનું વિચારવું ન જોઈએ. લગ્ન અને માતૃત્વ એ આપણા જીવનના માત્ર ભાગ છે, તેનાથી જીવનનો પ્રવાહ ના બદલાવો જોઈએ."

પિતાએ નાની ઉંમરથી ચેસ શીખવી

દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશમાં જન્મેલાં કોનેરુને તેમના પિતાએ નાની ઉંમરમાં ચેસની રમત શીખવી હતી. 2002માં તેમણે 15 વર્ષથી પણ ઓછી વયે સૌથી નાની ઉંમરના ગ્રાન્ડ માસ્ટર બનીને નામના મેળવી હતી.

કોનેરુ બે વર્ષની પ્રસૂતિની રજાઓ બાદ ગેઇમમાં પરત ફર્યાં હતાં અને 2019માં વુમન રૅપિડ વર્લ્ડ ચૅમ્પિયનનું ટાઇટલ જીત્યું હતું.

પુનરાગમન પછી તેમની જીતનો સિલસિલો ચાલુ રહ્યો છે અને તેમણે 2020માં કૈર્નસ કપમાં જીત મેળવી.

ભારતનો સર્વોચ્ચ સ્પૉર્ટ્સ પુરસ્કાર અર્જુન ઍવૉર્ડ 2003 તેમને મળ્યો હતો પછી તેમને ભારતનું ચોથું સૌથી ઉચ્ચ નાગરિક સમ્માન પદ્મશ્રી 2007માં આપવામાં આવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.